NPR પ્રક્રિયા શું છે અને 2010ની પ્રક્રિયાથી કેટલી અલગ છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નરેન્દ્ર મોદીની કૅબિનેટે મંગળવારે 2021ની વસતિગણતરી અને નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર એટલે કે એનપીઆરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે.

વસતિગણતરી 2021માં શરૂ થશે પણ એનપીઆર અપડેટનું કામ આસામને છોડીને બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગૃહ મંત્રાલયે 2021ની વસતિગણતરી માટે 8,754 કરોડ રૂપિયા અને એનપીઆર અપડેટ માટે 3,941 કરોડ રૂપિયાના ખર્ચના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

line

NPR એટલે કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એનપીઆર સામાન્ય રીતે ભારતમાં રહેતા લોકો કે યૂઝ્યુઅલ રેસિડેન્ટ્સનું એક રજિસ્ટર છે. ભારતમાં રહેતા લોકો માટે એનપીઆર અંતર્ગત રજિસ્ટ્રેશન અનિવાર્ય છે.

આ ભારતીયોની સાથે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો માટે પણ અનિવાર્ય રહેશે. એનપીઆરનો હેતુ દેશમાં રહેતા લોકોનો વ્યાપક રીતે ઓળખથી જોડાયેલા ડેટાબેઝ તૈયાર કરવાનો છે.

પહેલી એનપીઆર પ્રક્રિયા 2010માં તૈયાર કરાઈ હતી અને તેને અપડેટ કરવાની કામગીરી અંતર્ગત વર્ષ 2015માં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો.

હવે તેને ફરીથી અપડેટ કરવાનું કામ 2020માં એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર 2021ની વસતિગણતરીમાં હાઉસ લિસ્ટિંગ ફેઝની સાથે ચાલશે.

નાગરિકતા કાયદો 1955 અને સિટીઝનશિપ (રજિસ્ટ્રેશન ઑફ સિટીઝન્સ ઍન્ડ ઇશ્યુ ઑફ નેશનલ આઇડેન્ટિટી કાર્ડ્સ) રૂલ્સ, 2003ની જોગવાઈ પ્રમાણે ગામ, પંચાયત, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે કામ કરાશે.

line

યૂઝ્યુઅલ રેસિડેન્ટ્સનો મતલબ શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સિટીઝનશિપ રૂલ્સ-2003 અનુસાર એક યૂઝ્યુઅલ રેસિડેન્ટ એ છે જે ભારતના કોઈ પણ વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રહેતો હોય કે તેનાથી વધુ સમય સુધી રહેવા માગતો હોય.

એનપીઆર અંતર્ગત જે ડેટાબેઝ તૈયાર થશે એમાં વસ્તીગણતરીની સાથે બાયૉમેટ્રિક માહિતી પણ લેવાશે. જે અંતર્ગત આધાર, મોબાઇલ નંબર, પાન, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી અને ભારતીય પાસપૉર્ટ નંબરની માહિતી પણ લેવાશે.

આધાર લિંક કરવાનું કામ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે થશે. વસતિગણતરીની જાણકારી હેઠળ વ્યક્તિનું નામ, ઘરના મોભી સાથે સંબંધ, માતાપિતાનું નામ, વિવાહિત હોય તો પતિ-પત્નીનું નામ, લિંગ, જન્મતિથિ, સિંગલ કે વિવાહિત, જન્મસ્થાન, રાષ્ટ્રીયતા, વર્તમાન સરનામું, વર્તમાન સરનામે ક્યાં સુધી રહેવું છે, કાયમી નિવાસ, પ્રૉફેશન અને શૈક્ષણિક લાયકાતની માહિતી મંગાશે.

2010ની એનપીઆરમાં 15 પૉઇન્ટનો ડેટા સંગ્રહ કરવામાં આવ્યો હતો. તેમાં માતાપિતાની જન્મતારીખ અને જન્મસ્થાનની સાથે અગાઉના નિવાસસ્થાનની માહિતી નહોતી મંગાવાઈ.

એનપીઆર 2010માં ડેટાસંગ્રહનું કામ 2011ની વસતિગણતરીમાં થયું હતું.

line

વસતિગણતરી શું છે?

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

વસતિગણતરીમાં વસતિની ગણતરી કરાય છે. એ દર દસ વર્ષ બાદ થાય છે.

2021ની વસતિગણતરી એ ભારતની 16મી વસતિગણતરી છે. પહેલી વસતિગણતરી 1872માં થઈ હતી.

જોકે આઝાદી બાદ આ આઠમી વસતિગણતરી હશે. પહેલી વખત 2021ની વસતિગણતરીમાં ડેટાસંગ્રહ માટે મોબાઇલ ઍપનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

line

NPR અને NRCમાં શું ફેર છે?

એનપીઆર એ એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સથી અલગ છે.

એનઆરસીમાં વિદેશી નાગરિકો સામેલ નથી. સિટીઝનશિપ રૂલ્સ 10 ડિસેમ્બર, 2003માં નોટિફાઈ થયો હતો. એ અંતર્ગત એનઆરસીની વાત કરાઈ હતી, જેમાં ભારતીય નાગરિકો કે જે ભારતમાં રહેતા હોય અથવા ભારતની બહાર રહેતા હોય તેમનું એક રજિસ્ટર તૈયાર કરવાની જોગવાઈ છે.

મંગળવારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એનપીઆર અને એનઆરસીને એકબીજા સાથે કોઈ સંબંધ નથી.

તેમણે એમ પણ કહ્યું કે એનપીઆર ડેટાનો ઉપયોગ એનઆરસીમાં કરાશે નહીં. પરંતુ ગૃહ મંત્રાલયના 2018-19ના વાર્ષિક રિપોર્ટમાં કહેવાયું છે કે એનપીઆર એનઆરસીનું પહેલું ચરણ છે.

જોકે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે એનપીઆર વસતિગણતરી રજિસ્ટ્રેશન છે, નહીં કે નાગરિકતા રજિસ્ટર.

તેમણે કહ્યું કે એનપીઆરનો એનઆરસી સાથે કોઈ સંબંધ નથી. જોકે એનપીઆર અને એનઆરસીને લઈને સરકાર તરફથી અનેક વિરોધાભાસી નિવેદનો આવ્યાં છે.

line

NPR લાગુ નહીં કરવાની કયાં રાજ્યોએ જાહેરાત કરી?

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, PTI

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે જાહેર કર્યું છે કે તેઓ પોતાના રાજ્યમાં એનઆરસી અને સીએએ લાગુ નહીં કરે.

મમતા બેનરજીએ કહ્યું હતું, "રાજ્યની મંજૂરી વિના એનપીઆરનું કામ પ્રદેશમાં શરૂ કરી શકાય નહીં."

કેરળ અને રાજસ્થાને પણ એવી જાહેરાત કરી છે. સીએએ બાદ ભાજપનું શાસન નથી એ રાજ્યોએ એનપીઆર અને એનઆરસીને લઈને અસહયોગની જાહેરાત કરી છે.

line

એનપીઆરથી આસામમાં કેમ અલગ રાખવામાં આવ્યું?

આસામમાં એનપીઆર લાગુ નહીં કરાય. આસામમાં હાલમાં એનઆરસી લાગુ કરવામાં આવ્યયું હતું અને એ અંતર્ગત અવૈધ પ્રવાસીઓની ધરપકડ કરાઈ હતી.

એનઆરસીનો હેતુ અવૈધ પ્રવાસીઓની ઓળખ કરીને તેમને પરત મોકલવાનો છે.

એનપીઆરનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

એનઆરપીની વેબસાઇટ

ઇમેજ સ્રોત, NPR-RGI.NIC.IN

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે એનપીઆરને એનઆરસીથી અલગ કરીને જોઈ ન શકાય.

એવી જ રીતે સીએએ વિશે પણ કહેવાય છે કે તેને એનઆરસી સાથે જોડીને જ જોવું જોઈએ.

ફૉરવર્ડ બ્લૉકના ધારાસભ્ય ઇમરાન રામ્ઝે તેના વિરોધમાં તર્ક આપ્યો છે, "જો તમે એનઆરસીને રોકવા માગતો હોવ તો પહેલાં એનપીઆરને રોકવું પડશે."

"વસતિગણતરીના નામે બંનેને લાગુ કરવાનું ષડયંત્ર છે. જો કોઈ રાજ્યની સરકાર એનઆરસીના વિરોધમાં હોય તો પહેલાં તેણે એનપીઆરને રોકવું પડશે."

23 જુલાઈ, 2014માં તત્કાલીન કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું, "સરકારે નેશનલ રજિસ્ટર ઑફ ઇન્ડિયન સિટીઝન્સ બનાવવાનો નિર્ણય લીધો છે. આ એનપીઆરના ડેટાને આધારે કરાશે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો