શું ખેતી લૉકડાઉન બાદ ભારતીય અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

22મી એપ્રિલ અને બુધવારે ભારતમાં લૉકડાઉનનો 29મો દિવસ છે. 20મી એપ્રિલથી કેટલીક શરતોને આધીન શહેરી વિસ્તારો બહારની આર્થિકપ્રવૃત્તિ માટે છૂટછાટ આપવામાં આવી છે.

આમાં ઉદ્યોગો, કૃષિ, ઢાબા, પંકચર કરવું, ગૅરેજ સેવાઓ, ઇલેક્ટ્રિશિયન, પ્લંબર અને મિસ્ત્રી જેવી સેવાકીય પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવી છે.ટ્રાન્સપૉર્ટ સેવાઓ અંશતઃ ચાલુ થઈ છે.

જોકે પેસેન્જર ટ્રાન્સપૉર્ટ માટેની સેવાઓ જેવી કે રેલવે, સરકારી બસ તેમજ લકઝરી બસ જેવી ખાનગી સેવાઓ અને હવાઈ મુસાફરી હજુ ચાલુ થયાં નથી.

આ બધા વચ્ચે ભારતમાં 20મી એપ્રિલના રોજ એક જ દિવસમાં કોરોનાના 1553 કેસ સામે આવ્યા છે અને 36 લોકોનાં મોત થયાં છે તે સાથે કોરોના કેસોની કુલ સંખ્યા વધીને 17,256 છે અને લગભગ 560 લોકોનાં મૃત્યુ થયાં છે.

મહામુશ્કેલીમાં મહાસત્તાઓ

સારા સમાચાર એ છે કે ગોવા અને મણિપુર જેવાં રાજ્યો સંપૂર્ણ કોરોનામુક્ત બન્યાં છે.

બીજા એક ગંભીર સમાચાર એવા પણ છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 80 ટકા દર્દીઓમાં આ રોગનાં લક્ષણો દેખાતાં જ નથી.

પરિસ્થિતિ જરાય સારી નથી. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને સૌથી મોટી મિલિટરી તાકાત અમેરિકા સૌથી વધારે પ્રભાવિત છે.

દુનિયાના કુલ 25 લાખ સંક્રમિતો સામે અમેરિકામાં ચોથા ભાગથી વધારે એટલે કે સાત લાખ 92 હજાર દર્દીઓ છે અને વિશ્વમાં કુલ મૃત્યુના એક લાખ 71 હજાર સામે એકલા અમેરિકામાં 42 હજાર જેટલાં મૃત્યુ થયાં છે.

યુરોપ અને જાપાન જેવી બીજી તાકાતવર અર્થવ્યવસ્થાઓ કોરોનાના આક્રમણ સામે સંઘર્ષ કરી રહી છે. આથી વિપરીત જ્યાંથી આ મહામારી શરૂ થઈ તે ચીન ફરી પાછું કામે લાગ્યું છે.

આમ છતાંય 2020-21નું નાણાકીય વરસ વૈશ્વિક મહામારીનું વરસ બની રહેવાની શક્યતા વચ્ચે દરેક દેશની અર્થવ્યવસ્થામાં મોટા પાયે ધોવાણ થશે અને જીડીપી વિકાસદર નકારાત્મક બનશે એવી આગાહી ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે કરી છે.

IMF દ્વારા ચાલુ નાણાકીય વરસ તેમજ 2021-22 (ત્યારબાદનું) નાણાકીય વરસ અંગેની જી.ડી.પી. (કુલ ) વિકાસદરની આગાહી નીચેના કોષ્ટકમાં આપી છે.

ભારત માટે આશાવાન

ભારત માટે આ આગાહી મોટી રાહતના સમાચાર લઈને આવે છે.

ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર છેલ્લાં કેટલાંક વરસોમાં ન જોયો હોય એવું તળિયું પકડીને 1.9 ટકા રહેશે, તેની સામે ચીનના ચાલુ નાણાકીય વર્ષ માટેના જીડીપી વૃદ્ધિદરનું અનુમાન 1.2 ટકા મૂકવામાં આવ્યું છે.

આવતાં વરસે ભારત 7.4 ટકાના દરે વૃદ્ધિ પામશે એ બાબત ભારત માટેના સારા સમાચાર છે.

ભારત માટે આ સિદ્ધિનાં બે કારણો છે, તેમાંનું સૌથી અગત્યનું અને મોટું કારણ ભારતની કૃષિ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાનો ફાળો છે.

આજે પણ 60 ટકા ભારત ગામડામાં વસે છે. કૃષિ આધારિત ગ્રામ્ય અર્થતંત્ર સીધી કે આડકતરી રીતે 50 ટકા જેટલી રોજગારી તો આપે જ છે, પણ 50 ટકા કરતાં વધારે ઉત્પાદિત માલસામાનનું બજાર પણ પૂરું પાડે છે.

દાખલા તરીકે દેશમાં ઉત્પાદન થતાં સિમેન્ટનું 50 ટકા, મોટરસાઇકલ 55 ટકા, કાપડનું 52 ટકા તથા અન્ય વપરાશી માલસામાનનું 50 ટકા કરતાં વધુ વેચાણ ગ્રામ્ય બજારમાં થાય છે.

ગામડું : વિકાસનું એન્જિન

વિકસિત અર્થવ્યવસ્થામાં ફુલ જીડીપીમાં કૃષિનો ફાળો નગણ્ય છે, તેની સરખામણીમાં ભારતમાં કુલ જીડીપીમાં કૃષિનો ફાળો માતબર 16.5 ટકા છે.

ચાલુ પાક વરસ એટલે કે જુલાઈથી જૂન સુધીનું વરસ ભારતમાં ખેતી માટેનું બમ્પર વરસ બની રહ્યું છે.

શહેરોમાંથી મજૂરો લગભગ પોતાનાં ગામોમાં હિજરત કરી ગયા તે ઉદ્યોગો માટે મુશ્કેલી છે, પણ કૃષિ વ્યવસાયમાં મજૂરોની ઉપલબ્ધિ ઘણી સુધારી આપશે એમાં કોઈ શંકા નથી.

આ મુશ્કેલીના સમયમાં પણ કોરોના વાઇરસની પ્રમાણમાં ઓછી અસર થઈ છે તેનું કારણ કૃષિએ ભારતના જીડીપી તેમજ 50 ટકા કરતાં વધુ રોજગારી ઊભી કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

કોવિડ -19ની આ સુનામીમાં કૃષિ અને ખેડૂત ભારત માટે દેવદૂત બનીને ઊભરી આવ્યાં છે.

વિવિધ અર્થતંત્રમાં કૃષિક્ષેત્રનો જીડીપીનો ફાળો દર્શાવતુ કોષ્ટક નીચે આપેલ છે.

તેના ઉપરથી ભારતીય અર્થતંત્રની તાકાતમાં અડીખમ કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનો ખ્યાલ આવી શકશે.

અભિશાપમાં આશીર્વાદ

બીજું મહત્ત્વનું પરિબળ ઘરઆંગણાનું બજાર છે. અત્યાર સુધી નિકાસ વેપારમાં ભારતનો ફાળો નગણ્ય છે, તેમ કહીને માછલાં ધોવાતાં હતાં, પણ અત્યારે ભારતની અર્થવ્યવસ્થા નિકાસ ઉપર આધારિત નહીં હોવાને કારણે તેમજ ઘરઆંગણે વિશાળ બજારની ઉપલબ્ધિને કારણે મંદીના વૈશ્વિક પ્રવાહોથી ભારત અલિપ્ત રહી શક્યું છે.

ભારતીય બજારમાં દરેક કિંમત અને ગુણવતાના માલ માટે ગ્રાહક છે, તેમજ આપણે દુનિયાનું સૌથી મોટું મુક્ત બજાર છીએ, એ તાકાત દેશની અર્થવ્યવસ્થામાં પ્રાણ પૂરે છે.

આનો ફાયદો લેવો હોય તો માત્ર રિઝર્વ બૅન્કની જાહેરાતોથી નહીં ચાલે ભારત તેમજ રાજ્ય સરકારોએ મનરેગા તેમજ ડાઇરેક્ટ કૅશ ટ્રાન્સફર જેવા ઉપાયો થકી આપણી અર્થવ્યવસ્થામાં નીચેના સ્તરના ત્રીજા ભાગ એટલે કે 33 ટકા વસતીના હાથમાં વ્યક્તિદીઠ 5થી 7 હજાર રૂપિયા રોકડા મળે તેવી વ્યવસ્થા કરવી પડશે.

ભારત સરકારે એ સમજવું જોઈએ કે તેમના હાથમાં મુકાતાં આ નાણાં ખરીદીમાં જ વપરાવાનાં છે, એટલે તે પ્રત્યક્ષ રીતે અર્થવ્યવસ્થામાં પ્રાણ પૂરવાનું કામ કરશે.

આ જ રીતે વરસે 10 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વર્ગ માટે બે વરસ ઇન્કમટૅક્સ હોલીડે એટલે કે આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ જાહેર કરવી જોઇએ.

નાના વેપારીઓ અને માઇક્રો ઉદ્યોગો માટે રાજ્ય સરકારે SIDBI (સ્મૉલ ઇન્ડસ્ટ્રી ડેવલપમૅન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા) સાથે રહી ગૅરન્ટર તરીકે વ્યાજમુક્ત વર્કિંગ કૅપિટલ લૉન આપવી જોઈએ.

આમાં વ્યાજનો બોજ રાજ્ય સરકાર વેઠે બાકીનાં નાણાં રિઝર્વ બૅંકના બીજા પૅકેજમાં SIDBIને આપવામાં આવ્યાં છે તેમાંથી ચૂકવાય.

બૅન્કોને પણ ડિવિડન્ડમુક્તિ આપવાને કારણે વધારાનાં નાણાં મળશે તે ઉપરાંત રિવર્સ રેપો રેટમાં વધુ 25 બેઝિસ પૉન્ટ ઘટતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાં થાપણો નહીં મૂકવાને કારણે જે નાણાં પડ્યાં રહે તે હયાત ઉદ્યોગો અને વ્યાપારમાં પ્રાણ ફૂંકવા માટે વાપરવાં જોઈએ.

સ્ટેન્ડ-અપ થવા સ્ટાર્ટ-અપ

આ નાણાં સ્ટાર્ટ-અપ કે મૅક ઇન ઇન્ડિયા માટે વાપરવાની પ્રાયોરિટી બીજી હોવી જોઈએ.

આવનાર બે વરસ નવા એકમો નહીં પણ હયાત ઉદ્યોગો અને વ્યાપારને જીવાડવાનો પ્રશ્ન છે.

એ જો બંધ પડશે તો અબજો રૂપિયાનું રોકાણ, મકાન, પ્લાન્ટ અને મશીનરી નકામાં થઈ જશે.

વ્યાપક બેરોજગારી ઊભી થશે અને સરવાળે ઉદ્યોગોની માંદગી ખૂબ મોટા પાયે વધી જતાં લઘુ તેમજ માઇક્રો અને મધ્યમ ઉદ્યોગોથી માંડી નાના વેપારીઓનો ખુરદો નીકળી જશે.

સમાજમાં મોટા પાયે અરાજકતા ઊભી થશે.

કેન્દ્રની પ્રાથમિકતા હયાત રોકાણ અને રોજગારીને બચાવવાની હોવી જોઈએ. ત્યારબાદ નવું રોકાણ આવતું હોય તે આવકાર્ય છે.

મૂલ વધારવા અમૂલ મૉડલ

કૃષિ ખૂબ મોટું ઉત્પાદન કરે છે પણ એના માટેનું બજાર ઊભું કરવું પડશે.

અમૂલ જેવી બ્રાન્ડની નીચે ખેડૂત ઘઉંને બદલે આટો, મેંદો કે ચણાનો લોટ(બેસન) જેવાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો વેચે અને એમાંથી જે નફો આવે તે દૂધ ઉત્પાદકોની જેમ જ ઉત્પાદક તરીકે પોતે મેળવે તો જ ખેડૂતનું કલ્યાણ થશે.

જો ખેડૂતને પોતાના ઉત્પાદનના ભાવ યોગ્ય નહીં મળે, તો એ નિરાશ થઈ ખેતીથી દૂર થશે, જે આ દેશની અર્થવ્યવસ્થાના હિતમાં નથી.

ખેતી માત્ર અર્થવ્યવસ્થાને પોષે છે એ ખ્યાલ પણ ખોટો છે.

લગભગ 300 મિલિયન ટન અનાજ પેદા કરતા ખેડૂતો દેશને અન્નસુરક્ષા પૂરી પાડે છે.

પેટ ભરવા માટે ભારતે કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી અને અનાજ માગીને નથી લાવવું પડતું. એ સ્વાયતતા અને આત્મગૌરવ આપણને કિસાને આપ્યાં છે.

ઉપરોક્ત બે કારણસર કોવિડ -19ની સામે પણ ભારતીય અર્થતંત્રનો વિકાસદર નકારાત્મક નહીં બને અને ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડના વરતારા મુજબ, આવતે વરસે 7.4 ટકા જેટલો માતબર વિકાસદર લાવી શકીશું એ વાત કોવિડના આ મહાવિનાશકારી ઝંઝાવાતની વચ્ચે હાશકારાનું સ્મિત લાવી દે તેમ છે.

જેના માટે દેશના કિસાનો લાખ-લાખ સલામના અધિકારી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો