નાંબી નારાયણન : એ જાસૂસીકૌભાંડ જેણે એક નિર્દોષ વૈજ્ઞાનિકની કારકિર્દી બરબાદ કરી

નાંબી નારાયણન

ઇમેજ સ્રોત, VIVEK NAIR

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી ન્યૂઝ, ત્રિવેન્દ્રમ

તમારી આખી જિંદગી બદલાઈ જાય એવી નાટકીય પળની કલ્પના કરો. દેશના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક સાથે 25 વર્ષ પહેલાં, તેમના ઘરના દરવાજે પોલીસ અધિકારીઓએ ટકોરા માર્યા ત્યારે કંઈક એવું જ બન્યું હતું.

એ શિયાળાની બપોર હતી. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમની સાંકડી ગલીઓમાં આવેલા એક ઘર પર ત્રણ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. નાંબી નારાયણનને યાદ છે કે એ પોલીસ અધિકારીઓએ તેમની સાથે વિનમ્રતા અને આદરભર્યું વર્તન કર્યું હતું.

પોલીસ અધિકારીઓએ અંતરીક્ષવિજ્ઞાની નાંબી નારાયણનને જણાવ્યું હતું કે તેમના બૉસ (ડીઆઈજી) તેમની સાથે વાત કરવા ઈચ્છે છે.

નારાયણને સવાલ કર્યો હતો, "મારી ધરપકડ કરવામાં આવી છે?"

પોલીસ અધિકારીએ કહ્યું, "નહીં સર."

News image

આ ઘટના 1994ની 30 નવેમ્બરે ઘટી હતી. એ સમયે 53 વર્ષના નાંબી નારાયણન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)ના ક્રાયોજેનિક રૉકેટ એન્જિન કાર્યક્રમનું નેતૃત્વ કરતા હતા. એ પ્રોજેક્ટ માટેની ટેકનૉલૉજી તેઓ રશિયા પાસેથી મેળવી રહ્યા હતા.

નાંબી નારાયણન પોલીસની ગાડી તરફ આગળ વધ્યા. એમણે પૂછ્યું હતું કે તેમણે આગળની સીટ પર બેસવાનું છે કે પાછળની. પોલીસના વાહનમાં શકમંદોને સામાન્ય રીતે પાછળની સીટ પર બેસાડવામાં આવતા હોય છે પણ પોલીસે નાંબી નારાયણનને આગળની સીટ પર બેસવા જણાવ્યું હતું અને ગાડી તેમને લઈને ગલીની બહાર નીકળી ગઈ હતી.

તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ડીઆઈજી ત્યાં ન હતા. તેથી નારાયણનને એક બેન્ચ પર બેસીને રાહ જોવાનું જણાવવામાં આવ્યું હતું. તેઓ બેન્ચ પર બેઠા અને ત્યાંથી પસાર થતા પોલીસ કર્મચારીઓ તેમને જોતા રહ્યા હતા.

નારાયણન કહે છે, "તેઓ મારી સામે એવી નજરે જોતા હતા, જાણે કે મેં કોઈ અપરાધ કર્યો હોય."

નારાયણન રાહ જોતા રહ્યા, પણ ડીઆઈજી આવ્યા નહીં. બેન્ચ પર બેઠાંબેઠાં જ રાતે તેમને ઊંઘ આવી ગઈ હતી. સવારે ઊઘ ઊડી ત્યારે જણાવવામાં આવ્યું કે તેમની ધરપકડ કરવામાં આવી છે.

એ સમય સુધીમાં પોલીસ સ્ટેશનમાં પત્રકારોની ભીડ એકઠી થઈ ચૂકી હતી અને કેટલાક કલાકોમાં જ અખબારોએ નારાયણનને 'દેશદ્રોહી' કહેવાનું શરૂ કરી દીધું હતું. તેમને એવા દેશદ્રોહી ગણાવવામાં આવ્યા હતા કે જેણે રશિયા પાસેથી ભારતને મળનારી ટેકનૉલૉજી માલદિવની બે મહિલાઓની જાળમાં ફસાઈને પાકિસ્તાનને વેંચી મારી હતી.

એ પછી નારાયણનની જિંદગી પહેલાં જેવી રહી ન હતી.

line

કથિત કૌભાંડ પહેલાંની જિંદગી

1990ની શરૂઆતમાં રશિયન વિજ્ઞાનીઓ સાથે નાંબી નારાયણન (જમણે)
ઇમેજ કૅપ્શન, 1990ની શરૂઆતમાં રશિયન વિજ્ઞાનીઓ સાથે નાંબી નારાયણન (જમણે)

નાંબી નારાયણનનો જન્મ મધ્યમ વર્ગના એક પરિવારમાં થયો હતો. પાંચ બહેનો પછી જન્મેલા નારાયણન તેમનાં માતા-પિતાનું છઠ્ઠું સંતાન હતા. તેમના પિતા નારિયેળના વેપારી હતા અને માતા ગૃહિણી હતાં.

નારાયણન મેઘાવી વિદ્યાર્થી હતા અને તેમના વર્ગમાં હંમેશાં પહેલા નંબરે રહેતા હતા. ઈસરોમાં જોડાતાં પહેલાં તેમણે એન્જિનિયરિંગ કૉલેજમાંથી ડિગ્રી મેળવી હતી અને થોડા સમય સુધી ખાંડના કારખાનામાં કામ પણ કર્યું હતું.

નારાયણન કહે છે, "વિમાનોનું મને પહેલાંથી જ આકર્ષણ હતું."

ઈસરોમાં જોડાયા બાદ નારાયણને ઝડપી પ્રગતિ કરી હતી. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં રૉકેટ ટેકનૉલૉજીનો અભ્યાસ કરવા માટે તેમને શિષ્યવૃતિ પણ મળી હતી. ત્યાં અભ્યાસ કર્યાના એક વર્ષ પછી તેઓ ભારત પરત આવ્યા હતા અને ફરીથી ઈસરોમાં કામ કરવા લાગ્યા હતા.

ઈસરોમાં તેમણે ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના જન્મદાતાઓ વિક્રમ સારાભાઈ (ઈસરોના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ), સતીશ ધવન અને એપીજે અબ્દુલ કલામ (જેઓ બાદમાં દેશના 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા)ની સાથે કામ કર્યું હતું.

એ દિવસોને યાદ કરતાં નારાયણન કહે છે, "મેં ઈસરોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એ તેના પ્રારંભિક દિવસો હતા. ખરું કહીએ તો રૉકેટ સિસ્ટમ વિકસાવવાની અમારી કોઈ યોજના જ ન હતી. આપણાં વિમાનો ઉડાડવા માટે અમેરિકા અને ફ્રાન્સના રૉકેટનો ઉપયોગ કરવાની યોજના અમે ઘડી રહ્યા હતા."

જોકે, એ પ્લાન બાદમાં બદલાઈ ગયો અને નારાયણન ભારતના સ્વદેશી રૉકેટનિર્માણના પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા લાગ્યા.

1994 સુધી તેમણે એક વિજ્ઞાની તરીકે બહુ મહેનત સાથે કામ કર્યું હતું. નવેમ્બર, 1994માં તેમની જિંદગી સંપૂર્ણપણે ઉપરતળે ન થઈ ગઈ ત્યાં સુધી તેમણે કામમાં આકરી મહેનત કરી હતી.

નારાયણનની ધરપકડના એક મહિના પહેલાં કેરળ પોલીસે માલદીવનાં મરીયમ રાશીદા નામનાં એક મહિલાની વિઝાના નિર્ધારિત સમયથી વધુ સમય ભારતમાં રહેવાના આરોપસર ધરપકડ કરી હતી.

રાશીદાની ધરપકડના કેટલાક મહિનાઓ પછી પોલીસે માલદીવનાં ફોઝિયા હસન નામના એક બેન્કકર્મીની ધરપકડ કરી હતી. તેને પગલે એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.

પોલીસને મળેલી માહિતીના આધારે સ્થાનિક અખબારોએ એવા અહેવાલો પ્રકાશિત કર્યા હતા કે આ મહિલાઓ દ્વારા ભારતીય રૉકેટ સંબંધિત 'ગુપ્ત માહિતી'ચોરીને પાકિસ્તાનને વેચવામાં આવી રહી હતી અને તેમાં ઈસરોના વિજ્ઞાનીઓ પણ સંડોવાયેલા છે.

પછી એવા દાવા પણ કરવામાં આવતા હતા કે નાંબી નારાયણન એ મહિલાઓની જાળમાં ફસાયેલા વિજ્ઞાનીઓ પૈકીના એક છે.

line

કથિત કૌભાંડ પછીની જિંદગી

યુવાન નાંબી નારાયણન
ઇમેજ કૅપ્શન, યુવાન નાંબી નારાયણન

ઔપચારિક રીતે ધરપકડ કરાયા બાદ નારાયણનને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

એ દિવસોને સંભારતાં નારાયણન કહે છે, "જજે મને પૂછ્યું હતું કે તમને ગુનો કબૂલ છે? મેં પૂછ્યુઃ ક્યો ગૂનો? તેમણે કહ્યુઃ તમે ટેકનૉલૉજી બીજા દેશ સુધી પહોંચાડી એ સત્ય છે."

જજે તેમને 11 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ભૂતકાળને ફંફોસવાથી એક ફોટોગ્રાફ મળી આવે છે, જેમાં ડાર્ક રંગનું શર્ટ અને આછા ભૂખરા રંગનું પૅન્ટ પહેરેલા એક વિજ્ઞાની અદાલતનાં પગથિયાં ઊતરી રહ્યા છે અને પોલીસથી ઘેરાયેલા છે.

એ સમયને યાદ કરતાં નારાયણન તેમના સંસ્મરણમાં લખે છેઃ "પહેલાં મને આઘાત લાગ્યો હતો, પણ પછી લાગ્યું કે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. એક વખત તો એવું લાગ્યું હતું કે હું કોઈ ફિલ્મ જોઈ રહ્યો છું અને એ ફિલ્મના કેન્દ્રમાં હું છું."

એ પછીના કેટલાક મહિનાઓમાં નારાયણની પ્રતિષ્ઠા અને ઈજ્જતના જાણે કે ભાંગીને ભૂક્કા થઈ ગયા હતા. તેમની સામે ભારતના ઑફિશિયલ સિક્રેટ ઍક્ટના ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર સહિતના અનેક કેસ નોંધવામાં આવ્યા હતા.

તપાસકર્તાઓ નારાયણનને માર મારતા હતા અને પછી તેમને એક પલંગ સાથે બાંધી દેતા હતા. તેઓ તેમને 30 કલાક ઊભા રાખીને સવાલોના જવાબ આપવા મજબૂર કરતા હતા. તેમનો લાઈ-ડિટેક્ટર ટેસ્ટ ધરાર કરવામાં આવતો હતો. આ ટેસ્ટ ભારતીય કોર્ટમાં પૂરાવા તરીકે માન્ય નથી.

નારાયણનને કડક સલામતી ધરાવતી જેલમાં રાખવામાં આવ્યા હતા. જીવલેણ માર મારીને લોકોની હત્યા કરતો એક સીરિયલ કિલર પણ તેમની કોટડીમાં હતો. (એ વ્યક્તિએ નારાયણને કહેલું કે એ કૌભાંડ વિશેના બધા સમાચાર વાંચે છે અને એ માને છે કે નારાયણન નિર્દોષ છે.)

નારાયણનને પોલીસને જણાવ્યું હતું કે "રૉકેટની ગુપ્ત માહિતી કાગળ મારફત ટ્રાન્સફર કરી શકાય તેવી નથી. મને આ મામલામાં ફસાવવામાં આવી રહ્યો છે."

એ સમયે ભારત શક્તિશાળી રૉકેટ એન્જિન બનાવવા માટે ક્રાયોજેનિક ટેકનૉલૉજી મેળવવા સંઘર્ષ કરતું હતું. તેથી તપાસકર્તાઓએ નારાયણનની વાતો પર વિશ્વાસ કર્યો ન હતો.

આ કેસમાં નારાયણન 50 દિવસ ધરપકડ હેઠળ રહ્યા હતા. એક મહિનો જેલમાં રહ્યા હતા. તેમને અદાલતમાં સુનાવણી માટે જેટલી વખત લઈ જવામાં આવતા હતા એટલી વખત લોકો તેમને બરાડીને 'દેશદ્રોહી' તથા 'જાસૂસ' કહીને ટોણાં મારતા હતા.

અલબત, નારાયણનની ધરપકડના એક મહિના બાદ સૅન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઈ) કેરળ પાસેથી આ કેસ પોતાના હાથમાં લઈ લીધો હતો.

નારાયણનને સીબીઆઈના અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ જે માહિતીના સંબંધે કામ કરતા હતા એ પૈકીની એકેય માહિતી 'ક્લાસિફાઈડ' (ગુપ્ત) ન હતી. એક અધિકારીએ આ સંબંધે માફી પણ માગી હતી. તેમણે કહ્યું હતું, "આટલું બધુ કેમ થઈ ગયું એ હું જાણતો નથી. અમને તેનું બહુ દુઃખ છે."

આખરે 1995ની 19 જાન્યુઆરીએ નાંબી નારાયણનને જામિન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ અડધી રાતના પહેલાં ઘરે પહોંચ્યા હતા. તેઓ સીડી ચઢીને ઉપર ગયા અને સૌથી પહેલાં તેમનાં પત્નીને સમાચાર આપ્યા હતા. તેમનાં પત્ની અંધારિયા ઓરડામાં જમીન પર ઊઘતાં હતાં. નારાયણને બે વખત તેમનું નામ પોકાર્યું ત્યારે તેઓ જાગ્યાં હતાં.

એ ક્ષણોના સંભારતાં નારાયણન કહે છે, "તેણે ધીમેથી પડખું ફેરવ્યું, પોતાનું માથું ઉઠાવ્યું અને ચૂપચાપ મારી આંખોમાં જોતા રહ્યાં. તેમના ચહેરા પર અજબ ભાવ હતા. જાણે તેઓ કશુંક ભયાનક જોઈ રહ્યાં હોય તેવા ભાવ. પછી તેઓ જોરથી ચીસ પાડીને રડવા લાગ્યાં હતાં. એવી ચીસ મેં અગાઉ ક્યારેય સાંભળી ન હતી. એ ચીસ કોઈ માણસ કે જનાવરની ન હતી."

મીનાક્ષી અમ્મલ (નારાયણનનાં પત્ની)ની ચીસોથી આખું ઘર ગૂંજી ઉઠ્યું હતું. થોડી વાર પછી તેઓ એકદમ ચૂપ થઈ ગયાં હતાં.

પતિના જેલમાં જવાથી અને તેમને ગેરહાજરીને કારણે મીનાક્ષીના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ હતી.

બન્નેનાં લગ્નને લગભગ 30 વર્ષ થઈ ચૂક્યાં હતાં અને તેમને બે સંતાન પણ હતાં. રોજ મંદિરે જતાં મીનાક્ષી નારાયણનની ધરપકડ પછી ડિપ્રેશનમાં ચાલ્યાં ગયાં હતાં. તેમણે કોઈની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

નારાયણન ઉપરાંત પાંચ લોકો પર પણ જાસૂસી તથા પાકિસ્તાનને રૉકેટ ટેકનૉલૉજી વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઈસરોમાં કામ કરતા ડી. સસીકુમાર, બે અન્ય ભારતીય પુરુષ (રશિયન અંતરીક્ષ એજન્સીના એક કર્મચારી તથા એક કૉન્ટ્રેક્ટર) અને માલદીવનાં બે મહિલાઓની આ સંબંધે ધરપકડ કરવામાં આવી હતી. નારાયણન તેમની ધરપકડ પહેલાં એ પાંચ પૈકીના કોઈને, ક્યારેય મળ્યા ન હતા.

line

ઘટનાક્રમ

નાંબી નારાયણનનું ભારત સરકારના પ્રતિષ્ઠિત પદ્મભૂષણ પુરસ્કાર વડે 2019માં સન્માન કરવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, SHABAZ KHAN

ઇમેજ કૅપ્શન, નાંબી નારાયણનનું ભારત સરકારના પ્રતિષ્ઠિત પદ્મભૂષણ પુરસ્કાર વડે 2019માં સન્માન કરવામાં આવ્યું હતું.

1994 - નારાયણનની ધરપકડ, કસ્ટડીમાં રાખવામાં આવ્યા અને જાન્યુઆરી, 1995માં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા.

1996 - સીબીઆઈએ નારાયણને નિર્દોષ જાહેર કર્યા.

1998 - સુપ્રીમ કોર્ટે કેરળ સરકારની અપીલને આખરે ફગાવી દીધી

2001 - નારાયણનને વળતર ચૂકવવાનો આદેશ કેરળ સરકારને આપવામાં આવ્યો.

2018 - ખોટો કેસ કરવાની તપાસનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો.

સીબીઆઈએ 1996માં પોતાનો 104 પાનાનો રિપોર્ટ બહાર પાડ્યો અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે ઈસરોના ગુપ્ત દસ્તાવેજો ચોરવાના અને પૈસાની લેવડદેવડના કોઈ પુરાવા નથી. ઈસરોની આંતરિક તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે ક્રાયોજેનિક એન્જિન સંબંધી એકેય દસ્તાવેજ ગૂમ નથી થયો.

એ પછી નાંબી નારાયણને ફરી એક વાર ઈસરોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એ વખતે તેઓ બેંગલુરુમાં વહીવટી પદ સંભાળતા હતા. જોકે, એ પછી પણ તેમની તકલીફોનો અંત આવ્યો ન હતો.

સીબીઆઈએ આ કેસ બંધ કરી દીધો હોવા છતાં રાજ્ય સરકારે તેને ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે 1998માં તેની અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

એ પછી નારાયણને તેમને ખોટી રીતે કેસમાં સંડોવવા બદલ કેરળ સરકાર પર કેસ કર્યો હતો. વળતર સ્વરૂપે તેમને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

નાંબી નારાયણન કહે છે કે બનાવટી કૌભાંડને કારણે ભારતના રૉકેટ પ્રોજેક્ટને નુકસાન થયું છે.

ઇમેજ સ્રોત, VIVEK NAIR

ઇમેજ કૅપ્શન, નાંબી નારાયણન કહે છે કે બનાવટી કૌભાંડને કારણે ભારતના રૉકેટ પ્રોજેક્ટને નુકસાન થયું છે.

કેરળ સરકારે હજુ ગયા મહિને જ જણાવ્યું હતું કે નારાયણનની ગેરકાયદે ધરપકડ અને માનસિક સતામણીના વળતર પેટે તેમને એક કરોડ પચાસ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.

2019માં નાંબી નારાયણનને ભારત સરકારના પ્રતિષ્ઠિત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નાંબી નારાયણન આજે 78 વર્ષના છે અને તેમના માટે આ કહાણી હજુ ખતમ થઈ નથી.

સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેરળ પોલીસની ભૂમિકાની તપાસનો આદેશ 2018માં આપ્યો હતો. એ તપાસનું પરિણામ જાણવા નારાયણન ઉત્સુક છે.

તેઓ કહે છે, "મને ફસાવનારા લોકોને સજા મળે એવું હું ઈચ્છું છું. આ કથાનો એક અધ્યાય પૂરો થયો છે, પણ એક અધ્યાય હજુ બાકી છે."

નારાયણન અને પાંચ અન્ય લોકો સામે આ પ્રકારનું કાવતરું શા માટે ઘડવામાં આવ્યું હતું, એ આજે પણ રહસ્ય છે.

નારાયણનને શંકા છે કે ભારતના કોઈ અંતરીક્ષપ્રતિસ્પર્ધીએ આ કાવતરું ઘડ્યું હશે, જેથી ભારતને રૉકેટ ટેકનૉલૉજી વિકસાવતાં રોકી શકાય.

એ જ ટેકનૉલૉજી અંતરિક્ષમાં ભારતની સફળતા માટે વરદાનરૂપ સાબિત થઈ છે.

ઓછા ખર્ચે સેટેલાઈટ લૉન્ચ કરવાની ભારતની ક્ષમતાથી ગભરાયેલા દેશોએ આ કાવતરું ઘડ્યું હતું? કે પછી એ કાવતરું ભારતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનું પરિણામ હતું?

નારાયણન કહે છે, "આ બધું એક કાવતરાના ભાગરૂપે થયું હતું, પણ કાવતરું રચનારા લોકો અલગ-અલગ હતા અને તેમના હેતુ પણ અલગ-અલગ હતા. હા, તેમના ષડ્યંત્રનો શિકાર એકસમાન લોકો જ બન્યા હતા. જે પણ થયું તેમાં મારી કારકિર્દી, મારી આબરુ, મારી પ્રતિષ્ઠા અને મારી ખુશી...બધું બરબાદ થઈ ગયું. એ માટે જવાબદાર લોકો આજે પણ કોઈ સજા પામ્યા વિના ખુલ્લેઆમ ફરી રહ્યા છે."

બીબીસીની ખાસ શ્રેણી 'લાઈફ ઈન્ટરપ્ટેડ'

(આ લેખ બીબીસી ન્યૂઝની ખાસ શ્રેણી 'લાઈફ ઈન્ટરપ્ટેડ'નો એક ભાગ છે. જેમની જિંદગી ગણતરીની ક્ષણોમાં પલટાઈ ગઈ હોય એવા લોકોની કહાણી અમે આ શ્રેણીમાં જણાવી રહ્યા છીએ.)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો