You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ બજાજના નિવેદનને કૉંગ્રેસી તરફી કે ભાજપ વિરોધી કેમ ગણાવાઈ રહ્યું છે?
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, બીબીસી સંવાદદાતા
'લોકો (ઉદ્યોગપતિ) તમારાથી (મોદી સરકારથી) ડરે છે. યૂપીએ-2ની સરકાર હતી ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા. પણ હવે અમને વિશ્વાસ નથી કે અમે ખુલ્લેઆમ તમારી ટીકા કરીએ તો તે તમને ગમશે કે નહીં.'
ભારતના જાણીતા ઉદ્યોગપતિઓમાંના એક અને બજાજ ગ્રૂપના વડા રાહુલ બજાજે ગૃહમંત્રી અમિત શાહ સામે જાહેરમાં આ વાત જણાવી, જેની ચારે બાજુ ચર્ચા જાગી છે.
સોશિયલ મીડિયામાં 81 વર્ષના રાહુલ બજાજ વિશે ઘણું બધું લખવામાં આવી રહ્યું છે.
કેટલાક લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે એક ઉદ્યોગપતિએ સરકાર સામે બોલવાની હિંમત દાખવી અને સાચી વાત સૌની સામે મૂકી.
બીજી બાજુ ઘણા લોકોએ તેમના નિવેદનને રાજકારણથી પ્રેરિત માને છે અને કહે છે કે બજાજ તો 'કૉંગ્રેસપ્રેમી' છે.
સોશિયલ મીડિયામાં રાહુલ બજાજના જૂના વીડિયો પણ ફરતા થયા છે, જેમાં તેમણે જવાહરલાલ નહેરુને પોતાના સૌથી માનીતા વડા પ્રધાન ગણાવ્યા હતા.
ભૂતપૂર્વ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં વખાણ કરતા વીડિયો પણ ઘણાએ શૅર કર્યા છે.
જમણેરી ભાજપ સરકારના સમર્થકો આ વીડિયોના આધારે એવું કહી રહ્યા છે કે રાહુલ બજાજ કૉંગ્રેસના 'ચમચા' છે, તેઓ એ ભૂલી ગયા કે ભાજપ, શિવસેના અને એનસીપીના સમર્થનથી જ 2006માં રાહુલ બજાજ રાજ્યસભામાં અપક્ષ તરીકે પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અવિનાશ પાંડે કૉંગ્રેસના ઉમેદવાર હતા અને તેમને એકસોથી વધુ મતોથી હરાવીને રાહુલ બજાજ જીત્યા હતા.
રાહુલ બજાજે દેશની આર્થિક સ્થિતિ વિશે અને ઉદ્યોગપતિઓની તેના વિશેની ચિંતાઓ વ્યક્ત કરી ને ભયની વાત કરી ત્યારે જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે 'કોઈએ ડરવાની જરૂર નથી અને કોઈ ડરાવવા પણ માગતું નથી'.
પણ સવાલ એ થાય છે કે ગૃહમંત્રીએ આવો જવાબ આપ્યો ત્યારે તેનાથી વિપરિત ભાજપના સમર્થકોએ રાહુલ બજાજ પર પસ્તાળ પાડી છે તે શું જુદું ચિત્ર ઊભું નથી કરતી?
આ વિશે સિનિયર પત્રકાર ટી. કે. અરુણ કહે છે, "આ એક નવો ટ્રૅન્ડ થઈ ગયો છે. ટીકાની પાછળ ભાવના શું છે તે જોવામાં આવતી નથી. બસ તેની સામે હંગામો કરી દેવામાં આવે છે."
"બજાજનું નિવેદન એટલા માટે અગત્યનું છે કે કોઈક કશું બોલ્યા તો ખરા. સીઆઈઆઈની બેઠકો બંધબારણે થાય તેમાં ઉદ્યોગપતિઓ ચિંતા વ્યક્ત કરતા હોય છે, પણ તેના વિશે જાહેરમાં વાત કરવા કોઈ તૈયાર નથી."
ટી. કે. અરુણને લાગે છે કે બજાજનું નિવેદન કોઈ એક પક્ષ વિરુદ્ધ નથી. તેઓ ભૂતકાળમાં પણ આવાં ચર્ચાસ્પદ નિવેદનો આપતાં જ રહ્યા છે.
મહાત્મા ગાંધીના 'પાંચમા પુત્ર'
જૂન 1938માં જન્મેલા રાહુલ બજાજ ભારતના થોડા એવા ઉદ્યોગગૃહમાંથી આવે છે, જેમના ઘનિષ્ઠ સંબંધો વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે હતા.
તેમના દાદા જમનાલાલ બજાજે 1920માં બજાજ ઉદ્યોગગૃહની સ્થાપના કરી હતી, જેમાં વીસથી વધુ કંપનીઓ હતી.
રાજસ્થાનના મારવાડી પરિવારના જમનાલાલ બજાજને સગામાંથી દત્તક લેવાયા હતા તેમ માનવામાં આવે છે.
બજાજ પરિવાર મહારાષ્ટ્રના વર્ધામાં રહેતો હતો. જમનાલાલ બજાજે વર્ધાથી જ બિઝનેસની શરૂઆત કરી હતી. બાદમાં મહાત્મા ગાંધી સાથે તેમનો પરિચય થયો હતો.
વર્ધામાં તેમનો આશ્રમ બનાવવા માટે બજાજે જ જમીન આપી હતી.
જમનાલાલ બજાજના પાંચ પુત્રો હતા. તેમાં કમલનયન સૌથી મોટા હતા. તે પછી ત્રણ બહેનો અને સૌથી નાના હતા રામકૃષ્ણ.
કમલનયનના સૌથી મોટા પુત્ર એટલે રાહુલ બજાજ. હાલમાં રાહુલ બજાજના બંને પુત્રો રાજીવ અને સંજીવ બજાજ ગ્રૂપની વિવિધ કંપનીઓનું સંચાલન કરે છે.
બાકીના કંપનીઓ રાહુલ બજાજના નાના ભાઈ અને પિતરાઈઓ સંભાળે છે.
બજાજ પરિવારને નિકટથી જાણતા લોકો કહે છે કે જમનાલાલ બજાજને મહાત્મા ગાંધીના 'પાંચમા પુત્ર' કહેવામાં આવતા હતા. તેના કારણે જ નહેરુ પણ જમનાલાલ માટે સન્માન ધરાવતા હતા.
ગાંધી પરિવાર અને બજાજ પરિવાર
ગાંધી પરિવાર અને બજાજ પરિવાર વચ્ચે કેટલા ગાઢ સંબંધો હતા તેના માટે ઘણા કિસ્સા સાંભળવા મળે છે.
એક જાણીતો કિસ્સો એ છે કે રાહુલ બજાજનો જન્મ થયો ત્યારે ઇંદિરા ગાંધી કમલનયન બજાજના ઘરે પહોંચ્યાં અને તેમને ફરિયાદ કરી કે તમે અમારી એક બહુ કિંમતી ચીજ લઈ લીધી છે.
એ હતું નવા બાળકનું 'રાહુલ' એવું નામ, જે જવાહરલાલ નહેરુએ ઇંદિરા ગાંધીના પુત્ર માટે વિચારી રાખ્યું હતું.
નહેરુએ આ નામ કમલનયન બજાજને તેમના પુત્ર માટે આપી દીધું હતું.
બાદમાં ઇંદિરા ગાંધીના મોટા પુત્રને ઘરે દીકરો જન્મ્યો ત્યારે તેનું નામ રાહુલ રાખવામાં આવ્યું, કેમ કે તે નામ નહેરુને બહુ ગમતું હતું.
જમનાલાલ બજાજ સ્વતંત્રતા સેનાની હતા અને તેમના પરિવારે 1920ના દસકમાં ખાદી અપનાવી હતી અને વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી.
તેમના જ પૌત્ર આઝાદ ભારતમાં મૂડીવાદનો સૌથી ચર્ચિત ચહેરો બની રહ્યા તે પણ રસપ્રદ વાત છે.
'લાયસન્સરાજ'માં બજાજ
પિતા કમલનયનની જેમ જ રાહુલ બજાજે પણ વિદેશમાં અભ્યાસ કર્યો હતો.
દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટિફન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનું ભણ્યા પછી રાહુલ બજાજે ત્રણ વર્ષ માટે બજાજ ઇલેક્ટ્રિકલ્સ કંપનીમાં ટ્રેનિંગ લીધી હતી.
સાથેસાથે તેમણે બૉમ્બે યુનિવર્સિટીમાંથી વકીલાતની ડિગ્રી પણ મેળવી હતી.
1960ના દાયકામાં તેઓ અમેરિકા ગયા હતા અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી મેળવી હતી.
અમેરિકાથી ભણીને આવ્યા બાદ 1968માં 30 વર્ષની ઉંમરે રાહુલ બજાજ 'બજાજ ઑટો લિમિટેડ'ના સીઈઓ બન્યા હતા. તે વખતે સીઈઓ બનનારા તેઓ સૌથી નાની ઉંમરના ભારતીય હતા.
તે વખતના સમયને યાદ કરતાં અર્થશાસ્ત્રી મોહન ગુરુસ્વામી કહે છે, "રાહુલ ગાંધીએ કંપનીનું કામકાજ સંભાળ્યું ત્યારે દેશમાં 'લાઇસન્સરાજ' ચાલતું હતું.
"એટલે કે એવી નીતિ ચાલતી હતી કે સરકારની મંજૂરી વિના ઉદ્યોગપતિઓ કશું કરી શકે નહીં. વેપારીઓ માટે બહુ મુશ્કેલ સ્થિતિ હતી. ઉત્પાદનની મર્યાદા નક્કી કરવામાં આવેલી હતી."
"માગ ગમે તેટલી હોય તો પણ ઉદ્યોગપતિ વધારે ઉત્પાદન કરી શકે નહીં. તે વખતે એવું થતું હતું કે તમે સ્કૂટર બુક કરાવો તો કેટલાંય વર્ષો પછી તમને ડિલિવરી મળતી હતી."
"એટલે કે જે સ્થિતિમાં બીજા ઉત્પાદકો માટે કામ કરવું મુશ્કેલ હતું, ત્યાં રાહુલ બજાજે મોટા પાયે ઉત્પાદન કર્યું અને કંપનીને દેશની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન અપાવ્યું."
છેલ્લા બે દાયકા દરમિયાન રાહુલ બજાજે જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપ્યા ત્યારે તેમણે 'લાઇસન્સરાજ'ને હંમેશાં ખોટી નીતિ ગણાવી ટીકા જ કરી હતી.
તેમનો દાવો છે કે બજાજ ચેતક (સ્કૂટર) અને બાદમાં બજાજ પલ્સર (મોટરસાયકલ)ને કારણે તેમની બ્રાન્ડની શાખ બની હતી.
તેના કારણે જ 1965માં કંપનીનું ટર્નઓવર ત્રણ કરોડ હતું, તે 2008 સુધીમાં વધીને 10,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
નિવેદનથી કોઈ અસર થશે?
રાહુલ બજાજ પોતાના જીવનની સફળતા માટે પત્ની રૂપા ઘોલપને શ્રેય આપે છે.
સિનિયર પત્રકાર કરણ થાપરને 2016માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાહુલ બજાજે કહ્યું હતું કે 1961માં તેમણે રૂપા સાથે લગ્ન કર્યાં તે એ વખતના સમગ્ર ભારતના મારવાડી-રાજસ્થાની ઉદ્યોગપતિ પરિવારોમાં પ્રથમ પ્રેમલગ્ન હતાં.
'રૂપા મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતાં. તેમના પિતા સિવિલ સરવન્ટ હતા, જ્યારે અમારો પરિવાર વેપારી પરિવાર હતો. અમારા પરિવારો વચ્ચે મેળ બેસાડવો મુશ્કેલ હતો, પણ હું રૂપાને બહુ માન આપું છું, કેમ કે મને તેમનામાંથી ઘણું બધું શીખવા મળ્યું હતું,' એમ તેમણે કહ્યું હતું.
રાહુલ ગાંધી રાજ્યસભાના સભ્ય બનવા ઉપરાંત કૉન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)ના અને સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ (સિઆમ)ના પ્રમુખપદે પણ રહી ચૂક્યા છે.
ઇન્ડિયન ઍરલાઇન્સના ચૅરમૅન પણ બન્યા હતા અને તેમને ભારતનું ત્રીજું સૌથી સર્વોચ્ચ સન્માન 'પદ્મભૂષણ' પણ મળેલું છે.
રાહલુ બજાજના આ વ્યાપક અનુભવોનો ઉલ્લેખ કરીને જ સિનિયર પત્રકાર ટી. કે. અરુણ કહે છે કે રાહુલ બજાજની વાતોનું એક મહત્ત્વ છે અને તેની અવગણના ના કરી શકાય.
તેઓ કહે છે, "1992-94માં ઇન્ડસ્ટ્રી રિફોર્મ વખતે પણ રાહુલ બજાજે તેની ખુલ્લીને ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે તેના કારણે ભારતીય ઉદ્યોગોને નુકસાન થશે અને દેશી કંપનીઓ સ્પર્ધામાં ઊભી નહીં રહી શકે."
ભારતના ઉદ્યોગપતિઓ વતી રાહુલ બજાજે માગણી કરી હતી કે વિદેશી કંપનીઓને ભારતમાં મુક્તપણે વેપાર માટે મંજૂરી આપતા પહેલાં દેશી કંપનીઓને મજબૂત કરવી જોઈએ.
તેમને પણ એવી જ સુવિધાઓ અને માહોલ આપવો જોઈએ, જેથી વિદેશ કંપનીઓ ભારતીય કંપનીઓ માટે જોખમકારક ના બને.
જોકે ટી. કે. અરુણ કહે છે કે તે વખતે પણ સરકાર સાથે દુશ્મની ના વહોરી લેવા માટે ઉદ્યોગપતિઓ ભાગ્યે જ આ વિશે બોલતા હતા. આ વખતે પણ બજાજના નિવેદન પછીય બહુ થોડા ઉદ્યોગપતિઓ બોલવાની હિંમત કરશે.
વડા પ્રધાન મોદી પર હતી આશા
2014માં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે રાહુલ બજાજે કહ્યું હતું કે તેમની પાસેથી બહુ આશાઓ છે.
યૂપીએ-2ની સરકાર મોટા પાયે અસફળ રહી છે અને તેના કારણે પીએમ મોદી પાસે કરવા જેવા ઘણા બધા કામ છે એમ તેમણે કહ્યું હતું.
જોકે પાંચ જ વર્ષમાં રાહુલ બજાજના વિચારો બદલાયા હોય તેમ લાગે છે.
અર્થશાસ્ત્રી મોહન ગુરુસ્વામી આ વિશે અભિપ્રાય આપતા કહે છે, "ભારતના ઉદ્યોગપતિઓને પોતાની મરજી પ્રમાણે કામકાજ કરવાની ટેવ પડેલી છે. ભારતમાં છૂટછાટ મેળવવી અને વિદેશમાં રોકાણ કરવું એ નવી રીત બની છે. "
"લોકો ધીરાણ પરત ચૂકવવામાં પણ ઇમાનદાર નથી. કેટલાક કાયદા કડક કરવામાં આવ્યો તો તેને ડરનું નામ આપી દેવામાં આવ્યું."
"કરોડો રૂપિયાનું ફંડિંગ કરીને ભાજપને સરકાર બનાવવામાં મદદ કરનારા જ હવે ડરની વાતો કરી રહ્યા છે. કૉર્પોરેટ તરફથી કેટલું ફંડ મળ્યું છે, તે ભાજપે ચૂંટણીપંચને જણાવ્યું છે, પણ આ લોકો ક્યારેય નથી કહેતા કે ડોનેશન માટે તેમને ડરાવવામાં આવે છે.'
'કેમ કે તે વખતે આ લોકો પોતાની 'સુરક્ષા' માટે અને સરકારની દખલ રોકવા માટે ડોનેશન આપતા હોય છે."
ગુરુસ્વામી કહે છે, "સતત ઘટી રહેલો જીડીપીદર અને અર્થતંત્રમાં મંદીને ધ્યાનમાં રાખીને સરકારે ઉદ્યોગપતિઓને કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપી જ છે."
"એવું પણ બને કે બજાજ જે ડરની વાત કરે છે, તેને આધાર બનાવીને હાલમાં બેકફૂટ પર રહેલી સરકાર પાસેથી ઉદ્યોગપતિઓ વધારે રાહતોની માગણી પણ કરી લે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો