CABના વિરોધમાં આસામમાં હિંસા, CM સર્બાનંદ સોનોવાલના ઘર પર પથ્થરમારો

ઇમેજ સ્રોત, Getty Images
આસામમાં હિંસાના અહેવાલની વચ્ચે બુધવારે નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. બિલના સમર્થનમાં 125 અને વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા.
હિંસક દેખાવકારોએ આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને બે રેલવે સ્ટેશનને આગ ચાંપી હતી, સેના મુખ્યાલય દ્વારા સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ પસાર થવાની ઘટનાને આવકારી હતી, જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ બંધારણીય ઇતિહાસનો 'કાળો દિવસ' કહી તેને વખોડી હતી.
આમ CABને બંને ગૃહની મંજૂરી મળી ગઈ છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીની સાથે તે કાયદો બની જશે.
જોકે, અસંતુષ્ટ પક્ષકારો પાસે બિલને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારવાનો વિકલ્પ રહેશે.

મુખ્ય મંત્રીના ઘર ઉપર પથ્થરમારો

ઇમેજ સ્રોત, Getty Images
બીજી બાજુ ભારતના ઉત્તર-પૂર્વ છેડે આવેલા આસામમાં આ બિલને લઈને થઈ રહેલાં વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સરકારી અધિકારીઓને ટાંકતા જણાવ્યું હતું કે દિબ્રુગઢ ખાતે મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલના નિવાસસ્થાન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
હિંસક દેખાવકારોએ આસામના ચાઉબા તથા પાનીટોલા રેલવે સ્ટેશનને આગ ચાંપી હતી. આને પગલે દીસપુર તથા તિનસૂકિયા રેલવે સ્ટેશનને હાઈઍલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે.
સૂત્રોને ટાંકતા એજન્સી જણાવે છે કે પૂર્વોત્તરની સ્થિતિ ઉપર સેના મુખ્યાલયની ચાંપતી નજર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામમાં આર્મીની એક કોલમ તહેનાત કરવામાં આવી છે, જ્યારે ત્રિપુરામાં આસામ રાઇફલ્સની બે કોલમ તહેનાત કરવામાં આવી છે.
આ સિવાય અર્ધ-લશ્કરી દળોનાં પાંચ હજાર જવાનને હવાઈમાર્ગે પૂર્વોત્તર રાજ્યો માટે રવાના કરવામાં આવ્યા છે.
ગૌહાટીમાં કર્ફ્યુ

ઇમેજ સ્રોત, ANI
સમાચાર એજન્સી પીટીઆઈના હવાલાથી મળેલ સમાચાર અનુસાર, સીટિઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ વિરુદ્ધનાં પ્રદર્શનોએ હિંસક બની જવાના કારણે આસામ પોલીસના એડીજી (કાયાદો અને વ્યવસ્થા) મુકેશ અગ્રવાલે ગૌહાટીમાં લાદવામાં આવેલ કર્ફ્યુ અનિશ્ચિતકાળ સુધી લંબાયો હોવાની જાહેરાત કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, આસામના ગૌહાટી શહેરમાં આ બિલના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓને તિતર બિતર કરવા માટે પોલીસે ટિયર ગૅસ શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
હિંસક ઘટનાઓ બાદ સ્થાનિક તંત્ર દ્વારા ગૌહાટીમાં કર્ફ્યુ લાદી દેવાયો હતો.
આ સિવાય એએનઆઇ દ્વારા મળેલી અન્ય માહિતી અનુસાર સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ એક્ટ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આસામની રાજધાની દિસપુરમાં જનતા ભવન પાસે એક બસને આગ ચાંપી દીધી હતી.
કોર્ટમાં
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઇંડિયન યુનિયન મુસ્લિમ લિગ આ કાયદાને સર્વોચ્ચ અદાલતમાં પડારશે. કૉંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સર્વોચ્ચ અદાલતમાં તેમના વતી કેસ લડશે.
આ પહેલાં કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આગામી સમયમાં આ કાયદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવશે. જમિયત-ઉલેમા-એ-હિંદે પણ આ કાયદાને અદાલતમાં પડકારવાની વાત કહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિલના સમર્થનમાં મતદાન કરનાર સંસદસભ્યોનો આભાર માનતા લખ્યું કે દેશના બંધુત્વ અને કરુણામાં માનતા ભારત માટે આજનો દિવસ 'સીમાચિહ્નરૂપ' છે.
સોનિયા ગાંધીએ નિવેદન બહાર પાડીને CABનો ખરડો પસાર થવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજનો દિવસ બંધારણીય ઇતિહાસનો 'કાળો દિવસ' છે.
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે પૂર્વોત્તરના દરેક રાજકીય પક્ષે CABની તરફેણમાં મતદાન કર્યું છે, જે દેખાડે છે કે પૂર્વોત્તરની જનતા આ બિલની સાથે છે.
રાજ્યસભામાં મતદાન સમયે નાગરિકતા સંશોધન બિલને 'સિલેક્ટ કમિટી' પાસે વિચારણા અર્થે મોકલવાનો પ્રસ્તાવ 99 વિરુદ્ધ 124 મતથી રદ થઈ ગયો હતો.

રાજ્યસભામાં ઉગ્ર ચર્ચા

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બ્લના કહેવા પ્રમાણે, નાગરિકતા સંશોધન બિલ દ્વારા બંધારણ સાથે ચેડાં થઈ રહ્યાં છે.
સિબ્બલે કહ્યું હતું કે 'હિંદુસ્તાનનો કોઈ મુસલમાન તમારાથી નથી ડરતો. ન તો હું ડરું છું કે ન તો દેશનો અન્ય કોઈ નાગરિક ડરે છે.'
રાજ્યસભામાં બિલ રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું કે ભારતના મુસલમાનોએ આ બિલથી ડરવાની જરૂર નથી.
એમણે એમ પણ કહ્યું કે આ બિલ વિશે અનેક ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
આ પહેલાં લોકસભામાં આ બિલ પર સોમવારે મોડી રાત સુધી ચાલેલી ચર્ચા બાદ મતદાન થયું, જેમાં બિલની તરફેણમાં 311 મતો પડ્યા અને વિરુદ્ધમાં 80 મત પડ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
ચર્ચા દરમિયાન સિબ્બલે કહ્યું કે અમિત શાહે તેમનું નિવેદન પાછું ખેંચવું જોઈએ.
બે રાષ્ટ્રની વિભાવના કૉંગ્રેસે નહોતી આપી, સાવરકરે તે થિયરી આપી હતી અને ઝીણા-સવારકર તેની ઉપર સહમત હતા.
2014 બાદ ભાજપ ચોક્કસ હેતુ સાથે કામ કરી રહ્યો છે, ક્યારકે લવ-જેહાદ તો ક્યારેક એનઆરસી અને નાગરિકતા સંશોધન જેવા મુદ્દા ઉઠાવવામાં આવે છે.
સિબ્બલે કહ્યું, "અમે બંધારણથી ડરીએ છીએ અને તમે તેની સાથે ચેડાં કરી રહ્યાં છો."
પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે આ બિલને 'ગેરબંધારણીય' અને 'સંસદના ચહેરા ઉપર લપડાક' સમાન ગણાવ્યું હતું.
સાથે જ ઉમેર્યું હતું કે આ બિલ બંધારણના અનુચ્છેદ 14ના ભંગ સમાન છે, જો કોઈ વ્યક્તિ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે તો તે રદ થાય તેમ છે.

લોકસભામાં બિલ
બિલ પાસ થયું એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વખાણ કરતાં કહ્યું કે આ બિલ ભારતની સદીઓ જૂની પરંપરા અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસને અનુરૂપ છે.
જે પક્ષો અને સાંસદોએ આ બિલને પાસ કરવામાં સમર્થન આપ્યું હતું તેમનો પણ નરેન્દ્ર મોદીએ આભાર માન્યો હતો.
એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું:
"અડધી રાત્રે જ્યારે આખી દુનિયા ઊંઘતી હતી ત્યારે એક ઝાટકે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના ભારતના આદર્શ સાથે દગો કરવામાં આવ્યો."
ચર્ચા દરમિયાન બિલનો વિરોધ કરતી વેળાએ AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલની નકલ ફાડી નાખી હતી.
આ મુદ્દે હોબાળો થતાં કાર્યકારી સ્પીકર રમાદેવીએ આ ઘટનાને સંસદની કાર્યવાહીમાંથી દૂર કરવાના આદેશ આપ્યા હતા.

શું છે બિલની જોગવાઈઓ?

ઇમેજ સ્રોત, Getty Images
સિટીઝનશિપ (ઍમેન્ડમૅન્ટ) બિલ-2019ની જોગવાઈઓ મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસેલા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે.
હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી તથા ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતનું નાગરિકત્વ મળશે, પરંતુ મુસ્લિમોને નહીં મળે.
આ માટે 31મી ડિસેમ્બર 2014ને અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે રિપબ્લિક ટીવી નેટવર્કના કાર્યક્રમમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ઘોષિત ઇસ્લામિક રાષ્ટ્ર છે એટલે ત્યાં મુસ્લિમોની ઉપર અત્યાચાર થવાની સંભાવના નથી, પરંતુ અન્ય ધર્મના લોકો ઉપર અત્યાચાર થાય છે.
શાહનું કહેવું છે કે અગાઉ પણ સાતેક વખત અન્ય રાષ્ટ્રમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે.
બિલમાં કાયદેસરના દસ્તાવેજ વગર નાગરિકત્વ માટે અરજી કરનારનો ભારતમાં રહેવા માટેનાં વર્ષોનો ગાળો ઘટાડવામાં આવશે.
વિપક્ષનું કહેવું છે કે ખરડાની જોગવાઈઓ ભારતીય બંધારણના અનુચ્છેદ 14ની જોગવાઈઓ મુજબ 'સમાનતાના અધિકાર'નો ભંગ કરે છે, કારણ કે ભારતનું નાગરિકત્વ આપવા માટે ધર્મને આધાર બનાવવામાં આવ્યો છે અને તે ભેદભાવ છે.

પૂર્વોત્તરમાં પ્રત્યાઘાત

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વોત્તર રાજ્યોમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર નવા બિલ સામે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
તેમને આશંકા છે કે નવા બિલની જોગવાઈઓને કારણે તેમની પ્રાદેશિક ઓળખ અને અસ્મિતા જોખમમાં મુકાશે.
નૉર્થ-ઇસ્ટ સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશન દ્વારા 10મી ડિસેમ્બરે 10 કલાકના બંધનું એલાન આપવામાં આપ્યું હતું.
ભારે વિરોધ-પ્રદર્શનને લઈને ત્રિપુરામાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
કેટલાક અહેવાલ મુજબ બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતા આસામ, મેઘાલય, મિઝોરમ કે ત્રિપુરાના વિસ્તારોને બિલના પરિઘમાંથી બહાર રાખવામાં આવશે.
આ સિવાય બેંગાલ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રૅગ્યુલેશન, 1873 હેઠળના વિસ્તારોમાં 'ઇનર લાઇન' વ્યવસ્થા લાગુ રહેશે. અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ તથા મિઝોરમમાં ઇનર લાઇન પરમિટ લાગુ છે.
ભાજપે વર્ષ 2014 તથા 2019ના લોકસભાની ચૂંટણીઢંઢેરામાં સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ લાવવાનું વચન આપ્યું હતું.
આ સિવાય બંધારણના અનુચ્છેદ 370ની નાબૂદી તથા બંધારણીય પ્રક્રિયા મુજબ રામમંદિર વિવાદનો ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું.

નેશનલ રજિસ્ટરથી અલગ
સામાન્ય રીતે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન સાથે જોડીને જોવામાં આવે છે. વાસ્તવમાં બંને અલગ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ તથા આસામ સંધિના આધારે નાગરિકોની યાદી કરવાની કવાયત આસામમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં 19 લાખ નાગરિકો તેમનું નાગરિકત્વ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
અમિત શાહ અગાઉ કહી ચૂક્યા છે કે વર્ષ 2024 પહેલાં દેશભરમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનની કવાયત હાથ ધરવામાં આવશે તથા દરેક નાગરિકે તેમનું નાગરિકત્વ સાબિત કરવું પડશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














