નાના પટોલે : 2017ની ગુજરાતની ચૂંટણીથી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર સુધી

મહારાષ્ટ્ર વિધાનસભામાં નાનાભાઉ પટોલેને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. સ્પીકરપદ માટે ભાજપે પોતાના ઉમેદવાર કિશન કઠોરેનું નામ પાછું ખેંચી લીધું છે.

ભાજપના મહારાષ્ટ્રના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ભાજપે શનિવારે વિધાનસભાના સ્પીકરપદ કિશન કઠોરેને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ હવે વર્તમાન ધારાસભ્યોએ તેમનું નામ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.

એનસીપી નેતા છગન ભુજબળે કહ્યું કે પહેલાં વિપક્ષે પણ સ્પીકરપદ માટે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ અન્ય ધારાસભ્યોની વિનંતી પછી વિધાનસભાની ગરિમા જાળવી રાખવા માટે તેમણે નામ પરત લઈ લીધું છે.

શનિવારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બહુમત સાબિત કર્યો હતો અને તે પછી કૉંગ્રેસ નેતા નાના પટોલેનું નામ સ્પીકરપદ માટે રજૂ કરવામાં આવ્યું હતું.

શનિવારે ઉદ્ધવ ઠાકરેની સરકારના પક્ષમાં 169 ધારાસભ્યોએ મત આપ્યો હતો.

નાના પટોલે અને ગુજરાત

નાના પટોલે અગાઉ ભાજપમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. પંરતુ મોદી સરકારના શરૂઆતના કાર્યકાળમાં જ એમણે નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું.

2017માં એમણે નરેન્દ્ર મોદી પર તાનાશાહીનો આરોપ મૂકીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલ તેઓ સકોલી વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય છે.

નાના પટોલેએ 2014ની લોકસભાની ચૂંટણી ભાજપ તરફથી લડીને એનસીપીના દિગ્ગ્જ નેતા પ્રફુલ પટેલને હરાવ્યા હતા.

એમણે નાગપુરમાં એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી પર આરોપ મૂકયો કે તેઓ કોઈની વાત નથી સાંભળતા. વડા પ્રધાને પાર્ટીની બેઠકમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવતી વખતે મને પોતાની વાત ન કહેવા દીધી એવો આરોપ એમણે મૂક્યો હતો.

2017માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને તેઓ કૉંગ્રેસમાં જોડાયા.

રાહુલ ગાંધીએ એમનું જોશપૂર્વક સ્વાગત કર્યું હતું. 2017માં અમદાવાદમાં યોજાયેલી કૉંગ્રેસની રેલીમાં તેમણે ગુજરાતની મુલાકાત પણ લીધી હતી.

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થઈ તેના એક દિવસ અગાઉ તેમણે લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું.

એમણે ખેડૂતોની આત્મહત્યાઓમાં થઈ રહેલા વધારા સહિત 14 મુદ્દાઓ ઉપર કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી.

2018માં કૉંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારી અને નાના પટોલેએ ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવનારા કામદારો અને ખેડૂતોને મુદ્દે સંસદને ઘેરવાની યોજના અંગે એક પત્રકારપરિષદ પણ કરી હતી.

2018માં નાના પટોલેને ખેડૂત-ખેતમજૂર કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

2019ની લોકસભાની ચૂંટણી તેઓ ભાજપના દિગ્ગ્જ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે નાગપુરથી લડ્યા હતા પરંતુ એમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો.

નાના પટોલે અગાઉ કૉંગ્રેસમાં પણ રહી ચૂકયા હતા. પહેલીવાર કૉંગ્રેસ છોડી ત્યારે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તે ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી નથી લેતી. આ જ આક્ષેપ પાછળથી ભાજપમાં જોડાયા ત્યારે પણ તેમણે કર્યો હતો.

2009માં નાના પટોલેએ પહેલીવાર અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી અને તેઓ પ્રફુલ પટેલ સામે હારી ગયા હતા. જોકે, ઉમેદવાર તરીકે તેઓ બીજા ક્રમે હતા અને તેમણે ભાજપના ઉમેદવાર શિશુપાલ પટલેથી પણ વધારે મત મેળવ્યા હતા.

નાના પટોલેએ પોતાની મજબૂત સ્થિતિને તરત જ પારખી લીધી અને ભાજપમાં જોડાઈ ગયા. છ મહિના પછી તેઓ ભંડારા બેઠક પરથી જીત મેળવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો