ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પોતાના બન્ને ઉમેદવારોને જિતાડી શકશે?

જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં કૉંગ્રેસ માટે બે ઉમેદવારની જીત મુશ્કેલ થતી જણાઈ આવે છે.

26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આમ તો ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે, પરંતુ હાલમાં ચાર સીટ પર ચૂંટણી થવાની છે.

કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનનું નામ જાહેર કરતાં ચૂંટણી રસપ્રદ બની છે.

ભાજપે અગાઉ અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારાની નામની જાહેરાત કરી હતી.

કૉંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પસંદગી થઈ છે.

line

5 ધારાસભ્યો અને 4 નિર્ણાયક મતો

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ

રાજકીય નિષ્ણાતો માને છે કે આવી સ્થિતિમાં કૉંગ્રેસના બંને ઉમેદવારની જીત મુશ્કેલ છે, કેમ કે તેની સભ્યસંખ્યા ઓછી થઈ ગઈ છે.

રાજીનામું આપનારા પાંચેય ધારાસભ્યોને ગુજરાત કૉંગ્રેસે તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

જોકે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં કૉંગ્રેસ માટે બે ઉમેદવારની જીત મુશ્કેલ લાગી રહી છે.

આ સંજોગોમાં બિનકૉંગ્રેસી અને બિનભાજપી ધારાસભ્યોનો મત મહત્ત્વનો બની જાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે જેમને ટેકો જાહેર કર્યો હતો તે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, એનસીપીના કુતિયાણાથી ધારાસભ્ય કાંધલ જાડેજા તથા બીટીપીના બે ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાનો મત મહત્ત્વનો બની રહેશે.

જિજ્ઞેશ મેવાણી ભાજપની નીતિરીતિના વિરોધી રહ્યા છે અને એ જોતા તેઓ ભાજપને મત આપે તેવી શક્યતા ઓછી છે.

વળી, કૉંગ્રેસના ધારાસભ્યે કરેલા પક્ષપલટા પર તેમણે આક્રોશ સાથે ગુજરાતની જનતાને પત્ર લખ્યો હતો અને જનતાને વેચાયેલો માલ પરત ન લેવાની વિનંતિ કરી હતી.

જિજ્ઞેશ મેવાણીએ લખ્યું, "આવા ચારિત્રહીન, વેચાવા તૈયાર અને ખરીદાવા રેડી બનેલા સત્તા-સંપત્તિના દલાલોની કાયમ માટે ચોકડી મારીશું નહીં તો રાજકીય સોદાબાજીનું શરમજનક કલ્ચર ક્યારેય ખતમ નહીં થાય. આ કલ્ચર ખતમ કરવાની જવાબદારી રાજકીય પક્ષો કરતાં ગુજરાતની છ કરોડ જનતાની વધારે છે."

એનપીસીના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યસભા ચૂંટણીમાં મેં મારો મત ભાજપને આપવાનો સંકલ્પ કર્યો છે.

જોકે, એનસીપીએ તાજેતરમાં કૉંગ્રેસ-શિવસેના સાથે યુતિ કરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે એ જોતા કાંધલ જાડેજાની વાત બદલાઈ પણ શકે છે.

રાજ્યસભાની ચૂંટણીમાં બે મત ભિલિસ્તાન ટ્રાઇબલ પાર્ટીના પણ છે.

ભિલિસ્તાન ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "હાલ સુધી કોને મત આપવો તે કાંઈ નક્કી કર્યું નથી. ભવિષ્યમાં વિચારીશું. અમારો કોઈએ સંપર્ક કર્યો નથી અને અમે કોઈનો સંપર્ક કર્યો નથી."

તેમણે વધુમાં કહ્યું, "જે લોકો આદિવાસીઓના હકની વાત કરશે, તેમના માટે શાળા બનાવશે, રોજગારી આપશે તેને મત આપવાનું વિચારીશું."

મહેશ વસાવા હાલ કંઈ નક્કી ન કર્યું હોવાનું કહે છે પરંતુ સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી લઈને અનામત તથા રોજગારી એમ અનેક મુદ્દે આદિવાસી સમાજ ભાજપ સરકારથી નારાજ છે અને તાજેતરમાં અનેક આદિવાસી આંદોલન પણ થયાં છે.

ઉલ્લેખનીય છે કે 2017માં અગાઉ છોટુભાઈ વસાવા જનતા દળ યુનાઇટેડમાં હતા.

2017માં એ ચૂંટણી થકી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં પહોંચ્યાં હતાં.

2017માં કૉંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં અને ભાજપે અહમદ પટેલને હરાવવા ખૂબ કમર કસી હતી.

છોટુભાઈએ કૉંગ્રેસને મત આપ્યાનો દાવો ન હતો કર્યો પરંતુ અહમદ પટેલે એમની મુલાકાત લીધી હતી.

બીજી તરફ એનસીપીના બે મત વહેંચાયા હતા. બોસ્કીએ કૉંગ્રેસને તો કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો હતો.

રોમાંચક ચૂંટણીમાં અહમદ પટેલે સરસાઈનો એક મત મેળવી 44 મતોથી જીત મેળવી હતી.

line

ગુજરાતની હાલની ચૂંટણીનું શું ગણિત છે?

નરહરિ અમીન

ઇમેજ સ્રોત, @NARHARI_AMIN/TWITTER

રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે અને મત કેવી રીતે ગણવામાં આવે છે એ અંગે અમે ગુજરાત યુનિવર્સિટીના પોલિટિકલ વિભાગના અધ્યક્ષ મુકેશ ખટીક સાથે વાત કરી.

મુકેશ ખટીક બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "વિધાનસભામાં કુલ ધારાસભ્યો હોય એમાં જે સીટ ખાલી થઈ હોય એનો એક ક્વૉટા નક્કી થતો હોય છે."

"જે દિવસે મતદાન થાય એ દિવસે ક્વૉટા નક્કી થાય છે. એટલે ધારો કે જો 45નો ક્વૉટા નક્કી થાય તો જીત માટે 46 મત લાવવા પડે."

"જો મતદાનના દિવસે કોઈ ધારાસભ્ય મત ન આપે કે ગેરહાજર રહે તો ગણતરીમાં ફેર આવી શકે છે."

"જેમ કે મતદાનના દિવસે 175માંથી પાંચ ધારાસભ્યો મત આપવા ન આવે તો 170 કુલ ધારાસભ્યોના આધારે ગણતરી કરાય છે."

"વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાની પરિસ્થિતિ જોઈએ તો વિધાનસભાના 175 સભ્યો છે. એટલે એને પાંચ વડે ભાગવા પડે."

"175ને પાંચ વડે ભાગતાં 35 સંખ્યા આવે અને તેમાં એક ઉમેરી દઈએ એટલે 36 થાય. એટલે ઉમેદવારને જીતવા માટે 36 મત જોઈએ."

તેઓ કહે છે કે જે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે એ હવે વિધાનસભાના સભ્ય રહેતા નથી.

line

કૉંગ્રેસ ક્યાં થાપ ખાઈ ગઈ?

શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકીય નિષ્ણાત જગદીશ આચાર્ય કહે છે કે કૉંગ્રેસ પાસે નેતૃત્વનો અભાવ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, "જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ભાજપ કૉંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે અને કૉંગ્રેસના ધારાસભ્યો તૂટે છે."

"કૉંગ્રેસની મુશ્કેલી એ છે કે તેમની પાસે સમક્ષ નેતાગીરી નથી. માત્ર રાજ્યની નહીં પણ કેન્દ્રમાં પણ. રાજ્યસભાની ચૂંટણીનું જે અંકગણિત (વર્તમાન સમયનું) છે એ કૉંગ્રેસની તરફેણમાં નહોતું."

"ચાર-પાંચ બેઠકની ઊથલપાથલ થાય તો કૉંગ્રેસ રાજ્યસભાની એક બેઠક ગુમાવે તેવી સ્થિતિ હતી. જોકે પોતાના ધારાસભ્યો પક્ષમાં રહે અને પાર્ટી ન છોડે એ માટે પહેલેથી જે પ્રયત્નો કરવા જોઈએ એ કર્યા નહીં અને ઊંઘતાં ઝડપાઈ ગયા."

"અને ભાજપ કૉંગ્રેસના ચાર-પાંચ ધારાસભ્યોને તોડવામાં સફળ રહ્યો. આ કૉંગ્રેસની પોતાની નબળાઈ છે, પક્ષમાં આંતરકલહ છે. પક્ષ માટે જે કટિબદ્ધતા હોવી જોઈએ એ કૉંગ્રેસમાં નથી.

line

રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે?

સંસદભવન

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યસભા એટલે સંસદનું ઉપલું ગૃહ. રાજ્યસભાની સ્થાપનાનો પાયો આઝાદી પહેલાં અંગ્રેજ સરકાર સમયે જ નખાઈ ગયો હતો.

ભારત સરકાર અધિનિયમ, 1919માં પ્રથમ વાર ભારતીય સંસદને સંઘીય માળખું બક્ષવાની વાત કરવામાં આવી હતી. પરંતુ સ્વતંત્ર ભારતમાં રાજ્યસભાની રચના 3 એપ્રિલ, 1952ના રોજ કરવામાં આવી હતી.

ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે રાજ્યસભા એ સંસદનું કાયમી ગૃહ છે. દર બે વર્ષે રાજ્યસભાના એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.

તેથી ખાલી પડેલી જગ્યા ભરવા માટે દર બે વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે.

ભારતના બંધારણની કલમ 80 અનુસાર રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 250 રાખવામાં આવી છે.

જે પૈકી 238 સભ્યો જુદાં-જુદાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે જુદાં-જુદાં ક્ષેત્રોમાંથી 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા સરકારની ભલામણથી નિમણૂક કરવામાં આવે છે.

જોકે, હાલમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા 245 રાખવામાં આવી છે. જે પૈકી 233 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે જ્યારે 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

નોંધનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જે પૈકી જુદી-જુદી બેઠકો માટે સમયાંતરે ચૂંટણી થાય છે.

line

કોણ મતદાન કરી શકે?

રાહુલ ગાંધી સાથે ભરતસિંહ સોલંકી

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાર તરીકે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારમંડળના સભ્યો હોય છે.

નોંધનીય છે કે રાજ્યની વિધાનપરિષદના સભ્યો રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.

રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી દાખલ કરવા માટે ઓછામાં ઓછા 10 સભ્યોની સંમતિ જરૂરી હોય છે.

તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુતમ વયમર્યાદા 30 વર્ષની રાખવામાં આવી છે.

રાજ્યસભાના સભ્યોની ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ મારફતે કરવામાં આવે છે.

આ પ્રક્રિયા અનુસાર જે તે રાજ્યની વિધાનસભાની બેઠકોને રાજ્યસભાની સંખ્યામાં એક ઉમેરીને વિભાજિત કરવામાં આવે છે.

વિભાજિત કર્યા બાદ આવેલા પરિણામમાં પણ એક ઉમેરવામાં આવે છે.

line

ઉદાહરણથી સમજો

વિજય રૂપાણી, અમિત શાહ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ધારો કે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે. તો રાજ્યની વિધાનસભાની કુલ સભ્યસંખ્યા એટલે કે 182ને એક બેઠકમાં વધુ એક ઉમેરી એટલે કે 2 વડે ભાગવાથી 91 પરિણામ આવશે.

હવે આ પરિણામમાં વધુ એક ઉમેરી દેવાથી પરિણામ 92 આવશે.

આનો અર્થ એ થયો કે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિએ રાજ્યસભા સાંસદ બનવા માટે 92 પ્રાથમિક મત મેળવવાની જરૂર રહેશે.

ઉપરાંત આ ચૂંટણીમાં દરેક મતદારને એક જ મત આપવાનો અધિકાર હોવા છતાં જુદા-જુદા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની હોય છે, પરંતુ આ જોગવાઈ અનુસરવું ફરજિયાત નથી હોતું.

આ પ્રાથમિકતાના નિયમ અનુસાર જે તે મતદારે પોતાના મતદાનપત્રકમાં ત્રણ પ્રાથમિકતા દર્શાવવાની હોય છે.

કુલ મતો પૈકી પ્રથમ પ્રાથમિકતાના ન્યૂનતમ મત મેળવનાર ઉમેદવારને વિજયી માનવામાં આવે છે.

નોંધનીય છે કે રાજ્યસભાના સભ્યોની મુદ્દત 6 વર્ષની હોય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો