CAAના વિરોધમાં UNની માનવાધિકાર સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ અને આ મુદ્દેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પાંખે ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઇન્ટરવેન્શન પિટિશન દાખલ કરી હોવાના અહેવાલ છે.

ભારતના વિદેશ મંત્રાલયે સી.એ.એ.ને દેશની આંતરિક બાબત ગણાવી છે અને આ મુદ્દે કોઈ વિદેશી પક્ષકારને લેવાદેવા ન હોવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી ભારત આવીને વસેલા હિંદુ, શીખ, પારસી, ઈસાઈ, બૌદ્ધ અને જૈન સમુદાયના લોકોને ભારતની નાગરિકતા મળશે.

જેની વિરુદ્ધ નવી દિલ્હી, અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા છે.

MEAને જાણ કરી

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારના કહેવા પ્રમાણે :

"ગઈકાલે (સોમવારે) સાંજે જિનિવા ખાતે પરમેનન્ટ મિશનને સંયુક્ત રાષ્ટ્ર સંઘના માનવાધિકાર માટેના હાઈ કમિશનરે જણાવ્યું હતું કે તેમની કચેરીએ ભારતની સર્વોચ્ચ અદાલતમાં સી.એ.એ. મુદ્દે ઇન્ટરવેન્શન ઍપ્લિકેશન (દરમિયાનગીરીની દાદ માગતી અરજી) દાખલ કરી છે."

આ અંગે ભારતનું માનવું છે કે સી.એ.એ. ભારતની આંતરિક બાબત છે. કોઈ પણ મુદ્દે કાયદાનું ઘડતર કરવું એ ભારતીય સંસદનો સાર્વભૌમ અધિકાર છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે 'અમે દૃઢપણે માનીએ છીએ કે કોઈ પણ વિદેશી પક્ષકારને આ મુદ્દે કોઈ લેવાદેવા નથી.'

બંધારણીય મૂલ્યોની એરણ

ભારત સરકાર માને છે કે સી.એ.એ. બંધારણીય મૂલ્યોની કસોટીની એરણ ઉપર પાર ઊતરશે. ભારતના વિભાજનને કારણે માનવ અધિકારની જે ત્રાસદી ઊભી થઈ છે, તેના પ્રત્યેની લાંબા સમયની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું દ્યોતક છે.

વિદેશ મંત્રાલયે જવાબમાં જણાવ્યું કે 'ભારત લોકશાહી દેશ છે તથા કાયદાનું શાસન પ્રવર્તમાન છે. અમને સ્વતંત્ર ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ અને સન્માન છે.'

'અમને ખાતરી છે કે આ કાયદા ઉપર સર્વોચ્ચ અદાલત મંજૂરીની મહોર મારશે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો