છ દિવસમાં ગુજરાતમાં થયેલી એ શોધ જે કોરોના વાઇરસને રોકવામાં મદદરૂપ થશે

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

જગતભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે રાહતના સમાચાર એ છે કે રાજ્ય સરકારના ગુજરાત બાયૉટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) દ્વારા કોરોનાના વાઇરસની હૉલ જીનોમ સિક્વન્સ તૈયાર થઈ કરાઈ છે.

જીનોમ સિક્વન્સ એટલે જનીન શૃંખલા. જનીન એ કોઈ પણ સજીવની આનુવંશિકતાનો એકમ છે. જનીન રંગસૂત્ર પર ક્રમબદ્ધ રીતે હારબંધ ગોઠવાયેલા ડીએનએ (ડિઓક્સિરીબો ન્યુક્લલિઈક ઍસિડ)ની ચોક્કસ લંબાઈ ધરાવતો ભાગ છે. જનીન એ પ્રોટીનના સંશ્લેષણ વડે ચોક્કસ પ્રકારના લક્ષણ વ્યક્ત કરે છે. આ થઈ જીનોમ સિકવન્સ માટેની સાદી સમજ.

કોરોનાનો વ્યાપ ચીનથી લઈને જગતના ઘણા દેશમાં ફેલાયો છે. ચીન સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાઇરસની જીનોમ સિક્વન્સ શોધાઈ છે.

ગુજરાતમાં જે કોરોના વાઇરસની જનીન શૃંખલા શોધાઈ છે એમાં કોઈ નવી વાત સામે આવી છે?

ગુજરાતની શોધમાં શું તફાવત છે?

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જીબીઆરસીના ડિરેક્ટર ચૈતન્ય જોષીએ કહ્યું હતું, “અમે કોરોના વાઇરસનું જે સંશોધન કર્યું અને જીનોમ સિક્વન્સ તૈયાર કરી એમાં કુલ નવ મ્યુટેશન્સ એટલે કે પરિવર્તન સામે મળ્યાં છે. 9માંથી 6 મ્યુટેશન્સ દુનિયાના અન્ય દેશોએ મેળવ્યા છે,"

"બાકીના 3 નવા છે આપણે ઓળખ્યા છે. ટૂંકમાં કોરોના વાઇરસની લાક્ષણિકતાના ત્રણ જે નવા બદલાવ છે એ ગુજરાતમાં આપણા રિસર્ચ સેન્ટરે નોંધ્યા છે.”

કોરોનાના વાઇરસનું એવું કયું મજબૂત પાસું છે જે તેની ક્ષમતા વધારે છે?

આ સવાલના જવાબમાં ચૈતન્ય જોષીએ કહ્યું હતું કે “કોઈ પણ વાઇરસ શરીરમાં દાખલ થાય છે ત્યારે એ પોતાની મેળે સતત વધતો નથી. એ શરીરના કોષમાં દાખલ થઈને પોતાનું પ્રોટીન બનાવે છે."

"વાઇરસનું આરએનએ (રીબો ન્યુક્લલિઈક ઍસિડ) એ જેના શરીરમાં દાખલ થયો છે એના કોશનું જે પ્રોટીન તંત્ર છે એનો ઉપયોગ કરીને પોતાનું પ્રોટીન બનાવે છે. પછી એ એક વાઇરસ પાર્ટિકલમાંથી અન્ય વાઇરસ પાર્ટિકલ્સ બનાવે છે અને પછી એ કોશને પસાર કરે છે."

"એને પ્રતાપે એ વાઇરસ શરીરમાં ગુણાંકમાં ફેલાય છે. એટલે કે વાઇરસ બેના ચાર થાય છે. ચારના આઠ થાય છે અને આઠના સોળ થાય છે. એ રીતે શરીરમાં ફેલાય છે.”

તેઓ વધુમાં કહે છે, “માણસ કે વનસ્પતિ જેવા સજીવોમાં વાઇરસનો મ્યુટેશન દર ઓછો હોય છે પણ જેમ-જેમ નાના સજીવો તરફ વળીએ તેમ-તેમ એના બદલાવનું સ્વરૂપ વધતું જાય છે. જેમ કે, બૅક્ટેરિયા અને વાઇરસનો મ્યુટેશનનો દર વધારે હોય છે."

"વાઇરસે ટકી રહેવું હોય એટલા માટે એ પોતાની સંરચના બદલતો રહે છે.”

“માણસે જે દવા તૈયાર કરી હોય એની સામે ટકી રહેવા માટે એ પોતાની સંરચનામાં સતત ફેરફાર કરતો રહે છે. આપણી સામે જે ૩ નવા મ્યુટેશન્સ નોંધાયા છે એનો અભ્યાસ ચાલે છે. એની અસર શું થઈ શકે એનો અભ્યાસ પણ ચાલે છે."

"કોરોના વાઇરસમાં મ્યુટેશનનો દર એવો હોય છે કે એક મહિનામાં તેની સંરચના બે વખત બદલાઈ શકે છે.”

તમે જે હૉલ જીનોમ સિક્વન્સ તૈયાર કરી છે એના માટે કેટલા દિવસો લાગ્યા? આના જવાબમાં ચૈતન્ય જોષીએ કહ્યું હતું કે “અમે 5 તારીખે કોરોના પૉઝિટિવ વ્યક્તિનું સૅમ્પલ મેળવ્યું હતું. એના પર સંશોધન કરીને 9 તારીખે અમે જીનોમ સિક્વન્સિસ તૈયાર કરી દીધી હતી. છ દિવસમાં અમે જીનોમ સિક્વન્સ તૈયાર કરી.”

હવે આગળ શું કરવાના છો? એ વિશે જણાવતાં ચૈતન્ય જોશીએ કહ્યું હતું કે “અમારો ટાર્ગેટ 100 જેટલા જીનોમ સિક્વન્સ તૈયાર કરવાનો છે.”

આની રસી ક્યાં સુધી બની શકશે એ કહી શકાશે? એ વિશે જણાવતાં ચૈતન્ય જોષીએ કહ્યું હતું કે “હજી સુધી ઍઇડ્સ એટલે કે એચઆઇવીની રસી પણ બની શકી નથી. એવું નથી કે દરેક વાઇરસ એચઆઈવી જેવો હોય છે. કેટલાક વાઇરસની લાઇફ સાઇકલ એવી હોય છે કે તે સરળતાથી ટાર્ગેટ થઈ શકે છે કેટલાકની લાઇફ સાઇકલ એવી હોય છે કે એ નથી ટાર્ગેટ થઈ શકતા.”

“વનસ્પતિથી લઈને જે કોઈ સજીવ હોય એની સંરચના અને સ્વભાવ છે એ તેના ન્યુક્લિઈક ઍસિડ - ડીએનએના આધારે નક્કી થતાં હોય છે. એ જ રીતે વાઇરસની સંરચના અને પ્રકૃતિ પણ એના ન્યુક્લિક ઍસિડના આધારે નક્કી થતી હોય છે."

"એની સંરચના અને પ્રકૃતિ સમજવામાં આવે તો વાઇરસ કઈ રીતે પ્રહાર કરે છે અને એની તીવ્રતા શું છે એનો પણ તાળો મળે છે. એની દવા કે રસી બનાવવી હોય તો પણ એ કમ્પ્યુટર લેવલે ચકાસી શકીએ પછી લૅબમાં ચકાસી શકીએ. પછી એની ટ્રાયલ થઈ શકે.”

જીબીઆરસીના સાયન્ટિસ્ટ તેમજ જૉઇન્ટ ડિરેક્ટર માધવી જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “આ જીનોમ સિક્વન્સ પ્રથમ પગથિયું છે. હજી અમે વધારે જીનોમ સિક્વન્સિસ તૈયાર કરીશું. અમે ત્રણ દિશામાં આગ વધવા માગીએ છીએ."

"એક, રસી બનવાવવામાં શું ફાયદો મળે. બીજું કે ગુજરાતમાં વાઇરસ અલગ-અલગ દેશમાંથી આવેલો છે એટલે એ કયા પ્રકારનો છે. ત્રીજી બાબત એ કે વ્યક્તિમાં રોગ ફેલાવવાની એની ક્ષમતા કેટલી છે એનું સંશોધન અમે કરશું. આના નિદાન માટેની કિટ બનાવવાનો પ્રયાસ પણ અમે કરી રહ્યા છીએ.”

અમદાવાદના ક્લિનિકલ માઇક્રો બાયૉલૉજિસ્ટ ડૉ. અરવિંદ નનેરાએ બીબીસી સાથે આ જીનોમ સિક્વન્સ વિશે વાત કરતાં કહ્યું હતું કે “આ મહત્ત્વપૂર્ણ સંશોધન છે. થાઇલૅન્ડ, ચીન, સાઉથ કોરિયા વગેરે દેશોએ પણ જીનોમિક સિક્વન્સ તૈયાર કરી છે."

"ભારતમાં જે જિનોમિક સિક્વન્સ તૈયાર થઈ એને લીધે મદદ એ મળે છે કે બાકીના દેશો સાથે આપણે તુલના કરી શકીશું કે, આપણા દેશની અંદર જે વાઇરસ ફેલાયો છે એની સિક્વન્સ અને બાકીના દેશોની સિક્વન્સમાં ફેર છે કે નહીં. ત્રણ નવી સિકવન્સ આપણા સંશોધનમાં સામે આવી છે.”

'ગુજરાત માટે ગૌરવની વાત'

રાજ્યના આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ જયંતી રવિએ મીડિયાને જણાવ્યું હતું કે “કોરોના 11 માર્ચના રોજ વૈશ્વિક મહામારી જાહેર થઈ હતી."

"એની પહેલી જીનોમ સિક્વન્સ ચીનના બેઇજિંગમાં ચાઇનીસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલે 10 જાન્યુઆરીએ તૈયાર કરી હતી. એ પછી વિશ્વમાં 396 જેટલી લૅબોરેટરીમાં 500 જેટલાં વિવિધ ઠેકાણેથી સૅમ્પલ લઈને 8169 જેટલા જીનોમ સિક્વન્સિસ તૈયાર થયા છે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા માટે ગૌરવની વાત એ છે કે ભારતની અન્ય કોઈ સ્ટેટ લૅબોરેટરીએ કોવિડ-19ની જીનોમ સિક્વન્સ તારવવાનું કરવાનું કામ નથી કર્યું. ગુજરાતે આ કામ કર્યું છે. આનાથી ફેર એ પડશે કે વાઇરસને સમજવા માટે જીનોમ સિક્વન્સ ચાવીરૂપ રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો