પોલીસ ઉપર થૂંકનાર આ વ્યક્તિ તબલીગી જમાત સાથે સંકળાયેલી? ફૅક્ટ ચેક

દિલહીની લોકલ બસોમાં તબલગીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીની લોકલ બસોમાં તબલગીઓ
    • લેેખક, કીર્તિ દૂબે
    • પદ, ફૅક્ટ ચેક ટીમ

માર્ચ મહિનામાં દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા શ્રદ્ધાળુઓમાં કોવિડ-19નો ચેપ વ્યાપકપણે જોવા મળ્યો, જેના કારણે દેશમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્તોની સંખ્યામાં જંગી ઉછાળો જોવા મળ્યો.

શુક્રવારની સ્થિતિ મુજબ મૃતક 56 લોકોમાંથી 15 પેશન્ટ તબલીગી જમાત સાથે જોડાયેલા હતા. દેશના કૂલ 2000 જેટલા દરદીઓમાંથી 400 જેટલા સંક્રમિતો તબલીગી જમાત સાથે જોડાયેલા છે.

સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના દવા થઈ રહ્યા છે.

આવા જ એક વીડિયોને વ્યાપક રીતે શૅર કરવામાં આવી રહ્યો છે, સાથે જ એવો દાવો થઈ રહ્યો છે કે કેટલાક ચેપગ્રસ્ત તબલીગીઓ પોલીસ પર થૂંક્યા, જેથી તેઓ પણ બીમાર થઈ જાય.

line

વાઇરલ વીડિયો

કોરોના વાઇરસ

ગુરુવારે સાંજે એક ટ્વિટર યૂઝરે 27 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે "જેમને પુરાવો જોઇતો હોય, તેઓ આ જોઈ લે."

આ વીડિયો ટ્વિટર ઉપર 81 હજારથી વધુ વખત જોવાયો અને લગભગ ચાર હજાર વખત રિ-ટ્વીટ થયો. બાદમાં આ વીડિયોને ડિલીટ કરી દેવાયો હતો.

ફેસબુક પર પણ આ વીડિયો વ્યાપક રીતે શૅર થઈ રહ્યો છે. મેઘરાજ ચૌધરી નામના યૂઝરે વીડિયો શૅર કર્યો, જે બે લાખથી વધુ વખત જોવાયો છે.

શું છે વીડિયોમાં?

તબલીગી જમાત સાથે જોડીને વાઇરલ થયેલો વીડિયોની તસવીર

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન, તબલીગી જમાત સાથે જોડીને વાઇરલ થયેલો વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસવાહનમાં એક શખ્સ બેઠો છે, જેની આજુબાજુમાં પોલીસમૅન બેઠા છે. આ ઇસમ સામે બેસેલા પોલીસવાળા પર થૂંકે છે, ત્યારબાદ પોલીસવાળા ઊભા થઈ તેને મારવા માંડે છે.

બૅકગ્રાઉન્ડમાં ખૂબ જ ઘોંઘાટ થવા લાગે છે અને આ વીડિયો પૂર્ણ થઈ જાય છે. આ વીડિયોને નિઝામુદ્દીનની તબલીગી જમાત સાથે જોડીને શૅર કરાય રહ્યો છે.

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ. તથા એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનાર 167 શ્રદ્ધાળુઓને તુગલકાબાદ સ્થિત રેલવેના ક્વોરૅન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.

જ્યાં અમુક શખસો તબીબો સહિત આરોગ્ય કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમની ઉપર થૂંક્યા. એટલે ઉપરોક્ત વીડિયો સાથે સમગ્ર ઘટનાક્રમને જોડવામાં આવી રહ્યો છે.

line

તફાવતમાં 'ભેદ'

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ ઘટના ક્યારે ઘટી હતી અને શું વીડિયો સાતે કરવામાં આવેલા દાવામાં તથ્ય છે?

આ વીડિયો થવા માટેનું પહેલું કારણ એ છે કે તબલીગીઓને દિલ્હી ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશનની બસોમાં લઈ જવાયા હતા, પરંતુ વીડિયોમાં દેખાતી બસ એ પોલીસવૅન જેવી છે.

આ શખ્સ ની આજુબાજુ પોલીસ છે, જો આ લોકો મેડિકલ તપાસ માટે જઈ રહ્યા હોય તો તેમની સાથે મેડિકલ ટીમ કેમ નથી?

વીડિયોની કી-ફ્રેમને રિવર્સ સર્ચ કરતા અમને અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની યૂટ્યબ ચેનલ ઉપર એક વીડિયો મળ્યો.

તા. બીજી માર્ચ 2020ના પ્રકાશિત અહેવાલ મુજબ, "એકઅંડર ટ્રાયલ કેદીએ જાપતાની પોલીસ સાથે મારઝૂડ કરી અને તેમની ઉપર થૂંક્યો."

"કેદીના ઘરવાળા ખાવાનું લાવ્યા હતા, પરંતુ પોલીસવાળાઓએ તેને ભોજન કરવા દીધું ન હતું એટલે કેદી ઉશ્કેરાઈ ગયો હતો."

અમે જ્યારે વીડિયોને વધુ સર્ચ કર્યો તો આ વીડિયો 'મહારાષ્ટ્ર ટાઇમ્સ' તથા 'મુંબઈ મિરર' ઉપર પણ પ્રકાશિત થયો હોવાનું માલૂમ પડ્યું. 'મુંબઈ મિરર'એ તા. ફેબ્રુઆરી, 2020ના રોજ આ વીડિયો શૅર કર્યો હતો.

વીડિયોની વાસ્તવિક્તા

રિપોર્ટ મુજબ આ શખસનું નામ મોહમ્મદ સુહૈલ શૌકત અલી છે, જેની ઉંમર 26 વર્ષ છે. આરોપીને સુનાવણી માટે મુંબઈની સ્થાનિક કોર્ટમાં લઈ જવાયા હતા.

અહીં પરિવાર આરોપી શૌકત અલી માટે ભોજન લાવ્યો હતો, પરંતુ પોલીસે તે ખાવાની મંજૂરી આપી ન હતી.

આથી ઉશ્કેરાયેલા શૌકત અલી પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને પોલીસમૅન ઉપર થૂંક્યો હતો, ત્યારબાદ પોલીસે શૌકત અલી સાથે મારઝૂડ કરી હતી.

વાસ્તવમાં આ વીડિયો એક મિનિટ અને ૨૫ સેકન્ડનો છે, જેમાં આરોપી શૌકત અલીને પોલીસ સાથે બોલાચાલી તથા ગાળાગાળી કરતા સાંભળી શકાય છે.

પરંતુ તબલીગી જમાતના ઘટનાક્રમ પછી માત્ર 27 સેકન્ડનો વીડિયો વાઇરલ થયો અને તેને દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યો છે.

આમ બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે કે આ વીડિયો દિલ્હીનો નહીં, પરંતુ મુંબઈનો છે અને જૂનો છે. આ વીડિયોનો તબલીગી જમાત કે કોરોના વાઇરસ સંબંધિત ઘટનાક્રમ સાથે કોઈ સંબંધ નથી.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો