કોરોના લૉકડાઉન : શું આત્મનિર્ભર ભારતથી ગુજરાતના ધંધા-રોજગાર બેઠા થશે?

રિક્ષા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે બપોરે નવી દિલ્હી ખાતે પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન માટેના પૅકેજની રૂપરેખા રજૂ કરી હતી.

એમાં માઇક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ ઍન્ટરપ્રાઇસિસ (એમએસએમઈ) એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્ર વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી.

જેમ કે, એમએસએમઈને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉન અપાશે, જેની મુદ્દત ચાર વર્ષની હશે અને એક વર્ષ સુધી વ્યાજ નહીં હોય. ઑક્ટોબર મહિના સુધી તેનો લાભ લઈ શકાશે.

એમએસએમઈને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉનથી 45 લાખ એકમોને લાભ થશે. બે લાખ દબાણ હેઠળના એટલે કે સ્ટ્રેસ્ડ એમએસએમઈ એકમોને રૂ. 20 હજાર કરોડનું ગૌણ-કરજ આપવામાં આવશે...વગેરે.

line

પૅકેજમાં સારું શું, ખરાબ શું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સરકારની આ જાહેરાત વિશે જણાવતાં ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના સેક્રેટરી અજિત શાહે કહ્યું હતું કે આના સારાં અને નરસાં બંને પાસાંની વાત કરીએ તો સારાં પાસાં ઓછાં છે.

"સારાં પાસાંની વાત કરીએ તો સરકારે જે ખોટ ખાતાં કે અત્યંત નબળાં એકમો હતાં તેમના માટે વીસ હજાર કરોડની જોગવાઈ કરી છે તે આવકાર્ય છે."

"સરકારની જાહેરાતને લીધે આ એકમો બેઠાં થશે. બીજી સારી જાહેરાત સરકારે એ કરી કે જે પ્રૉફિટ મેકિંગ એમસએમઈ હોય તેમની ઇક્વિટી ખરીદવાના પચાસ હજાર કરોડ રૂપિયા સરકારે આપ્યા છે એ પણ આવકાર્ય છે."

નબળાં પાસાંની વાત કરતાં તેઓ કહે છે, "નિર્મલા સીતારમણે ઉદ્યોગો માટે જે જાહેરાત કરી છે એનાં નબળાં પાસાં જોઈએ તો સરકારે એમએસએમઈ સૅક્ટર માટે લૉન આપવાની વાત કરી છે."

"મુદ્દો એ છે કે કોરોનાના લૉકડાઉનને કારણે બે મહિના કારખાનાં ઑલરેડી બંધ રહ્યાં છે. આગામી બે મહિના હજી બંધ રહેશે. એટલે કે ચાર મહિનાની જે ખોટ છે એ ખૂબ મોટી છે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે આ મોટો ફટકો છે."

"એ ખોટ ભરપાઈ કરવા માટે લૉન આપવામાં આવશે. તેથી અમારો બોજ વધી જશે. એક વાત સમજવાની જરૂર છે કે મોટી કંપનીઓ કે એમએનસીને વાંધો નહીં આવે."

"જો સરકાર આ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને નહીં સાચવે તો એક વર્ષ પછી ઘણાં ખાતાં નૉન-પર્ફૉર્મિંગ ઍસેટ્સ (એનપીએ) થઈ જશે."

તેઓ કહે છે, "કોરોના લૉકડાઉનને લીધે અમારા ધંધામાં ઑલરેડી એક ખાડો તો પડ્યો જ છે અને લૉન લઈને હું બીજો ખાડો પાડી રહ્યો છું. ધંધામાં એવું કહેવાય છે કે ખાડો પૂરવા માટે લૉન ન લેવાય, કારણ કે એ બીજો ખાડો ખોદવા જેવી વાત છે."

line

'વ્યાજ રદ કરવાની માગ હતી'

કામ કરતાં કારીગરો

ઇમેજ સ્રોત, Getty Images

સરકાર તો વેપાર-ધંધા બેઠા થાય એટલા માટે લૉન આપી રહી છે?

શાહ કહે છે કે "સરકાર ભલે કોઈ પણ સ્વરૂપમાં પૈસા આપે, પરંતુ ધંધાર્થીએ તો સૌપ્રથમ ખોટ ભરપાઈ કરવામાં જ એનો ઉપયોગ કરશે ને! વેપારી લૉન લેશે ત્યારે એના પર વ્યાજ લાગુ પડશે. એને લીધે અમારો જે સર્વાઇવિંગ રેટ હતો એ તો ઘટી જશે."

સરકાર પાસેની અપેક્ષા અંગે વાત કરતાં અજિત શાહ કહે છે કે લૉકડાઉન લાગુ થયું એના પખવાડિયામાં તેમણે એમએસએમઈ સૅક્ટર માટે ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશને સરકાર પાસે 32,000 કરોડનું જે વ્યાજ છે તે રદ્દ કરવાની માગ કરી હતી.

"એમએસએમઈનું બૅન્કનું ફાઇનાન્સ 8 લાખ કરોડ છે એટલે એનું ચાર મહિનાનું વ્યાજ 32 હજાર કરોડ થાય. સરકારે માત્ર એ વ્યાજ રદ્દ કર્યું હોત તો એમએસએમઈ સૅક્ટરને મોટી રાહત મળી જાત અને અમે બધા રાજી થઈ જાત."

"સરકારે લૉન આપવાને બદલે આ સૅક્ટરના લોકો પર દર મહિને જે વ્યાજ ચઢે છે એ રદ્દ કરવાની જરૂર હતી. અમે સરકારને એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે કાં તો તમે વ્યાજ છોડી દો અથવા તો જીએસટીનું જે કલેક્શન થાય છે એમાંથી 25 ટકા વળતર આપી દો."

"એટલે કે એ પૈસા અમારી પાસે લૉનપેટે રાખીએ અને વર્ષ કે બે વર્ષ પછી સરકારને આપી દઈએ. સરકારે આ પણ મંજૂર ન રાખ્યું."

line

'સીધી સહાય આપવી જોઈએ, લૉન નહીં'

કામ કરતાં કારીગરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કામ કરતાં કારીગરો

અમદાવાદમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક આત્મન શાહે પણ અજિત શાહની વાતમાં સૂર પુરાવ્યો હતો.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે "આપણે ત્યાં જે ઔદ્યોગિક ક્ષેત્ર છે એમાં રોજગાર અને આવકની દૃષ્ટિએ એમએસએમઈ સૅક્ટરનો ફાળો 40-50 ટકા જેટલો છે. તેથી એ સૅક્ટર ખૂબ મહત્ત્વનું છે.

આત્મન શાહ કહે છે, "નિર્મલા સીતારમણે જે જાહેરાત કરી એ સંપૂર્ણપણે સપ્લાય સાઇડ તરફની છે. એમએસએમઈ કઈ રીતે પોતાના ઉત્પાદનમાં વધારો કરી શકે એ સંદર્ભની જાહેરાતો છે."

"મુદ્દો એ છે કે એ વધારો ત્યારે સાર્થક થશે જ્યારે લોકો ખરીદશે. તમે મજૂરો અને અસંગઠિત ક્ષેત્રના લોકોને રૂપિયા આપશો તો એ બજારમાં જઈને વસ્તુઓ ખરીદશે. જો આ લોકો વસ્તુઓ જ નહીં ખરીદી શકે એમ હોય તો કારખાનાંઓ ઉત્પાદન કરીને કરશે શું?"

તેઓ કહે છે, "સરકારે એમએસએમઈ સૅક્ટરને બેઠું કરવું હોય તો જે નાના-નાના એકમો છે તેમને સીધી સહાય આપવી જોઈએ નહીં કે લૉન. લૉન એ સીધી સહાય નથી."

"લૉનનો ફાયદો કારખાનેદારોને ત્યારે થઈ શકે જ્યારે તેમનો ધંધો સારો ચાલતો હોય. અત્યારે તો સ્થિતિ એવી છે કે તે ઉત્પાદન કરશે તો ક્યારે વેચાશે એ પણ એક સવાલ છે અને ઑલરેડી બે મહિનાથી બધું ઠપ્પ છે."

જે નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે એવી એટલે કે સ્ટ્રેસ્ડ એમએસએમઈ માટે સરકારે જે પૅકેજ ફાળવ્યું છે એની ટીકા કરતાં આત્મન શાહે કહ્યું હતું કે જે એકમો ઑલરેડી ખોટ ખાઈને બેઠાં છે એના માટે સરકારે વીસ હજાર કરોડ ફાળવ્યા છે.

"તેમને તમે રૂપિયા આપશો તો શું ખાતરી કે એ તમને નાણાં પાછાં આપશે જ. જેમણે અગાઉની લૉનનાં નાણાં ચૂકવ્યાં નથી તેમને ફરી એક લૉન ટકી રહેવા માટે ઑફર કરવામાં આવે એ વાત ગળે ઊતરે એવી નથી."

line

'સરકારનું હિંમતભર્યં પગલું'

વીડિયો કૅપ્શન, Coronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?

વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ભાજપ સાથે સંકળાયેલા જૈનિક વકીલે સરકારના આ પૅકેજને અવસર સાથે સરખાવ્યું હતું.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે સરકારે જે 20 લાખ કરોડનું પૅકેજ આપ્યું છે તે હિંમતભર્યું પગલું છે. 45 લાખ જેટલા એકમોને 3 લાખ કરોડ જેટલી લૉન આપવામાં આવશે જે માતબર રકમ છે. એમાં કોઈ ગૅરંટી પણ નથી આપવાની. એક વર્ષ સુધી મુદ્દલ પણ નથી ભરવાની.

જોકે કેટલાક અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગકારો કહે છે કે લૉન આપવાના બદલે નાનાં એકમોને સીધી સહાય આપવી જોઈએ.

જૈનિક વકીલ આ મામલે કહે છે કે "અન્ય કેટલાંક વિકસિત રાષ્ટ્રો- જેમ કે, અમેરિકા અને બ્રિટન આવું કરી શકે. તેમણે આવું કર્યું પણ છે. એ દેશોમાં સૅલરીનાં પૅકેજ અપાયાં છે, કારણ કે તેઓ વિકસિત રાષ્ટ્ર છે."

"એક વાત આપણે એ યાદ રાખવી પડે કે ભારત એ વિકસિત રાષ્ટ્ર નથી, વિકાસ પામી રહેલું રાષ્ટ્ર છે. તેથી આપણી આર્થિક મર્યાદાઓ પણ છે."

જૈનિક વકીલ વધુમાં ઉમેરે છે કે અગત્યની બાબત લિક્વિડિટી છે. સરકારના પૅકેજને લીધે લિક્વિડિટી જોવા મળશે. કર્મચારીઓના પગાર ચૂકવવાથી લઈને કાચો માલ કેવી રીતે મેળવવો એની રાહત સરકારની આ સ્કીમમાંથી ઉદ્યોગકારોને મળશે.

"45 દિવસના લૉકડાઉનનો જે ગાળો પડ્યો છે એ પૂરવા માટે સરકારે ખૂબ કારગર પૅકેજ જાહેર કર્યું છે. કોરોનાને કારણે જનજીવન અને વેપારધંધા જે રીતે ઠપ્પ થયાં છે એ પ્રકારની સ્થિતિ આઝાદી પછી આ દેશમાં પહેલી વખત જોવા મળી છે."

"તેથી સરકાર માટે પણ સંઘર્ષની આ એક નવી વસ્તુસ્થિતિ છે. જે આર્થિક અસર થઈ છે એને પહોંચી વળવા અને આગળ વધવા માટે સમયસર યોગ્ય પૅકેજ જાહેર કરીને સરકાર દેશની ઇકૉનૉમીને હળવે હવે આગળ લાવી રહી છે."

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો