ફિનલૅન્ડ હવામાંથી પ્રોટીન કેવી રીતે બનાવે છે?

ઇમેજ સ્રોત, MIKAEL KUITUNEN/ SOLAR FOODS
- લેેખક, રોજર હૈરેબિન,
- પદ, બીબીસી પર્યાવરણ વિશ્લેષક
ફિનલૅન્ડના વૈજ્ઞાનિકો હવામાંથી પ્રોટીન બનાવી રહ્યા છે.
તેમનો દાવો છે કે આ દાયકામાં આ પ્રોટીન સોયાબીનની કિંમતને ટક્કર આપશે.
પ્રોટીનનું ઉત્પાદન માટીમાં રહેલા બૅક્ટેરિયામાંથી થાય છે, જે વીજળી મારફતે પાણીથી અલગ થયેલા હાઇડ્રોજનથી બને છે.
સંશોધકોનું કહેવું છે કે જો વીજળી સૌર ઊર્જા કે પવનઊર્જાથી બનશે તો ભોજન બનાવવામાં ગ્રીન હાઉસ ગૅસોનું ઉત્સર્જન લગભગ શૂન્ય હશે.
જો આ સંશોધકોનું સ્વપ્ન સાચું પડશે તો ખેતી સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓનું નિરાકરણ મેળવવામાં તે વિશ્વને અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે.
જ્યારે હું ગયા વર્ષે હેલ્સિંકી સ્થિત સોલર ફૂડના પ્લાન્ટની મુલાકાત ગયો હતો ત્યારે સંશોધકો આ કામ માટે ભંડોળ એકઠું કરી રહ્યા હતા.
હવે તેમનું કહેવું છે કે તેમને લગભગ 5.5 મિલિયન યુરોનું રોકાણ મેળવવાનો માર્ગ મળી ગયો છે.
તેમનું અનુમાન છે કે વીજળીની કીમતને જોતાં આ દાયકાના અંત સુધીમાં કે વર્ષ 2025 સુધી આ પ્રોટીન મેળવવા માટે થતો ખર્ચ પણ પરંપરાગત સોયાબીનના ઉત્પાદનમાં થતા ખર્ચ જેટલો જ થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સ્વાદમાં ઊણપ

ઇમેજ સ્રોત, AFP
મેં આ મોંઘા પ્રોટીનના લોટ જેને સૉલેન તરીકે પણ ઓળખવામાં આવે છે, ને ચાખ્યો, પરંતુ મને તેમાં કોઈ સ્વાદ ન અનુભવાયો. વૈજ્ઞાનિકોની યોજના પણ કંઈક આવી જ છે.
તેઓ દરેક પ્રકારના ભોજનને સ્વાદ વગરનું જ બનાવવામાં માગે છે.
આઇસક્રીમ, બિસ્કિટ, પાસ્તા, નૂડલ્સ, સૉસ કે બ્રેડને રીઇનફોર્સ કરીને પામ ઑઇલ જેવી પ્રોડક્ટ બનાવી શકાય છે.
સંશોધકો માને છે કે તેનો ઉપયોગ શ્રેષ્ઠ માંસ કે માછલી તૈયાર કરવા માટે પણ થઈ શકે છે.
જો બધું જ યોજના અનુસાર થયું, જેવું કે અત્યાર સુધી લાગી રહ્યું છે, દુનિયામાં પ્રોટીનના ઉત્પાદનની માગને અંદાજિત સમય કરતાં વર્ષો પહેલાં પૂરી કરી શકાશે.
પરંતુ આ એ તમામ સિંથસાઇઝ્ડ ભોજનના વિકલ્પો પૈકી એક છે જે ભવિષ્યમાં વિકલ્પરૂપે આપણા માટે ઉપલબ્ધ હશે.
ફર્મના સીઈઓ પાસી વૈનિક્કા યુકેની ક્રૈનફિલ્ડ યુનિવર્સિટીથી ભણ્યા છે તેમજ તેઓ ફિનલૅન્ડની લપ્પીનરાંટા યુનિવર્સિટીમાં ભણાવે છે.
તેમણે જણાવ્યું કે આ વિચાર મૂળ સ્વરૂપે સ્પેસ ઇંડસ્ટ્રી માટે વર્ષ 1960ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યો હતો.
તેમણે એ વાત માની કે તેમના પ્લાન્ટનું કામ થોડુંક ધીમું ચાલી રહ્યું છે, પરંતુ તેઓ કહે છે કે તે વર્ષ 2022 સુધી તૈયાર થઈ જશે.
રોકાણ અંગેનો નિર્ણય વર્ષ 2023માં આવશે અને બધું યોજના પ્રમાણે જ રહ્યું તો પ્રથમ ફેકટરી વર્ષ 2025માં શરૂ થઈ જશે.
તેઓ જણાવે છે કે, "અત્યાર સુધી અમે બધા ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છીએ."
અમે એક વાર રિએક્ટરોને એક સાથે જોડીને મોટા પ્રમાણમાં એક જેવાં કારખાનાં બનાવીએ છીએ.
પવન અને સૌર ઊર્જા જેવી અન્ય સ્વચ્છ તકનીકોમાં થઈ રહેલા સુધારાઓ પર પણ ધ્યાન રાખીએ છીએ.
અમને લાગે છે કે અમે વર્ષ 2025 સુધી ઉત્પાદન મામલે સોયાબીનને ટક્કર આપી શકીશું.
સૉલેન બનાવવા માટે પાણીથી ઇલેક્ટ્રોલિસિસ વડે હાઇડ્રોજનને અલગ કરવામાં આવે છે.
બૅક્ટેરિયાને હાઇડ્રોજન, હવામાંથી મેળવેલ કાર્બન ડાયૉક્સાઇડ અને ખનિજ પદાર્થ ખવડાવવામાં આવે છે, જેનાથી પ્રોટીન બને છે.
તેઓ કહે છે કે, સૌથી મહત્ત્વનું ફૅક્ટર હોય છે વીજળીની કીમત. ફર્મને આશા છે કે જેમ-જેમ પુન:પ્રાપ્ય ઊર્જાના સ્રોત મળતા જશે, તેની કીમત ઘટતી જશે.
આ તકનીકની પ્રગતિની જોતાં પર્યાવરણ કૅમ્પેનર જૉર્જ મૉનબિઓએ પણ તેની પ્રશંસા કરી છે.
જૉર્જ ધરતીના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ તેઓ સૌર ઊર્જા મારફતે બનતા ભોજન અંગે પોતાનો આશાવાદ પણ વ્યક્ત કરે છે.

ભવિષ્ય માટેની આશા?

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું, "ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન દુનિયાને અત્યંત નુકસાન પહોંચાડી રહ્યું છે."
"માછીમારી અને ખેતીવાડી મુખ્ય પણે જૈવવિવિધતા અને વન્ય જીવોની વિલુપ્તિ માટેનાં મોટાં કારણો છે."
"પરંતુ નિરાશાના આ સમયમાં ખેતીવાડીરહિત ખાદ્ય પદાર્થો એ સંભાવનાઓ પેદા કરી રહ્યા છે, જેનાથી ન માત્ર લોકોને, પરંતુ ધરતીને પણ બચાવી શકાય છે."
"પ્લાન્ટ બેઝ્ડ ફૂડ તરફ વળીને અમે પ્રજાતિઓ અને સ્થળોને પણ બચાવી શકીશું."
થિંક ટૅન્ક રિથિંકએક્સે આ શોધ અંગે એક ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2035 સુધી આ પ્રકારે બનાવાયેલ પ્રોટીન પશુઓમાંથી મળતા પ્રોટીનની તુલનામાં 10 ગણું સસ્તું હશે.
આ પ્રોટીનના ઉત્પાદનના કારણે પશુધનઉદ્યોગ સંપૂર્ણપણે બંધ થઈ જાય તેવું પણ અનુમાન છે.
જોકે, આ તકનીકના ટીકાકારો કહેશે કે પોતાના ઉત્પાદનનો વધુમાં વધુ ઉપયોગ થવા લાગે એ હેતુથી માંસઉત્પાદકોની ક્ષમતાનું ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું.
કૃષિ અને ખાદ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા ક્લાઇમૅટ ચેન્જના સંકટના નિરાકરણ માટે નવાં સમાધાન શોધવા માટે ટોચનાં વૈજ્ઞાનિક અનુસંધાન અને શૈક્ષણિક સંસ્થાનોનું એક સંઘ બનાવવામાં આવ્યું છે.
ગયા વર્ષે રજૂ કરાયેલા એક પેપરમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો ભૂમિ ઉપયોગ મામલે સોયાબીનની સરખામણીએ માઇક્રોબિયલ પ્રોટીન બનાવવું અનેક ગણું યોગ્ય છે અને તેના માટે પાણીનો ઉપયોગ પણ ઓછો કરવો પડે છે.
જોકે, આ સિવાય એક કારણ સાંસ્કૃતિક પણ છે, જેમ કે ઘણા લોકોને લૅમ્બ ચૉપ્સ ખાવાનું પસંદ છે.
ક્રેનફીલ્ડ યુનિવર્સિટીના પ્રોફેસર લિયોન ટેરીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું કે આ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં રોકાણકારોનું રસ વધતો જઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે આ દિશામાં થઈ રહેલા કામની ઝડપમાં વધારો થયો છે અને સિંથેટિક ખાદ્ય પદાર્થોમાં રોકાણ વધવા લાગ્યું છે.
પરંતુ તેઓ આવા પ્રકારનાં ઉત્પાદનોને લોકો સ્વીકારશે કે કેમ તે અંગે શંકાશીલ પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













