કોરોના વાઇરસ : શું લૉકડાઉન બાદ બેરોજગારી અને ગરીબી ફરી વધશે?

કોરોના વાઇરસ
    • લેેખક, નિધિ રાય
    • પદ, બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ મુંબઈ

ભારતમાં લાગુ પડેલા લૉકડાઉનને કારણે ત્રણ સંતાનનાં માતા ઉમેશ ચૌધરી માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

37 વર્ષનાં ઉમેશ ઇશાન દિલ્હીના અડિચીની વિસ્તારમાં રહે છે અને તેમના ગુજરાનનું એકમાત્ર સાધન બંધ થઈ ગયું છે. તેઓ આસપાસની ઑફિસોમાં લોકોને ટિફિન પહોંચાડવાનું કામ કરતાં હતાં.

"સારી એવી કમાણી થતી હતી. મારી પાસે 35 જેટલા ઑર્ડર હતા. એક ટિફિનના 60 રૂપિયા મળતા હતા. હવે ઑફિસો બંધ થઈ ગઈ છે એટલે કામ બંધ થઈ ગયું છે. બચત છે તેમાંથી ઘર ચાલે છે. કોઈ આવક વિના પાંચ જણાના કુટુંબનું પૂરું કરવું મુશ્કેલ છે."

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

કોરોના વાઇરસ

મિરઝાપુરથી રોજીરોટી માટે આવેલા 27 વર્ષના શારદા પ્રસાદની પણ આવી જ હાલત થઈ છે. તેઓ માળી કામ અને સાથે મકાન ભાડે આપી દલાલીનું કામ કરીને ગુજરાન ચલાવતા હતા.

"મારા માલિકોએ જણાવી દીધું છે કે ફરી ક્યારથી કામ શરૂ કરી શકાશે કશી ખબર નથી. હું તો ફસાયો છું. શું કરવું સમજ નથી આવતી."

24 માર્ચે ભારત સરકારે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાદવામાં આવે છે. 14 એપ્રિલે તે પૂરું થવાનું હતું, પણ તે દિવસે વડા પ્રધાને જાહેરાત કરી તેને લંબાવીને હવે 3 મે સુધી લૉકડાઉન રાખવામાં આવશે.

લૉકડાઉનના કારણે અભૂતપૂર્વ રીતે શહેરોમાંથી લોકોનો વતનમાં જવા માટે ધસારો થયો હતો. આર્થિક કામકાજ અટકી પડ્યું તે સાથે જ લાખો લોકો માઈલો દૂર આવેલા પોતાના ગામડે જવા માટે પગપાળા જ નીકળી પડ્યા હતા.

ભારતે હવે ખેતીવાડી, બૅન્કિંગ અને આવશ્યક સેવામાં છૂટછાટો આપી છે, પણ જાહેર પરિવહન અને મોટા ભાગના વેપાર ઉદ્યોગ હજીય બંધ જ છે. પરિણામે આમ પણ બેરોજગારીની સમસ્યા ભારતમાં હતી તે વધારે વકરી જશે તેમ લાગે છે.

કોરોના વાઇરસ
line

લૉકડાઉનની અસર

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે.

24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો.

"માર્ચ 2020, શ્રમિક વર્ગની પ્રવૃત્તિઓ આજ સુધીમાં સૌથી ઓછી થઈ ગઈ છે. બેરોજગારી બહુ જ વધી ગઈ છે અને રોજગારીનો દર આજ સુધીનો સૌથી ઓછો થઈ ગયો છે", એમ CMIEના સીઈઓ મહેશ વ્યાસે લખ્યું હતું.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રનોબ સેને હાલમાં જ જણાવ્યું હતું કે લગભગ 5 કરોડ ભારતીય કામદારોએ રોજગારી ગુમાવી દીધી છે.

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિઝના નાબાર્ડ ચૅર પ્રોફેસર આર. રામકુમારે બીબીસીને જણાવ્યું, "2018માં ભારતીય અર્થતંત્ર આમ પણ ધીમું પડવા લાગ્યું હતું. અસમાનતાનું પ્રમાણ પણ અસ્વીકાર્ય હદે વધારે છે. નેશનલ સૅમ્પલ સર્વે અનુસાર 2011-12 અને 2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તારમાં ખોરાક પાછળનો ગરીબ પરીવારનો ખર્ચ ઘટી રહ્યો છે. એટલે કે 2017-18ના વર્ષમાં ગરીબીનું સ્તર પાંચ ટકા જેટલું વધી ગયું છે. આવા કપરા સમયે જ ભારતમાં કોરોનાનું સંકટ આવ્યું છે.

આર્થિક સ્થિતિ ખરાબ હતી તે લૉકડાઉનના કારણે વકરી છે. ખોરાક અને બીજી જીવન જરૂરી ચીજવસ્તુઓની માગમાં થયેલો ઘટાડો દર્શાવે છે કે ગરીબોની ઉપભોગ માટેની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે.

બીજા શબ્દોમાં કહીએ તો આજે ગરીબીનો સર્વે કરવામાં આવે તો 2017-18ના વર્ષ કરતાં ઘણું ઊચું પ્રમાણ જોવા મળી શકે છે.

એટલું તો નક્કી લાગે છે કે કમસે કસ આગામી બે ક્વાર્ટર ભારતીય અર્થતંત્ર નૅગેટિવ નહીં તો પણ માત્ર 1% ટકા જેટલા દરે જ વિકસી શકશે.

કામદારો અને બિનસંગઠિત ક્ષેત્રના મજૂરોને અનાજ પૂરું પાડવા માટે ભારત સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કરેલું છે. તેમાં રોકડ સહાય, તબીબી સહાય વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે.

વડા પ્રધાને 14 તારીખે રાષ્ટ્રને સંબોધન વખતે વેપારઉદ્યોગને વિનંતી કરી હતી કે કોઈ કર્મચારીઓને છુટ્ટા ના કરશો. પરંતુ વેપારીઓ મૂંઝવણમાં છે, કેમ કે વેપારધંધા વિના કેટલો સમય તે પગાર આપી શકે તે નક્કી નથી.

બાંધકામ ક્ષેત્રના અગ્રણી નિરંજન હિરાનંદાણીએ બીબીસીને જણાવ્યું કે બાંધકામ ક્ષેત્રમાં 2 કરોડ જેટલા મજૂરો કામ કરે છે. લૉકડાઉન હઠી જાય તે પછી પણ એકસાથે બધાને ફરીથી કામે લઈ લેવાનું મુશ્કેલ થવાનું છે.

"બાંધકામ ફરી શરૂ ત્યારે બિલ્ડરોને આટલા બધા મજૂરોની તરત જરૂર પણ નડી પડી. તેઓ ઓછા મજૂરોને કામે રાખીને ખર્ચ ઘટાડવાની કોશિશ કરશે," એમ હિરાનંદાણી કહે છે.

એસ્ટિમ અપેરલના સમીર મહેતા છેલ્લાં 26 વર્ષથી યુરોપ અને અમેરિકામાં અપેરલ સપ્લાય કરતા આવ્યા છે. તેમની ટેક્સટાઇલ ફૅક્ટરીમાં 150 કામદારો છે.

સમીર મહેતા કહે છે, "યુરોપ અને અમેરિકામાંથી નવા ઑર્ડર આવવાનું અટકી પડ્યું છે. નજીકના ભવિષ્યમાં આ બજારો ખૂલે તેમ મને લાગતું નથી. તેથી કામદારોને ફરીથી કામે બોલાવતા પહેલાં ઘણાં પરિબળો પર વિચાર કરવો પડશે."

જાણકારો કહે છે કે ઉદ્યોગોને હજી વધુ રાહતો આપવી પડશે. અર્થશાસ્ત્રી અરુણ કુમાર કહે છે કે

"1.7 લાખ કરોડ રૂપિયાનું પૅકેજ આપવામાં આવ્યું તે જીડીપીના 0.8% ટકા થયું, જે ઘણું અપૂરતું છે. બિનસંગઠિત ક્ષેત્રમાં દર મહિને 9 લાખ કરોડ રૂપિયાની આવક હતી, તે લોકો ગુમાવી રહ્યા છે."

અરુણ કુમારના અંદાજ અનુસાર હજીય ભારતના 94% કામદારો અને મજૂરો બિનસંગઠિત ક્ષેત્રમાં જ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગરીબીમાં થશે વધારો

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

લૉકડાઉન લંબાવાયું તે પછી ભારત સામે જીવ અને જીવનનિર્વાહ બંનેનું સંકટ છે.

લાંબા ગાળાના સામાજિક આર્થિક પડઘા શ્રમિક વર્ગમાં પડશે તેની ચેતવણીઓ અપાઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના મલ્ટિ ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ અનુસાર અત્યારે ભારતમાં 36.9 કરોડો લોકો ગરીબ છે. 2018ના Oxfam Internationalના અસમાનતા નિવારણના ઇન્ડેક્સમાં 157 દેશોમાં ભારતનું સ્થાન 147મું છે.

જાણકારો કહે છે કે આ મહામારીને કારણે ગરીબીનું પ્રમાણ વધશે, કેમ કે ભારતીય મજૂરો હજીય રોજમદાર તરીકે જીવે છે અને ટકી જવા માટે તેમણે સરકારી સહાય પર જ આધાર રાખવો પડે છે. કોરોના સંકટના કારણે સ્થિતિ વિકટ બની છે, કેમ કે માગ અને પુરવઠો બંને ઘટી ગયા છે.

ઉત્પાદન ફરીથી શરૂ કરવું અને ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે નવેસરથી કામકાજ શરૂ કરવું મુશ્કેલ બની શકે છે.

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર પરિણામો ઘણા ગંભીર આવવાનાં છે.

ભારતમાં 40 કરોડ મજૂરો ગરીબીમાં ઊંડા ઊતરી જવાના છે. Oxfam સંસ્થાનું માનવું છે કે કોરોના રોગચાળાને કારણે ગરીબી સામેની લડત વિશ્વના કેટલાક હિસ્સામાં 30 વર્ષ જેટલી પાછળ ધકેલાઈ જશે.

લાંબો સમય બેરોજગારીના સંજોગોમાં સામાજિક અસંતોષ પણ ઊભો થઈ શકે છે, એમ જાણકારો કહે છે.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેસનના ફેલો મિહિર સ્વરૂપ શર્મા બીબીસીને જણાવ્યું કે, "ભારતના આશાવાન એવા યુવાવર્ગ પર આ અભૂતપૂર્વ આર્થિક સંકટ આવ્યું છે. તેના કારણે ભારે અસંતોષ ઊભો થઈ શકે છે. કમનસીબે તોફાનો થશે તેમાં લઘુમતીને નિશાન બનાવાશે, ખાસ કરીને જો રોગચાળોને આજ રીતે કોમવાદી સ્વરૂપ અપાવાતું રહ્યું તો."

લેખક અને પત્રકાર રજની બક્ષીએ બીબીસીને જણાવ્યું કે, "આ પીડામાંથી બહાર નીકળવા માટે આપણે સૌએ સમાન રીતે જવાબદારી સ્વીકારી લેવી રહી."

આર્થિક સંકટનો સામનો કરવા માટે ગરીબો એકલા જ રહી ના જાય તે માટે નક્કર પગલાં ઉઠાવવાં પડશે એમ તેમણે જણાવ્યું હતું.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો