મહારાષ્ટ્રમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાદવાની નોબત કેમ આવી?

શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થઈ શક્યું નહીં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થઈ શક્યું નહીં
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાને ત્રણ અઠવાડિયાં જેટલો સમય થઈ ગયો છે. જોકે, રાજ્યમાં હજી કોઈની સરકાર બની શકી નથી.

મહારાષ્ટ્રમાં પરિણામ આવ્યા બાદ જ રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ હતી. સામસામાં નિવેદનો અને સરકાર માટેના દાવપેચ વચ્ચે રાજકારણમાં ચહલપહલ વધી ગઈ હતી.

જોકે, મંગળવારનો દિવસ રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ તરીકે નોંધાઈ ગયો, કારણ કે આ દિવસે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું.

હરિયાણા અને મહારાષ્ટ્ર બંનેની ચૂંટણીનું પરિણામ સાથે આવ્યું હતું, હરિયાણામાં સરકાર બન્યાને ઘણો સમય થઈ ગયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં આ કોકડું ઉકેલાતું જ નથી.

line

મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું

મહારાષ્ટ્રમાં આ પહેલાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં આ પહેલાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે

દેશનાં અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધી કુલ 125 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે.

જ્યારે મહારાષ્ટ્રમાં આ પહેલાં માત્ર બે વાર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. આ ત્રીજી વખત એવું બન્યું છે કે મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવ્યું હોય.

પ્રથમ વખત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન 17 ફેબ્રુઆરી 1980ના દિવસે લગાવવામાં આવ્યું હતું. ત્યારે એકસાથે સાત રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા કરવામાં આવી હતી.

એ સમયે મહારાષ્ટ્રમાં શરદ પવાર મુખ્ય મંત્રી હતા અને તેમની પાસે બહુમતી પણ હતી. પ્રથમ વખત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન 122 દિવસ સુધી લાગેલું હતું.

બીજી વખત 28 સપ્ટેમ્બર 2014ના રોજ રાષ્ટ્રપતિ શાસન લગાવવા આવ્યું હતું. એ સમયે રાજ્યમાં કૉંગ્રેસની સરકાર હતી.

આ સમયે કૉંગ્રેસ પોતાના સહયોગી પક્ષ એનસીપીથી અલગ થઈ ગઈ હતી અને વિધાનસભા ભંગ કરી દીધી હતી. આ સમયે 32 દિવસ સુધી રાષ્ટ્રપતિ શાસન ચાલ્યું હતું.

line

ચૂંટણી બાદ કેમ સરકાર બની શકી નહીં

મહારાષ્ટ્રમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠકો છે પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને એકલા હાથે બહુમતી મળી નથી.

ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળી પરંતુ બંને સાથે મળીને સરકાર બનાવી શક્યા નહીં.

24 ઑક્ટોબરે આવેલા પરિણામમાં ભાજપ-શિવસેનાની બંનેની મળીને 161 બેઠકો થતી હતી જે બહુમતીના આંકડા 145થી વધારે હતી.

કોને કેટલી બેઠકો મળી તેના પર એક નજર

  • ભાજપ 105
  • શિવસેના 56
  • એનસીપી 54
  • કૉંગ્રેસ 44
  • અન્ય પક્ષો 16
  • અપક્ષો 13
line

ભાજપ-શિવસેનાની તાણખેંચે બાજી બગાડી?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી અને બંનેના ગઠબંધનને બહુમતી પણ મળી ગઈ હતી.

જોકે, પરિણામ આવ્યા બાદ ખરેખરો સત્તાનો ખેલ શરૂ થયો, શિવસેનાએ ભાજપને એકલા હાથે બહુમતી ન મળવાને કારણે મુખ્ય મંત્રી પદની માગણી કરી.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી બનશે તો શિવસેનાના જ. બીજી તરફ ભાજપ શિવસેનાને મુખ્ય મંત્રી પદ કોઈ પણ સંજોગોમાં આપવા માટે તૈયાર ન હતો.

શિવસેનાએ એવું કહ્યું કે અમિત શાહ સાથે ચૂંટણી પહેલાં થયેલી વાતચીત મુજબ 50-50ની ફૉર્મ્યૂલાનો અમલ થાય. ભાજપ આ મામલે રાજી થયો નહીં.

મીડિયામાં એવા પણ અહેવાલો આવ્યા હતા કે અઢી-અઢી વર્ષ સુધી બંને પક્ષો મુખ્ય મંત્રી પદ ભોગવે એવી માગ પણ શિવસેના દ્વારા કરાઈ હતી.

આ વચ્ચે રાજ્યપાલે ભાજપને સૌથી મોટો પક્ષ હોવાથી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું. જોકે, ભાજપે પોતાની પાસે બહુમત ના હોવાથી રાજ્યપાલને સરકાર બનાવવાની ના પાડી દીધી.

શિવસેનાએ એવો આરોપ લગાવ્યો કે ભાજપે રાજ્યપાલને ના પાડતા પહેલાં તેની સાથે વાત પણ ના કરી.

line

શરદ પવારનાં સોગઠાંએ શરૂ કર્યો નવો ખેલ

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના પ્રયત્નો છતાં સરકાર બની નહીં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના પ્રયત્નો છતાં સરકાર બની નહીં

શિવસેનાએ ભાજપ સાથે પોતાની માગ પૂરી નહીં થાય તેવું જોતાં અન્ય વિકલ્પો પર વિચારવાનું શરૂ કરી દીધું.

બીજી તરફ 2014માં ભાજપને રાજ્યમાં સરકાર બનાવવામાં શરૂઆતમાં અપ્રત્યક્ષ રીતે મદદ કરનારા એનસીપીના શરદ પવાર સક્રીય થયા.

શિવસેનાએ સરકાર બનાવવી હોય તો એનસીપી અને કૉંગ્રેસના સાથની જરૂર હતી. એનસીપી-કૉંગ્રેસ બંનેએ સાથે મળીને ચૂંટણી લડી હતી.

આ વિરોધી વિચારધારાવાળા પક્ષો સાથે આવશે કે કેમ એ હજી સુધી નક્કી થઈ શક્યું નથી પરંતુ નિવેદનોથી એવી શક્યતા દેખાઈ હતી.

ભાજપે સરકાર બનાવવાની ના પાડ્યા બાદ રાષ્ટ્રપતિએ સોમવારે શિવસેનાને આમંત્રણ આપ્યું, શિવસેનાએ એનસીપી-કૉંગ્રેસનો સાથ માગ્યો.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર શિવસેના એનડીએમાંથી બહાર નીકળી જાય એવી શરતે એનસીપીએ સમર્થન આપવાની હા પાડી.

આ સાથે જ મોદી સરકારની કૅબિનેટમાં રહેલા શિવસેનાના એક માત્ર મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપી દીધું.

સમગ્ર દિવસ એનસીપી, કૉંગ્રેસની બેઠકો ચાલતી રહી પરંતુ રાજ્યપાલે શિવસેનાને સમર્થનની ચીઠ્ઠી મોકલવાના આપેલા સાંજના સાડા સાત વાગ્યા સુધીના સમયમાં કૉંગ્રેસે મગનું નામ મરી ના પાડ્યું અને સરકાર બની નહીં.

શરદ પવાર અને એનસીપીના નેતાઓએ કૉંગ્રેસ સાથે વાત કરવાની જીદ પકડી રાખી.

line

કૉંગ્રેસનો કોઈ નિર્ણય નહીં અને સરકારનું ગઠન નહીં

શિવસેનાને ટેકો આપવા અંગે કૉંગ્રેસ અવઢવમાં રહી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિવસેનાને ટેકો આપવા અંગે કૉંગ્રેસ અવઢવમાં રહી

શિવસેના સાથે જવું કે નહીં અથવા સરકારમાં સામેલ થવું કે બહારથી ટેકો આપવો આ મામલે કૉંગ્રેસ સોમવારે કોઈ નિર્ણય કરી શકી નહીં. જેથી શિવસેના સત્તાથી દૂર રહી ગઈ.

કૉંગ્રેસની અવઢવે શિવસેનાને હાથવેંતમાં રહેલી મુખ્ય મંત્રી પદની ખુરશી સુધી પહોંચવા દીધી નહીં.

જે બાદ રાજ્યમાં ત્રીજી મોટી પાર્ટી ગણાતી એનસીપીને રાજ્યપાલે આમંત્રણ આપ્યું. ફરી બેઠકોનો દોર શરૂ થયો.

એનસીપી સાથે કૉંગ્રેસ તો હતી જ પરંતુ શિવસેના વિના તેમની પણ સરકાર બની શકે એમ ન હતી.

જેથી કૉંગ્રેસ અને એનસીપીના નેતાઓ પોતાના પક્ષની બેઠકોમાં વ્યસ્ત રહ્યા. શરદ યાદવ હૉસ્પિટલમાં દાખલ શિવસેનાના નેતા સંજય રાઉતને મળવા પણ પહોંચ્યા.

અલગ વિચારધારાને કારણે મામલો સરળતાથી ઉકેલાયો નહીં. ઉપરાંત શિવસેના મુખ્ય મંત્રી પદથી ઓછું માગતી ન હોવાથી પણ મામલો ગૂંચવાયો અને સરકાર બની શકી નહીં.

એક પણ પક્ષ સરકાર બનાવી શક્યો નહીં અને અંતે રાષ્ટ્રપતિ શાસન લાદવાની નોબત આવી.

line

હવે મહારાષ્ટ્રમાં શું થશે?

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી

નિયમ મુજબ રાજ્યમાં હવે છ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન ચાલી શકે છે. આ દરમિયાન તમામ પક્ષોને એકબીજા સાથે વાતચીત કરીને ગઠબંધન કરવાની તક મળશે.

આ સમયમાં કોઈ પણ પક્ષ જો રાજ્યપાલ પાસે જઈને પોતાની પાસે બહુમતી હોવાનો દાવો રજૂ કરે તો રાજ્યપાલ તેને સરકાર રચવા આમંત્રણ આપી શકે. આ પક્ષે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડે.

જો આ ગૂંચવાયેલા મામલાનો કોઈ ઉકેલ ના આવે અને કોઈ પક્ષ સરકાર બનાવવા માટે છ મહિનામાં દાવો ના કરે તો રાષ્ટ્રપતિ શાસન લંબાવી પણ શકાય અથવા ફરીથી ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવે.

રાષ્ટ્રપતિ શાસન લંબાવવા માટે કૅબિનેટની મંજૂરી લેવી પડે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો