ઇરફાન ખાન : કૅન્સર સામે કલાકારની હાર, આખરે મૃત્યુ

હિંદી સિનેમાના જાણીતા અભિનેતા ઇરફાન ખાનનું મૃત્યુ થયું છે.

ઇરફાન ખાન લાંબા સમયથી કૅન્સરથી બીમારીથી પીડિત હતા અને તબિયત લથડતા તેમને મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી.

2019માં ઇરફાન ખાન લંડનમાં ઇલાજ કરાવી ભારત પરત ફર્યા હતા. એ પછી એમનો સારવાર કોકિલાબેન હૉસ્પટલના ડૉક્ટરોની દેખરેખમાં ચાલતો હતો.

54 વર્ષના ઇરફાન ખાન ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમરથી પીડિત હતા.

બે વર્ષ પહેલાં 2018માં ઇરફાન ખાનને બીમારી વિશે જાણ થઈ હતી અને તેમણે પોતે પોતાની બીમારી વિશે ચાહકોને જાણ કરી હતી.

એ વખતે એમણે કહ્યું હતું કે, જિંદગી કંઈક એવું થઈ જાય છે જે તમને આગળ લઈ જાય છે. મારી જિંદગીમાં કેટલાક દિવસોમાં એવા જ રહ્યાં. મને ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમર નામની બીમારી થઈ છે. પરંતુ મારી આસપાસના લોકોનો પ્રેમ અને શક્તિ મને આશા આપે છે.

હાલમાં જ તેમનાં માતા સઇદા બેગમનું જયપુરમાં અવસાન થયું હતું.

લૉકડાઉનને કારણે ઇરફાન પોતાનાં માતાની અંતિમ યાત્રામાં સામેલ નહોતા થઈ શક્યા.

શાનદાર અભિનેતા

53 વર્ષના ઇરફાન ખાન બોલીવુડની 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં પીકુ, મકબૂલ, હાસિલ અને પાન સિંહ તોમર જેવી ફિલ્મો સામેલ છે જેમાં તેમના કામના વખાણ થયા હતા.

હિંદી ફિલ્મો સિવાય તેમણે અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. લાઇફ ઑફ પાઇ, જ્યુરૅસિક પાર્ક, સ્લમડૉગ મિલિયનૅયર અને ધ અમેઝિંગ સ્પાઇડરમૅન જેવી લોકપ્રિય અંગ્રેજી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો.

આ લોકપ્રિય અંગ્રેજી ફિલ્મોને જોતાં કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતમાંથી કદાચ તેઓ સૌથી વધારે જાણીતા અભિનેતા રહ્યા. હિંદી ફિલ્મો સિવાય અનેક સ્વતંત્ર ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું.

2013 માં તેમને પાન સિંહ તોમર માટે રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ એક એવા ઍથ્લીટના જીવન પર આધારિત હતી જે જીવનમાં આગળ જઈને એક ડાકુ બની જાય છે.

તેમને કાન ફિલ્મ ફૅસ્ટિવલમાં વ્યુઅર્સ ચૉઇસ ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, આ ઍવૉર્ડ તેમને લન્ચબૉક્સ ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો જેમાં તેમણે એક એવા અકાઉન્ટૅન્ટની ભૂમિકા ભજવી હતી જેમનું જીવન એકલવાયું હોય છે.

2013માં લન્ચબૉક્સ ફિલ્મ જ લંડન ફિલ્મ ફૅસ્ટિવલમાં ચૂંટાયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ હતી.

શું કહ્યું પરિવારે?

તેમના પરિવાર તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે "2018માં કૅન્સર સામે તેમની લડત બાબતે ખુલીને વાત કરતા ઇરફાને એક હૃદયસ્પર્શી પત્રમાં લખ્યું હતું , 'મને વિશ્વાસ છે, મેં આત્મસમર્પણ કર્યું છે'.

બહુ ઓછું બોલનાર વ્યક્તિ અને કંઈ કહ્યા વગર તેમની આંખોથી ઘણું બધું વ્યક્ત કરનાર અભિનેતા, અને પરદા પર તેમનું યાદગાર કામ. આ બહુ દુખદ છે કે આજે અમારે તેમના નિધનના સમાચાર આપવા પડે છે.

ઇરફાન બહુ પ્રબળ આત્મા હતો જેમણે અંત સુધી લડત આપી હતી અને તેમની નજીક આવેલી દરેક વ્યક્તિને પ્રેરણા આપી હતી.

2018માં કૅન્સર હોવાનો આઘાત મળ્યા પછી જેવું પણ જીવન હતું તેમણે તેનો સામનો કર્યો હતો અને તેની સાથે આવેલી મુશ્કેલીઓને લડત આપી હતી.

એ પરિવારના પ્રેમ વચ્ચે , જેમની તેઓ સૌથી વધારે સંભાળ લેતા, આજે તેમણે અંતિમ શ્વાસ લીધો.

ખરેખર તેઓ તેમની પાછળ પોતાનો વારસો છોડી ગયા છે. અમે બધાં તેમના માટે પ્રાર્થના કરીએ છીએ અને આશા કરીએ છીએ કે તેમને શાંતિ મળે.

તેમના શબ્દોને યાદ કરતા વિદાઈ લઈએ, "જાણે હું જીવનનો સ્વાદ પ્રથમ વખત ચાખી રહ્યો છું, તેની જાદુઈ છબી જોઈ રહ્યો છું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો