Aam Aadmi Party : શું અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદી-અમિત શાહની રણનીતિનો તોડ મળી ગયો છે?

ઇમેજ સ્રોત, Pti
- લેેખક, રવિ પરમાર/અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા
દેશની રાજધાની દિલ્હીની 70 બેઠકો પર થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસને પછાડી 'આમ આદમી પાર્ટી'ની જીત થઈ છે.
બેઠકોની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીએ દિલ્હીની 70માંથી 62 બેઠકો જીતી છે. ભાજપને 8 બેઠક મળી છે. કૉંગ્રેસ એક પણ બેઠક મળી નથી.
ચૂંટણીપંચ મુજબ આમ આદમી પાર્ટીને 53.57 ટકા મતો મળ્યા છે. જ્યારે ભાજપને 38.51 ટકા મતો મળ્યા છે.
કૉંગ્રેસ પાર્ટીના 70 ઉમેદવારો પૈકી 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે.
આ પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે દેશના સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપ સામે દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિજયી બની છે.
એ સાથે જ મોદી-શાહની 'અજેય' ગણાતી જોડી કેજરીવાલ સામે નાકામિયાબ સાબિત થઈ.
મોદી-શાહથી ચડિયાતા કેજરીવાલ?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો દ્વારા નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચાલી રહેલા આંદોલન બાદ ભાજપે શરૂ કરેલા અભિયાનના કારણે મતોનું ધ્રુવીકરણ થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ 2019ની લોકસભા ચૂંટણી જેવું ધ્રુવીકરણ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં ન થઈ શક્યું.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય નાયક બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કેજરીવાલની જીત પાછળ સ્થાનિક મુદ્દાઓને જવાબદાર ઠેરવે છે.
તેમનું કહેવું છે કે કેજરીવાલની સામાન્ય વ્યક્તિ તરીકેની છબી લોકોને પ્રભાવિત કરી રહી છે.
કેજરીવાલની જીત પાછળનું વધુ એક કારણ જણાવતાં અજય નાયક ઉમેરે છે, "વિધાનસભાની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓનું પ્રભુત્વ રહેતું હોય છે."
"કેજરીવાલે જે રીતે દિલ્હીમાં કાર્યો કર્યાં છે તે ઉપરાંત તેમણે ચૂંટણીઢંઢેરામાં જેટલી જાહેરાતો કરી તે પરથી લોકોને લાગ્યું કે કેજરીવાલને ફરી તક આપવી જોઈએ."
મોદી-શાહની ગફલત અને કેજરીવાલની જીત અંગે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયાએ તેમનો મત જણાવ્યો.
અજય નાયકની જેમ જ અમિત ધોળકિયા પણ સ્પષ્ટપણે માને છે કે સ્થાનિક મુદ્દાઓએ કેજરીવાલની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
ધોળકિયા કહે છે, "કેજરીવાલે જેવી રીતે શિક્ષણ, આરોગ્ય, વીજળીના દરમાં ઘટાડો, પાણીની વ્યવસ્થા સહિત સ્થાનિક સેવામાં ભ્રષ્ટાચાર ઘટાડવાનાં કાર્યો કર્યાં તે દિલ્હીની જનતાને પસંદ પડ્યા."

દિલ્હીએ ભાજપને નકાર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની કુલ 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 8 બેઠકો મળી છે. આ પરથી સ્પષ્ટપણે લાગે છે કે દિલ્હીનું 'દિલ' જીતવામાં ભાજપ અસફળ રહ્યો.
આ અસફળતાનું કારણ જણાવતા અજય નાયકનું કહેવું છે કે ભાજપે જે રીતે રાષ્ટ્રવાદના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું તેની માઠી અસર આ પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ છે.
તેઓ કહે છે, "ભાજપે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA ઉપરાંત શાહીનબાગના મુદ્દા ઉઠાવ્યા તે દિલ્હીના મતદારોને આકર્ષી ના શક્યા.'
આ મુદ્દે અમિત ધોળકિયા અલગ મત રજૂ કરતાં કહે છે કે ભાજપને આ ચૂંટણીમાં ઓછી બેઠકો મળી હોવા છતાં તેની મતટકાવારીમાં વધારો થયો છે. જેના પરથી સ્પષ્ટપણ કહી શકાય કે દિલ્હીની જનતાએ ભાજપને નકાર્યો તો નથી જ.
ઉલ્લેખનીય છે કે ગત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો જ્યારે ભાજપને 3 બેઠકો મળી હતી.
જૂનાં પરિણામ અને નવાં પરિણામના પરિપ્રેક્ષ્યમાં ભાજપની હાર તો જરૂર દેખાય છે પરંતુ ભાજપના મતદારો ચોક્ક્સથી વધ્યા છે તેવું ધોળકિયા સ્પષ્ટપણે માને છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મોદી-શાહની રણનીતિનો તોડ

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષકોના મતે ભારતમાં નરેન્દ્ર મોદીનો વિકલ્પ શોધવામાં વિપક્ષ હજુ સુધી સફળ રહી શક્યો નથી.
આમ છતાં દિલ્હીમાં કેજરીવાલે મોદી-શાહની 'અજેય જોડી'ની રણનીતિને અસફળ બનાવી દીધી. આ પરથી સવાલ થાય કે શું કેજરીવાલને મોદી-શાહની રણનીતિનો તોડ મળી ગયો છે?
આ વાતને નકારતાં અજય નાયક તર્ક આપે છે, "દિલ્હીમાં સમગ્ર ભારતના લોકો વસે છે. આ લોકો પ્રમાણમાં ભણેલા-ગણેલા છે તેથી તેઓ જાતિઓમાં માનતા નથી."
આવો જ સમાન મત ધોળકિયા પણ વ્યક્ત કરે છે. તેઓ કહે છે, "હિંદુ-મુસ્લિમ કે રાષ્ટ્રવાદની રાજનીતિ હવે ચાલે એમ નથી. ભાજપે રાજ્યસ્તરે ભવિષ્યની રણનીતિ બદલવી પડશે અને આવા મુદ્દાઓ છોડીને સ્થાનિક સ્તરના મુદ્દાઓ સાથે આવવું જોઈએ."

2024ની ચૂંટણી પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
અજય નાયકનું કહેવું છે કે આ પરિણામોથી 2024ની ચૂંટણીમાં ભાજપને કોઈ નુકસાન થઈ શકે કે કેમ તે જોડવું અયોગ્ય છે.
તેમનું કહેવું છે આ પહેલાં બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણી યોજાવાની છે જે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
નાયક કહે છે, 'આ રાજ્યમાં CAA, NPAનો મુદ્દો વધુ ચગવાનો છે કારણ કે ત્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મોટો પ્રશ્ન છે. સાથે જ ત્યાંનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીનું આ બાબતને સમર્થન છે.'
'ઉપરાંત મમતા બનેરજીએ બજેટમાં કેજરીવાલની જેમ ઘણી સેવાઓ મફતમાં આપવાની જાહેરાત કરી છે જે લોકોને આકર્ષી શકે છે. પરંતુ મમતા બેનરજીને ઍન્ટિઇન્કમબન્સી એટલે કે મતદારોના આક્રોશનો સામનો પણ કરવો પડી શકે છે.'
પશ્ચિમ બંગાળની ચૂંટણી પર ભાર મૂકતાં નાયકનું કહેવું છે કે આ રાજ્યનું પરિણામ સમગ્ર ભારતની રાજનીતિનું ચિત્ર બદલી શકે છે.
આ મુદ્દે અમિત ધોળકિયાનું કહેવું છે કે આગામી ચૂંટણી વિશે તો કંઈ કહી ના શકાય, પરંતુ અરવિંદ કેજરીવાલનું રાજકીય કદ વધી જશે એ સ્પષ્ટ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













