'જો મોદી સરકારને બુલેટ ટ્રેન કરવી હોય તો પોતાના પૈસે કરે, અમારા માથે શું કામ મારે છે?'

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે કૉલોનીના જંગલમાં મેટ્રો કારશેડનું કામકાજ અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાતને સાંકળતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ સરકારના સહયોગી પક્ષનું નિવેદન આવ્યું છે.

પુરોગામી દેવેન્દ્ર ફડનવીસ સરકારના કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલા અને શિવસેના જેનો વિરોધ કરતી હતી એવા પ્રોજેક્ટ્સનું શું થશે, એવો સવાલ ઉપસ્થિત થયો છે.

આ દરમિયાન મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે બુલેટ ટ્રેન કોને જોઈએ છે? શું મુંબઈએ એની માગણી કરી હતી?

બુલેટ ટ્રેનઃ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન 2022 સુધીમાં શરૂ કરવાની યોજના છે.

આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું મીડિયામાં જણાવવામાં આવ્યું છે.

જોકે, પહેલી ડિસેમ્બરે મીડિયા સાથે વાત કરતાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપેલા નિવેદનને પગલે આ પ્રોજેક્ટના ભવિષ્ય સામે સવાલ સર્જાયો છે.

વિધાનસભામાં પત્રકારો સાથે વાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, "ગત પાંચ વર્ષ અમે સત્તામાં ભાગીદાર હતા, પણ એ પાંચ વર્ષમાં વિકાસનાં કામ ક્યાં, ક્યારે તથા કેટલાં થયાં છે અને તેમાં કેટલો ખર્ચ થયો છે તેની માહિતી મેં મગાવી છે."

"અમે એ વિશે શ્વેતપત્ર બહાર પાડીશું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરીશું. એ પ્રોજેક્ટ હજુ રદ્દ કરવામાં આવ્યો નથી."

આ પ્રોજેક્ટ માટે 1.1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

એ પૈકીના 81 ટકા નાણાં જાપાન ઈન્ટરનેશનલ કો-ઑપરેશન એજન્સી 50 વર્ષ માટે 0.1 ટકા વ્યાજે આપવાની છે.

ઉપરાંત મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકાર 5,000 કરોડ રૂપિયા તથા કેન્દ્ર સરકાર 10,000 કરોડ રૂપિયા આપશે.

દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ ચાલુ છે, પણ એ કામ વિવાદમાં સપડાયું છે.

જમીનના વળતરપેટે આપવામાં આવતાં નાણાંના પ્રમાણથી અનેક ખેડૂતો રાજી નથી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો એ સંબંધે કોર્ટમાં પણ ગયા છે.

બુલેટ ટ્રેન બાબતે પૃથ્વીરાજ ચવ્હાણે શું કહ્યું?

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સંયુક્ત સરકાર છે.

એક તરફ ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન સહિતનાં વિકાસકામોની સમીક્ષા અને શ્વેતપત્રની વાત કરી છે.

તો બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ''જો કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન ચલાવવા માગતી હોય તો એના પૈસા ખર્ચીને ચલાવે.''

પૃથ્વીરાજ ચવ્હાણે બીબીસી સંવાદદાતા સરોજ સિંહ સાથેની વાતચીતમાં કહ્યું, ''મુખ્ય મંત્રી અને મંત્રીપરિષદ આ બાબતે નિર્ણય લેશે, પરંતુ હું અંગત રીતે તો એમ માનું છું કે આ ખોટો નિર્ણય હતો. સવા લાખ કરોડ બરબાદ થઈ રહ્યા છે.''

''અમે કહ્યું હતું કે જો કૉંગ્રેસની સરકાર આવી તો અમે આને રોકી દઈશું. મારા મતે પૂરી રીતે વિચાર કરવો જોઈએ. શું મુંબઈના લોકોએ બુલેટ ટ્રેનની માગણી કરી હતી? બુલેટ ટ્રેન કોને જોઈએ છે? જો કેન્દ્ર સરકારને બુલેટ ટ્રેન કરવી હોય તો પોતાના પૈસે કરે, અમારા માથે શું કામ મારે છે?''

એમણે કહ્યું, ''મહારાષ્ટ્રની સામે ખૂબ મોટી સમસ્યાઓ છે. ખાસ કરીને ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા એ ખૂબ મોટી છે. બુલેટ ટ્રેન હોય કે મુંબઈ-પૂણેનો હાયપર રૂટનો પ્રોજેક્ટ હોય એ આ સમયે યોગ્ય નથી.''

આરે મેટ્રો કારશેડ

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે કૉલોનીના જંગલમાં મેટ્રો કારશેડ પ્રોજેક્ટને અટકાવી દેવાનો આદેશ આપ્યો છે.

તેમણે જણાવ્યું હતું, "મેં આરેમાં મેટ્રો કારશેડનું કામ અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. મધરાતે વૃક્ષો કાપી નાખવામાં આવતાં મુંબઈગરાઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તેમના પર કેસ કરવામાં આવ્યા હતા. એ તમામ કેસ પાછા ખેંચી લેવાનો આદેશ મેં આપ્યો છે."

ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયની વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ટીકા કરી હતી.

ફડનવીસે જણાવ્યું હતું, "હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ મેટ્રો કારશેડનું કામ મોકૂફ રાખવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. આ દર્શાવે છે કે મુંબઈના માળખાગત પ્રોજેક્ટ્સ બાબતે આ સરકાર ગંભીર નથી. તેથી સામાન્ય મુંબઈગરાને નુકસાન થશે."

ઉદ્ધવ ઠાકરે સરકારે આરેના જંગલમાં કારશેડના નિર્માણને હાલ અટકાવવાનો આદેશ આપ્યો છે, જ્યારે ફડણવીસ સરકારે એ કામને અગ્રતા આપી હતી.

આ પ્રોજેક્ટ બાબતે કેન્દ્રના પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું, "બીજો કોઈ પર્યાય ન હોવાથી આરેમાં વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં."

મુંબઈની મેટ્રો ટ્રેન માટે આરેમાં કારશેડના નિર્માણની યોજના છે. ઉપરાંત આરે કૉલોનીના કુલ 1,300 હેક્ટર વિસ્તારમાંથી 40 હેક્ટર (99 એકર) જમીન ત્યાં પ્રાણીસંગ્રહાલય માટે ફાળવવાનો નિર્ણય ફડણવીસ સરકારે છઠ્ઠી જૂને કર્યો હતો.

વૃક્ષો કાપીને કારશેડનું નિર્માણ કરવા સામે પર્યાવરણપ્રેમીઓ સાથે શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, કૉંગ્રેસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ વિરોધ કર્યો હતો.

જોકે, ફડણવીસ સરકારે એ વિરોધને ફગાવી દીધો હતો અને રાતોરાત કેટલાંક વૃક્ષો કાપી નાખ્યાં હતાં.

તેથી સર્જાયેલા વિવાદને પગલે ફડણવીસ સરકારે પર્યાવરણ સંબંધે નવી જગ્યાની વિચારણા કરવા એક સમિતિની રચના કરી હતી.

નાણાર પ્રોજેક્ટ

રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓની સીમા પરના રાજાપુર તાલુકામાં નાણાર ગામ આવેલું છે.

નાણારમાં ઑઈલ રિફાઈનિંગ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત ફડણવીસ સરકારે 2015માં કરી હતી.

શિવસેનાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી નારાયણ રાણેના મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષે એ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

ફર્સ્ટપોસ્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટ માટે 44 અબજ ડૉલરનું રોકાણ થવાનું હતું.

ભારત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતની ઑઈલ કંપનીઓએ સાથે મળીને આ પ્રોજેક્ટનું આયોજન કર્યું હતું.

1500 એકર જમીન પર આ પ્રોજેક્ટ આકાર પામવાનો હતો. એ માટે 8,000 ખેડૂતો પાસેથી જમીન લેવાની હતી.

આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જોકે, રત્નાગિરિ તથા સિંધુદુર્ગ જિલ્લાઓના ગ્રામજનોએ વિરોધ કર્યો એ પછી આ પ્રોજેક્ટનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું.

તત્કાલીન ઉદ્યોગમંત્રી અને શિવસેના નેતા સુભાષ દેસાઈએ કહ્યું હતું, "નાણાર રિફાઈનરી પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવ્યો છે. સંપાદિત કરવામાં આવેલી જમીન પરત કરવામાં આવશે. જે વિસ્તારના નાગરિકો ઇચ્છશે ત્યાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે."

કોસ્ટલ રોડ

આ પ્રોજેક્ટ હાલના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

મુંબઈગરાના ઝડપી પ્રવાસ અને મુંબઈના વિકાસના નારા સાથે ઉદ્ધવ ઠાકરેએ કોસ્ટલ રોડના કામનો શુભારંભ કરાવ્યો હતો.

રાજ્ય સરકારે આ માટે જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવી આપ્યું હતું, જ્યારે કેન્દ્ર સરકારે જરૂરી પરવાનગી આપી હતી.

પણ હવે શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેની તેની યુતિ તોડી નાખી છે ત્યારે આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારની ભૂમિકા કેવી હશે એ જોવાનું રહે છે.

સમૃદ્ધિ મહામાર્ગ

આ પ્રોજેક્ટ કેન્દ્રના પરિવહનમંત્રી નીતિન ગડકરી અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે મુંબઈ અને નાગપુર વચ્ચેનું અંતર માત્ર આઠ કલાકમાં કાપી શકાશે.

આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ સરકારે શરૂ કરી દીધું છે, પણ હવે ઉદ્ધવ ઠાકરે સત્તા પર આવ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ આગળ વધશે કે નહીં એ જોવાનું રહે છે.

શિવસેનાની ભૂમિકા શું છે?

આ બધા પ્રોજેક્ટ બાબતે શિવસેનાની ભૂમિકા શું હશે એ જાણવા માટે બીબીસીએ શિવસેનાનાં પ્રવક્તા મનીષા કાયંડેનો સંપર્ક કર્યો હતો.

મનીષા કાયંડેએ કહ્યું હતું, "નાણાર પ્રોજેક્ટ હોય કે આરે જંગલમાં કારશેડ, શિવસેનાનું વલણ જે હતું એ જ રહેશે. આ પ્રોજેક્ટ્સ ફડણવીસ સરકારે ધરાર અમલી કરાવ્યા છે. આરેમાં વૃક્ષછેદન ગેરકાયદે હતું, મેટ્રો પ્રોજેક્ટ સામે શિવ સેનાનો વિરોધ નથી."

"એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ પણ સહકાર આપ્યો છે."

"પણ કારશેડ આરેમાં જ શા માટે તેનો વિકલ્પ શા માટે શોધવામાં આવતો નથી, એ સવાલ અમે કર્યો હતો. એ પછી આ પ્રોજેક્ટ ખસેડવામાં આવ્યો હતો."

તેમણે ઉમેર્યું હતું, "લોકોનો વિરોધ હોય અને પર્યાવરણને નુકસાન થતું હોય એવા પ્રોજેક્ટ્સનો શિવ સેના હંમેશાં વિરોધ કરશે. શિવસેના શાશ્વત વિકાસમાં માને છે."

"શિવસેના જડબુદ્ધિથી કે બદલો લેવા ખાતર કોઈ પ્રોજેક્ટનો વિરોધ કરતી નથી."

"પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતના વિકાસને શિવસેના પ્રાધાન્ય આપે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો