You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Amazonના જેફ બેઝોસ અને ભારત સરકાર વચ્ચેના સંઘર્ષ પાછળની કહાણી
દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોમાં ગણાતા એમેઝોનના સીઈઓ જેફ બેઝોસની હાલની ભારતની મુલાકાત ચર્ચાનો વિષય બની છે.
ભારતમાં એક અબજ ડૉલરનાં રોકાણની તેમની જાહેરાત અને તેના અંગે ભારતના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલનું નિવેદનની ચર્ચા થઈ રહી છે.
શુક્રવારે પીયૂષ ગોયલે કહ્યું કે "મારા નિવેદનને સંદર્ભ વગર રજૂ કરવામાં આવ્યું હતું, સરકાર નિયમ અને કાયદા હેઠળ બધાં રોકાણનું સ્વાગત કરે છે. સરકાર એટલું ચોક્કસ કરવા માગે છે કે કરોડો લઘુ વ્યાપારી અને દુકાનદારો માટે ગેરવાજબી હરીફાઈ ન ઊભી થાય."
આ પહેલાં વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે જેફ બેઝોસની જાહેરાત વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું, "તેઓ (જેફ બેઝોસ) એક અબજ ડૉલરનું રોકાણ કરશે, પરંતુ તેઓ દર વર્ષે એક અબજ ડૉલરનું નુકસાન પણ દેખાડે છે."
હાલમાં એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ભારતની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોમાં ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવા એક અબજ એટલે કે સાત હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે "વર્ષ 2025 સુધી 10 અબજ ડૉલરના 'મેક ઇન ઇન્ડિયા' ઉત્પાદનોના ભારતમાંથી નિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે."
જેફ બેઝોસે કહ્યું કે 21મી સદી ભારતની સદી હશે.
'હજુ ટોણાં મારો'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમેઝોનના રોકાણને લઈને પીયૂષ ગોયલના આવા નિવેદનની ચર્ચા સોશિયલ મીડિયા પર થવા લાગી, ત્યારે કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ સંગઠને તેમના નિવેદનને આવકાર્યું હતું.
આ સંગઠન ભારતમાં ઑનલાઇન વેપાર કરનારી બે મોટી ઈ-કૉમર્સ કમ્પનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે.
સંગઠનના અધ્યક્ષ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું,"આનાથી ખબર પડે છે કે સરકાર દેશના મહત્ત્વના એવા સાત કરોડ સ્થાનિક વેપારીના હિત મુદ્દે સંવેદનશીલ છે, જેમને મોટી ઈ-કૉમર્સ કંપનીઓની ખોટી નીતિઓને કારણે નુકસાન વેઠવું પડે છે."
ત્યારે ભારતના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યું પીયૂષ ગોયલે બીજા કેટલાક લોકોનું અપમાન કરવું જોઈએ જેનાથી પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવામાં મદદ મળશે.
તેમણે કહ્યું કે "પાંચ મહિનાથી સતત નીચે આવી રહેલા નિકાસ અને આયાતની ચાલ બદલી જશે. તેમણે આયાત અને નિકાસ વધારવા માટે પહેલાં પણ અમુક લોકોનું અપમાન કર્યું છે."
"આ પહેલાં તેમણે નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનરજીનું અપમાન કર્યું હતું. તેમણે સુંદર પિચાઈ અને સત્યા નડેલાનું પણ અપમાન કરવું જોઈએ, જેથી ભારત પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવી શકાય."
પેપર પર પ્રહાર
લેખક અને શોધક રાજીવ મલ્હોત્રાએ ટ્વીટ કર્યું કે "ભાજપ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જેફ બેઝોસને નો-નૉનસેન્સ (સ્પષ્ટ) સંકેત આપવા બદલ અભિનંદન. એમેઝોન ભારતમાં સામાન વેચવા માટે સારૂં બને અને તેમનું અખબાર વૉશિંગ્ટન પોસ્ટ હંમેશાં ભારતની ટીકા કરે છે."
ભાજપના વિદેશવિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલાએ કહ્યું હતું કે "વૉશિંગ્ટન ડી.સી.માં તમારા કર્મચારીઓને સમજાવો, અન્યથા પ્રભાવ ઊભો કરવાના તમારા પ્રયાસ સમય તથા નાણાનો વ્યય બની રહેશે."
જોકે, વૉશિંગ્ટન પોસ્ટના તંત્રીએ ટ્વિટર ઉપર જવાબ આપતાં કહ્યું હતું કે 'અખબાર સ્વતંત્ર સંપાદકીય નીતિ ધરાવે છે અને તેના પત્રકારો તથા સ્તંભકારો જે કંઈ કરે છે, તે ભારતનાં લોકશાહી મૂલ્યો મુજબ જ કરી રહ્યા છે.
જેફની માલિકીના 'વૉશિંગ્ટન પોસ્ટ' સહિત વિદેશી અખબારોમાં જમ્મુ-કાશ્મીર અને નાગરિકતા કાયદા જેવા નિર્ણયોની ટીકા કરવામાં આવી છે.
ત્યારે વરિષ્ઠ પત્રકાર પ્રીતીશ નંદીએ ટ્વીટ કર્યું, "એમેઝોન અને જેફ બેઝોસ પર ઉશ્કેરણી વગરનો મંત્રી પીયૂષ ગોયલનો હુમલો સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક કંપનીઓ ભારતમાં રોકાણ પહેલાં વિચાર કેમ કરે છે. જ્યાં સુધી વેપાર કરે છે અને નોકરીની તકો ઊભી કરે છે, ત્યાર સુધી કંપની શા માટે નુકસાન કરે છે એ મંત્રીની ચિંતાનો વિષય નથી."
ભારતમાં જંગી રોકાણની જાહેરાત કરનાર જેફ બેઝોસ વૅન્ડર્સ, સરકાર કે પછી હાલમાં ઈ-કૉમર્સમાં ઝંપલાવનાર મુકેશ અંબાણી સામે પડ્યા છે.
તો, સરકાર કેમ નારાજ છે?
જેફ બેઝોસે ભારતમાં આટલું મોટું રોકાણ કરવાની જાહેરાત એવા સમયમાં કરી છે જ્યારે ભારતમાં એમેઝોનની કારોબારી પદ્ધતિની તપાસ ચાલી રહી છે. ભારતીય પ્રતિસ્પર્ધાપંચ આ તપાસ કરી રહ્યું છે.
મોટી કંપનીઓ સામે ઈ-કૉમર્સ કંપનીઓ ઉપર પસંદગીના વિક્રેતાને મહત્ત્વ આપવા અને સાઠગાંઠ કરવાના આરોપ છે.
નાના વેપારીઓ આ ઈ-કૉમર્સ કંપનીઓ પર ખાનગી લેબલ જેવાં પ્રતિસ્પર્ધા રોકનારાં પગલાં લેવાના પણ આરોપ લગાવે છે.
એમેઝોન સિવાય અમેરિકન કંપની વૉલમાર્ટ પર પણ ભારતમાં આ મુદ્દે તપાસ ચાલી રહી છે.
ભારતની મુલાકાત દરમિયાન એક કાર્યક્રમમાં જેફ બેઝોસે ભારતની લોકશાહીનાં વખાણ કર્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે "ભારત વિશેષ છે અને તે એક લોકશાહી છે. હું ભવિષ્યવાણી કરું છું કે 21 સદીમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગઠબંધન ભારત અને અમેરિકાનું હશે. એક દુનિયાની સૌથી જૂની અને એક સૌથી મોટી લોકશાહી છે."
જિયો માર્ટ સામે સ્પર્ધા?
રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણીએ ઈ-કૉમર્સમાં ઝંપલાવ્યું છે, ત્યારે ભારતમાં જાણકારો માને છે કે ઈ-કૉમર્સને લઈને સરકાર જે નવા નિયમ લાવી છે, તેનાથી જિયો માર્ટને સીધો લાભ થશે.
મોદી સરકાર ઈ-કૉમર્સ માટે નવા નિયમ લાવી છે જે પ્રમાણે કંપનીઓ ઉત્પાદનોનો ભંડાર કરી શકશે અને માર્કેટ પ્લેસની જેમ વર્તી શકશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની બે સહયોગી કંપની રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો મળીને જિયો માર્ટ ચલાવશે.
જિયો માર્ટનું કહેવું છે કે તેની પાસે 50 હજાર જેટલી વસ્તુઓ છે જેને તે ગ્રાહકો સુધી એક્સપ્રેસ ડિલિવરી મારફતે મોકલાવી શકે છે.
જોકે, ઘરવખરીના સામાનનું ઑનલાઇન બજાર ભારતમાં હજુ સીમિત છે. ઑનલાઇન માધ્યમથી ઘરવખરીનો સામાન ખરીદવાનું બજાર ભારતમાં વાર્ષિક 87 કરોડ ડૉલરનું છે એટલે ભારત જેટલા મોટા દેશમાં કુલ વસતિમાંથી એક ટકા કરતાં ઓછો ભાગ વેબસાઇટ અથવા ઍપ મારફતે ઘરવખરીનો સામાન ખરીદે છે.
પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે અત્યારે આ નાનું બજાર આવનારાં ત્રણ વર્ષ એટલે 2023 સુધી 14.5 અબજ ડૉલરનું બની શકે છે.
જોકે એમેઝોન ભારતમાં ઑનલાઇન ઘરવખરીના સામાન પણ વેચે છે.
તો શું અસલી લડાઈ દુનિયાના ધનાઢ્યોમાંથી એક એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વચ્ચે છે?
કોણ છે જેફ બેઝોસ?
જેફ બેઝોસનો જન્મ 12 જાન્યુઆરી, 1964ના દિવસે મેક્સિકોના અલ્બુકર્કમાં થયો હતો.
જ્યારે તેમને જન્મ થયો, ત્યારે તેમનાં માતા માત્ર 17 વર્ષનાં હતાં અને જેફના જન્મના એક વર્ષ પછી માતાપિતાનાં છૂટાછેડા થઈ ગયાં હતાં.
તેમનું બાળપણ અમેરિકાના ટૅક્સાસ અને ફ્લોરિડામાં પોતાનાં માતા અને સાવકા પિતા સાથે વીત્યું.
તેમના જીવન પર લખાયેલા એક પુસ્તકમાં જણાવાયું છે કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ તરફ પ્રથમ જેફે વખત રસ ત્યારે દાખવ્યો જ્યારે તેમણે ત્રણ વર્ષની ઉંમરે સ્ક્રૂ ડ્રાઇવરથી પોતાનું પારણું તોડી નાખ્યું.
2013માં પ્રાકશિત પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે તેમણે હાઈસ્કૂલ પૂર્ણ કરતી વખતે એક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે અવકાશમાં કૉલોની બનાવવાની વાત કહી હતી.
જેફે વર્ષ 1986માં પ્રિન્સટન યુનિવર્સિટીથી અભ્યાસ પૂરો કર્યો અને પછી તેમણે ન્યૂયૉર્કમાં અનેક ફાઇનાન્સિયલ કંપનીઓમાં કામ કર્યું .
આ દરમિયાન તેઓ મૅકેન્ઝીને મળ્યા. મૅકેન્ઝી સાથે તેમનું લગ્ન થયું અને ગત વર્ષે તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો