ઇરફાનના પત્નીનો પત્ર, ‘આપણે ગુમાવ્યું નથી, બધી જ રીતે મેળવ્યું છે’

ઇરફાન ખાન, પત્ની સુતપા

ઇમેજ સ્રોત, FACEBOOK/SUTAPA SIKDAR

શાનદાર અભિનેતા ઇરફાન ખાનનું 30 એપ્રિલના રોજ નિધન થયું. તેઓ દુર્લભ કૅન્સરથી પીડિત હતા.

ઇરફાન ખાનના નિધન પર દેશ અને દુનિયામાંથી શોક પ્રગટ થઈ રહ્યો છે ત્યારે ઇરફાનના પરિવારે એક પત્ર દ્વારા એમના ચાહકો અને સૌ કોઈ પ્રત્યે કૃતજ્ઞતા અને સંવેદના પ્રગટ કરી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

વાંચો, ઇરફાન ખાનના પરિવારજનો - તેમનાં પત્ની સુતપા અને પુત્રો બાબીલ તથા અયાનનું નિવેદન :

ઇરફાન ખાનના મૃત્યુને આખું જગત અંગત ખોટ ગણી રહ્યું છે ત્યારે હું આ નિવેદનને પારિવારિક નિવેદન તો કેવી રીતે ગણાવી શકું? જ્યારે લાખો લોકો અમારી સાથે પીડા અનુભવી રહ્યા છે ત્યારે મને એકલા હોવાની લાગણી પણ શા માટે થાય?

હું દરેક વ્યક્તિને ખાતરી આપવા ઇચ્છું છું કે આ ખોટ નથી, કંઈક મેળવવા જેવું છે. આપણે એ હાંસલ કર્યુ છે, જે તેમણે આપણને શિખવાડ્યું હતુ અને હવે આપણે એ શિખામણનો વાસ્તવમાં અમલ કરીશું અને આગળ ધપીશું. જી હાં, હું કેટલીક એવી બાબતો જણાવવા ઇચ્છું છું, જે લોકો જાણતા નથી.

આ માની ન શકાય એવું છે પરંતુ ઇરફાનના શબ્દોમાં કહું તો 'ઇટ્સ મૅજિકલ.' તેઓ અહીં હોય કે ન હોય, પણ તેમને એ બહુ ગમતું હતું. તેમણે ક્યારેય વન ડાયમેશનલ રિયાલિટીને પસંદ નહોતી કરી.

ઇરફાન ખાન, પત્ની સુતપા અને પુત્ર અયાન

ઇમેજ સ્રોત, Getty Images

મને તેમની સામે એક જ ફરિયાદ છે કે તેમણે મને બગાડી નાખી. પરફેક્શનને લઈને તેમના પ્રયાસો મને સાધારણ જીવનમા સેટલ થવા જ નથી દેતા.

તેઓ બધી ચીજોમાં એક લય નિહાળતા હતા. કર્કશતા અને અંધાધૂંધીમાં પણ અને મારો બેસુરો અવાજ હોય કે અનાડી જેવો ડાન્સ હોય, એમા પણ.

તેથી મેં મારા લય-બહેરા અવાજ અને બે ડાબા પગ સાથે, તેના લયના સંગીતને ગાવાનું અને નૃત્ય કરવાનું શીખી લીધું છે.

મજાની વાત એ છે કે અમારું જીવન અભિનયમાં માસ્ટરક્લાસ હતું. તેથી "વણનોતર્યા મહેમાનો"નું (બીમારીનું) નાટકીય આગમન થયું ત્યારથી જ હું અંધાધૂંધીમાં પણ સામંજસ્ય જોવા લાગી હતી.

ડૉક્ટરના રિપોર્ટ્સ સ્ક્રિપ્ટ જેવા હતા અને એ સ્ક્રિપ્ટને હું મોઢે કરી લેવા ઇચ્છતી હતી, જેથી ઝીણામાં ઝીણી બાબતની ચૂક ન રહી જાય, જેવું તેઓ પોતાના પ્રદર્શનમાં કરવા માગતા હતા.

આ પ્રવાસમાં અમે કેટલાક અદભૂત લોકોને મળ્યા હતા અને તેની યાદી અનંત છે. તેમ છતાં કેટલાક એવા છે, જેમનો ઉલ્લેખ મારે કરવો જ જોઈએ. તેમાં, શરૂઆતમાં જ જેમણે અમારો હાથ ઝાલ્યો હતો તે ઑન્કોલોજિસ્ટ ડૉ. નિતેશ રોહતોગી (મૅક્સ હૉસ્પિટલ, સાકેત), ડૉ. ડૅન ક્રૅલ (બ્રિટન), ડૉ. શિદ્રાવી (બ્રિટન) અને અંધારામાં મારા હૈયાના ધબકાર તથા માર્ગદર્શક જેવા ડૉ. સેવંતી લિમયે (કોકિલાબહેન હૉસ્પિટલ)નો સમાવેશ થાય છે.

આ યાત્રા કેટલી શાનદાર, સુંદર, દર્દનાક અને રોમાંચક રહી હતી એ બયાન કરવાનું મુશ્કેલ છે.

ઇરફાન ખાનના મોટા પુત્ર બાબીલ ખાન કોકિલાબહેન હૉસ્પિટલની બહાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇરફાન ખાનના મોટા પુત્ર બાબીલ ખાન કોકિલાબહેન હૉસ્પિટલની બહાર

મને આ અઢી વર્ષ મધ્યાંતરમાં થનારા એક પ્રદર્શન જેવાં લાગ્યાં, જેનો પોતાનો આરંભ, મધ્યાન, અને અંત હતો અને જેમાં ઇરફાન ઑર્કેસ્ટ્રાના કંડક્ટરની ભૂમિકા ભજવી રહ્યા હતા.35 વર્ષના અમારા સંગાથથી અલગ, અમારાં લગ્ન માત્ર લગ્ન નહોતાં, અમે એક થયાં હતાં.

મને લાગે છે કે મારો નાનકડો પરિવાર હોડીમાં પ્રવાસ કરી રહ્યો છે. મારા દીકરા બાબીલ અને અયાન તેને આગળ ધપાવી રહ્યા છે અને ઇરફાન "ત્યાંથી નહીં, અહીંથી વળાંક લો," એવું કહીને તેમને માર્ગદર્શન આપી રહ્યા છે, પણ જિંદગી સિનેમા નથી અને તેમાં રિટેક્સ હોતા નથી. તેથી હું ઇમાનદારીપૂર્વક ઇચ્છું છું કે મારાં બાળકો તેમના પિતાના માર્ગદર્શન સાથે આ હોડીને સલામત રીતે આગળ ધપાવે અને તોફાનમાંથી પાર ઉતારે.

મેં મારા બાળકોને પૂછ્યું હતું કે તમારા પિતાએ તમને ભણાવેલા પાઠમાંથી જે તમને સૌથી મહત્વનો લાગતો હોય તેનો ટૂંકસાર કહી શકશો?

બાબીલઃ "અનિશ્ચિતતાના નૃત્ય માટે આત્મસમર્પણ કરતાં શીખો અને સકળ બ્રમ્હાંડમાં પોતાની શ્રદ્ધા પર વિશ્વાસ રાખો."

અયાનઃ "તમારા મનને અંકુશમાં રાખવાનું શીખો અને તેને તમારા પર હાવી થવા ન દો."

ઇરફાનના વિજયી પ્રવાસ પછી તમે તેમને જ્યાં વિરામ આપ્યો છે એ જગ્યાએ અમે તેમને પ્રિય રાતરાણીનું વૃક્ષ રોપીશું ત્યારે અશ્રુધારા વહેશે. સમય જશે, પણ રાતરાણીના વૃક્ષ પર પુષ્પો ખીલશે અને તેની જે સુગંધ ફેલાશે તે, ઇરફાન જેમને પ્રશંસકો નહીં, પણ પરિવાર કહેતા હતા એ, બધા આત્માઓને વર્ષો સુધી સ્પર્શતી રહેશે.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો