એ બહુરૂપી શિક્ષિકા જેમણે એક સાથે 25 સ્કૂલોમાં નોકરી કરી કરોડનો પગાર લીધો

અનામિકા શુક્લા

ઇમેજ સ્રોત, ASHOK SHARMA

ઇમેજ કૅપ્શન, અનામિકા શુક્લા
    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કથિત રીતે ગેરરીતિ કરીને 25 સ્કૂલમાં એક સાથે ભણાવનારા શિક્ષક અનામિકા શુક્લાની શનિવારે કાસગંજમાં ધરપકડ કરવામાં આવી છે.

અનામિકા શુક્લાને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી પરંતુ તેઓ નોટિસનો જવાબ આપવાની જગ્યાએ રાજીનામું આપવા આવતાં તેમની નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી.

પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક શિક્ષણ અધિકારી કાસગંજની ફરિયાદના આધારે કેસ નોંધી શિક્ષિકા અનામિકા શુક્લાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.

જોકે, એ હજુ સ્પષ્ટ નથી કે ધરપકડ કરાયેલી અનામિકા શુક્લા એ જ છે જેમણે ખરેખર આ ગોટાળો કર્યો છે અથવા પછી ગેરરીતિ કરનાર અનામિકા શુક્લા બીજું જ કોઈ છે.

કાસગંજના પ્રાથમિક શિક્ષણ અધિકારી અંજલિ અગ્રવાલે બીબીસીને કહ્યું, "આ કેસની જાણકારી મળ્યા પછી અમે અનામિકા શુકલા નામની આ શિક્ષિકાને નોટિસ આપી હતી. શનિવારે તેમણે એક વ્યક્તિના માધ્યમથી પોતાનું રાજીનામું મોકલાવ્યું હતું. અમે પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તે પોતે અમારી ઑફિસમાં આવ્યા છે. આ અંગે પોલીસને જાણકારી આપી અને પછી પોલીસે તેમની ધરપકડ કરી."

line

પત્રકારો અને પોલીસને અલગ અલગ નામ જણાવ્યું

અધિકારી અંજલી અગ્રવાલ

ઇમેજ સ્રોત, ASHOK SHARMA

ઇમેજ કૅપ્શન, અધિકારી અંજલી અગ્રવાલ

ધરપકડ પછી શિક્ષિકાએ ત્યાં હાજર પત્રકારોને પોતાનું નામ અનામિકા સિંહ કહ્યું અને પછી પોલીસને કંઈક અલગ નામ જણાવ્યું. જોકે હાલ તેમની તપાસ ચાલી રહી છે.

અનામિકા શુક્લા પર આરોપ છે કે તેમણે ગોટાળો કરીને આટલી જગ્યા પર એક સાથે નોકરી કરીને એક વર્ષમાં એક કરોડથી વધારે રૂપિયાનો પગાર લીધો છે.

ધરપકડ કરાયેલા અનામિકા શુકલા કાસગંજ જિલ્લાના કસ્તૂરબા વિદ્યાલય ફરીદપુરમાં વિજ્ઞાનનાં શિક્ષિકા તરીકે છેલ્લાં દોઢ વર્ષથી કામ કરી રહ્યાં છે.

શુક્રવારે પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી અંજલિ અગ્રવાલે તેમને પગારના ઉપાડને અટકાવતી નોટિસ મોકલી હતી. કસ્તૂરબા વિદ્યાલયોમાં શિક્ષકોની નિમણૂક કરાર આધારે થતી હોય છે અને દર મહિને ત્રીસ હજાર રૂપિયાનો પગાર મળે છે.

આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષકોનો ડેટાબેઝ તૈયાર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિભાગને અનામિકા શુકલાનું નામ 25 સ્કૂલની યાદીમાં મળ્યું હતું.

આ જાણકારી પછી વિભાગમાં અફરાતફરી મચી ગઈ અને તરત આ કેસની તપાસના આદેશ આપવામાં આવ્યા.

અનામિકા શુક્લાનાં નામના દસ્તાવેજોને આધારે અમેઠી, આંબેડકરનગર, રાયબરેલી, પ્રયાગરાજ, અલીગઢ સહિત એક સાથે 25 શાળાઓમાં તે શિક્ષિકાની નોકરી કરતાં ધ્યાને આવ્યાં.

અનામિકા શુક્લાને ગત 13 મહિનાઓમાં 25 કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં એક કરોડ રૂપિયાનું માનદ વેતન આપવામાં આવ્યું છે.

જોકે હાલ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ તમામ રૂપિયા એક જ બૅન્ક ખાતામાં ગયા છે અથવા પછી અલગ-અલગ ખાતામાં ચૂકવવામાં આવ્યા છે. હાલ તેની તપાસ ચાલી રહી છે.

બેઝિક શિક્ષણ વિભાગની કચેરી

ઇમેજ સ્રોત, ASHOK SHARMA

ઇમેજ કૅપ્શન, બેઝિક શિક્ષણ વિભાગની કચેરી

કાસગંજના બીએસએ અંજલિ અગ્રવાલ કહે છે, "પગાર તો તે આ જ વિદ્યાલયનો લઈ રહ્યા હતા. અન્ય જગ્યા પર આ નામથી કામ કરી રહેલા ટીચરનો પગાર તેમનાં ખાતામાં આવ્યો છે કે નહીં, તે જાણવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. એ પણ તપાસનો વિષય છે કે જે અનામિકા શુક્લાના દસ્તાવેજ પર 25 જગ્યાઓ પર લોકો નોકરી કરી રહ્યા છે અને પગાર લઈ રહ્યા છે. તે એજ છે કે પછી બીજા કોઈ. ઑનલાઇન ચકાસણી દરમિયાન જે ડૉક્યુમેન્ટ્સ મળ્યા છે તેમાં અને તેમના આધાર કાર્ડમાં એક જ નામ છે અને પિતાનું પણ નામ સરખું જ છે, દસ્તાવેજમાં જે ફોટો છે તે ખૂબ જ ધૂંધળો છે."

ધરપકડ પછી અનામિકા શુકલાએ પત્રકારોને કહ્યું કે તેમને નોકરી અપાવવામાં એક વ્યક્તિએ મદદ પણ કરી હતી જેને તેમને એક લાખ રૂપિયા પણ આપ્યા હતા.

કાસગંજના સ્થાનિક પત્રકાર અશોક શર્મા કહે છે કે એ વાત પણ સમજથી ઉપર છે કે જો તેઓ તે અનામિકા શુક્લા નથી જેમનું નામ કથિત ગોટાળામાં આવી રહ્યું છે તો, તેમને નોટિસનો જવાબ આપવાની જગ્યાએ રાજીનામું આપવાની શું જરૂર હતી?

જોકે પ્રાથમિક શિક્ષણ અધિકારીને વૉટ્સઍપ પર કોઈ અનામિકા શુક્લાનું રાજીનામુ શુક્રવારે રાયબરેલીમાં ઘણો ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ તેની આધિકારીક પુષ્ટિ થઈ નથી.

એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક શિક્ષણ વિભાગના કેટલાંક લોકોનો પણ આમાં હાથ હોઈ શકે છે કારણ કે કોઈ એક ટીચર એકલા પોતાના દમ પર આટલી મોટી ગેરરીતિ કરી શકે નહીં.

પ્રાથમિક શિક્ષણ મંત્રી સતીશ દ્વિવેદીએ કેસ દાખલ કરી અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. હવે અનામિકા શુક્લાની ધરપકડ અને તેમની પૂછપરછ પછી બીજી અનેક વાત સામે આવશે.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો