કોરોના વાઇરસ : મહામારીની ઝડપે મુસ્લિમ સમાજ સામે નફરત ફેલાવાઈ રહી છે?

નિઝામુદ્દીન મરકઝ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં જ અમદાવાદ શહેર પોલીસે તમામ પોલીસ સ્ટેશનોને ચેતવણી આપી હતી અને સાવચેત રહેવા માટે એક ઇન્ટરનલ સર્ક્યુલર ઇસ્યૂ કર્યો હતો.

દેશભરમાં કોરોના સામેની લડાઈ સમયે આ પ્રકારના સર્ક્યુલર પાછળ મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત ફેલાવતાં અમુક વાઇરલ મૅસેજો હતા.

દિલ્હીના નિઝામુદ્દીનમાં મળેલા તબલીગી જમાતના એક ધાર્મિક મેળાવડામાં આવેલા લોકોમાંથી અમુક લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની વાત સામે આવ્યા પછી, આ પ્રકારના મૅસેજ ગુજરાતના લોકોના ફોનમાં આવ્યા હતા.

આ મૅસેજમાં મુસ્લિમ સમાજના લોકો સામે વધુ નફરત ફેલાય તેવી તથ્ય વગરની વાતોનું વિવરણ હતું. જેમ કે તેમની પાસેથી કોઈ વસ્તુ ખરીદવી નહીં, કારણ કે તેઓ કોરોના વાઇરસનો ચેપ હિંદુઓને લાગે તે માટે વસ્તુઓને સંક્રમિત કરીને વેચે છે.

આવા મૅસેજ અનેક લોકોના ફેસબુક અને વૉટ્સઍપ એકાઉન્ટ પર જોવા મળ્યા હતા.

અમદાવાદ પોલીસને જ્યારે તેમના નેટવર્ક દ્વારા વાઇરલ મૅસેજની જાણ થઈ તો તેમણે તુરંત જ એક ઇન્ટરનલ સર્ક્યુલર મારફતે તમામ પોલીસ સ્ટેશનને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેત કરી દીધાં હતાં.

આ સર્ક્યુલર વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર (વિશેષ શાખા) પ્રેમવીર સિંહ સાથે વાત કરી.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

તેમણે કહ્યું કે પોલીસને આ મૅસેજ વિશે ઑનલાઇન મૉનિટરિંગ દ્વારા જાણ થઈ હતી અને ત્યારબાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તકેદારી રાખવા માટે પોલીસને સતર્ક કરવામાં આવી છે.

તેઓ કહે છે, "મોટા ભાગના ફેરિયાઓ જે હાલમાં રસ્તાઓ ઉપર દેખાય છે તે જરૂરી સામગ્રીઓ જ વેચે છે. તેઓ શાક, ફળ વગેરે વેચતા હોય અને જો આવા મૅસેજથી પ્રેરિત થઈને તેમની ઉપર હુમલો થઈ જાય તો તે બધા માટે નુકસાનકારક છે."

જોકે, હજી સુધી અમદાવાદમાં આ મૅસેજની કોઈ તુરંત અસર જોવા મળી નથી, પરંતુ આ પ્રકારના નફરત ફેલાવતા મૅસેજની અસર લાંબે ગાળે ખૂબ થતી હોય છે, તેવું ઘણા લોકો માને છે.

line
કોરોના વાઇરસ
line

મરકઝની ઘટનાએ મહામારીનું નૅરેટિવ બદલી નાખ્યું છે?

નિઝામુદ્દીન મરકઝ

ઇમેજ સ્રોત, Getty Images

શું નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મેળાવડાએ કોરોના વાઇરસનું નૅરેટિવ બદલી નાખ્યું છે?

પહેલી માર્ચથી પંદર માર્ચ સુધી દિલ્હીના નિઝામુદ્દીનમાં મળેલી તબલીગી જમાતના મરકઝમાં આવેલા અનેક લોકો દેશનાં અલગઅલગ રાજ્યોમાં પહોંચ્યા હતા.

તેમાંથી ઘણાને કોરોના વાઇરસની અસર હતી, તો ઘણાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ લોકો દેશનાં અલગઅલગ રાજ્યોમાં પહોંચ્યા અને બીજા લોકોને એમના દ્વારા ચેપ લાગ્યો હોવાનું કેટલાય લોકોનું માનવું છે.

આ ઘટના બાદ અનેક ટીવી ચેનલો પરની ડિબૉટમાં જમાતના લોકો ઉપરાંત મુસ્લિમ સમાજના લોકો, ઇસ્લામિક ધર્મગુરુઓ અને મુસ્લિમ નેતાઓને ટાંકીને દેશમાં કોરોના વાઇરસના ફેલાવા માટે મુસ્લિમ સમાજને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરાયો હોવાનું ઘણા નિષ્ણાતો માને છે.

મુસ્લિમ સ્કૉલર અને એમ.એસ. યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર જે.એસ. બંદૂકવાલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન કહે છે :

"નિઝામુદ્દીનની ઘટના બાદ કોરોના વાઇરસનું નૅરેટિવ બદલાવી દેવામાં આવી રહ્યું છે. અમુક લોકોને કારણે આખા સમાજને આરોપી તરીકે જોવામાં આવી રહ્યો છે."

તેઓ કહે છે, "આ પ્રકારના મૅસેજથી મુસ્લિમ લોકો, અને તેમાંય યુવાનો ખૂબ નિરાશ થઈ જાય છે. મોટા ભાગના યુવાનો પોતાના દેશથી દૂર જવાની વાતો કરવા માંડે છે, જે આ દેશ માટે ખોટું છે."

પ્રોફેસર બંદૂકવાલાના ઘર પર વર્ષ 2002નાં તોફાનો દરમિયાન હુમલો થયો હતો અને ત્યારબાદ તેઓ અનેક સ્થળોએ મુસ્લિમ સમાજના લોકો સાથે થતાં ભેદભાવ પર બોલ્યા છે.

શબનમ હાશમી દિલ્હીમાં રહે છે અને તેમની સંસ્થા 'અનહદ' દ્વારા ગુજરાતના મુસ્લિમ સમાજના લોકો માટે કામ કરે છે.

તેઓ કહે છે કે તબલીગી જમાતનો તેઓ ઘણાં વર્ષોથી વિરોધ કરી રહ્યાં છે, અને તેમનું આ જમાત સાથે ક્યારેય બન્યું નથી.

પરંતુ માત્ર તેમને જ કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર ઠેરાવવા તે વાતને તેઓ યોગ્ય માનતા નથી.

"તેમના આ કાર્ય પછી મુસ્લિમ સમાજ સામે આવા મૅસેજ કરીને તેમના માટે હિંદુ સમાજમાં નફરત ફેલાવવી કેટલું યોગ્ય છે?" તેઓ સવાલ કરે છે.

હાશ્મી કહે છે કે "હાલમાં લૉકડાઉન બાદ જ્યારે સ્થળાંતરિત મજૂરો અને ગરીબ લોકોની તકલીફો સામે આવી છે, ત્યારે જાણીજોઈને આ પ્રકારના મૅસેજ મોકલીને લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દા પરથી ખસેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

આવા મૅસેજથી મુસ્લિમ સમાજ પર શું અસર પડશે?

નિઝામુદ્દીન મરકઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા માને છે કે આ પ્રકારના વાઇરલ મૅસેજથી કોઈ ફરક નહીં પડે, જ્યારે અમુક લોકો આવા મૅસેજથી ચિંતિત છે.

મુંબઈસ્થિત ઝફર સરેશવાલા (જેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી બિઝનેસ સમિટમાં તેમની સાથે જોવા મળે છે) બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે,

"આ પ્રકારનાં કૃત્યો અમુક કટ્ટરવાદી લોકો દ્વારા અગાઉ પણ કરવામાં આવતાં હતાં."

"મને યાદ છે કે 1985નાં અમદાવાદમાં થયેલાં તોફાનો બાદ અમે પૅમ્ફલેટ જોયાં હતાં, જેમાં આ જ પ્રકારે મુસ્લિમ સમાજથી દૂર રહેવા માટે હિંદુ સમાજને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ થોડા દિવસો પછી બધું સામાન્ય થઈ ગયું. લોકો પોત-પોતાનાં કામોમાં વ્યસ્ત થઈ ગયાં."

સરેશવાલા માને છે કે મુસ્લિમ સમુદાય સારા આચરણથી આ પ્રકારના મૅસેજની વિપરીત અસર બદલી શકે છે.

જોકે મુસ્લિમ સમાજના લોકો માટે છેલ્લાં 40 વર્ષથી કામ કરતાં હનીફ લાકડાવાલા કંઈક અલગ વિચારે છે.

તેઓ કહે છે કે, આવી રીતે જો એક સમાજને વારેઘડીએ પરેશાન કરવામાં આવશે તો લોકો ક્યાં જશે, શું કરશે?

તેઓ કહે છે, "80ના દાયકામાં મારી પાસે અમેરિકામાં જઈને ત્યાં વસી જવાની તક હતી, પરંતુ મેં તે ન સ્વીકારીને અહીંના લોકો માટે જ કામ કરવાનું વિચાર્યું હતું. પરંતુ હવે મને એવું લાગવા માંડ્યુ છે કે, શું મેં ભૂલ કરી હતી? મને હવે મારા જ દેશમાં એક ઍલિયન જેવી અનુભૂતિ થઈ રહી છે."

તેઓ વધુમાં કહે છે કે મુસ્લિમ સમાજને નકારીને, તેમને પોતાનાથી દૂર રાખીને, તેઓ અમારા જેવા નથી, તેવું માનીને અમુક લોકો દેશને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે.

વર્ષ 1977માં એમબીબીએસની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ સુરતથી અમદાવાદ આવ્યા હતા અને પછી અહીં જ રહીને છેલ્લા ઘણા સમયથી ગરીબ મુસ્લિમો માટે કામ કરી રહ્યા છે.

આ વિશે જ્યારે વડોદરાસ્થિત કલાકાર અને હિન્દુ-મુસ્લિમ એકતા પર કામ કરતા ધીરુ મિસ્ત્રીને વાત કરી તો તેમણે કહ્યું કે આવા મૅસેજથી હિંદુ સમાજના લોકોમાં મુસ્લિમ સમાજના લોકો માટે નફરતની ભાવના વધે છે.

મિસ્ત્રી જણાવે છે, "લોકોએ આ પ્રકારના મૅસેજ પર ભરોસો નહીં કરીને મુસ્લિમો સાથે પોતાનો વ્યવહાર વધારીને પોતે જ જાણવું જોઈએ કે તેમને શું કરવું છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો