પ્રીમિયર બૅડમિન્ટન લીગથી ભારતીય બૅડમિન્ટનને કેટલો ફાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2013માં પીબીએલ એટલે પ્રીમિયર બૅડમિન્ટન લીગનો એક મુકાબલો. સ્થળઃ દિલ્હી સિરીફૉર્ટ સ્ટેડિયમ. હૈદરાબાદ હૉટશૉટ્સનાં સાઇના નેહવાલ અને અવધ વૉરિયર્સનાં પીવી સિંધુ વચ્ચે થનારો મુકાબલો જોવા માટે બધી સીટો ભરાઈ ગઈ હતી.
એ મૅચ તો સિંધુ હારી ગયાં પરંતુ એ શરમાળ સિંધુએ વર્ષ 2017ના પીબીએલના ત્રીજા સંસ્કરણમાં ચેન્નાઈમાં સ્મૅશર્સ તરફથી રમતાં સાઇના નેહવાલને ન માત્ર લીગ મૅચમાં, સેમિફાઇનલમાં પણ હરાવ્યાં અને પોતાની ટીમને ચૅમ્પિયન બનાવી.
આ પહેલાં વર્ષ 2016માં પીવી સિંધુ રિયો ઑલિમ્પિકમાં રજતચંદ્રક જીતી ચૂક્યાં હતાં. 2017માં જ તેઓએ વિશ્વ ચૅમ્પિયનશિપમાં રજતચંદ્રક જીત્યો.
2017માં જ સિંધુ વર્લ્ડ સુપર સિરીઝની ફાઇનલમાં ઉપવિજેતા રહ્યાં. આ સિવાય તેઓએ વર્ષ 2017માં કોરિયા ઓપન અને ઇન્ડિયા ઓપન જીત્યાં.
સિંધુ માને છે કે આ જીતમાં પીબીએલમાં મળેલી સફળતા, અનુભવ, ટ્રેનિંગ, મોટા ખેલાડીઓ અને શાનદાર કોચિંગ અને ફિટનેસનો પણ મોટો રોલ હતો.
હવે ફરી એક વાર દેશી-વિદેશી ખેલાડીઓથી સજ્જ પીબીએલ એટલે કે પ્રીમિયર બૅડમિન્ટન લીગનું છઠ્ઠું સંસ્કરણ 20 જાન્યુઆરીથી શરૂ થયું છે. તેની ફાઇનલ નવ ફ્રેબુઆરીએ રમાશે.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં પીવી સિંધુએ કહ્યું, "આ ઘણી સારી વાત છે કે આ પ્રકારની લીગ છે. આ અમારા માટે જ નહીં, પણ યુવા ખેલાડીઓ માટે પણ બહુ ફાયદાકારક છે. તેનાથી લોકોને જાણવાનો મોકો મળે છે."
"જે ખેલાડી સિંધુ કે સાઇના બનવા માગે છે, બૅડમિન્ટનમાં કરિયર બનાવવા માગે છે. તેઓ અમારી મૅચ જોઈ શકે છે. તેઓ જોઈ શકે છે કે કેટલી મહેનત લાગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ તેમનાં માતાપિતા માટે પણ આ રીતની લીગ ઘણી ફાયદાકારક છે. તેઓ તેમનાં બાળકોને સ્પૉર્ટ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે."
ભારતીય ખેલાડી બિસાઈ પ્રણીતે બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે એક જુનિયર ખેલાડીના રૂપમાં તેઓ પીબીએલ સાથે જોડાયા અને ઘણા અનુભવી ખેલાડીઓ સામે રમીને તેમનામાં આત્મવિશ્વાસ આવ્યો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વખતની લીગમાં સાત ટીમ ભાગ લઈ રહી છે. જેમાં અવધ વૉરિયર્સ, બેંગલુરુ રૅપટર્સ, ચેન્નાઈ સુપર સ્ટાર્સ, હૈદરાબાદ હંટર્સ, મુંબઈ રૉકેટ્સ, નૉર્થ ઇસ્ટર્ન વૉરિયર્સ અને પૂણે 7 ઍસેસ સામેલ છે.
પીબીએલનું પહેલું આયોજન વર્ષ 2013માં થયું. બાદમાં વર્ષ 2016માં ફરી એક વાર દુનિયાભરના ખેલાડીઓની હરાજી થઈ અને બાદમાં છ ટીમ સાથે લીગનો બીજો જન્મ થયો.
ત્યારે પી. કશ્યપે બીબીસીને જણાવ્યું હતું કે આ લીગનો ફાયદો એ થયો કે ચીન, જાપાન, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાના ખેલાડીઓને ઘરઆંગણે જ રમવાનો મોકો મળી રહ્યો છે.

ભારતમાં રમતને મહત્ત્વ અપાયું

ઇમેજ સ્રોત, Getty Images
ભલે ચીનના જાણીતા ખેલાડીઓ ન આવ્યા, પરંતુ ભવિષ્યમાં તેઓ પણ આવશે.
આ વખતની લીગમાં ભાગ લઈ રહેલા ચિરાગ શેટ્ટી કહે છે, "હું ત્રીજી લીગથી રમી રહ્યો છું. પહેલા વર્ષે જ મને ટૉપના ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળ્યો અને ઘણું શીખ્યો. હવે મને એવું લાગે છે કે હું કોઈ પણ સાથે રમી શકું છું."
છેલ્લાં 10 વર્ષમાં ભારતના ઘણા બૅડમિન્ટન ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. પછી તે બીસાઈ પ્રણીત હોય, ચિરાગ શેટ્ટી હોય કે સિંધુ કે સાઇના.
ચિરાગ શેટ્ટી જેવા ખેલાડીઓ માને છે કે બૅડમિન્ટનની રમતને ભારતમાં સારી રીતે મૅનેજ કરાઈ છે અને ગૅમને ઘણું મહત્ત્વ મળ્યું છે.
પીબીએલની વાત કરીએ તો વર્ષ 2017-18માં છ ટીમ હતી. જ્યારે વર્ષ 2017-18માં બે ટીમો વધતાં સંખ્યા આઠની થઈ.
વર્ષ 2018-19માં પૂણે 7 ઍસેસ જોડાતા જ પીબીએલમાં ટીમોની સંખ્યા નવ થઈ ગઈ.
પરંતુ આ વખતે છઠા સંસ્કરણમાં સાત ટીમ સામેલ છે. પીબીએલને આંતરરાષ્ટ્રીય બૅડમિન્ટન સંઘે માન્યતા આપી દેતાં તેમાં દુનિયાભરના ખેલાડીઓને રમવાની પરવાનગી અપાઈ છે.

કઈ ટીમમાં કયા ખેલાડી છે?

ઇમેજ સ્રોત, Getty Images
અવધ વૉરિયર્સમાં અજય જયરામ, શુભાંકર ડે અને તન્વી લાડ સિવાય અમેરિકાના ઝાંગ વેઈવેન અને હૉંગકૉંગના વૉગ વિંગ કી છે.
બેંગલુરુ રૅપટર્સમાં બીસાઈ પ્રણીત અને ચીન તાઈપેનાં તાઈ ઝૂ યિંગ છે.
ચેન્નાઈ સુપર સ્ટાર્સમાં બીસુમિત રેડ્ડી, લક્ષ્ય સેન, ગાયત્રી ગોપીચંદ, મનુ અત્રી સિવાય ઇન્ડોનેશિયાના ટૉમી સુગિયાર્તો છે.
હૈદરાબાદ હંટર્સમાં ભારતનાં વિશ્વચૅમ્પિયન પીવી સિંધુ, સૌરભ વર્મા, એનસિકી રેડ્ડી અને રશિયાના વ્લાદિમિર ઇવાનોવ છે.
મુંબઈ રૉકેટ્સમાં પી. કશ્યપ, પ્રણવ ચોપડા, નૉર્થ ઇસ્ટર્ન વૉરિયર્સમાં થાઇલૅન્ડના તાનોંગસાક સીનસોમબુનસુક અને પૂણે 7 ઍસેસમાં ચિરાગ શેટ્ટી અને રીતુપર્ણા દાસ સામેલ છે.
વર્ષ 2013માં પહેલા સત્રની ચૅમ્પિયન ટીમ હૈદરાબાદ હંટર્સમાં અજય જયરામ, શુભાંકર ડે અને ઇન્ડોનેશિયાના તોફિક હિદાયત જેવાં મોટાં નામ છે.

ઇમેજ સ્રોત, Getty Images
પીબીએલ ખેલાડીઓ માટે પૈસાનો પટારો ખોલવા સમાન સાબિત થઈ રહી છે. એનો અંદાજ એ રીતે લગાવી શકાય કે હૈદરાબાદ હંટર્સે પીવી સિંધુની 77 લાખની બોલી લગાવીને પોતાની સાથે રાખ્યાં હતાં.
દુનિયાનાં નંબર વન ખેલાડી ચીન તાઈપેની તાઈ ઝૂ યિંગની બેંગલુરુ રૅપટર્સે 77 લાખ રૂપિયામાં બોલી લગાવી. બેંગલુરુ રૅપટર્સે બીસાઈ પ્રણીતને પણ 32 લાખ રૂપિયામાં ખરીદ્યા.
ચેન્નાઈ સુપર સ્ટાર્સે પુરુષ યુગલ ખેલાડી બીસુમિત રેડ્ડીને 11 લાખ રૂપિયા અને પૂણે 7 ઍસેસે ચિરાગ શેટ્ટીને 15 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદીને પોતાની સાથે લીધા. પરંતુ સાઇના નેહવાલ અને શ્રીકાંત આ વખતે રમતાં જોવાં નહીં મળે.
રહી વાત પીબીએલથી ભારતીય ખેલાડીઓને મળેલી ઓળખની તો તેને લઈને પૂર્વ એશિયન ચૅમ્પિયન દિનેશ ખન્ના માને છે, "પીવી સિંધુ અને સાઇના નેહવાલ તો આંતરરાષ્ટ્રીયસ્તરે રમે છે. આ સિવાય અન્ય ભારતીય ખેલાડીઓને પણ વિદેશી ખેલાડીઓ સાથે રમવા, રહેવા અને ટ્રેનિંગનો મોકો મળે છે."
"આમ તો ભારતના કોચ સારા છે, પરંતુ વિદેશી કોચ પાસેથી તેઓને મૅચ પહેલાંની તૈયારી અને નવી ટેકનિક શીખવાનો મોકો મળે છે."

ઇમેજ સ્રોત, Getty Images
દિનેશ ખન્ના આગળ કહે છે કે પીબીએલથી યુવા ભારતીય ખેલાડીઓને ઘણો લાભ થયો છે, જેમાં લક્ષ્ય સેન પણ સામેલ છે. લક્ષ્ય સેને ગત વર્ષે ઘણી ટુર્નામેન્ટ જીતી હતી. જોકે તેનું લેવલ બહુ ઊંચું નહોતું, તેમ છતાં તે ભવિષ્યનો સિતારો છે.
કેટલાંક મહિલા ખેલાડીઓનાં નામ લઈને દિનેશ ખન્ના કહે છે કે "ગુવાહાટીનાં 20 વર્ષીય અસ્મિતા છલિહા નૉર્થ ઇસ્ટર્ન વૉરિયર્સ માટે રમે છે. તેઓએ ગત વર્ષે નેપાળમાં અને વર્ષ 2018માં તાતા ઓપન ઇન્ટરનેશનલ અને દુબઈ ઇન્ટરનેશનલ જીત્યાં."
"આ સિવાય પૂર્વ ખેલાડી અને કોચ પી. ગોપીચંદનાં પુત્રી ગાયત્રી ગોપીચંદ પણ ઊભરતાં ખેલાડી છે. તેઓ ચેન્નાઈ સુપર સ્ટાર્સમાં છે."
દિનેશ ખન્ના એ પણ માને છે કે પીબીએલથી ભારતીય પુરુષ યુગલ જોડી સાત્વિક સાઈ રાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પણ ઘણો ફાયદો થયો.
આ જોડીએ વર્ષ 2019માં થાઇલૅન્ડ ઓપન જીતી અને દુનિયાના ટૉપ જોડીદારમાં સામેલ ઘણા ખેલાડીઓને માત આપી.

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ પણ લીગથી સૌથી મોટો લાભ નવાંનવાં સ્ટેડિયમ બનતાં અને જૂનાં સ્ટેડિયમોની સારસંભાળથી થાય છે.
હૈદરાબાદમાં પી. ગોપીચંદ એકૅડેમી છે, સાથે જ દિલ્હીને પણ દર વર્ષે એક સુપર સિરીઝ કરાવવાનો લાભ મળે છે. લખનૌમાં સૈયદ મોદી ચૅમ્પિયનશિપ યોજાય છે.
આ સિવાય બેંગલુરુ, ચેન્નઈ અને ગુવાહાટીમાં પણ શાનદાર સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમોમાં પીબીએલની મૅચ રમાતાં યુવા ખેલાડીઓને પણ બૅડમિન્ટન રમવાનું પ્રોત્સાહન મળશે.
પીબીએલમાં પૈસા આવતાં ખેલાડીઓનું મનોબળ તો વધ્યું છે, સાથે જ કોઈ પણ હાલતમાં મૅચ જીતવાની ભાવનાથી તેમનામાં કટ્ટર હરીફાઈ પણ પેદા થઈ છે.
જો વિદેશી ખેલાડીઓને વાત કરીએ તો પૂર્વ વિશ્વચૅમ્પિયન સ્પેનનાં કૅરોલિના મારીન આ વખતની પીબીએલમાં નહીં રમે.
કૅરોલિના મારીન ભારતમાં બહુ લોકપ્રિય છે. સિંધુ અને કૅરોલિના વચ્ચેના મુકાબલા પર સૌની નજર રહે છે.
હવે જોવાનું એ રહેશે કે આ વખતે પીબીએલમાં ખેલાડીઓ કેવું રમે છે. થોડા મહિના પછી ઑલિમ્પિક છે અને મોટા ખેલાડીઓને પીબીએલમાં પોતાનું કૌવત દેખાડવાનો મોકો પણ મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2














