અમદાવાદમાં કોરોના વાઇરસ સંક્રમિત મુસ્લિમ દર્દીઓ કેવી રીતે રોજા રાખે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી છે એ વૉર્ડમાં સવારે સુરજનું પહેલું કિરણ ઊગે એ પહેલાં ચહલ-પહલ શરૂ થઈ જાય છે અને આ સિલસિલો બે દિવસથી ચાલી રહ્યો છે.
નર્સો વહેલી સવારે ત્રણ વાગ્યે 70 ટિફિન લેવા ઊભી રહી જાય છે અને દર્દીઓ ઊભા થઈને પહેલા વજૂ કરે છે, પછી સવારની નમાજ પઢે છે અને રોજાની શરૂઆત કરે છે.
અમદાવાદ ગુજરાતનું એવું શહેર છે કે જ્યાં સૌથી વધુ કોરોનાના દર્દી છે અને કોરોનાને કારણે સૌથી વધુ મોત અમદાવાદમાં જ થયાં છે.

મરજ, મહિનો અને મેનુ

ઇમેજ સ્રોત, Getty Images
મુસ્લિમોના રોજાનો મહિનો એટલે કે રમઝાન સૌથી પવિત્ર મહિનો ગણાય છે, અમદાવાદમાં કોરોનાના કુલ દર્દીઓમાંથી 472 મુસ્લિમ દર્દીઓ છે.
આ દર્દીઓએ રોજા શરૂ થતાં પહેલાં સરકાર પાસે રોજા રાખવાની માગ કરી હતી, અહીંના ડૉક્ટર માટે પણ મોટી મૂંઝવણ એ હતી કે કોરોનાના દર્દીને રોજા કેવી રીતે રખાવવા?
કારણકે જો એ લોકો રોજા રાખે તો દિવસભર પાણી સુધ્ધાં ના પીવે અને સાંજે ઇફ્તાર સમયે રોજા ખોલે ત્યારે ખાવાનું ખાઈ શકે. ડૉક્ટરની સાથે-સાથે સરકાર માટે પણ આ મોટી સમસ્યા હતી .
ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ કહ્યું કે, અમારી પાસે રમજાન મહિનો ચાલુ થયો એ પહેલાં આ સમસ્યા આવી હતી, મોટા ભાગના દર્દીઓએ રોજા રાખવાની માગ કરી હતી.
તેઓ આગળ કહે છે કે એમની ધાર્મિક લાગણી હતી, પણ રોગમાં રોજા કરવા દેવા કે નહીં એ અંગે સમસ્યા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખિદમત, ખોરાક અને ખાદિમ

ઇમેજ સ્રોત, Gurucharan Chabra
કાનાણી ઉમેરે છે, "રોજા રાખે તો એમને દવાઓ કેવી રીતે આપવી એ સમસ્યા હતી, અમે ડૉક્ટરની બેઠક બોલાવી અને છેવટે એવું નક્કી થયું કે જે દર્દી રોજા રાખવા માટે શારીરિક રીતે સક્ષમ હોય એમને રોજા રાખવા દેવા."
"472માંથી દર્દીનું ચેક-અપ કર્યું તો 70 દર્દી એવા નીકળ્યા કે જેઓ રોજા રાખી શકે એમ હતા, એટલે ડૉક્ટરની સલાહ મુજબ અમે 70 દર્દીઓને રોજા રાખવાની છૂટ આપી છે અને એમના ખોરાકનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉક્ટરના અભિપ્રાય મુજબ ખાસ ડાયેટ-પ્લાન બનાવવામાં આવ્યો છે, એ મુજબ એમને સવારે અને સાંજે ખોરાક આપવામાં આવે છે.
કોરોનાના દર્દીઓને રોજા રાખવા માટે કેવું આયોજન કરવામાં આવ્યું છે એ અંગે અમે અમદાવાદના સિવિલ હૉસ્પિટલના કાર્યકારી ડીન જે. બી. મોદીનો સંપર્ક સાધતાં એમણે આ સારવાર ગોપનીય હોવાથી કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
સહરી પહેલાં શિરામણ
અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને જમવાનું પૂરું પાડતા સિલ્વર ક્લાઉડ હોટલના માલિક ગુરુચરણસિંહ છાબરાએ કહ્યું કે, અમે રોજ 700 દર્દીઓને હાઇજિનિક ફૂડ આપીએ છીએ અને એના માટે સરકારે આપેલી ગાઇડલાઇન પ્રમાણે ખોરાક તૈયાર કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે સિવિલમાં 70 લોકો રોજા પાળે છે , એમના માટે અમે ખાસ ખોરાક પૂરો પાડીયે છીએ.
છાબરા એ ઉમેર્યું, "700 દર્દીઓ માટે આમ તો સવારે ચા-કોફી અને નાસ્તો 5.30 વાગ્યે પહોંચતો કરીએ છીએ, પણ જે દર્દીઓ રોજા કરે છે એમના માટે અલગ વ્યવસ્થા કરી છે."
"એમના માટે સવારે ત્રણ વાગ્યે સહરી થાય એ પહેલાં ન્યુટ્રિશિયન વાળો ખોરાક પહોંચાડવામાં આવે છે."
"આ સિવાય વધુ ફાઇબરવાળાં શાકભાજી રાખવામાં આવે છે અને લીલાં શાકભાજીનું પ્રમાણ પણ વધારે રાખવામાં આવે છે."

ઇમેજ સ્રોત, Gurucharan Chabra
છાબરા ઉમેરે છે, "આ ઉપરાંત અમે રોજાવાળા દર્દીઓ માટે એવાં શાકભાજી રાખીએ છીએ કે જેમાં વિટામિન સી, કે અને એ મળી રહે. આ ઉપરાંત સાંજે ઇફ્તાર વખતે ખજૂરની સાથે જ્યુસ, લીંબુ પાણી, તાજું ફ્રૂટ, દૂધ, ચા-કોફી તથા બિસ્કિટ, ફ્રૂટ કસ્ટર્ડ, સમોસા મોકલીએ છીએ."
"આ ઉપરાંત રાઇસ , સબ્જી અને તવા રોટી અચૂક મોકલીએ છીએ, સરકારે અમને આપેલા મેનુ પ્રમાણે અમે શાકભાજી અને ફ્રૂટ આપીએ છીએ, જેથી રોજા રાખનાર કોરોનાના દર્દીને મુશ્કેલી ના પડે."

માંસાહારી ખોરાક નહીં
રમજાન મહિનામાં સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા આરિફ ખાન પઠાણે રોજા રાખ્યા છે.
એમને વાતચીતમાં કહ્યું કે અમને ડૉક્ટરની મંજૂરી મળ્યા પછી રોજા રાખવાની છૂટ મળી છે, આ રોજામાં વિશેષ ધ્યાન રાખીને સવારે અને સાંજે શાકાહારી ખોરાક આવે છે, પહેલાં અમારી માગ હતી કે અમને નૉન-વેજ અને બ્રેડ આપવામાં આવે પણ ડૉક્ટરોએ સમજાવ્યું કે બ્રેડથી શરીરમાં પાણી શોષાઈ જાય અને પચવામાં સહેલો ખોરાક લેવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે અમે ડૉક્ટરની સલાહ પ્રમાણે ખોરાક લઈએ છીએ, અત્યારે અમે રોજ પાંચ વખતની નમાજમાં દુઆ કરીએ છીએ કે દરેકને કોરોનામાંથી રક્ષણ મળે અને સંબંધીઓને પણ રોજામાં શાકાહારી ખોરાક લેવાની જ સલાહ આપીએ છીએ.
પઠાણ ઉમેરે છે, "અલ્લાહના કરમથી આ ઈદ આવે ત્યાં સુધીમાં કોરોના દૂર થઈ જાય એવી દુઆ કરીએ છીએ, અમે અન્ય સંબંધીઓને કહ્યું છે કે આ વખતે ઇફ્તાર પાર્ટી ન રાખે."


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












