જામિયા : પ્રદર્શન પર હુમલો કરનાર સગીર, તો શું સજા મળશે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ,
- પદ, બીબીસી, નવી દિલ્હી
દિલ્હીની જાણીતી યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયા બહાર CAA-NRCના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પિસ્તોલ તાકીને ગોળી ચલાવનાર યુવાન સગીર છે કે નહીં તેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ ગુરુવારે એક માર્કશીટ ટ્વિટર પર શૅર કરી જેને લઈને અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે.
જામિયામાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પિસ્તોલ તાકનારની આ માર્કશીટ છે એમ કહીને શૅર કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર આ માર્કશીટને અનેક લોકો નકલી કહી રહ્યા છે અને આમાં આપેલી જાણકારી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
લોકો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જામિયામાં ગોળીબારની ઘટનાના થોડાક જ કલાક પછી માર્કશીટ શૅર કરવા પાછળનો ઉદ્દેશ આ વ્યક્તિને સગીર સાબિત કરીને તેની સજા ઓછી કરાવવાનો છે.
માર્કશીટમાં સ્કૂલના કોડ અને પિસ્તોલ તાકનારને સગીર દર્શાવતી માહિતીને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.

સ્કૂલની માર્કશીટ

ઇમેજ સ્રોત, ANI
બીબીસી ન્યૂઝે પિસ્તોલ તાકનાર અને ગોળી ચલાવનાર વિદ્યાર્થી સગીર છે કે નહીં તે અંગે તપાસ કરી જે અંગે માર્કશીટના આધારે એ કહી શકાય છે કે તે સગીર છે.
બીબીસીની તપાસમાં ખબર પડી કે આ યુવક ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની એક શાળાનો વિદ્યાર્થી છે અને અહીંથી જ તેણે 2018માં દસમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે વિદ્યાર્થી સગીર હોવાથી તેની ઓળખ જાહેર ન કરવાના ઇરાદાથી તેની સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ અથવા સ્કૂલનું નામ અહીં લખ્યું નથી.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ જે માર્કશીટ શૅર કરી છે તે સાચી હોવાની પુષ્ટિ સ્કૂલના સંસ્થાપકે કરી છે.
બીબીસી સાથેની વાતમાં તેમણે કહ્યું આ માર્કશીટ સાચી છે, તેની પર લખેલી તમામ જાણકારી સાચી છે.
તે મુજબ આ છોકરાની ઉંમર હાલ 17 વર્ષ નવ મહિનાની છે અને તે સગીર છે.
સ્કૂલનાં એક મહિલા શિક્ષીકાના કહેવા અનુસાર તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે, પિતા એક નાની દુકાન ચલાવે છે અને માતા નોકરી કરે છે.
મહિલા શિક્ષકે બીબીસીને કહ્યું કે તેનો એક ભાઈ પણ આ જ સ્કૂલમાં ભણે છે. તે ભણવામાં સામાન્ય હતો અને ક્યારેક સ્કૂલમાં કોઈ પ્રકારનું ગેરવર્તણૂક કરતો જોવા મળ્યો નથી.
તેમના કહેવા પ્રમાણે સગીર 28 જાન્યુઆરીએ સ્કૂલમાં આવ્યો હતો પરંતુ તેમનાં માતાએ ફોન કરીને બંને ભાઈઓને ઘરે પરત બોલાવ્યા હતા કારણ કે પરિવારમાં કોઈનાં લગ્નમાં હાજર રહેવા માટે જવાનું હતું. એ પછી તે સ્કૂલમાંથી જલદી નીકળી ગયા છે.

ઇમેજ સ્રોત, TWITTER
જોકે જ્યારે બીબીસીએ માર્કશીટના મામલે સીબીએસઈના સંપર્ક અધિકારી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે માર્કશીટ સીબીએસઈ દ્વારા જાહેર કરવામાં આવી છે.
તેમણે કહ્યું છે કે સીબીએસઈએ માર્કશીટ કોની છે તેની ઓળખ તો કરી છે પરંતુ એ વાતની સ્પષ્ટતા કરી શક્યા નથી કે આ માર્કશીટ જામિયાની બહાર પિસ્તોલ તાકનાર અને ગોળી ચલાવનાર મામલામાં પકડાઈ જનાર કિશોરની છે, કારણ કે આ નામના બીજા અનેક વિદ્યાર્થી પણ હોઈ શકે છે.

સીબીએસઈ સાથે ઍફિલિયેટેડ છે આ સ્કૂલ
સ્કૂલના સીબીએસઈ સાથેના જોડાણ અંગે સોશિયલ મીડિયા પર પણ અનેક સવાલ ઊભા થયા છે. બીબીસીની તપાસમાં એ જાણવા મળ્યું કે આ સ્કૂલ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ) સાથે સંબંધ છે.
સીબીએસઈએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ સ્કૂલનો સીબીએસઈ સાથે સંબંધ છે.
સ્કૂલના સંસ્થાપકનું કહેવું છે કે તેમણે 2013માં આ સ્કૂલની શરૂઆત કરી હતી અને આ કિશોર સૌથી પહેલાં સ્કૂલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી એક હતો.

સ્કૂલના કોડ પર સવાલ

ઇમેજ સ્રોત, CBSE
ટ્વિટર પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે માર્કશીટમાં જે સ્કૂલનો કોડ દર્શાવવામાં આવ્યો છે તે સીબીએસઈની વેબસાઇટ પર દર્શાવવામાં આવતા કોડથી અલગ છે.
બીબીસીએ પોતાની તપાસમાં જાણેલું સત્ય એ છે કે માર્કશીટમાં દેખાડવામાં આવેલ કોડ અને સીબીએસઈની વેબસાઇટ પર આપેલો કોડ અલગ છે.
બીબીસીએ આ અંગે સ્કૂલના સંસ્થાપકને સવાલ કર્યો કે એક સ્કૂલના બે અલગ-અલગ કોડ કેવી રીતે દેખાડવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે પહેલાં આ સ્કૂલ સીબીએસઈના દહેરાદુન ઝોનમાં આવતી હતી પરંતુ વર્ષ 2019માં આને નોએડાની રિજનલ ઑફિસ હેઠળ રાખવામાં આવ્યું હતું.
એટલા માટે બે અલગ કોડ સામે આવી રહ્યા છે. માર્કશીટ 2018ની છે એટલા માટે આમાં તે કોડ છે જે દહેરાદુન ઝોનમાંથી આપવામાં આવ્યો હતો અને સીબીએસઈ વેબસાઇટ પર હાલમાં જે કોડ છે તે નોએડા રિજનલ ઑફિસ તરફથી આપવામાં આવ્યો છે.
આ સિવાય સોશિયલ મીડિયા પર સ્કૂલના 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાની ચર્ચા થઈ રહી છે. સીબીએસઈની વેબસાઇટ પર સ્કૂલના રિપોર્ટકાર્ડમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય છે.
સ્કૂલના સંસ્થાપકે બીબીસીને કહ્યું કે સ્કૂલને 11મા ધોરણ અને 12 માટે સીબીએસઈમાંથી ઑગસ્ટ 2019એ ઍફિલિએશન મળ્યું છે. એટલા માટે જે વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં આ સમયે ભણી રહ્યા છે તે 2021માં 12મા ધોરણમાં પરીક્ષા આપશે.
જોકે તેમણે માન્યું છે કે સગીર હાલ તેમની સ્કૂલનો વિદ્યાર્થી નથી કારણ કે 12મા ધોરણમાં કોઈ વિદ્યાર્થી નથી. પરંતુ તે સ્કૂલમાં શિક્ષકો સાથે ભણવા માટે આવતો રહેતો હતો.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હાલ સુધી અમે આ વેબસાઇટ અપડેટ કરી નથી જેના કારણે આ કન્ફ્યુઝન થઈ રહ્યું છે. પરંતુ તે આને અપડેટ કરશે.
બીબીસીએ આ તમામ સવાલને લઈને દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો. દિલ્હી પોલીસના પ્રવક્તા મનદીપ સિંહ રંધાવા સાથે અનેક વખત સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પરંતુ એક પણ જવાબ મળી શક્યો નહીં.
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની બહાર 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિના નિમિત્તે એક માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રદર્શનકારીઓની સામે 'યે લો આઝાદી' કહીને એક વ્યક્તિએ પિસ્તોલ તાકી અને ગોળી પણ ચલાવી હતી.
આમાં જામિયામાં ભણનાર એક વિદ્યાર્થી ઘાયલ થયો છે જેનો ઇલાજ દિલ્હીની એમ્સમાં ચાલી રહ્યો હતો.

સગીર હશે તો શું થશે?

ઇમેજ સ્રોત, Reuters
ભારતમાં જુવેનાઇલ જસ્ટિસ કાયદા પ્રમાણે 18 વર્ષથી ઓછી ઉંમરના આરોપીઓને વધુમાં વધુ ત્રણ વર્ષની સજા આપી શકાય છે.
પરંતુ જુવેનાઇલ જસ્ટિસ કાયદામાં સંશોધન પ્રમાણે 16-18 વર્ષની ઉંમરના કિશોર પર કોઈ જઘન્ય ગુનાના મામલામાં કેસ દાખલ કરવામાં આવે તો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના વિવેકના આધારે તેના પર ભારતીય દંડ સંહિતા પ્રમાણે સાધારણ અદાલતમાં કેસ ચલાવી શકાય છે.
વરિષ્ઠ વકીલ આભા સિંહ કહે છે, "જો જામિયામાં ગોળી મારનાર કિશોર સગીર ન હોત તો તેના પર 'અટેમ્પ્ટ ટૂ મર્ડર'ની કલમ 307 હેઠળ કેસ ચલાવવામાં આવત, જેમાં ઓછામાં ઓછા દસ વર્ષની સજા છે."
"આ મામલામાં આજીવન કારાવાસની પણ સજા થઈ શકતી હતી. પરંતુ તે સગીર છે તો તેને ઑબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે."
આભા સિંહ કહે છે કે સગીર હોવાની સ્થિતિમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ સામે આ કેસ ચાલશે.
જોકે દિલ્હી પોલીસના જૉઇન્ટ પોલીસકમિશનર દેવેશ શ્રીવાસ્તવે ગુરુવારે મીડિયાને કહ્યું હતું કે આ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવનાર વ્યક્તિની સામે આઈપીસીની કલમ 307(હત્યાના પ્રયત્નો)નો આરોપ લગાવવામાં આવ્યો છે.
તે કહે છે કે ભારતમાં કાયદા પ્રમાણે સગીર કોઈ કેસમાં સ્પેશિયલ હોમમાં સજા પૂર્ણ કર્યા પછી જ્યારે બહાર આવે છે તો તેનો અપરાધી તરીકેનો રેકર્ડ નષ્ટ કરવામાં આવે છે, જેથી પોતાના જીવનની ફરીથી શરૂઆત કરી શકે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.













