કોરોના વાઇરસ : શોએબ અખ્તરે પૂછ્યું, 'ચાઇનીઝ ચામાચીડિયાં અને કૂતરાં કઈ રીતે ખાઈ શકે?'

કોરોના વાઇરસને લીધે પાકિસ્તાન સુપર લીગ(PSL)નો કાર્યક્રમ નાનો કરાતાં અને ઇન્ડિયન પ્રિમિયર લીગની તારીખ ટળતાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે આક્રોશ વ્યક્ત કર્યો છે.

પોતાની યૂટ્યૂબ ચેનલ પર શોએબે એક વીડિયો પોસ્ટ કર્યો છે.

વીડિયોમાં તેમણે કહ્યું, "મારા ગુસ્સાનું સૌથી મોટું કારણ પીએસએલ છે. કેટલાંય વર્ષો બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ પરત ફરી છે. પીએસએલ અમારા દેશમાં પ્રથમ વખત યોજાઈ રહી હતી પણ હવે તેના પર પણ જોખમ છે. "

"વિદેશી ખેલાડીઓ પરત જઈ રહ્યા છે અને આ બંધ દરવાજાની પાછળ થશે."

વાત એમ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)એ શુક્રવારે નિર્ણય લીધો કે પીએસએલની બાકી મૅચો લાહોરમાં યોજાશે. સેમીફાઇનલ અને ફાઇનલ મૅચ પણ બંધ દરવાજા પાછળ યોજાશે. શુક્રવારે પીએસએલની મૅચો દરમિયાન સ્ટેડિયમ ખાલી રહેશે.

પીસીબીએ મૅચોની સંખ્યા ઘટાડી દીધી છે. સેમીફાઇનલનો મુકાબલો હવે 17 માર્ચે યોજાશે અને 18 માર્ચે ફાઇનલ યોજાશે. પહેલાં ફાઇનલની તારીખ 22 માર્ચ નક્કી થઈ હતી.

આ બદલાવને લીધે શોએબ અખ્તર ભારે નારાજ છે. તેમણે વીડિયોમાં કહ્યું, "મને સમજાઈ રહ્યું નથી. તમે ચામાચીડિયાં કેમ ખાઓ છો? તેનું લોહી અને પેશાબ પીવો છે અને આખી દુનિયામાં વાઇરસ ફેલાવવો છે. "

"હું ચીનના લોકો વિશે વિચારું છું. તેમણે આખા વિશ્વને જોખમમાં નાખી દીધું છે. મને બિલકુલ સમજ નથી પડી રહી કે તમે ચામાચીડિયાં, કૂતરાં-મીંદડાં કઈ રીતે ખાઈ શકો? હું ખરેભર ભારે ગુસ્સામાં છું."

શોએબે આગળ ઉમેર્યું, "આખી દુનિયા હવે ખતરામાં છે. પ્રવાસનઉદ્યોગ ભારે પ્રભાવિત છે. અર્થતંત્ર પર ભારે અસર પડી છે અને વિશ્વ બંધ થઈ જવા તરફ આગળ વધી રહ્યું છે. "

પૂર્વ પાકિસ્તાની કિક્રેટરે આવી ટેવોને રોકવા માટે કાયદો ઘડવા સુધીની સલાહ આપી છે.

તેમણે કહ્યું, "હું ચીનના લોકો વિરુદ્ધ બિલકુલ નથી પણ હું પ્રાણીઓને લઈને બનેલા કાયદા વિરુદ્ધ ચોક્કસ છું."

"હું સમજું છું કે આ આપની સંસ્કૃતિ હોઈ શકે પણ આપને આનો કોઈ ફાયદો નથી મળી રહ્યો અને તે માનવતાને મારી રહી છે. હું તમને ચાઇનીઝ લોકોનો બહિષ્કાર કરવા માટે નથી કહી રહ્યો પણ કોઈ કાયદો તો હોવો જ જોઈએ. તમે કંઈ પણ અને બધુ જ ન ખાઈ શકો."

શોએબ અખ્તરે આઈપીએલને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "મને જાણવા મળ્યું છે કે હવે આઈપીએલ 15 એપ્રિલે થશે. હોટલ-ઇન્ડસ્ટ્રી, ટ્રાવેલ- ઇન્ડસ્ટ્રી, બ્રૉડકાસ્ટ તમામને નુકસાન વેઠવું પડશે. "

કોરોના વાઇરસની અસર દુનિયાના 100થી વધુ દેશોમાં છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 80થી વધારે કેસો સામે આવ્યા છે અને બે લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

વિશ્વઆખામાં કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા લગભગ સવા લાખ થઈ ગઈ છે અને મરનારા લોકોની સંખ્યા પાંચ હજારથી વધુ છે. મૃતકોમાં સૌથી વધુ ચીનના લોકો છે.

ગત વર્ષે ડિસેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન ચીનના વુહાનમાંથી કોરોના વાઇરસ ફેલાવાની શરૂઆત થઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો