અમદાવાદ હિટ ઍન્ડ રન : ધારાસભ્ય ધારાસભ્ય શૈલેશ પરમારના ડ્રાઇવરે અકસ્માત કર્યો કે બીજા કોઈએ?

કાર
ઇમેજ કૅપ્શન, પોલીસે કાર જપ્ત કરી છે.
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ પોલીસ પ્રમાણે ગુજરાતના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારની ઇનોવા કાર દ્વારા કરવામાં આવેલા એક હિટ ઍન્ડ રન કેસમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

47 વર્ષ પ્રફુલ્લ પટેલ સોમવારે સાંજે પોણા સાત વાગ્યે સ્કૂટર લઈને મેમનગર વિવેકાનંદનગર ચોક પાસેથી જઈ રહ્યા હતા.

પોલીસ મુજબ આ દરમિયાન એક ઇનોવા કારે (જીજે01RX9972) તેમને ટક્કર મારી હતી.

તેમના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે.

line

''અમને શક છે કે ખોટો ડ્રાઇવર બતાવવામાં આવ્યો''

આરોપી ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસાર
ઇમેજ કૅપ્શન, આરોપી ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસાર

પોલીસના કહેવા મુજબ અકસ્માત સર્જનાર કાર દાણીલીમડાના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારની હતી અને તેમના ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસાર આ કાર ચલાવી રહ્યા હતા.

જોકે, અમદાવાદ મિરરમાં પીટીઆઈના હવાલાથી છપાયેલા સમાચાર મુજબ ભોગ બનનાર પ્રફુલ્લ પટેલના પરિવારનો આરોપ છે કે ગાડી ધારાસભ્ય શૈલેશ પરમારના પુત્ર ચલાવી રહ્યા હતા.

શૈલેશ પરમારે પીટીઆઈને કહ્યું કે અકસ્માત થયો તે સમયે ડ્રાઇવર સિવાય ગાડીમાં કોઈ નહોતું.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભોગ બનાનારના પિતરાઈ ભાઈ દિવ્યેશ પટેલે પણ કહ્યું કે ''અમને શક છે કે ખોટો ડ્રાઇવર બતાવવામાં આવ્યો છે.''

ઉલ્લેખનીય છે કે અકસ્માત બીજી ડિસેમ્બર 2019ના રોજ સાંજે અંદાજે 6.45 વાગે થયો હતો.

આ અકસ્માત બાદ ગાડી તેના ચાલક સાથે ફરાર હતી.

અકસ્માત પછી 108 મારફતે ભોગ બનનાર પ્રફુલ પટેલને સોલા સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.

ઉપલબ્ધ માહિતીને આધારે તેઓ સોમવારે રાત્રે આશરે 8 વાગે હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ કેસમાં રાત્રે 9.30 વાગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઘટનાને બીજે દિવસે બપોરે અંદાજે ચાર વાગ્યે શૈલેશ પરમારના ડ્રાઇવર પોલીસ સમક્ષ હાજર થયા અને અકસ્માતની જવાબદારી લીધી હતી.

જોકે, ડ્રાઇવર બીજો કોઈ હોવાની શંકા છતાં ભોગ બનનારના પિતરાઈ દિવ્યેશ પટેલે બીબીસી ગુજરાતી સમક્ષ પોલીસ તપાસ પરત્વે સંતોષ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે મૃતક પ્રફુલ્લભાઈના પિતરાઈ દિવ્યેશભાઈ પટેલ સ્કૂલવાન ચલાવે છે.

તેમણે કહ્યું, "હું બહાર હતો અને મારા પર ફોન આવ્યો કે મારા ભાઈને અકસ્માત થયો છે. આથી હું સિવિલ હૉસ્પિટલ પહોંચ્યો હતો."

"પ્રફુલ્લભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમનું મૃત્યુ થયું હતું."

તેઓ કહે છે, "પ્રફુલ્લભાઈ સામાન્ય ધંધો કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેઓ એકલા જ ઘરમાં કમાનારા હતા. હવે એમના પરિવારની જવાબદારી અમારા પર આવશે."

line

શું કહેવું છે શૈલેશ પરમારનું?

ધારાસભ્ય શૈલેશ પરમાર

ઇમેજ સ્રોત, MLA Shailesh Parmar

ઇમેજ કૅપ્શન, ધારાસભ્ય શૈલેશ પરમાર

અમદાવાદ મિરરમાં પીટીઆઈના હવાલાથી પ્રકાશિત સમાચાર મુજબ ધારાસભ્ય શૈલેશ પરમારે કહ્યું હતું , "અકસ્માત થયો તે પછી કલાકમાં મને તેની ખબર પડી હતી. એ પછી મેં ભોગ બનનારના પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી અને તેમને તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી."

બીબીસી ગુજરાતીએ એમની સાથે વાત કરતાં ધારાસભ્ય શૈલેશ પરમારે કહ્યું, "તેઓ એ સમયે ભૂલાભાઈ પાર્કમાં કમળાબહેન હૉલમાં લલિત મૂંઢાવા નામની વ્યક્તિના એક સામાજિક કાર્યક્રમમાં ગયા હતા."

"આ દરમિયાન ડ્રાઈવર ગાડી લઈને ક્યાં ગયો હતો એની મને ખબર નથી."

"હું પોલીસને તપાસમાં પૂરો સહયોગ આપી રહ્યો છું."

line

પોલીસનું શું કહેવું છે?

પીઆઈ પી.બી. ખાંભલા
ઇમેજ કૅપ્શન, પીઆઈ પી.બી. ખાંભલા

અકસ્માતનો ભોગ બનનારને જ્યારે સોલા સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પોલીસને અકસ્માત થયાની જાણ થઈ હતી.

સાંજે પોણા સાત કલાકે અકસ્માત થયો હતો અને રાતે સાડા નવ કલાકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસે કહ્યું કે અમે નંબરને આધારે તપાસ કરી તો ખબર પડી કે ગાડી શૈલેશ પરમારની છે. આથી અમે તેમનો સંપર્ક કર્યો હતો.

ટ્રાફિક પીઆઈ પી.બી. ખાંભલાનું કહેવું છે, "અકસ્માત સર્જીને ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસાર ભાગી ગયા હતા પણ તેઓ શહેરમાં જ હતા અને પછી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા."

એમનું કહેવું છે, "ઘટના પછી ડ્રાઇવર જાતે સાંજે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને એનું નિવેદન લીધું છે. પ્રાથમિક તપાસમાં એણે નશો કરીને ગાડી ચલાવી હોય એવું બહાર આવ્યું નથી."

ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ભાવસારની પોલીસ સ્ટેશનમાં હાજરી અને નિવેદનની ઘટના અકસ્માત બન્યાને આશરે 20 કલાક પછીની છે.

line

અકસ્માતની જવાબદારી લેનાર ડ્રાઇવરનું શું કહેવું છે?

અકસ્માત સર્જનાર ગાડીનું સીસીટીવી ફૂટેજ

ઇમેજ સ્રોત, Gujarat Police CCTV

ઇમેજ કૅપ્શન, અકસ્માત સર્જનાર ગાડીનું સીસીટીવી ફૂટેજ

અકસ્માત સર્જનાર આરોપી ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસારનું કહેવું છે, "હું મારા ઘરના અંગત કામે નીકળ્યો હતો. મારી ગાડી એક ટૂ વ્હિલર સાથે અથડાઈ હતી."

એમણે એવો પણ દાવો કર્યો કે એમની ગાડીનો કોઈ વાંક ન હતો.

એમણે કહ્યું, "હકીકતમાં અચાનક ટૂ વ્હિલર આવી જતાં આ અકસ્માત થયો હતો. મારી ગાડી ઓવરસ્પિડમાં નહોતી."

ફરાર થવા અંગે તેમણે કહ્યું, "નજીકમાં આવેલી મહેફિલ રેસ્ટોરાં પાસે ઘણા લોકો ઊભા હતા. આથી હું ડરને લીધે ત્યાંથી ભાગી ગયો હતો."

ગાડી ઓવરસ્પિડમાં હતી કે નહીં તે અંગે ટ્રાફિક પીઆઈ પી.બી. ખાંભલાનું કહેવું છે, "અમે અકસ્માતનાં સીસીટીવી અને એફએસએલની મદદ લઈને ઓવરસ્પિડ અંગે પણ સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ."

"અમે અકસ્માતનાં સીસીટીવી ફૂટેજ પણ એફએસએલમાં મોકલી આપ્યાં છે."

આ કેસમાં હાલ પોલીસે દેવેન્દ્ર ભાવસારની ધરપકડ કરી છે અને આગળ તપાસ ચાલી રહી છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો