RTI : સુપ્રીમ કોર્ટ પણ માહિતી અધિકારના દાયરામાં, ચીફ જસ્ટિસ ગણાશે પબ્લિક ઑથોરિટી

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની ઑફિસને પણ માહિતી અધિકાર(RTI)ના દાયરામાં રાખી છે.

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની ઑફિસ પણ માહિતી અધિકાર હેઠળ સમાવિષ્ટ છે તેવો દિલ્હી હાઈકોર્ટે આપેલો ચુકાદો આજે સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પારદર્શિતાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા ઓછી નથી થઈ જતી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બૅન્ચે આ અંગે નિર્ણય આપ્યો છે.

આ બૅન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એન. વી. રમણ, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ હતા.

અદાલતે એવું પણ કહ્યું કે અંગતતા અને ગોપનીયતાનો અધિકાર પણ એક મહત્ત્વની બાબત છે અને ચીફ જસ્ટિસની કચેરીમાં માહિતી આપતી વખતે આ સંતુલન જળવાય એ જરૂરી છે.

line

સુપ્રીમ કોર્ટમાં કેસ કેવી રીતે આવ્યો

ચીફ જસ્ટિસ ગોગોઈ

ઇમેજ સ્રોત, Pti

માહિતી અધિકાર કાર્યકર્તા સુભાષચંદ્ર અગ્રવાલે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને માહિતી અધિકાર હેઠળ લાવવા માટે પિટિશન કરી હતી.

એ કેસમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની ઑફિસ પણ માહિતી અધિકારના દાયરામાં આવે છે એવો ચુકાદો 2010માં દિલ્હી હાઈકોર્ટે આપ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની ઑફિસ એટલે કે સુપ્રીમ કોર્ટને માહિતી અધિકાર કાનૂનની ધારા 2(એચ) મુજબ પબ્લિક ઑથૉરિટી ગણી હતી.

દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટના મહાસચિવે જાન્યુઆરી 2010માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

પાંચ જજોની બંધારણીય બૅન્ચે 4 એપ્રિલે આ કેસમાં નિર્ણય અનામત રાખ્યો હતો.

line

અદાલતમાં શું કહેવાયું?

આરટીઆઈ

ઇમેજ સ્રોત, RTI.gov.in

સુભાષચંદ્ર અગ્રવાલ વતી કેસ લડનાર વકીલ પ્રશાંત ભૂષણે સર્વોચ્ચ અદાલતમાં કહ્યું કે યોગ્ય લોકોની નિયુક્તિ માટે માહિતી જાહેર કરવી તે સૌથી વાજબી રસ્તો છે.

પ્રશાંત ભૂષણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ અને બદલીની પ્રક્રિયા રહસ્યમય હોય છે. આના વિશે મુઠ્ઠીભર લોકોને જ જાણકારી હોય છે.

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના અનેક નિર્ણયોમાં પારદર્શિતા પર ભાર મૂક્યો છે પંરતુ જ્યારે પોતાને ત્યાં પારદર્શિતાની વાત આવે છે ત્યારે સર્વોચ્ચ અદાલતનું વલણ સકારાત્મક નથી હોતું.

પ્રશાંત ભૂષણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિથી લઈને બદલી સુધી અનેક બાબતો એવી છે જેમાં પારદર્શિતાની સખત જરૂર છે અને તેને લીધે ચીફ જસ્ટિસની ઑફિસ માહિતી અધિકાર હેઠળ આવવી જોઈએ.

line

શું છે આખો કેસ?

માહિતી અધિકાર કાર્યકર્તા, મજદૂર-કિસાન શક્તિ સંગઠન રાજસ્થાનના સંસ્થાપક અને જન અધિકાર આંદોલનના સહ-સંયોજક નિખિલ ડેએ આ આખા કેસની જાણકારી આપતા કહ્યું કે આરટીઆઈ હેઠળ પૂછવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજોએ પોતાની અંગત સંપત્તિની માહિતી સુપ્રીમ કોર્ટને આપી છે કે નહીં.

તેઓ કહે છે કે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રારે આ જાણકારી આપવાની મનાઈ કરી દીધી. માહિતી પંચે કહ્યું કે આ પબ્લિક ઑફિસ છે અને તમારે જાણકારી આપવી જોઈએ.

અપીલમાં આ કેસ હાઈકોર્ટમાં ગયો. વિટંબણા એ કે સુપ્રીમ કોર્ટ પોતાની અપીલમાં હાઈકોર્ટમાં ગઈ હતી.

પહેલાં હાઈકોર્ટની એક બૅન્ચે અને પછી પૂર્ણપીઠે ચુકાદો આપ્યો કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઑફિસ માહિતી અધિકાર હેઠળ આવશે અને આ માહિતીઓ આપવી પડશે અને સંપત્તિની ઘોષણા પણ કરવી પડશે.

આ પછી સુપ્રીમ કોર્ટ પોતે પોતાની પાસે અપીલમાં ગઈ. જ્યાં હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકાયો અને કેસની સુનાવણી થઈ, જેનો આજે નિર્ણય આવ્યો છે.

line

શું છે માહિતીનો અધિકાર અને કોણ છે બાકાત?

આરટીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

સૌ પ્રથમ માહિતી અધિકાર કાયદો સ્વીડનમાં 1766માં લાગુ કરવામાં આવ્યો હતો. ફ્રાંસે 1978માં તો કેનેડાએ 1982માં એ કાનૂન પોતાના દેશમાં લાગુ કર્યો.

ભારતમાં આ કાયદો 2005માં UPAની સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો.

સ્વીડનમાં આ કાયદા હેઠળ માહિતી નિઃશુલ્ક અને તાત્કાલિક આપવાની જોગવાઈ છે, જ્યારે ભારતમાં આરટીઆઈ હેઠળ આવેદન કર્યા પછી જવાબ આપવા માટે એક મહિનાનનો સમય નિયત કરાયો છે.

જોકે, આઝાદી અને જીવનના મામલે મહત્ત્વની હોય તેવી માહિતી 48 કલાકમાં આપવાની થાય છે.

જો માહિતી અધિકાર હેઠળ માહિતી ન આપવામાં આવે કે મળેલી માહિતીથી સંતોષ ન હોય તો 30 દિવસમાં એ જ ઑફિસમાં પ્રથમ અપીલ અધિકારી સમક્ષ ફરિયાદ થઈ શકે છે.

એ પછી પણ જો માહિતી ન મળે કે સંતોષ ન થાય તો 90 દિવસની અંદર રાજ્ય કે કેન્દ્રીય માહિતી પંચમાં અપીલ કે ફરિયાદ થઈ શકે છે.

નિયમ મુજબ આવી અપીલનો નિકાલ માહિતીપંચે 45 દિવસમાં કરવાનો હોય છે.

માહિતી અધિકાર કાયદામાં કેટલાક અપવાદોનો ઉલ્લેખ છે. એ અપવાદો સિવાય માહિતી અધિકાર તમામ પર લાગુ પડે છે.

કાયદામાં અપવાદો ધારા 8 મુજબ નિર્ધારિત કરાયા છે. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા, જેનાથી કોઈ અપરાધના કેસની તપાસને અસર પહોંચી શકે એમ હોય એવી નિજી માહિતી વગેરે અપવાદ છે.

નિખિલ ડે કહે છે કે ભારતીય કાનૂનની ધારા 24 મુજબ કેટલીક ઇન્ટેલિજન્સ એજન્સી, સુરક્ષા સંસ્થાઓને છોડીને એમ પણ કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર અને માનવઅધિકાર મામલે જાણકારી આપવી પડશે.

તેઓ કહે છે માહિતી અધિકારનો કાયદો ખૂબ વ્યાપક છે ત્યારે સુપ્રીમ કોર્ટની કોઈ ઑફિસ કે સુપ્રીમ કોર્ટ આમાંથી બાકાત રહે એ સવાલ જ ઊભો નથી થતો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો