You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફાસ્ટેગ આજથી દેશભરમાં લાગુ, ટેગ નથી તો મળશે 30 દિવસની રાહત
15 ડિસેમ્બર, 2019 એટલે કે આજે મધરાતથી ભારતના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પર મુસાફરી કરતી વેળા ટોલનાકા પર FASTagનો ઉપયોગ ફરજિયાત બનાવી દેવાયો છે.
જોકે, શરૂઆતમાં 30 દિવસની રાહત આપવામાં આવી છે.
એટલે કે 15 જાન્યુઆરી, 2020 સુધી સમગ્ર દેશના રાષ્ટ્રીય રાજમાર્ગો પર FASTag લેનની સાથે 25 ટકા લેન હાઇબ્રિડ રાખવામાં આવશે.
હાઇબ્રિડ લેનમાં 15 જાન્યુઆરી સુધી FASTag વગરનાં વાહનો પણ ટોલટૅક્સની રકમ રોકડમાં ચૂકવીને પસાર થઈ શકશે.
આ નવી FASTag પ્રણાલી મુજબ રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી પસાર થતા વાહનચાલકોએ ટોલટૅક્સના પૈસા ચૂકવવા માટે લાંબી કતારમાં રાહ જોવાની જરૂર નહીં રહે.
FASTag એક ડિજિટલ સ્ટીકર છે. જે ગાડીઓના કાચ પર લગાડેલું હોવું જોઈએ. તેના માધ્યમથી સરકાર કૅશલેસ ટોલટૅક્સ ચૂકવણીને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી રહી છે.
શનિવારે રાત્રે ટ્રાન્સપૉર્ટ અને હાઇવે મિનિસ્ટ્રી દ્વારા FASTag પ્રણાલી લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.
અગાઉ તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પર માત્ર એક કેશ લેન રાખવાની વાત હતી. તેમજ તેમાંથી પસાર થનાર વાહનોચાલકો પાસેથી બમણો ટોલટૅક્સ લેવાશે એવું કહેવાઈ રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ વર્તમાન પ્રણાલી પ્રમાણે FASTag વગરનાં વાહનો FASTag લેનમાંથી પસાર થશે તો તેમની પાસેથી બમણો ચાર્જ લેવાશે.
ટ્રાન્સપૉર્ટ અને હાઇવે મિનિસ્ટ્રીના નિયમ પ્રમાણે હવેથી પ્રાઇવેટ અને કૉમર્સિયલ તમામ વાહનો માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરવા માટે FASTag હોવું ફરજિયાત બનાવી દેવાયું છે.
FASTag શું છે?
કૅશલેસ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટેનું FASTag એક ડિજિટલ સ્ટિકર છે જે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટૅક્નૉલૉજી એટલે કે આરએફઆઈડી પર આધારિત છે.
હાલમાં ટોલનાકા પર જે વ્યવસ્થા લાગુ છે તેમાં કૅશ અને કૅશલેસ બંને રીતે ટૅક્સ ભરી શકાય છે.
નવી વ્યવસ્થા પ્રમાણે FASTagવાળી ગાડીઓએ ટોલનાકા પર રોકાવાની જરૂર નથી.
ટોલટૅક્સની રકમ જે તે વ્યક્તિના એકાઉન્ટમાંથી પ્રીપેડ એકાઉન્ટ કે લિંક કરાયેલા બૅન્ક એકાઉન્ટથી કાપી લેવાશે.
ટોલનાકા પર લોકોએ હેરાન ન થવું પડે એ માટે સરકારે રાષ્ટ્રીય માર્ગો પર ટોલની બધી લેનને FASTag લેન બનાવાનો નિર્ણય કર્યો છે. આવનજાવનની દરેક લેનને વર્તમાન વ્યવસ્થા અંતર્ગત અલગઅલગ રીતોથી ટૅક્સ મેળવવા માટે હાઇબ્રિડ લેન નામ અપાશે.
FASTagથી સૌથી મોટો ફાયદો એ થશે કે ટોલનાકા પર ભીડ ઓછી થશે. ગાડીઓ રોકાશે નહીં તો મુસાફરો પરેશાન નહીં થાય અને ગાડીઓમાંથી ધુમાડો પણ નહીં નીકળે, આથી પર્યાવરણ પણ પ્રદૂષિત નહીં થાય.
સરકાર પાસે દરેક ગાડીઓનો એક ડિજિટલ રેકર્ડ પણ આપોઆપ થઈ જશે. જેથી જરૂર પડ્યે ગાડીને ટ્રૅક કરવામાં સરળતા રહે.
વાહનચાલકે સાથે કૅશ લઈને નીકળવાની જરૂર પણ નહીં રહે.
તમે મહિનામાં કેટલો ખર્ચ કર્યો છે એ પણ જાણી શકાશે, કેમ કે ડિજિટલ પેમેન્ટની જાણકારી તમને એકાઉન્ટ સ્ટેટમેન્ટના માધ્યમથી મળી રહેશે.
FASTag ક્યાંથી મળશે?
લોકો સરળતાથી FASTag ખરીદી શકે એ માટે ઘણે સ્તરે વ્યવસ્થા કરાઈ છે.
18 નવેમ્બર, 2019 સુધી બૅન્કો, ઇન્ડિયન હાઇવેઝ, મૅનેજમૅન્ટ કંપની અને નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા જેવાં સ્થળોએ તેના વેચાણ માટે 28,500 વેચાણકેન્દ્ર તૈયાર કરાયાં છે.
સાથે જ આરટીઓ ઑફિસ, સહકારી સેવાકેન્દ્ર, પરિવહનકેન્દ્ર અને કેટલાક નક્કી કરાયેલા પેટ્રોલપંપ પર તે મળી રહેશે.
પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 1 ડિસેમ્બર સુધી લોકોને મફતમાં FASTag વિતરણ કરાશે. આ તારીખ સુધી તેના માટે જરૂરી ડિપૉઝિટ રૂપિયા 150 પણ નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા ચૂકવી રહ્યું છે.
કાર, જીપ અને વાન માટે ફાસ્ટૈગ એમેઝોન, પેટીએમ પેમેન્ટ બૅન્ક, સ્ટેટ બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એક્સિસ બૅન્ક, એચડીએફસી બૅન્ક, આઈડીએફસી ફર્સ્ટ બૅન્કની વેબસાઇટ પર ઑનલાઇન પણ ખરીદી શકો છો.
તમારી આસપાસ ફાસ્ટૈગ ક્યાં મળશે એ માટે તમે અહીં ક્લિક કરી શકો છો.
ફાસ્ટૈગ માટે નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ની વેબસાઇટ પર જઈ શકો છે. બૅન્કોની સૂચિ માટે અહીં ક્લિક કરો.
નજીકના ફાસ્ટૈગ વેચાણકેન્દ્ર વિશે જાણવા માટે તમે ઍન્ડ્રોઇડ ફોન પર My FASTag App ડાઉનલોડ કરી શકો છો.
તેના માટે એક વેબસાઇટ બનાવવામાં આવી છે, જ્યાં તમે એપ્લાય કરી શકો છો. વેબસાઇટ પર ક્લિક કરતાં તમારી સામે એ બધી બૅન્કોનાં નામ આવી જશે જે આ સ્કીમ સાથે જોડાયેલી છે. અહીં તમે ફાસ્ટૈગને રિચાર્જ પણ કરી શકો છો.
વધુ જાણકારી માટે રાષ્ટ્રીય રાજમાર્ગ હેલ્પલાઇન નંબર 1033 પર ફોન પણ કરી શકો છો.
જેવી રીતે તમે તમારું મેટ્રોકાર્ડ કે કોઈ ગિફ્ટકાર્ડ રિચાર્જ કરો છો એ રીતે ફાસ્ટૈગ રિચાર્જ કરી શકાય છે.
નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા કે પછી My FASTag Appના માધ્યમથી યૂપીઆઈ રિચાર્જની સુવિધા વિકસિત કરાઈ છે. ફાસ્ટૈગને નેટબૅન્કિંગ, ક્રૅડિટ કે ડેબિટકાર્ડથી પણ રિચાર્જ કરી શકાય છે.
તમે ફાસ્ટૈગમાં 100 રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનું રિચાર્જ કરાવી શકો છો.
ફાસ્ટેગ નહીં લગાવ્યું તો...
સરકારની સૂચના પ્રમાણે ફાસ્ટૈગ વિના કોઈ પણ ગાડી ટોલનાકામાં પ્રવેશ કરશે તો એ ગાડીના નક્કી કરાયેલા ટૅક્સથી બમણો ટૅક્સ ભરવો પડશે.
ફાસ્ટેગ માટે તમારે ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે આરસી, ગાડીના માલિકનો પાસપૉર્ટ સાઇઝનો ફોટો અને ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડશે. સાથે સરનામાના પ્રૂફ તરીકે તમારી પાસે આધારકાર્ડ, પાનકાર્ડ કે પછી મતદાનકાર્ડ હોવું જરૂરી છે.
જો તમારી પાસે બે ગાડી હોય તો તમારે બંને માટે અલગઅલગ ફાસ્ટેગ જોઈશે.
એક ફાસ્ટેગની અવધિ પાંચ વર્ષ સુધી રહેશે.
જો તમે ટોલનાકાથી 10 કિલોમિટરની અંદર રહેતા હોવ તો તમને છૂટ મળશે, જે કૅશબેકના રૂપે તમારા ખાતામાં આવી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો