ગુજરાતના પત્રકારત્વજગતમાં ચર્ચા જગાવનારો 'કવર દ્વારા કવરેજ'નો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજકોટ કલેક્ટરની કચેરી દ્વારા પત્રકારોને રૂપિયા 50-50 હજારના ચેક અપાયા હોવાની બિનાએ ગુજરાતના પત્રકારત્વજગતમાં ચકચાર જગાવી છે.
ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'નું કહેવું છે કે રાજ્યની વિજય રૂપાણી સરકારના ગણતંત્રદિવસ કાર્યક્રમને 'પૉઝિટિવ કવરેજ' આપવા બદલ આ રકમ આપવામાં આવી હતી.
જોકે, રાજકોટ કલેક્ટરે પત્રકારોને લાંચ આપવાની વાતને નકારી છે અને કહ્યું છે કે ચેક દ્વારા ચૂકવણું થયું હોવાથી તંત્રનો કોઈ બદઈરાદો ન હોવાનું ફલિત થાય છે.
ઉલ્લેખનીય છે કે 71મા ગણતંત્રદિવસના અનુસંધાને રાજકોટમાં લગભગ એક સપ્તાહ સુધી ધ્વજવંદન ઉપરાંત સંગીતકાર્યક્રમ, ફ્લાવર-શો તથા લાઇટ ઍન્ડ સાઉન્ડ શો જેવા અલગ-અલગ કાર્યક્રમ યોજાયા હતા.

50 હજારનો ચેક
તારીખ બીજી ફેબ્રુઆરી (રવિવાર)ના દિવસે 'દિવ્ય ભાસ્કર'ની રાજકોટ આવૃત્તિએ દાવો કર્યો હતો કે તેમના પત્રકાર જિજ્ઞેશ વૈદને રૂપિયા 50 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.
અખબારના જણાવ્યા અનુસાર રાજકોટના નાયબ મામલતદાર હિરેન જોશીએ કહ્યું હતું, "આ (બજેટની) ગણતરી થઈ ગઈ છે. સાહેબે કીધું છે એટલા લોકોના જ ચેક બનાવ્યા છે. સાહેબે કહ્યું હતું કે આપણો પ્રચાર બરોબર થવો જોઈએ."
અખબારના દાવા અનુસાર જોશીએ ઉમેર્યું હતું, "આમાં તો પેઇડ ન્યૂઝ નથી એવી રીતે સમાચાર બતાવવાના હતા એટલે સાહેબે આવું કર્યું હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખબારે 30મી જાન્યુઆરીની તારીખના દિવસે તેમના પત્રકાર જિજ્ઞેશ વૈદના નામે લખાયેલ રૂપિયા 50 હજારના બૅન્ક ઑફ બરોડાના ક્રૉસ્ડ ચેકની તસવીર પણ છાપી છે. અખબારનું કહેવું છે કે 'પુરાવા' એકઠા કરવા માટે તેમણે રકમ સ્વીકારી હતી, જે બાદમાં એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યાને પરત કરી દેવાઈ હતી.
લાંચ, લાલચ કે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સ્પ્રેસ' સાથે વાત કરતા 'દિવ્ય ભાસ્કર'ની રાજકોટ આવૃત્તિના નિવાસી તંત્રી અર્જુન ડાંગરે કહ્યું:
"કોઈ રકમ બાકી ન નીકળતી હોવા છતાં અમારા પત્રકારને ચેક આપવામાં આવ્યો, મતલબ કે કોઈક અમારા પત્રકારને ખુશ કરવા માગતું હતું. આ જનતાનાં નાણાંનો વેડફાટ છે."
"અમારા પત્રકારને લાંચ આપવાનો, પ્રભાવિત કરવાનો કે લલચાવવાનો પ્રયાસ હતો."
આ અંગે વિવાદ વકરતાં રવિવારે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને પત્રકારપરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે આની પાછળ કોઈ 'બદઈરાદો' ન હતો.
મોહને કહ્યું, "મીડિયાએ જે દિશામાં સમાચાર દેખાડવા હોય, તે દિશામાં દેખાડી શકે છે. આમાં કંઈ ખોટું થયું નથી. ચેકથી નાણાં લીધાં છે અને ચેકથી ચૂક્વ્યાં છે."
"(આ) પત્રકારે જ પોતાના નામે ચેક આપવા જણાવેલું તેઓ અખબારના 'અધિકૃત પ્રતિનિધિ' હતા એટલે જ તેમના નામજોગ ચેક અપાયો હતો."
મોહને દાવો કર્યો હતો કે આઠ અખબારોને રૂપિયા 50-50 હજારના ક્રૉસ્ડ-ચેક અપાયા હતા.
ફંડ, ફાળો અને ફંક્શન

ઇમેજ સ્રોત, Twitter@VijayRupani
ગુજરાતનો રાજ્યકક્ષાનો 71મો પ્રજાસત્તાક દિવસ રાજકોટમાં ઊજવાયો હતો, જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના અનેક પ્રધાન અને ઉચ્ચ અધિકારી સામેલ થયા હતા.
રાજકોટના કલેક્ટરના કહેવા પ્રમાણે, લોકભાગીદારી દ્વારા કાર્યક્રમના આયોજન માટે અલગથી બૅન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું, જેમાં દાન સ્વીકારવામાં આવ્યું હતું. આ ખાતામાંથી જ પત્રકારોને ક્રૉસ્ડ-ચેક આપવામાં આવ્યા હતા, તેથી પ્રચાર સિવાય કોઈ બદઇરાદો ન હોવાનું સ્પષ્ટ થાય છે.
રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમને ટાંકતાં 'દિવ્ય ભાસ્કર'એ દાવો કર્યો છે કે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને યોગ્ય પગલાં લેવાશે.
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ 'અમદાવાદ મિરર' સાથે વાત કરતાં કહ્યું :
"પ્રજાસત્તાકદિન જાહેર જનતાનો કાર્યક્રમ છે. ચેકથી દાન લઈને ક્રૉસ્ડ-ચેક દ્વારા રકમ ચૂકવાઈ છે."
"કલેક્ટર પાસે આ માટેની સત્તા રહેલી છે એટલે કૉંગ્રેસના આરોપ મુજબ ભ્રષ્ટાચારનો કોઈ ઈરાદો ન હતો."
અખબાર દ્વારા જાહેરખબર આપવાની પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

જાહેરખબરની 'ખબર'

ઇમેજ સ્રોત, Bipin Tankaria
સામાન્ય રીતે રાજ્ય સરકારના દરેક વિભાગ દ્વારા આપવામાં આવતી જાહેરખબરોનું મધ્યસ્થ સંચાલન માહિતીખાતા દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકારમાં આ કામગીરી પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા હાથ ધરવામાં આવે છે.
આ વિભાગ દ્વારા મંજૂર કરાયેલી જાહેરાત, તેની સાઇઝ, પ્રકાર (મલ્ટીકલર કે બ્લૅક ઍન્ડ વ્હાઇટ) નિર્ધારિત ભાવ, પ્રકાશનની તારીખ વગેરે જેવી માહિતી સાથે રિલીઝ ઑર્ડર કાઢવામાં આવે છે.
જાહેરખબર પ્રકાશિત થાય એટલે અખબાર દ્વારા ઍડ્વર્ટાઇઝમૅન્ટના કટિંગ સાથે બિલ માહિતીખાતાને મોકલી આપવામાં આવે છે. જે-તે વિભાગ પાસેથી જાહેરખબરની રકમ મેળવીને અખબારને ચૂકવણું કરવામાં આવે છે.
મોદી, રૂપાણી અને રાજકોટ

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે રાજ્યના અલગ-અલગ જિલ્લાના મુખ્ય મથકે સ્વતંત્રતા તથા પ્રજાસત્તાક દિવસની ઊજવણીની પરંપરા શરૂ કરી હતી.
વર્તમાન મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ મોદીએ શરૂ કરેલી પરંપરાને નિભાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમની બેઠક ઉપરથી ધારાસભ્ય છે. મોદીએ પણ તેમના ચૂંટણીલક્ષી રાજકારણની શરૂઆત રાજકોટથી શરૂ કરી હતી.
વર્ષ 2001માં તેઓ રાજકોટ-2 (હાલની રાજકોટ-પશ્ચિમ) બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા. ગુજરાતના તત્કાલીન નાણામંત્રી વજુભાઈ વાળાએ મોદીને માટે બેઠક ખાલી કરી આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













