કોરોના વાઇરસ : લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોની હાલાકી મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત મુદ્દે ગુરુવારે વધુ એક વખત સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં શ્રમકિઓને રાહત મળે તે માટે અલગ-અલગ નિર્દેશ આપ્યા હતા.
બી.બી.સી. પ્રતિનિધિ સુચિત્રા મોહતીં જણાવે છે કે સર્વોચ્ચ અદાલતે શ્રમિકો માટે રાહત છાવણી, ભોજનપાણી અને નિઃશુલ્ક ટિકિટ (બસ કે ટ્રેન) આપવા સંદર્ભે નિર્દેશ આપ્યા હતા.
સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ રજૂ કર્યો હતો. દિલ્હી શ્રમિક સંગઠન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ હેઠળ રાષ્ટ્રીય યોજના ઘડવાની જરૂર છે. તેમણે હિંદી નહીં જાણતાં શ્રમિકોનો મુદ્દો પણ રજૂ કર્યો હતો.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમ. આર. શાહની ખંડપીઠે આ સુનાવણી હાથ ધરી હતી.
બુધવારે સર્વોચ્ચ અદાલતે મફતમાં જમીન મેળવતી ખાનગી હૉસ્પિટલો નિઃશુલ્ક કે સસ્તાદરે સારવાર આપે તે અંગે કેન્દ્ર સરકારે નોટિસ કાઢી છે.

શું કહ્યું કેન્દ્ર-રાજ્ય સરકારોએ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
1 મેથી તા. 27મી સુધીમાં 3700થી વધુ ટ્રેનો દ્વારા લગભગ 91 લાખ શ્રમિકોને વતન પહોંચાડવામાં આવ્યા.
વતન જવા માગતા શ્રમિકોને કેન્દ્ર સરકાર દ્વારા અટકાવવામાં નહીં આવે, આ અંગે પ્રસાયો કરાયા છે અને કોઈ શ્રમિક અટવાયેલો ન રહે ત્યાં સુધી પ્રયાસો ચાલુ રહેશે.
દરરોજ સરેરાશ 137 ટ્રેન દ્વારા સરેરાશ એક લાખ 85 હજાર મુસાફરોનું વહન કરાયું. શ્રમિકો મોકલનાર તથા સ્વીકારનાર રાજ્યો વચ્ચે સંકલન દ્વારા આ કામગીરી ચાલે છે અને બેઉમાંથી એક રાજ્ય દ્વારા રેલવેભાડું ભોગવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસ.જી. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જે રાજ્યમાંથી શ્રમિકોની ટ્રેન ઉપડે છે, તે રાજ્ય દ્વારા તેમને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની, આરોગ્યની ચકાસણીની તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
મુસાફરી શરૂ થયેથી ટૂંકી મુસાફરી માટે એક ટંક તથા લાંબી મુસાફરી માટે બે ટંકનું ભોજન રેલવે દ્વારા પૂરું પાડવામાં આવે છે. ટ્રેન તેના ગંતવ્ય સુધી પહોંચે એટલે રાજ્ય સરકાર દ્વારા બસો મારફત મજૂરોને તેમના ગામ સુધી પહોંચાડવામાં આવે છે. જો જરૂર જણાય તો તેમને ક્વોરૅન્ટીન પણ કરવામાં આવે છે.
શ્રમિકોને મોકલવા અંગે અગાઉથી જ સંકલન સાધી લેવામાં આવતું હોવાથી તેમના સ્વીકાર-અસ્વીકારનો મુદ્દો ઉપસ્થિત નથી થયો.
ઉત્તર પ્રદેશ સરકાર વતી હાજર રહેલા વકીલ પી. એસ. નરસિહ્માએ કહ્યું હતું કે રાજ્ય સરકારે 18 લાખ શ્રમિકોની હેરફેર કરી છે. તેમના માટે રાહત છાવણીઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં તેમને ભોજન પૂરું પાડવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આગંતુક શ્રમિકો ક્વોરૅન્ટીનનું પાલન કરે તે માટે રૂ. એક હજાર રોકડા તથા ભોજનની કિટ પૂરી પાડવામાં આવે છે.
બિહાર સરકાર વતી ઍડ્વોકેટ મનીષ કુમારે કહ્યું હતું કે 10 લાખ શ્રમિકોનું જમીન માર્ગે પરિવહન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તેમના રહેવા માટે સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જે શ્રમિકોએ ભાડું ચૂકવ્યું હતું, તેમને રાજ્ય સરકારે રકમ આપી દીધી છે.
આ સિવાય રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશની સરકારોએ પણ જવાબ રજૂ કર્યાં હતાં. જોકે ટૂંકી મુદ્દતને કારણે દરેક રાજ્ય પોતાનો પક્ષ રજૂ કરી શક્યા ન હતા. અદાલતે તેમને સમય આપવાની વાત કહી હતી.

સુપ્રીમના નિર્દેશ / નિરીક્ષણ
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો (અને કેન્દ્રશાસિત પ્રદેશો) દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે, પરંતુ જેટલી સંખ્યામાં શ્રમિકો ફસાયેલા છે, તે જોતાં લાગે છે કે હજુ ઘણું કરવાની જરૂર છે.
વતન પરત ફરવા માગનારના નામની નોંધણી, તેમના પરિવહન તથા ભોજન વ્યવસ્થામાં અનેક ક્ષતિઓ જણાઈ આવી છે. હાલમાં અમારી ચિંતા વતન પરત ફરવા માગતા શ્રમિકોને પડતી હાલાકી તથા તેમના દર્દ માટેની છે.
પગપાળા જતાં શ્રમિકોને તત્કાળ રાહત છાવણી લઈ જવામાં આવે
કોઈપણ પરપ્રાંતીય શ્રમિક પાસેથી ટ્રેન કે બસનું ભાડું ન વસૂલવું. રેલવેભાડું બંને રાજ્ય સરકારો મળીને ભોગવે.
રાજ્ય સરકારો માગ કરે ત્યારે ટ્રેન ઉપલબ્ધ કરાવવા માટે રેલવે વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો છે.
મુસાફરી દરમિયાન રેલવે તંત્ર દ્વારા ભોજનપાણીની વ્યવસ્થા કરવામાં આવે અને બસોમાં પણ મુસાફરને ભોજન મળે તે જોવું.
પરપ્રાંતીય શ્રમિકોના પરિવહન માટે શું યોજના છે, રજિસ્ટ્રેશન કેવી રીતે થઈ રહ્યું છે હજુ કેટલી સંખ્યામાં શ્રમિકો વતન પરત ફરવા માગે છે અને તેઓ કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે, જેવી વિગતો જણાવો.
તમામ સરકારોને તા. પાંચમી જૂન સુધીમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે.
શ્રમિકોને રેલવે કે બસ, જે ઉપલબ્ધ હોય તેના મારફત શ્રમિકોને મોકલવા માટેની નોંધણી તથા બીજી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. આ અંગેની માહિતી સાર્વજનિક કરવામાં આવે.

મંગળવારે સુઓ-મોટો નોંધ

ઇમેજ સ્રોત, Gopal Shoonya
આ પહેલાં મંગળવારે પરપ્રાંતીય શ્રમિકોની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સુઓ-મોટો નોંધ લીધી હતી અને કેન્દ્ર સરકારને નોટિસ કાઢી હતી.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમ. આર. શાહની ખંડપીઠે નોંધ્યું હતું કે પરપ્રાંતીય શ્રમિકોને રાહત પહોંચાડવાની કામગીરીમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોની વચ્ચે સંકલનનો અભાવ જણાય છે.
બેન્ચે સરકારોને મુસાફરી, એ દરમિયાન રાહતછાવણી તથા ભોજનની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવા માટે જરૂરી પગલાં લેવા કેન્દ્ર તથા રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા હતા.
બેન્ચે કહ્યું કે આ સ્થિતિને પહોંચી વળવા માટે સંયુક્ત રીતે નક્કર પગલાં લેવાની જરૂર છે. ખંડપીઠે ગુરુવારે સુધીમાં જવાબ દાખલ કરવા કેન્દ્ર સરકારને મહેતલ આપી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજા તબક્કાનું લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું, ત્યારથી પગપાળા, સાઇકલ ઉપર કે અન્ય કોઈ રીતે વતન પરત ફરવાના માગતા પરપ્રાંતીય શ્રમિકોની વ્યથાકથાના અહેવાલ પ્રસાર-માધ્યમમાં ચમકતાં રહે છે.
ઘરે જવાની કોશિશમાં અનેક શ્રમિકો અકસ્માતમાં મૃત્યુ પણ પામ્યા છે.

ખાનગી હૉસ્પિટલમાં નિઃશુલ્ક કે સસ્તી સારવાર

ઇમેજ સ્રોત, Gopal Shoonya
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે જે ખાનગી હૉસ્પિટલોને મફતમાં જમીન આપવાં આવી હતી, તેઓ કોરોના વાઇરસના દરદીઓનો મફતમાં કે રાહતદરે ઇલાજ કેમ ન કરી શકે?
સર્વોચ્ચ અદાલતે આ મતલબની નોટિસ કેન્દ્ર સરકારને કાઢી છે અને એક અઠવાડિયાની અંદર જવાબ આપવા માટે જણાવ્યું છે.
સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે નિઃશુલ્ક અથવા રાહતદરે સારવાર કરી શકે તેવી હૉસ્પિટલોની ઓળખ કરવામાં આવે અને સારવારના ખર્ચના સંદર્ભે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે.
સચિન જૈન નામના અરજદારે સર્વોચ્ચ અદાલતમાં આ મતલબની અરજી દાખલ કરી હતી.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે આ મુદ્દે સુનાવણી કરી અને અને સૉલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી એક અઠવાડિયાની અંદર વિસ્તૃત જવાબ માગ્યો છે.
અદાલતે કેન્દ્રને પૂછ્યું, "જે હૉસ્પિટલોને મફતમાં કે સસ્તી કિંમતે જમીન આપવામાં આવી છે તેવી ચેરિટેબલ હૉસ્પિટલોએ ઇલાજ મફતમાં કે ઓછા ભાવે કરવો જોઇએ."


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












