નાગરિકતા સંશોધન કાયદા સામે દેશભરમાં ક્યાં-ક્યાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે?

'નાગરિકતા સંશોધન કાયદા'ના વિરુદ્ધ રવિવારે પ્રદર્શન કરી રહેલા દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું, જેમાં કેટલાંય વાહનોને આગ ચાંપી દેવાઈ.

પોલીસ કાર્યવાહીના ભાગરૂપે કેટલાય વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી.

જોકે, પોલીસની કાર્યવાહીના વિરોધના ભાગરૂપે દિલ્હીના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં દિલ્હી પોલીસ હેડ ક્વાર્ટર્સની બહાર એકઠા થઈ ગયા અને પ્રદર્શનો કરવા લાગ્યા. જેને પગલે મોડી રાતે અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા.

આ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નઝમા અખ્તરે કહ્યું છે કે કૅમ્પસમાં અનુમતિ વગર પ્રવેશેલી પોલીસ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે.

જામિયાને અડીને આવેલા વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ કેટલીક બસોને આગ લગાડી દીધી હતી. જે બાદ પોલીસે વિશ્વવિદ્યાલય પરિસરમાં પ્રવેશીને અશ્રુગૅસના ગોળા છોડ્યા હતા.

પોલીસ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાના કેટલાય વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. પોલીસે કૅમ્પસમાંથી લગભગ 50 વિદ્યાર્થીઓની અટકાય કરી હતી. હાલમાં પણ જામિયાના પરિસરમાં તણાવ જોવા મળી રહ્યો છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિરોધ-પ્રદર્શન

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશક ઓ. પી. સિંહે કહ્યું:"અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને ખાલી કરાવાઈ રહી છે. તમામ વિદ્યાર્થીઓને આજે (સોમવાર) જ તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે."

યુનિવર્સિટીને પાંચ જાન્યુઆરી સુધી બંધ કરી દેવાઈ છે અને હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પોતાનાં ઘરે જવું પડશે.

15 વિદ્યાર્થીઓ અટકાયતમાં હોવાની અને હિંસામાં સામેલ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે.

આસામમાં તણાવ

દેશમા નાગરિકતા સંશોધન કાયદાને લઈને મોટા પાયે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

પોલીસે કરેલા ગોળીબારમાં અત્યાર સુધી ચાર લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ છે.

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયનની આગેવાનીમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

સત્તાધારી એનડીએનો ભાગ રહેલા આસામ ગણ પરિષદે આ નવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે.

જોકે, એ વાત પણ અહીં નોંધવી રહી કે સંસદમાં આસામ ગણ પરિષદે સંબંધિત બિલનું સમર્થન કર્યું હતું.

લખનૌમાં ઘર્ષણ

લખનૌમાં દારૂલ ઉલુમ નદવા-તુલ-ઉલેમાના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં બસોથી વધુ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર મળી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં મમતાની રેલી

પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ રાજધાની કોલકાતામાં સોમવારે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ મોટી રેલી યોજી. આ દરમિયાન શનિવાર અને રવિવારે રાજ્યમાં બંગાળની કેટલીય જગ્યાએ આગજની અને તોડફોડના સમાચારો પણ મળ્યા હતા.

તામિલનાડુમાં વિરોધ

તામિલનાડુમાં માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) સંલગ્ન એસએફઆઈએ રાજ્યમાં નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં સોમવારે વિરોધપ્રદર્શનનું આયોજન કર્યું.

હૈદરાબાદમાં વિરોધ

હૈદરાબાદની મૌલાના આઝાન નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું. અહીંના વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

બિહારમાં વિરોધ

નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં પટણામાં યોજાયેલાં પ્રદર્શનો દરમિયાન ભીડે એક પોલીસચોકીને આગ લગાડી દીધી. ઉગ્ર પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પથ્થરો પણ ફેંક્યા.

કેરળમાં વિરોધ

કેરળના રાજ્યપાલ મહમદ ખાને કહ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરનારાઓએ કાયદો પોતાના હાથમાં લેવો ન જોઈએ.

બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનને કહ્યું છે કે આ બિલ ગેરબંધારણીય છે અને રાજ્ય સરકાર તેને લાગુ નહીં કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો