CAA : તામિલનાડુમાં રંગોળી બનાવી વિરોધ કરનારાઓની અટકાયત

તામિલનાડુના પાટનગર ચેન્નઈમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં રંગોળી કરીને વિરોધ કરી રહેલી ચાર મહિલા સહિત પાંચ લોકોની અટકાયત કરાઈ હતી.

ગાયત્રી, આરતી, કલ્યાણી, પ્રગતિ અને મદન આ પાંચ લોકોની સાથે તેમનું સમર્થન કરવા પહોંચેલા બે વકીલોની પણ અટકાયત કરવામાં આવી હતી.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર આ સાતને અટકાયતમાં લેવાયાં બાદ છોડી મૂકવામાં આવ્યાં હતાં.

ચેન્નઈના જે5 શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન પાસે આવેલાં કૉમ્યુનિટી હૉલમાં સાત લોકોની અટકાયત કરાઈ અને દોઢ કલાક પછી તેમને છોડી દેવામાં આવ્યાં.વિરોધકર્તાઓએ રંગોળીમાં "નો સીએએ, નો એનઆરસી" લખ્યું હતું.

છેલ્લાં કેટલાક દિવસોથી દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

આ પહેલાં શનિવારે તામિલનાડુમાં મુસ્લિમોએ 650 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ લઈને નાગરિકતા સંશોધન કાયદાને પાછો ખેંચવાની ભલામણ કરી હતી.

રંગોળી દ્વારા કાયદાનો વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવાની આ ઘટનાની ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલીને નિંદા કરી છે.

તેમણે ટ્વિટર પર લખ્યું, "એડીએમકે સરકારની અરાજકતા દિવસે-દિવસે વધી રહી છે. બંધારણે આપેલા મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાની પણ રાજ્ય સરકાર છૂટ નથી આપતી."

પોલીસ અધિકારીએ કહ્યું, "નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં પ્રદર્શનને રોકવાની અમારી પાસે સંપૂર્ણ શક્તિ છે. આ નાના જૂથો એટલા મોટા થઈ શકે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે."

વિવાદ શો છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 લોકસભામાં રજૂ કર્યું ત્યારથી તેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે.

મોટાં ભાગનાં શહેરોમાં વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શનની આગેવાની લીધી છે.

આ કાયદા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી બિનમુસ્લિમ એટલે કે હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ અને પારસી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મેળવી શકે છે.

જોકે આસામમાં આ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો ત્યારથી ચાલુ છે જ્યારથી તેના અંગેનું બિલ રજૂ કરવાની વાત હતી.

કાયદો બન્યા બાદ આ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા અને આસપાસના વિસ્તારમાં આ કાયદાના વિરોધમાં પ્રદર્શન હિંસક બનતાં પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે.

પથ્થરમારો, વાહનોને સળગાવવા, પોલીસનો યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પ્રવેશ અને લાઠીચાર્જ બાદ પોલીસની ભૂમિકાને લઈને દેશની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી ગયા છે.

મુંબઈ, ચેન્નાઈ, અલીગઢ, લખનૌ, અમદાવાદ, કોલકાતા સહિત કેટલાંક શહેરોમાં પોલીસ કાર્યવાહી વિરુદ્ધ પ્રદર્શનો થયાં છે.

વિરોધપ્રદર્શનોમાં અત્યાર સુધી 20થી વધુ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ નીપજ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો