Top News : પહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની કારમી હાર

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝની પહેલી મૅચમાં ભારતનો કારમો પરાજય થયો છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી અને સૌથી મોટી જીત મેળવી.

ભારતે આપેલા 256 રનના લક્ષ્યનો પીછો કરતા ઑસ્ટ્રેલિયાએ ઓપનર ડેવિડ વૉર્નર અને એરન ફિંચની અણનમ બેટિંગથી ફક્ત 37.4 ઓવરમાં 258 રન કરી લીધા હતા.

ડેવિડ વૉર્નરે 128 અને એરન ફિંચે 110 રન કર્યા હતા.

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી અને ભારતની ટીમ 49.1 ઓવરમાં 255 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી સૌથી વધારે રન શિખર ધનવને કર્યા હતા. તેમણે 91 બૉલમાં 74 રન કર્યા હતા.

આ જીત સાથે 3 મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા આગળ થઈ ગયું છે.

line

'અર્જુનના તીરોમાં પરમાણુ શક્તિ હતી' - પશ્ચિમ બંગાળના રાજ્યપાલ

મહાભારત

ઇમેજ સ્રોત, iStock

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું છે કે મહાભારતના અર્જુનના તીરોમાં પરમાણુ શક્તિ હતી.

ધનખડે મંગળવારે કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ''20મી સદીમાં નહીં પરંતુ રામાયણના દિવસોથી જ આપણી પાસે પુષ્પક વિમાન હતું. સંજયે મહાભારતનું આખુ યુદ્ધ ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું પરંતુ ટીવી પર જોઈને નહીં. અર્જુનના તીરોમાં પરમાણુ શક્તિ હતી.''

ઉલ્લેખનીય છે કે આવા નિવેદનો અગાઉ પણ થઈ ચૂક્યા છે.

એપ્રિલ 2018માં ત્રિપુરાના મુખ્ય મંત્રી વિપ્લવ દેવે કહ્યું હતું કે, ભારતે ઇન્ટરનેટની શોધ લાખો વર્ષો અગાઉ કરી દીધી હતી.

line

ઈરાને વિમાન દુર્ઘટનાનો વીડિયો બનાવનારની ધરપકડ કરી

ઈરાન વિમાન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાને યુક્રેન વિમાન દુર્ઘટનાનો વીડિયો બનાવનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ઈરાને કહ્યું છે કે જ્યારે વિમાન ભૂલથી મિસાઇલની ઝપેટમાં આવીને તૂટી પડ્યું તે સમયનો વીડિયો એ વ્યક્તિએ બનાવ્યો હતો.

ઈરાની મીડિયા અનુસાર રિવોલ્યુશનરી ગાર્ડેસે એ વ્યક્તિની ધરપકડ કરી છે જેમણે ગત અઠવાડિયે યુક્રેનનું વિમાન ભૂલથી તોડી પાડવામાં આવ્યુ તેનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પ્રસારિત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઈરાની સેનાએ યુક્રેનિયન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું પ્રવાસી વિમાન ભૂલથી તોડી પાડ્યું હતું. શરૂઆતમાં ઇન્કાર પછી ઈરાને કબૂલ કર્યું હતું કે તેમણે ભૂલથી આ વિમાન તોડી પાડ્યું હતું.

આ ઘટનામાં વિમાનમાં સવાર 176 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ ઘટના કમાન્ડર કાસિમ સુલેમાનીને અમેરિકાએ ડ્રોન હુમલામાં મારી નાખ્યા તે પછી બની હતી.

line

જમ્મુ-કાશ્મીરમાં 2જી મોબાઇલ ઇન્ટરનેટ શરૂ

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટને આઝાદીનો હિસ્સો ગણાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં કેટલાક જિલ્લાઓમાં આંશિક રીતે ઇન્ટરનેટ સેવા ચાલુ કરાઈ છે.

સરકારનું કહેવું છે કે પોસ્ટપેઇડ મોબાઇલ ઇન્ટરનેટ સેવા કેટલીક ચોક્કસ વેબસાઇટ જેમ કે હૉસ્પિટલ, બૅન્કો વગેરે માટે શરૂ કરવામાં આવી છે.

સરકારે તમામ મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને કહ્યું છે કે તેઓ બૅન્કિંગ, હોસ્પિટલ વગેરેને મોબાઇલ ઇન્ટરનેટ સેવા આપે જેથી હોટલ અને પ્રવાસન વગરે યોગ્ય રીતે ચાલી શકે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઇન્ટરનેટ એ બંધારણના અનુચ્છેદ 19(1) મુજબ અભિવ્યક્તિની આઝાદીનો હિસ્સો છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો