કોરોના વાઇરસના કહેરમાં દરિયા વચ્ચે ફસાયેલી ગુજરાતી યુવતીની આપવીતી, અમને છોડાવો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"હું દસ કરતાં વધારે દિવસથી યોકોહામામાં ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ શિપમાં છું, જ્યાં હું કામ કરું છું. અહીં દિવસેને દિવસે કોરોનાની ઝપેટમાં આવતા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. કોરોનાથી ઇન્ફૅક્ટેડ લોકોની સાથે રહેવાના કારણે અન્ય લોકોને પણ ચેપ લાગી રહ્યો છે. મારી એક જ અપીલ છે કે ભારત સરકાર અમારાં માટે મદદ મોકલે."

આ શબ્દો મુંબઈનાં સોનાલી ઠક્કરના છે, જેઓ ક્રુઝની સિક્યૉરિટી ટીમમાં છે અને સિક્યૉરિટી પેટ્રોલમૅન તરીકે ફરજ બજાવે છે. સોનાલી કોરોના વાઇરસથી ઇન્ફૅક્ટેડ લોકો વચ્ચે જહાજમાં ફસાયેલાં છે.

આ જહાજમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકો હોવાથી તેને જાપાનના યોકોહામા ખાતે અટકાવવામાં આવ્યું છે.

ક્રુઝના મુસાફર અને સ્ટાફ ખૂબ જ ચિંતામાં છે

ક્રુઝમાં સવાર મુસાફરો અને સ્ટાફના સભ્યો પૈકી કેટલાક કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની જાણ થતાં જાપાનની સરકારે ક્રુઝ પર સવાર તમામ લોકોને ક્રુઝમાંથી નીચે ઊતરવાની મનાઈ ફરમાવી દીધી છે.

જેના પગલે ક્રુઝમાં ઉપસ્થિત લોકોમાં ડરનો માહોલ છે. ક્રુઝ પર હાજર 3700 લોકોમાંથી 218 લોકો કોરોનાનો ભોગ બન્યા છે.

આ ક્રુઝમાં 160 જેટલા ભારતીયો પણ ફસાયેલા છે. જેમાંથી એક સોનાલી છે. સોનાલીએ તેમના સેલ્ફી વીડિયોમાં ત્યાંની સ્થિતિ વિશે કહ્યું હતું.

આ વીડિયોમાં તેમણે કહ્યું, "પહેલાં માત્ર દસ પેશન્ટ હતા, આજે દસ દિવસ બાદ કુલ 218 લોકો કોરોનાગ્રસ્ત છે અને હવે આ સંખ્યા વધી રહી છે. હું નથી ઇચ્છતી કે હું પણ તેની ઝપેટમાં આવું."

"હું કોરોના વાઇરસથી ઇન્ફૅક્ટેડ નથી, મારા ટેસ્ટ કરવામાં આવ્યા છે અને હું રિપોર્ટની રાહ જોઈ રહી છું. દસ તારીખથી મને શરદી-ખાંસી અને તાવ છે."

સોનાલી કહે છે, "હું ઇચ્છું છું કે દરેક ક્રૂ-મૅમ્બર, મારા તમામ સાથીઓના ટેસ્ટ્સ કરવામાં આવે. જે લોકો કોરોના વાઇરસથી ઇન્ફૅક્ટેડ છે તેમને સારવાર આપવામાં આવે."

"જે લોકો ઇન્ફૅક્ટેડ નથી તેમને ઘરે મોકલવામાં આવે અથવા તો તેમને અલગ કરી દેવામાં આવે."

"ભારતીય સરકાર પાસે મારી એક જ માગ છે તેઓ અમારી માટે મદદ મોકલે, ડૉક્ટર્સને મોકલે. અમને ભારત પરત બોલાવી લે અને અમને આ જહાજમાંથી નીકળવામાં મદદ કરે."

તેઓ કહે છે, "અહીં કેટલાક લોકો કોરોના વાઇરસથી ઇન્ફૅક્ટેડ છે જેના લીધે અન્ય લોકોને પણ ઇન્ફૅક્શન થવાની બીક છે."

"અમને અહીં કામ કરવાથી કોઈ જ વાંધો નથી. અમે ઇચ્છીએ છીએ કે અમને સુરક્ષિત વાતાવરણ મળે અને અમને ઘરે જવા દેવામાં આવે."

સોનાલીનાં માતાપિતા ચિંતિત

મુંબઈ સ્થિત સોનાલીનાં માતાપિતા ચિંતિત છે. બીબીસી ગુજરાતીનાં સહયોગી સરિતા હરપલેએ સોનાલીનાં માતાપિતા સાથે વાત કરી હતી.

સોનાલીના પિતા દિનેશભાઈ ઠક્કરે કહ્યું કે શિપમાં લોકોને તપાસવાની પ્રક્રિયા ઘણી ધીમી ચાલે છે.

તેમણે કહ્યું, "ત્રીજી તારીખે એક પણ ભારતીયને ઇન્ફૅક્શન નહોતું. એમની પ્રક્રિયા એટલી ધીમી છે કે 11 દિવસ બાદ પણ તેઓ તમામ લોકોની તપાસ કરી શક્યા નથી."

"હજી સુધી તેઓ અડધા લોકોને પણ તપાસ્યા નથી શક્યા. 218 લોકોમાંથી બે કોરોનાનો ભારતીય ભોગ બન્યા છે. જાપાનની સરકાર શિપ પરથી ઊતરવાની પરવાનગી આપતી નથી. ત્યાં સુધી કાંઈ આગળ સ્ટેપ નહીં લેવાય"

તેમનાં માતા નીલાબહેન ઠક્કર કહે છે, "તેમને જલદી અલગ કરવામાં આવે કારણ કે ઇન્ફૅક્શનનો ભોગ બનેલા લોકો સાથે રહે છે તો અમને બધાને ડર છે. તેમને જલદી પરત લાવવામાં આવે."

અમેરિકાએ શનિવારે તેમના નાગરિકોને ક્રુઝમાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી અને રવિવારે તેમણે બહાર કાઢવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો