You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : વૅક્સિન શોધવામાં ભારત કેવી રીતે ભજવશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ ગત દિવસોમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા કોરોના વાઇરસ સામે લડવા માટે વૅક્સિન પર એકસાથે કામ કરી રહ્યાં છે.
માઇક પૉમ્પિયોનું આ નિવેદન આશ્ચર્યજનક નથી કારણકે બંને દેશો ત્રણ દાયકાઓથી કેટલીક વૅક્સિન વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંયુક્ત ડેવલપમૅન્ટ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે.
ભારત અને અમેરિકાએ ડેન્ગ્યુ, ઇન્ફ્લુએન્ઝા અને ટીબી જેવી બીમારીઓને અટકાવવા માટે રસી પર કામ કર્યું છે.
ડેન્ગ્યુની વૅક્સિનનું પરીક્ષણ નજીકના ભવિષ્યમાં કરવામાં આવે તેવી યોજના છે.
જેનેરિક દવાઓ અને વૅક્સિનનાં દુનિયાના સૌથી મોટા ઉત્પાદકોમાં ભારતનું પણ નામ છે.
ભારતમાં અડધો ડઝન જેટલા મોટા અને સંખ્યાબંધ નાના વૅક્સિન ઉત્પાદકો છે. જેઓ પોલિયો, મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા, રોટાવાઇરસ, બીસીજી, ઓરી, ગાલપચોળિયાં અને રુબેલા જેવી બીમારીઓની રસી બનાવે છે.
હવે અડધો ડઝન કંપનીઓ કોવિડ-19 માટેની રસી બનાવવા મથી રહી છે.
તેમાંથી એક કંપની છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, રસીના ડોઝનાં ઉત્પાદન અને વેચાણની દૃષ્ટિએ આ કંપનીને સૌથી મોટી કંપની ગણવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
53 વર્ષ જૂની આ કંપની દર વર્ષે 1.5 અબજ ડોઝનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદન મોટા ભાગે પુણેની બે ફેકટરીમાં થાય છે.
નેધરલૅન્ડ્સ અને ચેક ગણરાજ્યમાં પણ તેની બે ફેકટરીઓ છે અને કંપનીમાં લગભગ સાત હજાર જેટલા કર્મચારીઓ જોડાયેલા છે.
આ કંપનીમાં બનતી 20 જેટલી રસીની લગભગ 165 દેશોમાં નિકાસ થાય છે. કંપની દ્વારા બનાવવામાં આવતી 80 ટકા વૅક્સિનનો નિકાસ થાય છે, જેની સરેરાશ કિંમત 50 સેન્ટ પ્રતિ ડોઝ જેટલી હોય છે, જે પ્રમાણે તે દુનિયામાં સૌથી સસ્તી રસી બની જાય છે.
આ કંપનીએ અમેરિકાની બાયૉટેક કંપની કોડેજેનિક્સ સાથે મળીને લાઇવ ઍટેનુએટેડ વૅક્સિન તૈયાર કરી છે. આ સિવાય દુનિયામાં વૅક્સિન પર 80 જેટલા પ્રયોગ ચાલી રહ્યા છે.
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ આદર પુનાવાલા કહે છે, "અમે એપ્રિલમાં વૅક્સિનનું પશુ પર ટ્રાયલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. સપ્ટેમ્બર સુધી, અમે મનુષ્યો પર ટ્રાયલ શરૂ કરી શકીશું."
યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી રસીના ઉત્પાદનમાં આદર પુનાવાલાની કંપની ભાગીદારી કરી રહી છે. બ્રિટનની સરકારે આ પ્રૉજેક્ટને ટેકો આપ્યો છે.
નવું વૅક્સિન જિનેટિકલી ઇન્જિનિયર્ડ ચિમ્પાન્ઝી વાઇરસ પર આધારિત હશે. ગત ગુરુવારે ઑક્સફર્ડમાં મનુષ્ય પર વૅક્સિનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું.
જો એ સફળ રહ્યું તો વૈજ્ઞાનિકો પ્રમાણે ઓછામાં ઓછા દસ લાખ જેટલા ડોઝ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે.
બીબીસીના આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા જૅમ્સ ગૅલેઘર સાથે વાતચીતમાં જેનર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑક્સફર્ડના પ્રોફેસર એડ્રિયન હિલે કહ્યું, "એ તો દેખીતું છે કે એ મહામારી જેણે આખી દુનિયાને લૉકડાઉનમાં પૂરી દીધી છે, તેનાથી લડવા માટે આ વર્ષના અંત સુધી દુનિયામાં કરોડોની સંખ્યામાં વૅક્સિનના ડોઝની જરૂર પડશે."
આ રીતે ભારતના વૅક્સિનના ઉત્પાદકો દુનિયામાં અન્ય દેશો કરતાં એક બે ડગલાં આગળ છે. પુનાવાલાની કંપની પાસે 40થી 50 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા છે.
તેમનું કહેવું છે, "અમારી ક્ષમતા ઘણી વધારે છે કારણકે અમે તેમાં રોકાણ કર્યું છે."
એ સિવાય હૈદરાબાદ આધારિત ભારત બાયોટેક કંપનીએ અમેરિકાની ફ્લુજેન કંપની અને યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન સાથે વૅક્સિનના 30 કરોડ જેટલા ડોઝ તૈયાર કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે.
ગુજરાતની કંપની ઝાઇડસ કૅડિલા પણ બે વૅક્સિન પર કામ કરી રહી છે, જ્યારે બાયૉલૉજિકલ ઈ, ઇન્ડિયન ઇમ્યુનોલૉજિકલ્સ અને માઇનવૅક્સ જેવી કંપનીઓ પણ વૅક્સિન બનાવવા પર કામ કરી રહી છે.
એ સિવાય દેશમાં ચાર અને પાંચ અન્ય વૅક્સિન પર કામ શરૂઆતી તબક્કામાં છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને બીબીસીને કહ્યું, "આટલી મોટી માત્રામાં વૅક્સિન બનાવવા માટેની પ્રક્રિયા અને ગુણવત્તા ભરેલા ઉત્પાદનમાં રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓને યશ મળવો જોઈએ."
"આ કંપનીઓના માલિકોનાં મનમાં વિશ્વ માટે કંઈક સારું કરવાનો ઇરાદો પણ છે અને સાથે-સાથે વેપારમાં લાભ થાય તો આ બંને તરફ ફાયદો થવાનું મૉડલ છે."
નિષ્ણાતોની ચેતવણી છે કે લોકો નજીકના ભવિષ્યમાં વૅક્સિનની આશા રાખીને ન બેસે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
લંડનમાં ઇમ્પિરિયલ કૉલેજના ગ્લોબલ હેલ્થ વિભાગના પ્રોફેસર ડેવિડ નેબેરો કહે છે, "નજીકના ભવિષ્યમાં સફળ વૅક્સિનની કોઈ ગૅરંટી ન હોવાને કારણે માનવે કોરોના વાઇરસના ખતરા સાથે જીવવું પડશે."
યુનિવર્સિટી ઑફ વરમૉન્ટ મેડિકલ સેન્ટરના ટિમ લાહી ચેતવે છે કે, કોરોના વાઇરસની વૅક્સિનને કારણે રોગપ્રતિકારક શક્તિની નુકસાનકારક પ્રતિક્રિયા પણ ચિંતાનું કારણ બની શકે છે.
સમગ્ર વિશ્વમાં 30 લાખથી વધારે લોકો કોવિડ-19 સંક્રમણના ભરડામાં આવી ગયા છે અને બે લાખથી વધારે મૃત્યુ નોંધાયાં છે.
વૅક્સિન વિકસાવીને તેનું આટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન એક લાંબી પ્રક્રિયા છે. જેમાં ઘણો સમય લાગશે, વૅક્સિનના દરેક જથ્થાને બજારમાં મૂકતાં પહેલાં રાસાયણિક અને જૈવિક રીતે ટેસ્ટ કરવો પડે.
આદર પુનાવાલાનું કહેવું છે, "પરંતુ અમને આશા છે કે બે વર્ષ અથવા તેનાથી ઓછા સમયની અંદર સુરક્ષિત અને અસરકારક રસી મળી જશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો