મોદી સરકારનું બજેટ મંદીમાંથી ઉગારવામાં અસમર્થ કેમ? - દૃષ્ટિકોણ

    • લેેખક, પ્રોફેસર ઇંદિરા હિરવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નાણાકીય વર્ષ 2020-21નું અંદાજપત્ર નિરાશ કરનારું છે!

સૌ પ્રથમ તો એટલે કે નાણામંત્રીએ એ સ્વીકાર્યું પણ નથી કે અર્થતંત્ર ઘણું જ ધીમું પડી ગયું છે! બજેટ એવી રીતે રજૂ થયું છે, જાણે મંદી છે જ નહીં.

બિઝનેસમાં સરળતાની બાબતમાં ભારતની સ્થિતિ સુધરી છે તેનો વારંવાર તેમણે ઉલ્લેખ કર્યો, પરંતુ દેશમાં ગરીબી વધી છે તેની વાત ના કરી, ભ્રષ્ટાચારની બાબતમાં દેશનું રૅન્કિંગ બગડ્યું છે તેનો પણ ઉલ્લેખ ના કર્યો.

શિક્ષણ અને આરોગ્યની સુવિધામાં બહુ ધીમી ગતીએ વધારો થઈ રહ્યો છે અને લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે તેમની પણ વાત નથી કરી.

તમે સમસ્યાને સ્વીકારો જ નહીં તો તેના ઉકેલ માટે કેવી રીતે વિચારી શકો?

આજે અર્થતંત્રમાં સૌથી મોટી સમસ્યા છે ગ્રાહકોની માગમાં ઘટાડો; પણ બજેટમાં તેના પર પૂરતું ધ્યાન અપાયું નથી.

નાણામંત્રીએ કૉર્પોરેટ સૅક્ટરની કંપનીઓ માટે ઘણું બધું કર્યું છે, જેમ કે નવી ઉત્પાદક કંપનીઓ માટે કૉર્પોરેટ-ટૅક્સ ઘટાડીને વિશ્વમાં સૌથી ઓછો એવો 15% કરી દેવાયો, ડિવિડન્ટ ડિસ્ટ્રીબ્યુશન ટૅક્સ દૂર કરાયો, કૅપિટલગેઇન-ટૅક્સ અને વેલ્થ-ટૅક્સ ઘટાડાયો; નિકાસ માટે વધારે પ્રોત્સાહનો જાહેર કરાયાં; વિદેશી મૂડીરોકાણમાં છૂટછાટો અપાઈ.

આ બધાં જ પગલાં અર્થતંત્રની પુરવઠા બાજુ માટે લેવાયાં છે. આપણા અર્થતંત્રને જરૂર છે માગ બાજુ માટે પગલાં લેવામાં આવે. માગની બાબતમાં ઊલટું થયું છે અને કૃષિ માટેની ફાળવણીમાં ઘટાડો થયો છે.

વાસ્તવિક દરે શિક્ષણ માટેની ફાળવણી વધારાઈ નથી. મનરેગા માટેની ફાળવણીમાં 13% જેટલો ઘટાડો થયો છે.

બીજું કે આવકવેરામાં ઘટાડાથી માગમાં વધારો થશે, કેમ કે તળિયાની 40 ટકા વસતિની સામે આવકવેરો ભરતા (વસતિના માત્ર 2% આવકવેરો ભરનારા) લોકો એટલાં નાણાં વાપરતા નથી.

ટૂંકમાં બજેટને કારણે અર્થતંત્ર માટે જરૂરી એવી ગ્રાહકોની માગમાં વધારો થાય તેવું કશું થવાનું નથી. એ જ રીતે ખાદ્યપદાર્થો માટેની સબસિડીમાં ઘટાડો થયો છે, તેના કારણે તળિયાની 40 ટકા વસતિ દ્વારા થતો ઉપભોગ ઘટશે.

બજેટમાં 'કિસાન સન્માન યોજના'ની વાત કરવામાં આવી હતી, પણ આંકડા દર્શાવે છે કે તેનો લાભ મળતો હોય તેવા ખેડૂતોની સંખ્યા ઘટી છે.

યોજનાનો ત્રીજો હપતો માત્ર 25% ખેડૂતો સુધી જ પહોંચ્યો છે.

આના કારણે એ મહત્ત્વનો મુદ્દો પણ ધ્યાને ચડે છે કે આ પ્રકારના સરકારી કાર્યક્રમોનો સ્વતંત્ર રીતે અભ્યાસો કરીને તેનું મૂલ્યાંકન કરનારી કોઈ વ્યવસ્થા પણ નથી. આવા અભ્યાસથી સરકારને ઘણો ફાયદો થઈ શકે છે!

નીતિઓ અંગેની બીજી સમસ્યા એ છે કે વસતિના તળિયાના 30થી 40% લોકોને બાકાત જ રાખી દેવાયા છે.

ગ્રામીણ વિસ્તારમાં મજૂરી, ખાસ કરીને ખેતીના કામની મજૂરીમાં ઘટાડો થયો છે અને એના કારણે ગ્રામીણ માગમાં ઘટાડો થયો છે.

આમ છતાં તેમની મજૂરીમાં વધારો થાય તેવી કોઈ કોશિશ કરવામાં આવી નથી.

સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળી જાય છે, પરંતુ મજૂરો માટેના લઘુતમ દરોમાં વધારો થતો નથી.

મજૂરો સૌથી ઓછું ભણેલા હોય છે અને તેમને સ્વાસ્થ્યની પણ સમસ્યાઓ હોય છે.

ખેડૂતો માટેની યોજનાનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. તેઓ એક રીતે વિકાસની પ્રક્રિયામાંથી બાકાત જ રહી જાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રૉબોટિક્સ, 3-ડી પ્રિન્ટિંગ અને તેના જેવી અત્યાધુનિક ટેકનૉલૉજી સરકાર લાવવા માગે છે, પણ ખેડૂતો તેનાથી બહુ દૂર હોય છે.

ખેડૂતો માટે વધારે પગલાં લેવામાં આવે તેની તાકીદની જરૂર છે. તેમ નહીં થાય તો દેશમાં આવકની અસમાનતા હજી વધશે.

બજેટમાં રજૂ કરવામાં આવેલા આંકડા કેટલાક સવાલો પણ ખડા કરે છે. આજે 3.8%ની નાણાકીય ખાધ હશે તે માનવામાં આવતું નથી.

ઘણા બધા નિષ્ણાતોનો અંદાજ છે કે વાસ્તવિક ખાધ 4થી 5% સુધી છે.

જુદી-જુદી દરખાસ્તો માટે નાણાં કેવી રીતે ઊભાં કરવામાં આવશે તેની પણ કોઈ સ્પષ્ટતા બજેટમાં કરવામાં આવી નથી.

સ્થાનિક તથા વિદેશી બજારમાંથી ધિરાણ તથા પીપીપી મૉડલથી નાણાં ઊભાં કરાશે તેવો ઉલ્લેખ કરી દેવો પૂરતો નથી.

આગામી વર્ષમાં જીડીપી વિકાસદર 10% સુધી પહોંચી જશે તેવો આશાવાદ અસ્થાને છે, કેમ કે આઈએમએફ, વર્લ્ડ બૅન્ક અને દેશના નિષ્ણાતો ઘણો ઓછો અંદાજ મૂકી રહ્યા છે.

છેલ્લે કેટલાક નવા કાર્યક્રમોનો ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે, જેનો યોગ્ય અમલ થાય તો હકારાત્મક સાબિત થઈ શકે છે.

સ્ટાર્ટ-અપ, એમએસએમઈ અને બિનપરંપરાગત ઊર્જા ખાસ કરીને સૌરઊર્જાને પ્રોત્સાહન આપવાની વાત સારી છે. આદિવાસીઓના કલ્યાણ માટે અને આદિવાસીઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની વાત સારી છે.

પરવડે તેવાં આવાસો માટેની યોજના લાભદાયી સાબિત થઈ શકે છે. પરંતુ ભૂતકાળમાં આવાસો બનાવાયાં હોય, તેનો ઉપયોગ થયો હોય તેનો અભ્યાસ કરીને તેનો ફાયદો ડિઝાઇનિંગમાં કરવો જોઈએ.

સરવાળે આ બજેટ એક સારી તકને વેડફી નાખનારું સાબિત થયું છે. સુસ્ત પડેલા અર્થતંત્રને ફરીથી બેઠું કરવાની તક હતી તે લેવામાં આવી નહીં.

તેનું કારણ કદાચ એ કે સરકાર CAA અને NRC જેવી બાબતોમાં અત્યારે વધારે વ્યસ્ત છે અને લોકોના કલ્યાણ કે અર્થતંત્રના તંદુરસ્ત વિકાસમાં રસ નથી.

(આ લેખમાં વ્યક્ત વિચાર લેખકના અંગત છે. તેમાં સામેલ તથ્યો તેમજ વિચાર બીબીસીના નથી .)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો