TOP NEWS: સંયુક્ત રાષ્ટ્રે ભારતના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડ્યું

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ચાલુ નાણાકીય વર્ષે ભારતના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને 5.7 ટકા કરી દેવાયું છે.
આ આંકડો ગયા વર્ષના અનુમાન કરતાં પણ ઓછો છે.
ગયા વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર ઘટીને ઑલ-ટાઇમ લૉ, 2.3 ટકાની સપાટીએ રહેવાના કારણે સંયુક્ત રાષ્ટ્રે આ અનુમાન કર્યું છે.
UNના વૃદ્ધિદરના અનુમાન અનુસાર, "અન્ય વિકાસશીલ રાષ્ટ્રોની જીડીપીમાં આ વર્ષે થોડી તેજી જોવા મળશે."
સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટ 'વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવના, 2020' પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.7 ટકા સુધી રહી શકે છે.
ગયા વર્ષે આ જ રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રે ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.6 ટકા રહેશે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું.
હાલના રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.8 ટકા રહેવા પામ્યો હતો.

શાહિન બાગની માફક અમદાવાદમાં પણ ધરણાં?

ઇમેજ સ્રોત, Getty Images
ધઇન્ડિયન એક્સપ્રેસ ડૉટ કોમના અહેવાલ અનુસાર અમદાવાદના રખિયાલમાં દિલ્હીના શાહિન બાગમાં આંદોલન ચલાવી રહેલી મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે મહિલાઓ સળંગ બીજા દિવસે ધરણાં પર બેઠાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે CAA મુદ્દે પાછલા 30 દિવસથી દિલ્હીના શાહિન બાગની મહિલાઓ ધરણાં પર બેઠાં છે.
આ મહિલાઓ સાથે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે રખિયાલની અજિત મીલ ખાતેની શહેરી ગરીબ આવાસ યોજનાના રહીશો દ્વારા મંગળવારે મોડી રાત્રે ધરણાં પર બેસવાનું નક્કી કરાયું હતું.
ગુરુવારે પણ વિસ્તારના રહીશોએ આ ધરણાં ચાલુ રાખ્યાં હતાં.

SCO સમિટ માટે પાકિસ્તાનને આમંત્રણ: દ્વિપક્ષી વાર્તાના દ્વાર ખુલશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસ ડૉટ કોમના અહેવાલ અનુસાર વર્ષ 2020માં ભારતમાં યોજાનાર શાંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં પાકિસ્તાનને પણ આમંત્રિત કરાશે.
આનો અર્થ એ થયો કે પાકિસ્તાનથી કાં તો વડા પ્રધાન ઇમરાન ખાન કાં તો તેમના મંત્રી પ્રતિનિધિ તરીકે આ સમિટમાં ભાગ લેવા માટે આવશે.
બંને દેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં એક સાથે ભાગ લેશે, જે કારણે બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દે રોકાઈ ગયેલી દ્વિપક્ષી વાર્તા ફરી શરૂ થઈ શકે છે.
જોકે, આ સમિટ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વાર્તા યોજાશે કે કેમ એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
નોંધનીય છે કે પાછલા દિવસોમાં ભારતીય સેના પર થયેલા હુમલા, કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી તેમજ CAA અંગે બંને દેશો વચ્ચે વાક્યુદ્ધ ચાલી રહ્યું છે.
આવી પરિસ્થિતિમાં આ સમિટના કારણે બંને દેશોના પ્રતિનિધિઓ ઘણા સમય બાદ એક મંચ પર હશે.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન બંને SCOના સભ્ય દેશો છે.

દેવિંદર સિંહ મામલે રાહુલના સવાલ

ઇમેજ સ્રોત, PTI
પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિંદર સિંહની ઉગ્રવાદીઓ સાથે કરાયેલી ધરપકડ મુદ્દે મોદી-શાહનાં મૌન પર સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ પુલવામાં હુમલામાં દેવિંદર સિંહની ભૂમિકાને લઈને પણ પ્રશ્ન ઊભા કર્યા છે.
રાહુલે આ મામલે કરેલી ટ્વીટમાં લખ્યું હતું કે, "દેવિંદર સિંહ મામલે વડા પ્રધાન, ગૃહમંત્રી અને એન. એસ. એ. ચૂપ કેમ છે?"
"દેવિંદરે અત્યાર સુધી કેટલા આતંકવાદીઓની મદદ કરી છે?"
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીર પોલીસે ડીએસપી દેવિંદર સિંહની ગત શુક્રવારે બે ઉગ્રવાદીઓ સાથે શ્રીનગર-જમ્મુ હાઇવે પર ધરપકડ કરી હતી.

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદનો તિહાડ જેલમાંથી છૂટકારો

ઇમેજ સ્રોત, Getty Images
ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ આખરે ગુરુવારે સાંજે તિહાડ જેલમાંથી બહાર આવી ગયા.
દિલ્હીની એક કોર્ટ દ્વારા તેમને શરતી જામીન પર મુક્ત કરાયા છે.
કોર્ટે 16 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં કોઈ પણ પ્રકારનું વિરોધપ્રદર્શન ન કરવાની શરતે તેમને જામીન આપ્યા છે.
નોંધનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ભીમ આર્મી દ્વારા 20 ડિસેમ્બરના રોજ જૂની દિલ્હીની જામા મસ્જિદથી જંતર મંતર સુધી કૂચ કરવાનું એલાન કરાયું હતું.
આ કૂચ કોઈ પણ પ્રકાર પોલીસમંજૂરી ન લેવાઈ હોવાના કારણે તેમની દિલ્હીના દરિયાગંજ વિસ્તારથી ધરપકડ કરાઈ હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












