બજેટ 2020 : કેન્દ્રીય બજેટને સમજવા માટે આ પાંચ વાત જાણી લો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મેઘાવી અરોરા
- પદ, બીબીસી ન્યૂઝ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ 2020-21નું બજેટ શનિવાર-પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરશે.
એ બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટેની કેન્દ્ર સરકારની આવક અને ખર્ચની વિગત આપવામાં આવશે.
આ બજેટ પર બધાની ચાંપતી નજર રહેશે, કારણ કે સરકાર ભારતીય અર્થતંત્રમાંની નરમાઈને ગંભીર ગણી રહી છે અને તેમાંથી અર્થતંત્રને ઉગારવાનાં પગલાં લઈ રહી છે, એ નાગરિકો તથા ઉદ્યોગજગતને જણાવવાની મોદી સરકાર માટે આ મોટી તક છે.
બજેટની દરખાસ્તોની જાહેરાત પહેલાં એ પાંચ નાણાકીય શબ્દાવલિને સમજી લેવી જરૂરી છે.

રાજકોષીય ખાધ
સરકારની કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય છે ત્યારે રાજકોષીય ખાધ સર્જાય છે. તેમાં સરકારે લીધેલા ઋણ (બોરોઈંગ્ઝ)નો સમાવેશ થતો નથી.
ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ 2017માં બજેટની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે 2017-18ના નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના 3.2 ટકા જેટલી રાજકોષીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરવાની સરકારને આશા છે. તે પ્રમાણ આગલા નાણાકીય વર્ષના જીડીપીના 3.5 ટકાના લક્ષ્યાંક કરતાં ઓછું હતું.
અલબત્ત, વિશ્લેષકોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે એ લક્ષ્યાંકને હાંસલ નહીં કરી શકાય અને 2018-19ના નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ ઘટવાને બદલે વધશે.
આ બજેટ લોકરંજક હશે કે કેમ એ વિશે પણ અનુમાન ચાલી રહ્યું છે. લોકરંજક બજેટમાં મતદારોને આકર્ષવા માટે કરવેરામાં રાહતો, છૂટછાટ અને ફેરફાર મારફત સરકારી ખર્ચ વધારવાનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં વધારો
હાલ વાર્ષિક રૂ. 2,50,000થી ઓછી આવક ધરાવતા નાગરિકોને આવકવેરો ચૂકવવામાંથી મુક્તિ મળેલી છે.
જોકે, લોકોની ખરીદશક્તિ વધારવા વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં વધારો કરવાની સરકારની યોજના હોવાનું અનુમાન અને અપેક્ષા છે.

પ્રત્યક્ષ અને પરોક્ષ કર

ઇમેજ સ્રોત, Getty Images
પ્રત્યક્ષ કર એટલે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવાતો કર. તેમાં કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિ પર કર ચૂકવવાનું ભારણ હોય છે અને તેને બીજી વ્યક્તિ પર ટ્રાન્સફર કરી શકાતું નથી. આવક વેરો, સંપત્તિ વેરો અને કૉર્પોરેટ ટૅક્સ એ પ્રત્યક્ષ કરનાં ઉદાહરણ છે.
પરોક્ષ વેરામાં કરનો બોજ બીજી વ્યક્તિ પર ટ્રાન્સફર કરી શકાય છે. સર્વિસ પ્રોવાઇડર્સ કે પ્રોડક્ટના ઉત્પાદકો વસ્તુ કે સેવાના વપરાશકાર પર કર બોજ ટ્રાન્સફર કરતા હોય છે.
ગૂડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) પરોક્ષ વેરાનું ઉદાહરણ છે. વેલ્યુ ઍડેડ ટૅક્સ, સેલ્સટૅક્સ, સર્વિસટૅક્સ, ઑક્ટ્રોય, લક્ઝરી ટૅક્સ અને ઍન્ટરટેઇન્મેન્ટ ટૅક્સ જેવા વિવિધ કરનું સ્થાન હવે જીએસટીએ લીધું છે.

નાણાકીય વર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને તેનો અંત પછીના વર્ષની 31 માર્ચે થાય છે. આ વખતનું બજેટ 2021ના નાણાકીય વર્ષ માટેનું એટલે કે પહેલી એપ્રિલ, 2020થી 31 માર્ચ, 2021ના સમયગાળાનું હશે.

લૉંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images
ખરીદીની તારીખથી એક વર્ષ કરતાં ઓછા સમયગાળા દરમિયાન નાગરિકોને તેમણે ખરીદેલા શૅરોમાં જે કોઈ લાભ જે થાય છે તેના પર હાલ 15 ટકા ટૅક્સ વસૂલવામાં આવે છે. તેને શૉર્ટ-ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ કહે છે.
એક લાખથી વધુના શૅરો અને શૅરલક્ષી યુનિટ્સના વેચાણનો લૉંગ ટર્મ કૅપિટલ ગેઇન અગાઉ કરમુક્ત હતો, પણ પહેલી એપ્રિલ, 2018 પહેલાં કે પછી કરેલી ટ્રાન્સફર માટે તેના પર 10 ટકા લેખે ટૅક્સ લાદવામાં આવ્યો હતો.
જોકે, સરકાર લૉંગ-ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સનો હોલ્ડિંગ પિરિયડ વધારવા વિચારી રહી હોવાનું અનુમાન છે. તેથી શૅરોના વેચાણમાંથી થતા કૅપિટલ ગેઇન્સ પર કરમુક્તિનો લાભ મેળવવા રોકાણકારો શૅરો લાંબા સમય સુધી જાળવી રાખશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













