હાર્દિક પટેલ : ભાજપ સામે લોકોની લડાઈ ચાલુ રાખીશ, જલદી મળીશું

ઇમેજ સ્રોત, HARDIK PATEL SOCIAL
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમદાવાદમાં સોમવારે મળેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ની આગામી રણનીતિની બેઠકમાં હાર્દિક પટેલ હાજર રહ્યા ન હતા.
ત્યારે મંગળવારે ટ્વીટ કરીને હાર્દિકે લખ્યું, "ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. હું ભાજપની સામે લોકોની લડાઈ ચાલુ રાખીશ. જલ્દી મળીશું."
હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું, "મારી પર લાગેલા ખોટા કેસમાં અગોતરા જામીનની પ્રક્રિયા (ગુજરાત) હાઈકોર્ટમાં ચાલી રહી છે."
"મારા અનેક ગેરજામીનપાત્ર વૉરંટ નીકાળવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતની ચૂંટણી આવી રહી છે, એટલા માટે ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. હું ભાજપની સામે લોકોની લડાઈ ચાલુ રાખીશ. જલ્દી મળીશું. જય હિંદ"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પાસની બેઠકને સંબોધિત કરતા કિંજલે કહ્યું કે 'હાર્દિક પટેલની કનડગત કરીને સરકાર ખુદને તિસમારખાં ન સમજે, દરેકનો સમય આવે છે. હાર્દિકની લડાઈ જનતા માટે છે અને હું વાયદો કરું છું કે આ લડાઈ ચાલુ રહેશે.'
આ પહેલાં પત્ની કિંજલે બી.બી.સી. ગુજરાતી સાથેનાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તા. 18મી જાન્યુઆરી પછી તેઓ ઘરે પરત ફર્યાં નથી.

સોમવારે યોજાઈ હતી પાસની ચિંતનશિબિર

અમદાવાદના વસ્ત્રાલમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા એક ચિંતિનશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાસની આગામી રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ચિંતિનશિબિરમાં છેલ્લાં ચાર વર્ષમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પાટીદારો યુવાનો પરના કેસો પરત ખેંચવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિબિરમાં સમગ્ર ગુજરાતના પાસના કન્વીનરો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તો આ ચિંતિનશિબિરમાં કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલનાં પત્ની કિંજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ચિંતિનશિબિરમાં ત્રણ મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સમયમાં એક તારીખ નક્કી કરીને તમામ તાલુકા અને જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર અપાશે, ત્યાર બાદ જેમણે મધ્યસ્થી કરી હતી એ સમાજના આગેવાનોને મળવા, તેમનાં મંતવ્યો જાણવા. અને ત્રીજી બાબત- સરકાર તરફથી જે કંઈ હકારાત્મક જવાબ આવે અને તેમના જવાબદાર મંત્રી સાથે બેઠક કરીને ચર્ચાવિચારણા કરવી.

'કેસ ખેંચવાની પ્રક્રિયા અધૂરી છે'

ઇમેજ સ્રોત, Getty Images
મળેલી શિબિરમાં પાસના બધા કન્વીનરો અને આગેવાનોનો એક જ સૂર હતો કે સરકારે આપેલું વચન નિભાવ્યું નથી.
પાસના સંયોજક અલ્પેશ કથીરિયાએ કહ્યું કે પાટીદાર યુવાનો સામેના કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ નથી.
મીડિયા સાથે વાત કરતાં અલ્પેશ કથીરિયાએ કહ્યું, "જે તે સમયે 2015માં આનંદીબહેનની સરકાર વખતે અને 2017માં વિજય રૂપાણીની સરકાર વખતે- બંને મુખ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે પાટીદાર યુવાનો પરના કેસો પરત ખેંચવામાં આવશે."
"જે તે સમયે લિસ્ટ પણ જાહેર કરેલું અને તમામ કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આજ સુધીમાં કેસોને પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. બહુ ઓછા કેસ પરત ખેંચવામાં આવ્યા છે, અને હજુ પણ હજારો યુવાનો કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે."
કથીરિયાએ કહ્યું કે "માત્ર ને માત્ર પેપરવર્ક કરવામાં આવ્યું છે. પ્રક્રિયા પૂર્ણ નથી થઈ. આથી યુવાનોને તકલીફ પડી રહી છે."
કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ છેલ્લા 15-20થી ગુમ છે.
હાર્દિક અંગે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે "હાર્દિક પટેલ સામે છેલ્લા 20થી 30 દિવસમાં કાયદાકીય રીતે સંકજો કસવાના પ્રયાસો થઈ રહ્યા છે. યુવાનોનું મનોબળ કઈ રીતે તૂટે, સમાજની એકતા કઈ રીતે તૂટે એ માટે સરકાર અને પોલીસ પ્રયત્નશીલ રહી છે."
હાર્દિક પટેલ સાથે છેલ્લે ક્યારે વાત થઈ હતી અને હાર્દિક મુદ્દે તમારી શું રજૂઆત છે?
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યના આ સવાલના જવાબમાં અલ્પેશે કહ્યું કે "છેલ્લે જ્યારે રાજદ્રોહ મામલે બિનજામીનપાત્ર વૉરંટ નીકળ્યું હતું ત્યારે હાર્દિક સાથે ટેલિફોનિક વાત થઈ હતી અને ત્યાર પછી કોઈ વાતચીત થઈ નથી."
પાસની આગામી રણનીતિ અંગે વાત કરતાં અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે આગામી સમયમાં તમામ તાલુકા અને જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને કેસની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી માગ કરાશે.
"સમાજના આગેવાનો પણ મળીશું. સરકાર દ્વારા જે કંઈ હકારાત્મક અભિગમ હશે તે પ્રમાણે સરકારના મંત્રી સાથે પાસના આગેવાનો બેસશે અને સામસામે ચર્ચા કરશે."

'... તો ફરી આંદોલન કરીશું'

પાસની આ ચિંતિનશિબિરમાં હાર્દિક પટેલનાં પત્ની કિંજલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેઓએ સ્ટેજ પરથી ભાષણ પણ આપ્યું હતું.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં કિંજલ પટેલે કહ્યું કે જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ મતભેદ ભૂલીને લડવું જોઈએ.
તેઓએ કહ્યું કે હું હાર્દિકના માર્ગે ચાલીશ અને એ મારું કર્તવ્ય છે. હાર્દિક નહોતા એટલે હું સભામાં આવી છું.
"અમે આવેદનપત્ર આપીશું, સરકાર સાથે ચર્ચાવિચારણ કરવાનો પ્રયાસ કરીશું અને તેમ છતાં પણ કોઈ ઉકેલ નહીં આવે તો 2015ની જેમ આક્રમક આંદોલન કરીશું."
બીબીસી ગુજરાતી સાથેની વાતમાં અલ્પેશ કથીરિયા કહે છે કે અમે પહેલેથી જ અહિંસક આંદોલનમાં માનીએ છીએ.
તેઓએ કહ્યું, "પ્રથમ અમે આવેદનપત્ર આપીશું અને ચર્ચા-વિચારણા કરવાનો પ્રયાસ કરીશું. તેમ છતાં પણ જો કોઈ નીવેડો નહીં આવે તો આંદોલનના ભાગરૂપે એક સેન્ટર નક્કી કરીશું અને ગુજરાતમાં એક મોટું આંદોલન કરીશું."
તેઓ કહે છે કે "ગુજરાતમાં પાટીદારોનાં બે આસ્થાનાં ધામ છે. ઊંઝા ઉમિયાધામ અને કાગવડનું ખોડલધામ. આથી અમે બંને સંસ્થાઓના પ્રમુખ અને ટ્રસ્ટીઓને સૌપ્રથમ મળવાનો પ્રયાસ કરીશું."

'સરકાર ખોટા કેસ કરી રહી છે'

તો શિબિરમાં ઉપસ્થિત રહેલા પાસના નેતા મનોજ પનારાએ વર્તમાન સરકારને તાનાશાહ ગણાવી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓએ કહ્યું, "10 ટકા અનામતની જાહેરાત બાદ અમે આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લા એકાદ મહિનાથી સરકાર ઍક્શન મોડમાં આવી છે."
"જે કેસ સાથે અમારે કોઈ લેવાદેવા નથી, જે કેસ ટોળાં સામે થયેલાં છે, તેમાં મારા, હાર્દિકભાઈ, અલ્પેશભાઈ વગેરેનાં નામ ઘૂસાડવામાં આવ્યાં છે. જેથી યુવાનો કેસમાં ફસાતા જાય."
તેઓ કહ્યું કે "તમે (ગુજરાત સરકાર) 2017માં અમને સમાજના તમામ આગેવાનો, મીડિયાની સામે વચન આપ્યુ હતું કે રાજદ્રોહ સિવાયના તમામ કેસ પાછા ખેંચીશું. પણ ઊલટાના કેસ વધારી રહ્યા છે. તો સરકાર પર લોકોનો ભરોસો કેટલો? સરકાર જ આપેલું વચન ભૂલી જાય એ બહુ ખરાબ વાત કહેવાય."
પનારાએ વધુમાં ઉમેર્યું કે "અમે જેમણે અમારી (પાસ) અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી હતી એ સમાજના આગેવાનોને મળીશું અને સરકાર શું કરવા માગે છે એ જાણીશું."
"સરકાર જો કેસ પાછા ખેંચવા ન માગતી હોય તો કહી શકે, જેથી અમે પણ આગળ શું કરવું એ નક્કી કરી શકીએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'પાસ' સમયનો હાર્દિક સામેનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે તા. 25 ઑગસ્ટ, 2015ના અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે રેલી યોજી હતી.
જે બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક ડઝન કરતાં વધુ પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં તથા ઘણી સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચ્યું હતું.
હિંસાને પગલે હાર્દિક, દિનેશ બાંભણિયા તથા ચિરાગ પટેલની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો.
આંદોલન સમયે હાર્દિક પટેલે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો, જોકે બાદમાં તેઓ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













