કાશ્મીરમાં 'સ્થિતિ સામાન્ય' થઈ હોવાના અમિત શાહના દાવાનું સત્ય

ઇમેજ સ્રોત, Getty Images
ગૃહપ્રધાન અમિત શાહે 20 નવેમ્બરે રાજ્યસભામાં એવો દાવો કર્યો કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.
જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ખતમ થયો તે પછી પ્રથમવાર અમિત શાહે આ રીતે રાજ્યસભામાં સત્તાવાર રીતે તેની સ્થિતિ વિશે નિવેદન આપ્યું હતું.
છેલ્લાં ઘણાં વર્ષોથી જમ્મુ અને કાશ્મીરમાં રિપોર્ટિંગ કરતા બીબીસીના સંવાદદાતા રિયાઝ મસરૂરે આ દાવામાં કેટલું તથ્ય છે તે જાણવાની કોશિશ કરી.

શું સ્થિતિ થાળે પડી છે?

ઇમેજ સ્રોત, ANI
અમિત શાહે દાવો કર્યો કે "ત્યાં સ્થિતિ સામાન્ય જ છે. તેના વિશે ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. હું સ્થિતિ પૂરી રીતે સામાન્ય છે તે વિશે જણાવવા માગું છું."
પાંચ ઑગસ્ટ પછી હૉસ્પિટલથી લઈને શાળાઓ સુધીની સ્થિતિ અને અશાંત સ્થિતિ વિશે રિપોર્ટિંગ કરનારા રિયાઝ કહે છે કે થોડા દિવસ પહેલાં બરફવર્ષા થઈ ત્યાર પછી કાશ્મીર ખીણમાં સ્થિતિ થાળે પડતી લાગતી હતી.
અમિત શાહે ગૃહમાં નિવેદન આપી રહ્યા હતા, ત્યારે રિયાઝ મસરૂર શ્રીનગરના લાલ ચોકમાં હાજર હતા.

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરના લોકો પર આ ભાષણની શી અસર થઈ તે વિશે રિયાઝ કહે છે, "થોડા દિવસ પહેલાં અહીં બિનસત્તાવાર રીતે હડતાલ ચાલી રહી હતી."
"11 વાગ્યા સુધી દુકાનો ખૂલી રહેતી હતી અને પછી બંધ થઈ જતી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પરંતુ બરફવર્ષા પછી ખીણમાં સ્થિતિ ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહી હતી. લોકો દુકાનો પણ ખોલવા લાગ્યા હતા."
"પરંતુ અમિત શાહના ભાષણ પછી એક કલાક બાદ લાલ ચોકની દુકાનો બંધ થઈ ગઈ."
"તે પછી ડાઉન ટાઉન શ્રીનગરમાં પણ દુકાનો બંધ થઈ ગઈ. કેટલાક છોકરાઓએ દુકાનો પર પથ્થરમારો પણ કર્યો."

શું પથ્થરમારાની ઘટનાઓ ઓછી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
અમિત શાહે દાવો કર્યો, "195 પોલીસ સ્ટેશનમાંથી સીઆરપીસી (ક્રિમિનલ પ્રોસિજર કોડ) 144 હઠાવી લેવામાં આવી છે. પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો થયો છે."
રિયાઝ મસરૂર કહે છે, "આ વાત સાચી છે. કાશ્મીરમાં પહેલાં આવી સ્થિતિમાં પથ્થરમારો થતો હતો તેવી ઘટનાઓ હવે ઓછી થઈ છે."
"સ્થાનિક લોકો કહે છે કે તેની પાછળનું કારણ એ છે કે પાંચ ઑગસ્ટ પછી સાડા છ હજાર લોકોની ધરપકડ થઈ છે. જોકે તેમાંથી 5000 લોકોને છોડી મૂકવામાં આવ્યા છે."
"અહીં પથ્થરમારાની ઘટના એક જ વાર જોવા મળી. યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિમંડળ અહીં પ્રવાસે આવ્યું, ત્યારે પથ્થરમારો થયો હતો."
"એક જ દિવસમાં 60 જેટલી જગ્યાએ પથ્થરમારો થયો હતો."

શું પોલીસની ગોળીથી કોઈનો જીવ નથી ગયો?

ઇમેજ સ્રોત, Getty Images
અમિત શાહે દાવો કર્યો કે પાંચ ઑગસ્ટ પછી પોલીસ ગોળીબારમાં કોઈનું પણ મૃત્યુ થયું નથી.
રિયાઝ મસરૂર કહે છે, "એ વાત સાચી કે પાંચમી ઑગસ્ટ પછી પોલીસ ગોળીબારમાં કોઈનું મોત થયું નથી."
"6 ઑગસ્ટે પ્રદર્શન કરી રહેલા છોકરાઓની પાછળ પોલીસ પડી હતી. તેમાંથી ચાર-પાંચ છોકરાઓએ પાણીમાં છલાંગ લગાવી દીધી હતી."
"તેના કારણે ડૂબી જવાથી એકનું મોત થયું હતું."
"બીજી બાજુ, સૌરા વિસ્તારમાં અન્ય એકનું મોત થયું હતું. અસરાર ખાન નામના યુવકનું ટિયરગેસ શેલ લાગવાથી મોત થયું હતું."
"અન્ય એક વૃદ્ધનું મોત ટિયરગેસના ધુમાડામાં ગૂંગળાઈ જવાથી થયું હતું. એ રીતે જુઓ તો ગોળીબારમાં કોઈનું મોત ન થયાની અમિત શાહની વાત સાચી છે."

શું વેપાર બરાબર ચાલી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમિત શાહે કાશ્મીરમાં પરિસ્થિતિ રાબેતા મુજબની થઈ ગઈ હોવાનો દાવો કર્યો છે.
તેમણે કહ્યું કે વેપાર પણ બરાબર ચાલી રહ્યો છે. બાળકો શાળાએ જાય છે અને હૉસ્પિટલો બરાબર ચાલી રહી છે.
છેલ્લા દોઢ મહિના દરમિયાન કાશ્મીરના જુદા-જુદા વિસ્તારની હૉસ્પિટલોની મુલાકાત લેનારા રિયાઝ કહે છે :
"આ સરકારી આંકડા છે પણ તેને વાસ્તવિક સ્થિતિ સાથે સરખાવામાં આવે તો જૂદું જ ચિત્ર સામે આવે છે."
ફળોના વેપારીઓ વિશે રિયાઝ કહે છે, "સફરજનની વાડી ધરાવનારા ખેડૂતોએ 27 સપ્ટેમ્બર સુધી સફરજન ઉતાર્યાં જ નહોતાં."
"બાદમાં સરકારે કહ્યું કે નાફેડ સફરજનની ખરીદી કરશે. આ એક સારું પગલું હતું, કેમ કે ખેડૂતોને ઘરેબેઠા જ પાક વેચવાની તક મળવાની હતી."
"આ યોજના હેઠળ પહેલાં 51 રૂપિયા અને બાદમાં 64 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જોકે ખેડૂતોને આટલી કિંમત ઓછી લાગી હતી."
"બાદમાં ફળોના વેપારીઓ માલ લેવા આવતા હતા, ત્યારે તેમની સુરક્ષાનો સવાલ ઊભો થયો હતો. કેમ કે, શંકાસ્પદ હુમલાખોરોએ કેટલાકની હત્યા કરી હતી."
"તેના કારણે 20 હજાર જેટલા બૉક્સ બહાર મોકલી શકાય નહીં. તેનું વેચાણ સ્થાનિક ધોરણે જ કરવું પડ્યું."
"આ રીતે તમે સમગ્ર રીતે સ્થિતિને જુઓ અને કડીઓને એક બીજા સાથે જોડો, ત્યારે ખ્યાલ આવે છે કે સ્થિતિ રાબેતા મુજબની થઈ નથી."
"આવી હાલતમાં સરકાર એવું કહેતી હોય કે સ્થિતિ થાળે પડી ગઈ છે, ત્યારે તે બાબતે સરકાર અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












