TikTok વીડિયોએ બે વર્ષથી ગુમ થયેલા વ્યક્તિની પરિવાર સાથે મુલાકાત કરાવી

પિતા અને પુત્રનું મિલન
ઇમેજ કૅપ્શન, પિતા અને પુત્રનું મિલન

ટિકટૉક વીડિયોએ બે વર્ષથી ગુમ થયેલી વ્યક્તિની પરિવાર સાથે મુલાકાત કરાવી

હાલમાં લોકો મોબાઇલ વીડિયો-ઍપ ટિકટૉકની પ્રશંસા અને ટીકા એમ બંને કરી રહ્યા છે, પરંતુ તેલંગણાના ભદ્રાદરી કોથાગુબેમ જિલ્લાનો આ પરિવાર એક ટિકટૉક વીડિયો અને તેને બનાવનાર એક વ્યક્તિનો કાયમ માટે આભારી છે.

એનું કારણ એવું છે કે એક ટિકટૉક વીડિયોએ બાળકોને બે વર્ષથી ગુમ થયેલા તેમના પિતાની મુલાકાત કરવા મદદ કરી છે. તેમણે એવું વિચાર્યું હતું કે તેઓ ક્યારેય પોતાના પિતાને ફરીથી જોઈ નહીં શકે, પરંતુ એક વીડિયોએ આ કરી દેખાડ્યું.

વાત એમ છે કે પંજાબના લુધિયાણા શહેરમાં એક ફ્લાયઓવર છે. જેની નીચે અનેક ઘરવિહોણા પરિવારો રહે છે. બે વર્ષ પહેલાં 55 વર્ષની ઉંમરની વ્યક્તિ એ ફ્લાયઓવર પાસે પહોંચે છે.

શરૂઆતમાં તો સ્થાનિક લોકોએ તેમને કાંઈ પૂછ્યું નહીં. ત્યારબાદ તેમને ખ્યાલ આવ્યો કે તે આ વિસ્તારના નથી અને સ્થાનિક ભાષા પણ સમજી રહ્યા નથી. ઉપરાંત તેમને જાણવા મળ્યું કે તેઓ મૂકબધિર છે. આથી તેઓ ક્યાંના છે અને પોતાની ઓળખ સજાવવામાં નિષ્ફળ ગયા. તેઓ શિક્ષિત પણ નહોતા કે પોતાનું સરનામું અથવા બીજી વિગતો લખી શકે. આથી તેઓ પંજાબમાં નિરાધાર બની ગયા.

તેમણે લુધિયાણામાં ફ્લાયઓવરની નીચે રહેવાનું શરૂ કરી દીધું અને દાતાઓ દ્વારા આપવામાં આવતા ખોરાક પર ટકી રહ્યા હતા. આ બધુ બે વર્ષ ચાલ્યું.

પરંતુ કોરોના વાઇરસના કારણે લાગુ થયેલા લૉકડાઉને ગરીબ લોકોની સમસ્યાઓમાં વધારો કર્યો.

લૉકડાઉનમાં પંજાબ પોલીસ ગરીબોને ખાવાનું આપતી હતી. તો એક દિવસ આજ ક્રમમાં પંજાબ પોલીસના કૉન્સ્ટેબલ અજૈબ સિંઘે પોતાના રૂટિન પ્રમાણે આ ગરીબ વ્યક્તિને ખાવાનું આપ્યું. બીજી વ્યક્તિ ગુરપ્રીત સિંઘે આ વીડિયો ઉતાર્યો અને ટિકટૉક ઍપ પર માર્ચ મહિનામાં મૂક્યો હતો. તમે બીજા લોકોને જેટલી વધુ મદદ કરી શકો તેટલી કરો તેવી અજૈબ સિંઘની પહેલનો એક ભાગ હતો.

પણ કોઈએ એવું વિચાર્યુ નહીં હોય કે આ વીડિયો 2000 કિલોમીટર દૂર તેલંગણાના એક ગામમાં પહોંચશે અને ગરીબ પરિવારની આશાઓને સજીવન કરશે.

તેલંગણાના ભદ્રાદરી કોથાગુડેમ ગામમાં રહેતા પિનાપકા ગામના એક યુવાન નગેન્દ્રબાબુના હાથમાં આ ટિકટૉક વીડિયો આવ્યો. તે પંજાબના લોકો પાસેથી ખોરાક મેળવતી વ્યક્તિને વીડિયોમાં જોઈને આશ્ચર્યચકિત થયો. તેણે વીડિયોને વારંવાર જોયો અને છેવટે એ મતે પહોંચ્યો કે આ તેના મિત્ર રોડ્ડામ પેડ્ડીરાજુના પિતા છે. જેઓ બે વર્ષ પહેલાં ગુમ થયા હતા. જેથી તેણે વીડિયો ડાઉનલોડ કરીને પોતાના મિત્રને મોકલ્યો.

ઘણા લાંબા સમયથી ગુમ થયેલી વ્યક્તિને જોઈને પરિવારના સભ્યોની આંખમાં ખુશીનાં આંસુ આવી ગયાં. આ વ્યક્તિ હતી રોડ્ડામ વેંકટેશવર્લુ.

line

વેંકટેશવર્લુ કેવી રીતે પંજાબ પહોંચ્યા?

ટિકટૉક વીડિયો
ઇમેજ કૅપ્શન, ટિકટૉક વીડિયો

વેંકટેશવર્લુ ગુમ થયા તે પહેલાં તેઓ ગામમાં મજૂરીકામ કરતા હતા. તેઓ પોતાનાં પત્ની અને પાંચ બાળકોની સંભાળ રાખતા હતા. તેમના દીકરા પેડ્ડીરાજુએ બીબીસી તેલુગુના અરુણ સાંડલિયાને પોતાના પિતા કેવી રીતે ગુમ થયા તે અંગે જણાવ્યું.

"મારા પિતા 27 એપ્રિલ, 2018એ પાસેના ગામમાં કામ કરવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓ એક ટ્રકમાં ચડ્યા અને સૂઈ ગયા હતા. કેટલાક કિલોમીટરનું અંતર કાપ્યા પછી પણ ડ્રાઇવરનું પણ ધ્યાન ન રહ્યું કે મારા પિતા પાછળ છે અને સૂઈ ગયા છે. થોડાક કિલોમીટરની મુસાફરી પછી ડ્રાઇવરને ખ્યાલ આવ્યો કે મારા પિતા ટ્રકમાં છે અને તેમને રસ્તાની વચ્ચે ઉતારી દીધા અને તે નીકળી ગયો."

મારા પિતા જાણતા નહોતા કે તેઓ ક્યાં છે અને ક્યાં જવું. તેથી તે અમારા જિલ્લામાં પરત આવવા હાઈવે પરથી બીજા ટ્રકમાં બેઠા. ટ્રક ડ્રાઇવરે મારા પિતાની સાંકેતિક ભાષાને સમજી નહીં અને તેણે મદદ માટે પોતાના ટ્રકમાં લિફ્ટ આપી, પરંતુ આ ટ્રક તેલંગણાની બહાર જઈ રહ્યો હતો. થોડાક કલાક પછી મારા પિતાને ખ્યાલ આવ્યો કે તેઓ કોઈ બીજા રાજ્યમાં પહોંચ્યા છે. ડ્રાઇવરે તેમને પંજાબના લુધિયાણામાં ઉતાર્યા હતા. ત્યારથી મારા પિતાએ ફ્લાયઓવરની નીચે રહેવાનું શરૂ કર્યું અને આસપાસના લોકોએ દાનમાં આપેલા ખોરાકથી ગુજારો કરતા હતા.

મારા પિતાના ગુમ થયાની ફરિયાદ પોલીસે બે-ત્રણ દિવસ પછી નોંધાવી હતી, પરંતુ પોલીસ તપાસનું કાંઈ પરિણામ આવ્યું નહીં. આથી અમે તેમને ફરીથી જોવાની આશા ગુમાવી બેઠા.

પેડ્ડીરાજુ કહે છે, "ગત 18 મેના રોજ મેં આ વીડિયો જોયો, જેમાં મારા પિતાજી ફૂડ મેળવતા હતા. આ રીતે અમે તેમને ફરીથી જોયા."

line

છેવટે પિતા તેમના દીકરાઓને મળ્યા

પિતા અને પુત્રનું મિલન
ઇમેજ કૅપ્શન, પિતા અને પુત્રનું મિલન

પેડ્ડીરાજુ લૉકડાઉન હોવા છતાં પણ તેમના પિતાને પંજાબમાં પોલીસ અને બીજા લોકોની મદદથી મળ્યા હતા.

પેડ્ડીરાજુ કહે છે, "હું હૈદરાબાદમાં ઇન્ડિયન ઇમ્યુનોલૉજિકલ લિમિટેડ કંપનીમાં કામ કરું છું. મેં મારા પિતા અંગે મારા સિનિયર સાથી સાથે વાત કરી. તેમાંના એક સાથી લુધિયાણાના જસપ્રીત સિંઘ નામની વ્યક્તિને જાણતા હતા. અમે તેમને વીડિયો મોકલ્યો અને તેમને કહ્યું કે આ જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેમને શોધવામાં આવે. છેવટે જસપ્રીત સિંઘ મારા પિતાને શોધવામાં સફળ રહ્યા."

તેમણે વીડિયો કૉલ કર્યો અને મને મારા પિતાને દેખાડ્યા. અમે બંનેએ એકબીજાને જોતા અમારી આંખમાં આંસુ આવી ગયાં. મારા પિતાએ તેમની સાંકેતિક ભાષામાં મને કહ્યું કે આવ અને મને જલદીથી અહીંથી લઈ જા.

line
લુધિયાણા પોલીસ સાથે જસપ્રીત સિંહ
ઇમેજ કૅપ્શન, લુધિયાણા પોલીસ સાથે જસપ્રીત સિંહ (યલો ટી-શર્ટમાં)

પેડ્ડીરાજુ કહે છે કે હું લુધિયાણા તેમને મળવા પહોંચ્યો તેને અઠવાડિયા જેટલો સમય લાગ્યો. ત્યાં સુધી મારા પિતા જસપ્રીત સિંઘના ઘરે રહ્યા.

તે વિસ્તારથી કહે છે "પહેલાં તો અમે જ્યાં મારા પિતાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા અને ટિકટૉક વીડિયો દેખાડ્યો. તેમણે તરત જ કામ શરૂ કર્યું અને જિલ્લાના એસપી અને બીજા પોલીસ અધિકારીઓએ લુધિયાણા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે લૉકડાઉન પૂર્ણ થાય પછી તરત જ મને પંજાબ જવા માટે સૂચન કર્યું. પરંતુ મેં કહ્યું કે હું તેમને જોવાથી મારી જાતને રોકી શકતો નથી અને મને મુસાફરી કરવાનો પરવાનો આપવામાં આવે. આ રીતે હું તેમને મળ્યો."

પેડ્ડીરાજુ અને તેના પિતા લુધિયાણાથી ગાડી દ્વારા પોતાના પિનાપકા ગામડે ગુરુવારે સાંજે પહોંચ્યા.

"આ પહેલી વખત છે જ્યારે અમારા પિતા અમારાથી આટલો લાંબો સમય ઘરેથી દૂર રહ્યા હતા. તેઓ છેલ્લાં બે વર્ષથી માત્ર રોટલી પર જીવતા હતા, જેનાથી તેઓ ટેવાયેલા નહોતા."

તેમનો દીકરો ભાવનાત્મક રીતે કહે છે કે સૌથી પહેલું કામ અમે એ કરીશું કે તેમને ઘરે બનાવેલા ગરમાગરમ ભાત ખવડાવીશું.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો