You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Donald Trump India Visit : મોદીનાં વખાણમાં ટ્રમ્પ મહાત્મા ગાંધીને જ ભૂલ્યા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ યાત્રા દરમિયાન સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્ની મેલેનિયા સાથે રેંટિયો કાંત્યો હતો.
આ મુલાકાત દરમિયાન દરમિયાન તેમણે ગાંધી આશ્રમની વિઝિટર્સમાં નોંધ લખી હતી, જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં ગાંધીજીને જ ભૂલ્યા હતા.
સપ્ટેમ્બર-2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના રુપમાં વિદેશી મહેમાનને ગાંધી આશ્રમ લાવવાનો ક્રમ શરૂ કર્યો હતો.
અન્ય કોઈ મહત્ત્વપૂર્ણ સ્થળની જેમ જ મહાનુભાવ આશ્રમમાં આવે એટલે પોતાના વિચાર લખે તેવી પરંપરા રહી છે.
ગાંધીજીએ વર્ષ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી હતી.
ડોનાલ્ડ તથા મેલેનિયાએ પગરખાં ઉતાર્યાં
મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમનાં પત્ની મેલેનિયાને લઈને ગાંધી આશ્રમ પહોંચ્યાં હતાં.
તેઓ ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાનાં નિવાસસ્થાન 'હૃદય કુંજ' માં પહોંચ્યાં હતાં, અંદર પ્રવેશતાં પહેલાં મોદી, ટ્રમ્પ તથા મેલેનિયાએ તેમનાં પગરખાં ઉતારી નાખ્યાં હતાં અને મોજાં પહેરીને અંદર પ્રવેશ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદી તથા ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી ચડાવી હતી. ત્યારબાદ મેલેનિયા તથા ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી ચરખો ફેરવ્યો હતો.
મોદીએ તેમને ગાંધીજીના ત્રણ વાંદરાની નાનકડી પ્રતિમા ભેટમાં આપી હતી. ચીનના તત્વચિંતક કન્ફ્યુસસના દર્શનશાસ્ત્રમાં ત્રણ વાંદરાનો ઉલ્લેખ જોવા મળે છે.
ગાંધીજી ત્રણ વાનરની પ્રતિમા પોતાની સાથે રાખતાં જે 'ખરાબ ન જોવા, ખરાબ ન બોલવા તથા ખરાબ ન સાંભળવા'નો ઉપદેશ આપે છે.
ટ્રમ્પ ગાંધીજીને ભૂલ્યા
પરંપરા પ્રમાણે, ટ્રમ્પે વિઝિટર બુકમાં નોંધ લખી હતી, જેની નીચે મેલેનિયાએ સહી કરીને અનુમોદન કર્યું હતું.
આ લખાણમાં ટ્રમ્પે મોદીનો ઉલ્લેખ તો કર્યો, પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જ ભૂલ્યા હતા.
ટ્રમ્પે લખ્યું, "મારા પરમ મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને - આ સુંદર યાત્રા બાદલ આભાર."
આ મુલાકાત દરમિયાન ટ્રમ્પનાં પુત્રી ઇવાન્કા તથા તેમના પતિ જેરેડ પણ તેમની સાથે હતાં.
મહાનુભાવોની પરંપરા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન-2014માં પ્રથમ વખત ભારતના વડા પ્રધાન બન્યા હતા, સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવ્યા હતા. મોદીએ તેમનો જન્મદિવસ મહેમાનો સાથે ઉજવ્યો હતો.
જિનપિંગે ખાદીની સફેદ જાકિટ અને સફેદ શર્ટ પહેર્યાં હતાં. બંનેએ 'હૃદય કુંજ'ના ઓટલા ઉપર બેસીને ગોઠડી કરી હતી. જિનપિંગે ચાઇનિઝ ભાષામાં લખ્યું, "પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના રાષ્ટ્રપતિ, શી જિનપિંગ, 17 સપ્ટેમ્બર 2014."
જાન્યુઆરી-2019માં ઇઝરાયલના નવમા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમનાં પત્ની સારાએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખ્યું, "માનવતાની પ્રેરણા આપતા મહાન પયગંબર મહાત્મા ગાંધીના હૃદયની મુલાકાત પ્રેરણાદાયી રહી."
ફેબ્રુઆરી-2018માં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સપરિવાર ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ચરખો પણ કાંત્યો હતો. તેમણે લખ્યું, "શાંતિ, માનવતા તથા સત્યનું સુંદર સ્થળ. અગાઉ ક્યારેય ન હતી, એવી અત્યારે તેની જરૂર છે."
સ્પટેમ્બર-2017માં જાપાનના 57મા વડા પ્રધાન શિંજો એબે તથા તેમનાં પત્ની પહોંચ્યા હતા. તેમે લખ્યું, "પ્રેમ અને આભાર"
ગાંધીજી વર્ષ 1930 સુધી સાબરમતી આશ્રમ ખાતે રહ્યા હતા. તેમણે અહીંથી મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડી કૂચ શરૂ કરી હતી અને નીકળતા પહેલાં કહ્યું હતું, "કાગડા-કૂતરાની મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર પરત નહીં ફરું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો