કોરોના વાઇરસ : એ મહિલા પોલીસકર્મી જે કરે છે અજાણ્યાના અંતિમસંસ્કાર

- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"મૅડમ આ જે વરદી છેને તે બહુ તાકત આપે છે."
આપને આ કોઈ ફિલ્મનો ડાયલૉગ જ લાગશે પણ જ્યારે આપ સંધ્યા શિલવંત સાથે વાત કરો ત્યારે આપને ભરોસો બેસે તેઓ ન માત્ર બહાદુર છે પણ એક સકારાત્મક વિચાર ધરાવતાં મહિલા પણ છે.
મુંબઈ પોલીસમાં નાયકના પદે કાર્યરત સંધ્યા શિલવંતની હાલ ભારે પ્રશંસા થઈ રહી છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ તેમનાં વખાણ કરતાં ટ્વીટ કર્યું, "શાહુનગર પોલીસ સ્ટેશનનાં કૉન્સ્ટેબલ સંધ્યા શિલવંતે એક દિવસમાં ચાર લાવારસ મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા. આજ સુધી આવી રીતે તેમણે છ લોકોના અંતિમસંસ્કાર કર્યા છે. જો તમારા મનમાં સામાજિક પ્રતિબદ્ધતા હોય તો તમામ પ્રકારના ભયના દરવાજા બંધ થઈ જાય છે."
તેમના આ શબ્દો માત્ર પોલીસવિભાગ માટે જ નહીં પણ તમામ માટે પ્રેરણાદાયક છે.
અહીં વાત કંઈક એવી છે કે સંધ્યા શાહુનગર પોલીસચોકીમાં ઍક્સિડન્ટલ ડૅથ રિપોર્ટ કે ADRનું કામ સંભાળે છે.

એક દિવસમાં ચાર અંતિમસંસ્કાર

કોવિડ-19ના સમયમાં તેમણે એક દિવસમાં ચાર મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા, જેમાંથી એક મૃતદેહ કોરોના પૉઝિટિવ દરદીનો હતો.
તેઓ જણાવે છે કે 14 મેએ ચાર મૃતદેહો અને 24 એપ્રિલે બે મૃતદેહોના તેમણે અંતિમસંસ્કાર કર્યા હતા. 26 મેએ પણ તેમણે વધુ બે મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા હતા. આ મૃતદેહોના અંતિમસંસ્કાર ત્યારે કરાઈ રહ્યા છે, જ્યારે કોરોના વાઇરસ સામે સમગ્ર દેશ ઝૂઝવી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યના ગૃહમંત્રીએ કરેલાં વખાણ બદલ તેઓ આભારત વ્યક્ત કરે છે અને સાથે જ હસતાંહસતાં કહે છે, "આપને લાગશે કે મારાં વખાણ થઈ રહ્યાં છે એટલે હું આવું કહી રહી છે. પણ આ મારી ફરજ છે અને સમાજ પ્રત્યેની મારી જવાબદારી પણ, જે નિભાવવી પડે છે. હું મારા વિચારોને સકારાત્મક રાખું છું. બસ!"
"હું જે વિભાગમાં છું, એ માટે મારે લોકમાન્ય ટિળક હૉસ્પિટલમાં જવું જ પડે છે. ત્યાં તમામ પ્રકારના કેસો આવે છે, જેમાં કોવિડ-19ના પણ હોય છે અને ચેપ લાગવાનો ભય પણ હોય છે. "
સંધ્યા જણાવે છે કે મહારાષ્ટ્રમાં કેસ વધ્યા છે. એવામાં પોલીસકર્મીઓનાં પરીક્ષણો પણ કરાયાં છે, જેમાં કેટલાય પોલીસકર્મીઓનો ટેસ્ટરિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે, સંધ્યાનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. તેઓ કહે છે, "મને કોરોના થઈ શકે છે એવું મેં મગજમાં આવવા જ નથી દીધું."
"હવે જ્યારે પોલીસકર્મીઓના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે સ્ટાફની ઘટ પણ સર્જાઈ છે. એવામાં જો હું ડરી ગઈ અને મેં ઓફિસ આવવાનું બંધ કરી દીધું તો કઈ રીતે ચાલાશે?"
મેં જ્યારે સંધ્યાને પૂછ્યું કે તમારે બાળકો પણ છે. તો અંગે તેમણે કહ્યું કે તેઓ ક્યારેય પોતાના કામ અંગે બાળકો સાથે ચર્ચા કરતાં નથી. જ્યારે તેમને પૂછ્યું કે અખબારમાં તેમની તસવીર છપાઈ છે અને એમની 13 વર્ષની પુત્રીને તો એ જાણ થઈ જ ગઈ હશે કે એ ચાર મૃતદેહોના અંતિમસંસ્કાર તેમણે જ કર્યા હતા કે જેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. તો આંગે વાત કરતાં સંધ્યાએ કહ્યું તેમની પુત્રીએ તેમને "કૉન્ગ્રેસ્ટ" કહ્યું હતું.
તેઓ જણાવે છે કે તેમના પિતા અને સસરા, બન્ને પોલીસદળમાં કામ કરી ચૂક્યા છે. એટલે તેમનાં માતા અને તેમનાં સાસુ પણ તેમના કામને સમજે છે. આ સાથે જ સંધ્યા એવું પણ જણાવે છે કે કોવિડ-19ના કાળમાં સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપે છે.
સંધ્યા જાણકારી આપે છે, "હું બે વર્ષથી એડીઆરનું કામ સંભાળી રહી છું. અત્યાર સુધી મેં 20 મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા છે. મારા માટે આ પુણ્યનું કામ છે. કદાચ ગત જન્મનું કંઈક હોતું હશે અને ત્યારે જ આપને આવું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. જે લોકોનું કોઈ જ નથી આપ એમના અંતિમસંસ્કાર કરો છો, જે પુણ્યના કોઈ પણ કામથી કમ નથી."

એડીઆર-વિભાગમાં કાર્યરત વ્યક્તિનું કામ ગુમ કે અજાણ્યા શખ્સનું મૃત્યુ થયા બાદ પોસ્ટમૉટેંમ રિપોર્ટ આવતાંની સાથે જ શરૂ થાય છે. શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થતાં કેટલીય વાર મૃતદેહના અંગોને ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવે છે. સંધ્યા જણાવે છે કે તેમનું કામ હૃદય, ફેફસાં જેવાં અંગોને લૅબ સુધી પહોંચાડવાનું હોય છે. તપાસ બાદ તેઓ અંતિમ પોસ્ટમૉટેંમ રિપોર્ટ અધિકારીઓ સમક્ષ રજૂ કરે છે. આ દરમિયાન કેટલીક વખત મૃત્યુ પામેલી વ્યક્તિના પરિજનો આવી પહોંચે તો મૃતદેહ તેમને સોંપી દેવાય છે.
સંધ્યાના મતે જે મૃતદેહોને લેવા માટે કોઈ નથી આવતું તેમના અંતિમસંસ્કાર કરી દેવાય છે. જોકે, કોવિડ-19ને પગલે તેમને તત્કાલ મૃતદેહોના અંતિમસંસ્કાર કરવા માટે કહેવાયું છે. અલબત્ત, તપાસની જરૂરિયાતવાળા કેસોમાં મૃતદેહોને લાંબા સમય સુધી સાચવવામાં આવે જ છે.
તેઓ ઉમેરે છે કે પોતાના સગાસંબંધીઓનાં મૃત્યુ વખતે તેઓ ક્યારેય શ્મશાન નથી ગયાં કારણ કે હિંદુ સમાજમાં મહિલાઓને શ્મશાનમાં પ્રવેશવાની મંજૂરી નથી. જોકે, સંધ્યા કહે છે, "હવે આ મારી ફરજ છે."
કોવિડ-19ના કેર વચ્ચે પૉઝિટિવ દરદીનો મૃતદેહ સ્વીકારવાનું પરિવારજનોએ ઇન્કાર કર્યો હોવાના સમાચારો પણ આવે છે અને તેને પોતાના વિસ્તારમાં દફનાવા દેવાનો પણ વિરોધ કરાય છે.
આવા જ એક કેસમાં તામીલનાડુના એક ડૉક્ટર સાયમન હરક્યુલિસનો મામલો મીડિયામાં ભારે ચગ્યો હતો, જેમનો મૃતદેહ દફન કરવા માટે આવેલી ઍમ્બ્યુલન્સ પર સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો અને બાદમાં પોલીસની હાજરીમાં બીજા વિસ્તારમાં તબીબના અંતિમસંસ્કાર કરાયા હતા.
આવા બધા મામલાઓ વચ્ચે સંધ્યા શિલવંત જેવાં લોકો પણ છે, જેમના માટે સૌથી પહેલાં ફરજ આવે છે અને એમાં તેઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પાછી પાની નથી કરતાં.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












