ઍટલાસ સાઇકલ કંપનીને તાળું લાગતાં કર્મચારીઓને હેરાનગતિ

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

બલવીર સિંહ 30 વર્ષથી ઍટલાસ સાઇકલની ફૅક્ટરીમાં કામ કરે છે. તેમનું કામ સાઇકલની આગળના ભાગમાં કાર્ડ-બોર્ડ ફિટ કરવાનું છે. અનેક સાઇકલોને તેમણે પોતાના હાથે બનાવી છે, પરંતુ હવે તેઓ આ કામ નહીં કરી શકે, કારણ કે ઍટલાસ સાઇકલની ઉત્તર પ્રદેશના સાહિબાબાદસ્થિત ફૅક્ટરીમાં કામને અટકાવી દેવામાં આવ્યું છે.

પોતાની સ્થિતિ વિશે જણાવતા બલવીર સિંહ રોઈ પડે છે.

તેઓ કહે છે કે "હું 30 વર્ષથી આ ફૅક્ટરીમાં કામ કરી રહ્યો છું. આ તો અમારો પરિવાર હતો, પરંતુ અચાનક કામ રોકી દેવામાં આવ્યું. મારાં ત્રણ બાળકો છે. દીકરીનું ત્રણ વખત ઑપરેશન થયું છે. હું ઘરમાં એકલો કમાનાર છું. હું બાળકોના ભણતર અને લગ્નનો ખર્ચ ક્યાંથી લાવીશ."

છેલ્લા યુનિટમાં પણ કામ બંધ

સાહિદાબાદમાં ઍટલાસ કંપનીનું છેલ્લું યુનિટ હતું જેને આર્થિક સંકટના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. આની સાથે જ ઍટલાસ સાઇકલનું ઉત્પાદન પણ સંપૂર્ણ રોકી દેવામાં આવ્યું છે.

સાથે જ અહીં કામ કરનાર 1000 કર્મચારીઓનાં જીવન પણ થંભી ગયાં છે. ત્રણ જૂનનો દિવસ તેમના નિઃસહાય કરી ગયો.

બલવીર સિંહ કહે છે, "અમે ઘણા ખુશ હતા કે લૉકડાઉન પછી એક જૂને ફૅક્ટરીમાં કામ ફરીથી શરૂ થઈ રહ્યું છે. બે દિવસ અમે કામ પર પણ ગયા, પરંતુ ત્રણ જૂને પહોંચ્યા તો જોયું કે કંપનીએ બહાર કામ બંધ થયાની નોટિસ લગાવી હતી. અમારા તો હોશ જ ઊડી ગયા. અમને અંદાજ પણ ન હતો કે આવું થવાનું છે. કંપનીએ લખ્યું કે તેની પાસે પૈસા નથી માટે હાલ ફૅક્ટરીને ચલાવી શકાય તેમ નથી. અમારે બધાએ નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું."

નોટિસમાં શું લખ્યું છે?

ફૅક્ટરીની બહાર બે જૂને એક નોટિસ લગાવવામાં આવી હતી.

નોટિસમાં લખવામાં આવ્યું હતું કે "જેમ કે તમામ કામદારો જાણે છે કે કંપની છેલ્લાં અનેક વર્ષોથી ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. કંપની પાસે જે ફંડ હતું તે તમામ ખર્ચી નાખ્યું છે અને સ્થિતિ એવી છે કે આવકનો અન્ય કોઈ સ્ત્રોત બચ્યો નથી."

સંચાલકો જ્યાં સુધી પૈસાની વ્યવસ્થા નથી કરતા ત્યાં સુધી કાચા માલની ખરીદી માટે પણ તે અસમર્થ છે. એવામાં સંચાલકો ફૅક્ટરી ચલાવવાની સ્થિતિમાં નથી.

આ સ્થિતિ ત્યાં સુધી બની રહેવાની સંભાવના છે જ્યાં સુધી સંચાલકો પૈસાની વ્યવસ્થા ન કરી લે.

હાલ તમામ કામદારોને 03.06.20થી લે-ઑફ (ઘરે બેસવું) જાહેર કરવામાં આવ્યા છે. લે-ઑફના સમયગાળામાં કર્મચારીઓએ ફૅક્ટરીના ગેટ પાસે નિયમ પ્રમાણે પોતાની હાજરી પૂરાવવી પડશે.

પરંતુ ફૅક્ટરીના કામદારો માટે આ નોટિસ કોઈ ખરાબ સપનાથી પણ ઓછી નહોતી. અહીં વર્ષો કામ કરતા લોકોની ઉંમર 50-55 વર્ષ થઈ ગઈ છે. હવે નવું કામ શોધવું પણ તેમના માટે પડકાર બની ગયો છે.

અહીં 30 વર્ષથી કામ કરી રહેલા પી.એન. પાંડે કહે છે કે "હવે આ ઉંમરે અમારે નવી નોકરી શોધવી પડશે. આજે કામ રોક્યું છે, કાલે ફૅક્ટરી બંધ કરી દેશે. અમે ક્યાં જઈશું."

"200-300 રૂપિયાથી અહીં કામ શરૂ કર્યું હતું. આજે 10-12 હજાર રૂપિયા કમાઈએ છીએ. અહીં દિવસ-રાત કામ કર્યું હતું. રજાઓના દિવસોમાં પણ કામ કર્યું. આજે અચાનક બધું ખતમ કરી નાખ્યું."

પી.એન. પાંડે માલચેકિંગનું કામ કરતા હતા. તેઓ પત્ની અને બે બાળકો સાથે ગાઝિયાબાદમાં ભાડે રહે છે.

તેઓ કહે છે કે મકાનમાલિક તો ભાડું માગશે જ, બાળકોના ભણવાનો ખર્ચ પણ છે. આ ઉંમરે ક્યાં જઈએ નોકરી કરવા માગવા માટે.

કર્મચારીઓને પડી રહેલી મુશ્કેલી

અચાનકથી કર્મચારીઓને લે-ઑફ પર મોકલતા કંપની અને કામદારોની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે.

કામદારોનું કહેવું છે કે કંપનીના કામદારોને પહેલાં સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. સાથે જ લે-ઑફમાં મોકલવાથી તેમનું ભવિષ્ય હવામાં લટકી ગયું છે.

સાઇકલ કર્મચારી યુનિયનના મહાસચિવ મહેશ કુમાર કહે છે "કંપનીએ પહેલાં અમને આ અંગે જાણકારી આપવી જોઈતી હતી. અમે નોકરી પર છીએ કે નહીં તેનો અમને પણ ખ્યાલ નથી. એટલા માટે અમે શ્રમકમિશનર અને શ્રમમંત્રીને ચિઠ્ઠી લખીને આની ફરિયાદ કરી હતી."

"અમારું કહેવું છે કે 1000 કામદારોની રોજગારી બચાવાય. માલિકને પણ પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ તેમણે તે રિસીવ નથી કર્યો. એટલા માટે અમે ઑફિસની બહાર પણ પત્ર ચોંટાડી દીધો છે. કેટલાક મહિના પહેલાં હંગામી મજૂરોને કાઢી નાખવામાં આવ્યા અને હવે અમને લે-ઑફમાં નાખી દેવામાં આવ્યા છે."

"અમારી માગ છે કે લે-ઑફ દરમિયાન અમને પૂરો પગાર આપવામાં આવે. જો તેમને ફૅક્ટરી નથી ચલાવી તો અમારો સંપૂર્ણ હિસાબ કરીને અમને આપવામાં આવે, પરંતુ આ બધાની વચ્ચે ફસાવીને ન રાખો."

લૉકડાઉન દરમિયાન કંપનીએ માર્ચ અને એપ્રિલનો પગાર આપ્યો છે, પરંતુ હાલ કારીગરોનું કહેવું છે કે મે મહિનાનો પગાર મળ્યો નથી.

કર્મચારી યુનિયનની ફરિયાદ પછી પાંચ જૂને ઉપશ્રમ આયુક્ત ગાઝિયાબાદના કાર્યાલયમાં યુનિયન અને કંપનીના પ્રતિનિધિઓની મિંટિંગ બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં કંપનીએ કહ્યું કે તે ફૅક્ટરી ફરીથી શરૂ કરવા ઇચ્છુક છે.

આ બેઠકના પરિણામને લઈને ગાઝિયાબાદ ઉપશ્રમકમિશનર રાજેશ મિશ્રાએ કહ્યું "કંપનીનું કહેવું છે કે ફૅક્ટરી હાલ બંધ થઈ ગઈ છે. હાલ ઉત્પાદન કરવામાં આવી રહ્યું નથી, પરંતુ જ્યાં સુધી સ્થગિત રહેશે ત્યાં સુધી કામદારોને 50 ટકા વેતન આપીશું."

"તેમણે કહ્યું કે કંપની એવા પ્રયત્નો કરી રહી છે કે તેને ક્યાંક બીજી જગ્યાએથી ફંડ મળી જાય તો ફૅક્ટરી શરૂ કરશે. અમે મજૂરોના અધિકારોનું સંપૂર્ણ ધ્યાન રાખીશું."

શું કહે છે કંપની?

આ આખી ઘટનાને લઈને ઍટલાસ કંપનીના સીઈઓ એન.પી. સિંહ રાણાએ બીબીસી સાથે કંપનીનો પક્ષ મૂક્યો હતો.

તેમણે કહ્યું કે "કંપની ફૅક્ટરી બંધ કરવા ઇચ્છતી નથી, પરંતુ આર્થિક નુકસાનના કારણે હાલમાં કામ શરૂ કરી શકતી નથી. માટે તે પહેલા ફંડ એકઠું કરવા માગે છે. આ ફંડ સોનીપતની એક સંપત્તિને વેચીને ભેગું કરવામાં આવશે, જેનો ઉપયોગ સાહીબાબાદમાં ઉત્પાદન માટે થશે."

એન.પી. સિંહે કહ્યું કે "સોનીપતની સંપત્તિ વેચવા માટે અમે નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલમાં પરવાનગી માટે આવેદનપત્ર મોકલ્યું છે. આની સુનાવણી 18 જૂને થશે. આ પછી જે પણ નિર્ણય આવશે તે કર્મચારીઓને કહેવામાં આવશે."

"તેમજ 23 જૂને એક મિટિંગ રાખવામાં આવી છે. અમે આશ્વાસન આપીએ છીએ કે કંપની ફૅક્ટરી બંધ કરવા માગતી નથી. સાથે જ લે-ઑફના સમયગાળા દરમિયાન કંપનીના 432 કારીગરોને અડધો પગાર આપવામાં આવશે. અમારી અને તેમની વચ્ચે કોઈ વિવાદ નથી."

જોકે મહેશ કુમાર આ વાતથી સંતુષ્ટ નથી. તેઓ કહે છે કે "જો કંપનીને જમીન વેચવી હતી તો પહેલાં કેમ ન વેચી. ફૅક્ટરી બંધ થવાની રાહ કેમ જોઈ. જે જમીન અત્યાર સુધી વેચી નહીં એને પછી શું વેચશે? પછી આ જમીન પર પારિવારિક વિવાદ પણ ચાલી રહ્યો છે. આ બધા વિવાદને ઠંડો પાડવાના પ્રયાસો છે."

મહેશ કુમાર અડધો પગાર પણ કારીગરો માટે ઓછો ગણાવે છે.

તેમનું કહેવું છે કે "10-12 હજારનો પગાર મળતો હતો. હવે અડધા પૈસામાં ઘર કેવી રીતે ચાલશે. કરિયાણું અને ખર્ચ તો એટલો જ છે, પરંતુ પગાર અડધો થઈ ગયો છે. કંપની જે પણ નિર્ણય કરશે, કારીગર તો ભૂખે જ મરશે. એટલા માટે પૂરા પગારની માગ કરે છે."

આ સ્થિતિમાં કેવી રીતે પહોંચી ઍટલાસ?

1951માં શરૂ થયેલી ઍટલાસ એક સમયે સાઇકલનો સમાનાર્થી બની ગઈ હતી. લોકોની બાળપણની અઢળક યાદો તેની સાથે જોડાયેલી છે. પણ સાઇકલની દુનિયાનું મોટું નામ ધીમે-ધીમે ઝાંખું પડવા લાગ્યું.

કંપનીએ વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે તેની દર વર્ષે 40 લાખ સાઇકલના ઉત્પાદનની ક્ષમતા છે. તેમજ ભારતમાં જ નહીં પણ વિશ્વમાં કંપનીની વસ્તુઓ વેચાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત ભારતમાં કંપનીની ફૅક્ટરીઓ બંધ થઈ રહી છે. વર્ષ 2014માં મધ્ય પ્રદેશના માલનપુરની ફૅક્ટરી બંધ થઈ હતી.

એ પછી 2017માં હરિયાણાના સોનિપતમાં રહેલી ફૅક્ટરી બંધ કરી હતી. કંપનીને એ ફૅક્ટરીથી નુકસાન થતું હતું.

સાથે જ કંપનીનું નામ પણ ઍટલાસ સાઇકલ ઇન્ડસ્ટ્રીઝ (એસીઆઈએલ)થી બદલીને ઍટલાસ સાઇકલ (હરિયાણા) કરવામાં આવ્યું.

હવે કંપનીનું કહેવું છે કે તેમને સાહીબાબાદની ફૅક્ટરીમાં પણ નુકસાન થઈ રહ્યું છે.

સીઈઓ એન.પી. સિંહ રાણાએ કહ્યું, "નુકસાનની શરૂઆત નવેમ્બર 2019થી થવા લાગી હતી. પહેલાં ઉત્પાદન એકથી દોઢ લાખ સાઇકલનું થતું હતું, તે હવે માત્ર 15થી 20 હજાર સાઇકલ સુધી પહોંચી ગયું હતું. અમે લાંબા સમયથી ખોટમાં ચાલી રહ્યા છીએ. એ સમયે કંપની પર સવા સો કરોડનું દેવું પણ હતું, જેને અમારે ચૂકવવાનું હતું. જોકે અમારી પર બૅન્કનું કોઈ દેવું નથી."

બજાર પર એકસમયે એકહથ્થું રાજ કરનારી 70 વર્ષ જૂની કંપનીના પતનનું કારણ શું છે.

આ અંગે એનપી સિંહ કહે છે કે "કોઈ પણ વેપાર આવો સમય આવી શકે છે. પહેલાં તમે આગળ વધતા જાવ છો અને મોટા પ્રમાણમાં વિસ્તાર કરો છો. તમારી પાસે દરેક પ્રકારના સંસાધન હોય છે. પણ તેમ છતાં જ્યારે પતન શરૂ થાય છે ત્યારે સ્થિતિઓ સંભાળવી થોડી મુશ્કેલ બની જાય છે."

"અમારી સાથે એવું થયું કે પહેલાં એક એકમમાં મુશ્કેલીની શરૂઆત થઈ, જે બીજી જગ્યાએ વધતી ગઈ. અમે દરેક જગ્યાએથી બચવા માટે પ્રયત્નો કર્યા છે. અમારી પાસે એક વિકલ્પ છે જેનાથી અમે ફંડની ઘટને દૂર કરી શકીશું."

લે-ઑફમાં ફસાયેલા કારીગર

જોકે આ કેસમાં સ્વતંત્ર શ્રમસંશોધક અને ઍક્ટિવિસ્ટ રાખી સહગલ કેટલાક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવે છે.

તેમનું કહેવું છે કે "લે-ઑફથી કારીગરોનું ભવિષ્ય હવામાં લટકેલું છે. જો કંપની ચાલતી હોત તો હું ફંડ એકઠું કરવાની વાત પર ભરોસો કરતી. પરંતુ કામ બંધ કરીને અચાનક લે-ઑફ કરીને ફૅક્ટરી બંધ કરવાનો સંકેત આપ્યો છે."

"તો સંપત્તિ વેચવાની પરવાનગી મળી ગઈ છે તો લે-ઑફ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સંપત્તિ વેચીને તેનું ઉત્પાદન શરૂ ન થાય. સંપત્તિ ક્યાં સુધી વેચાશે એ કોઈ જાણતું નથી. એવામાં કામદારો માટે મુશ્કેલ સ્થિતિ છે."

સાથે જ રાખી સહગલ કહે છે કે મૅનેજમૅન્ટે લે-ઑફ પહેલાં કર્મચારીઓને સૂચના આપવી જોઈતી હતી. આ સંબંધમાં શ્રમકમિશનરને પણ પહેલા માહિતી અપાય છે.

જો કામદારોના કામકાજની સ્થિતિમાં બદલાવ થાય તો શ્રમકાયદાની કલમ-9એ હેઠળ તેમને જાણકારી આપવામાં આવે છે.

સાથે જ કર્મચારીઓની હાજરી પૂરાવીને તેમને બીજી જગ્યાએ કામ કરવાથી પણ રોકી રાખવામાં આવ્યા છે.

આ આખા કેસ પર શ્રમવિભાગે વિશેષ નજર રાખવી જોઈશે, જેથી કારીગરોના અધિકારનું હનન ન થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો