You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NRC-NPR એ નોટબંધીની જેમ ગરીબો પર ટૅક્સ છે : રાહુલ ગાંધી
કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વખત ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. તેમણે એનપીઆર અને એનઆરસીને દેશની ગરીબ જનતા પરનો હુમલો ગણાવ્યો છે.
રાહુલે કેન્દ્ર સરકાર પર આર્થિક મોરચો નિષ્ફળ જવા ઉપરાંત એનપીઆર અને એનઆરસી દ્વારા દેશનો સમય બરબાદ કરવાનો આરોપ મૂક્યો છે.
શુક્રવારે છત્તીસગઢમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કદાચ સમજી રહ્યા નથી કે અર્થવ્યવસ્થાની આવી હાલત કેમ થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુસ્તી અને બેરોજગારી જેવા સવાલોનો જવાબ આપવાની જગ્યા દેશના લોકોને નોટબંધીની જેમ એનપીઆર અને એનઆરસી દ્વારા લાઈનોમાં ઊભા રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
કૉંગ્રેસના સાંસદે વધુમાં કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને જૂની પદ્ધતિ પ્રમાણે ચકાસણી કરવામાં આવે તો તેની હાલત વધારે દયનીય જોવા મળશે.
પીએમ મોદી પર સાધ્યું નિશાન
છત્તીસગઢમાં કહ્યું કે કેન્દ્ર સરકાર એ નથી જણાવતી કે તેમણે દેશની અર્થવ્યસ્થા હાલત કેમ બગાડી નાખી.
તેમણે કહ્યું, "પહેલાં આખી દુનિયા માનતી હતી કે આર્થિક મોરચા પર ચીન અને ભારત એક સાથે ઝડપથી આગળ વધી રહ્યા છે."
"પરંતુ હવે આખી દુનિયામાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં હિંસા થઈ રહી છે, મહિલાઓને રસ્તે પર ચાલવા દેવામાં આવતી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બેરોજગારી ગત 45 વર્ષમાં સૌથી વધારે છે. પરંતુ નરેન્દ્ર મોદી આના વિશે સમજાવી શકતા નથી. કદાચ તે ખુદ સમજી શકતા નથી કે શું થઈ રહ્યું છે, કેવી રીતે થયું."
"પહેલાં તે મજાક કરતા હતા પરંતુ હવે વડા પ્રધાન પોતાનું કામ કરી શકતા નથી."
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, "કોઈ કંઈ ખરીદી નથી રહ્યું, ફેકટરીઓ બંધ થઈ રહી છે. સિમ્પલ ઇકૉનૉમિક્સ છે પરંતુ વડા પ્રધાનની સમજમાં આવતું નથી."
'એનપીઆર-એનઆરસી એક પ્રકારનો ટૅક્સ'
રાહુલ ગાંધીએ નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી)ને નોટબંધીની જેમ જનતા પરનો ટૅક્સ કહ્યો છે.
એનપીઆરને લઈને પૂછેલા સવાલોના જવાબમાં તેમણે કહ્યું, "દેશનો સમય બરબાદ કરાઈ રહ્યો છે"
"નોટબંધી કરવામાં આવી, ખેડૂતો-મજૂરોના ત્રણ લાખ 50 હજાર કરોડ રૂપિયા કાઢીને સૌથી અમીર 10-15 લોકોને આપવામાં આવ્યા હતા."
"એનપીઆર અને એનઆરસી ભારતની જનતા પર એક ટૅક્સ છે. નોટબંધીને સમજો, આ ગરીબ લોકો પર ટૅક્સ હતો. બૅન્કમાં જાવ, પૈસા આપો અને પોતાના એકાઉન્ટમાંથી પૈસા ન કાઢો."
એનપીઆરની નોટબંધી સાથે સરખામણી કરતાં તેમણે કહ્યું, "આ એ જ વસ્તુ છે. ગરીબ માણસ ઑફિસર પાસે જશે. કાગળ દેખાડશે અને નામ થોડું ખોટું હશે તો લાંચ આપવી પડશે. કરોડો લોકોનાં ખિસ્સાંમાંથી પૈસા કાઢીને એ જ 10-15 લોકોને આપવામાં આવશે."
અમિત શાહનો રાહુલ ગાંધીને પડકાર
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે શિમલામાં રેલી સંબોધતાં કહ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદો મુસ્લિમોની નાગરિકતા લઈ લેશે તે અંગે કૉંગ્રેસ અને તેમની કંપની અફવા ફેલાવી રહી છે.
તેમણે રાહુલ ગાંધીને પડકાર ફેંકતાં કહ્યું હતું કે "હું રાહુલબાબાને ચેલેન્જ આપું છું કે કાયદાની એક કલમ પણ બતાવે કે જે કોઈની પણ નાગરિકતાને છીનવી લેતી હોય."
'અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ'
રાહુલે કહ્યું કે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે અને જનતા પણ ખૂબ જ હેરાન છે. આ હાલતમાં એનપીઆર લાવવાને તેમણે ગરીબ જનતા પર હુમલો ગણાવ્યો હતો.
તેમણે કહ્યું, "આ ગરીબ જનતા પર આક્રમણ છે. જનતા હેરાન છે. ગરીબ માણસ અમને પૂછી રહ્યો છે કે અમને રોજગારી કેવી રીતે મળશે."
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, "દેશના જીડીપી ગ્રોથની ગતિ નવ ટકાથી ચાર ટકા થઈ ગઈ છે. તેને નવી રીતે માપવામાં આવે છે તો પણ. જો જૂની રીતે માપવામાં આવે તો અર્થવ્યવસ્થામાં વધારો દોઢ ટકા મળશે."
"આરએસએસના વડા પ્રધાન ભારતમાતાને જૂઠું બોલી રહ્યા છે."
આ પહેલાં રાહુલ ગાંધીએ સવારે ટ્વીટ કરીને કહ્યું હતું, "આરએસએસના વડા પ્રધાન ભારતમાતાને જૂઠું બોલી રહ્યા છે."
આ ટ્વીટની સાથે તેમણે બીબીસીના એક વીડિયોને શૅર કર્યો હતો જેમાં આસામમાં એક નિર્માણાધીન ડિટેન્શન સેન્ટરની વાત હતી.
આ ટ્વિટના માધ્યમથી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે દેશમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો