ચાઇનીઝ ઍપ બૅન : મોબાઇલ ઍપ્સથી તમારી સુરક્ષા પર ખતરો કેમ?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

તમે તમારા મોબાઇલ ફોનમાં ટૉર્ચની ઍપ જ ઇન્સ્ટૉલ કેમ ન કરી હોય, તેના દ્વારા ફોનમાં રહેલી તમામ માહિતી બીજા દેશમાં સ્થિત તેના સર્વરમાં જઈ શકે.

જાણકારોનું માનીએ તો આવું કોઈ પણ ઍપ પર થઈ શકે છે. ભારત સરકારે 59 ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેને ચીન અથવા ચીનની કંપની દ્વારા ચલાવવામાં આવી રહી હતી.

સરકારનું કહેવું છે કે આ ઍપ રાષ્ટ્રીય સુરક્ષા માટે અસુરક્ષિત છે.

આ અંગે ગૃહમંત્રાલય હેઠળ કામ કરતા ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઑર્ડિનેશન સેન્ટરે સરકારને વિસ્તારથી રિપોર્ટ મોકલ્યો હતો.

આ પહેલાં પણ આ વિભાગ વિવિધ ઍપને લઈને સમયાંતરે સરકારને ચેતવતો રહ્યો છે.

સંસદમાં વિવિધ પક્ષોના સભ્યોએ પણ સરકારનું ધ્યાન અનેક વખત આ તરફ આકર્ષિત કર્યું અને કહ્યું કે જો સરકાર આના પર કાર્યવાહી નહીં કરે તો રાષ્ટ્રીય સુરક્ષા જોખમાશે.

તૃણમૂલ કૉંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રા અનુસાર અનેક પક્ષો જેમ કે શશિ થરૂર, બીજુ જનતા દળના પિનાકી મિસ્ર અને ભાજપના તેજસ્વી સૂર્યા આ મુદ્દાને સંસદમાં ઉઠાવતા રહ્યા છે.

સરકારે ટિકટૉક સહિત 59 ઍપ પર પ્રતિબંધ લાદ્યો છે.

ડેટાની ચોરી

ત્યારે સરકારનું કહેવું છે કે ગૃહમંત્રાલયને પણ અનેક આવેદનપત્રો મળ્યાં છે, જેમાં ઍપના ઉપયોગ દરમિયાન લોકોની પ્રાઇવસી જોખમાતી હોવાનો અથવા ડેટાની ચોરી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

કૉંગ્રેસના સંસદસભ્ય શશી થરૂરનું કહેવું છે કે તેઓ પણ સંસદમાં અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે કે કેવી રીતે ચીન ભારતીય કસ્ટમરના ડેટાને ચોરી રહ્યું છે અને આનાથી નફો પણ કરી રહ્યું છે.

તેમનું કહેવું છે કે તેઓ ગૃહમંત્રાલયને જણાવશે કે આ અંગે સંસદની ઇન્ફર્મેશન ટેકનૉલૉજી સાથે જોડાયેલી સ્ટેન્ડિંગ કમિટીને વિસ્તારથી જાણકારી આપવામાં આવે.

સાથે જ એ પણ કહેવામાં આવે કે એવી કંઈ ઍપ્લિકેશન છે જેનો ઉપયોગ સુરક્ષિત રીતે કરી શકાય છે.

મુક્તેશ ચંદર દિલ્હી પોલીસના વિશેષ અધિકારી છે અને સાઇબર ક્રાઇમ નિષ્ણાત પણ છે.

તેમણે કહ્યું કે ઍપ માત્ર વાતચીત માટે બનાવવામાં આવે છે, પરંતુ તે ફોનમાં હાજર તમામ જાણકારીઓને એ સર્વર પર મોકલે છે, જે દેશમાંથી તેનું સંચાલન કરવામાં આવતું હોય.

બૅન્કના પાસવર્ડ અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતીને ખતરો

સવાલ ઊભો થાય છે કે દસ્તાવેજોને સ્કૅન કરતી ઍપ્લિકેશન ખતરારૂપ કેવી રીતે હોઈ શકે છે?

આ અંગે તેઓ કહે છે કે જો કોઈ પોતાની રજાની અરજી અથવા કોઈ બાળકના પુસ્તકનું પાનું સ્કૅન કરે તો તેની એક કૉપી સર્વરમાં એમની એમ ચાલી જાય છે.

મુક્તેશ ચંદર કહે છે કે જેમ કોઈ દસ્તાવેજને સ્કૅન કરો કે તરત (ઉદાહરણ તરીકે નાણામંત્રાલયનો કોઈ દસ્તાવેજ લઈએ, જેમાં આગામી નાણાકીય વર્ષમાં દેશની કંઈ વસ્તુઓ પર વધારે જોર અપાશે એની માહિતી છે) તેની એક કૉપી તે દેશને પણ મળી જાય છે, જ્યાં તેનું સર્વર છે.

તેઓ કહે છે કે આ રાષ્ટ્રીય સુરક્ષાની બાબત છે.

શશી થરૂરનું કહેવું છે કે તેઓ આ બાબતોને સંસદમાં અનેક વખત ઉઠાવી ચૂક્યા છે.

તેઓ એમ પણ કહે છે કે અનેક ઍપ્સ એવી પણ છે, જે એમ કહી શકે છે કે તમે તમારા કિપેડ પર શું ટાઇપ કર્યું છે.

ભલે તે સમયે તમે કોઈ બીજી વેબસાઇટ અથવા ઍપ પર કામ કરી રહ્યા હોવ. આ જ કારણે બૅન્કોના પાસવર્ડ અને બીજી મહત્ત્વપૂર્ણ જાણકારી એકઠી કરી શકાય છે.

ખાનગી માહિતી વેચવાનો વેપાર

એક અન્ય સાઇબરસુરક્ષાના વિશેષજ્ઞ રક્ષિત ટંડન ઇન્ટરનેટ મોબાઇલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના સાઇબર સંલગ્ન બાબતોના સલાહકાર પણ છે.

તેઓ કહે છે કે ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં મદ્રાસ હાઈકોર્ટે ટિકટૉક પર પ્રતિબંધ લગાવ્યો હતો.

આ ઍપ પર ચાઇલ્ડ પૉર્નોગ્રાફીના આરોપ હતા, તેઓ કહે છે કે ડેટા-માઇનિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મોટો વેપાર છે. જે ઍપ અને વેબસાઇટના માધ્યમમથી ચાલે છે.

આ વેપાર લોકો સંબંધિત ખાનગી માહિતી વેચવાનો વેપાર છે.

ટંડન કહે છે કે તમે પોતાના મોબાઇલ ફોનથી જો દરેક સોમવારે દવા મંગાવો છો, અથવા દરેક શુક્રવારે બહારથી ઑનલાઇન ખાવાનો ઑર્ડર કરો છો અથવા ઘરેથી રોજબરોજનો સામાન મંગાવે છો, તો આ જાણકારીનું પ્રોફાઇલિંગ થાય છે.

રક્ષિત ટંડન કહે છે, “હવે તમારા મોબાઇલ પર થઈ રહેલાં આ પ્રકારના કામ કોઈનાથી છુપાયેલાં નથી."

"હવે જાણકારી વેચવામાં આવી રહી છે અને તમે જોશો કે સોમવારે જ દવાની કંપનીઓના મૅસેજ તમારી પાસે આવવા લાગશે. જે તમને મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટનો લાભ આપતા હશે."

”આ જ પ્રકારે શુક્રવારે તમારી પાસે ઑનલાઇન ખાવાની ડિલિવરી કરવાની ઑફર આવશે. આ તમામ માહિતીનું બજાર છે. આની કિંમત પણ છે અને સારી કિંમત છે.”

એવું નથી કે માત્ર ભારત જ એવો દેશ છે જ્યાં કોઈ દેશની ઍપ પર પ્રતિબંધ લાગ્યો છે. ચીન પણ એવું કરી શકે છે.

તમામ દેશ, ખાસ કરીને વિકસિત અને પછી વિકાસશીલ દેશ પોતાની સૂચનાઓ માટે અનેક ઍપ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.

હાલમાં જ ઑસ્ટ્રેલિયામાં પણ એવું જ કરવામાં આવ્યું. તેમની સેનાએ ચીન સંચાલિત વી-ચૅટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો