વાવાઝોડા 'ક્યાર'ની ગુજરાતના આ વિસ્તારોને અસર થશે, ક્યાં પડશે વરસાદ

ઇમેજ સ્રોત, IMD
અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું 'ક્યાર' વાવાઝોડું અતિ ભીષણ તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે.
જેના કારણે દેશના પશ્ચિમ સાગરકિનારા પર વાતાવરણમાં સતત ફેરફારો થઈ રહ્યા છે.
દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.
હાલ આ વાવાઝોડું મુંબઈથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ 540 કિલોમિટર દૂર છે અને તે સતત ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું 13 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
જ્યારે 'ક્યાર' ઓમાનનના સાલાલાહથી લગભગ 1500 કિમી દૂર છે અને તે આવતા 5 દિવસમાં ઓમાન પહોંચે તેવી શક્યતા છે.
હાલ ડાંગ, સુરેન્દ્રનગર, સુરત સહિતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે.

ગુજરાતના આ વિસ્તારોને થશે અસર

ઇમેજ સ્રોત, PTI
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ વાવાઝોડાના કારણે વરસાદ પડવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ક્યાર' વાવાઝોડું ગુજરાત તરફ આવવાનું નથી એટલે તેની સીધી અસર રાજ્યને નહીં થાય.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ વાતાવરણમાં પલટો આવી ગયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે.
ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આકાશમાં વાદળો છવાઈ ગયાં છે.
વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, સુરત વગેરે જિલ્લાઓમાં આજે છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં છુટાછવાયો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જ્યારે આવનારા ત્રણથી ચાર દિવસોમાં પણ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે.
સૌરાષ્ટ્રના દરિયામાં હાલ કરંટ છે અને માછીમારી માટે ગયેલી અનેક બોટ પરત ફરી રહી છે.
દરિયો હવે તોફાની બની રહ્યો છે અનેક જગ્યાએ ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે

ઇમેજ સ્રોત, Imd
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અરબ સાગરમાં જ્યાં વાવાઝોડું છે ત્યાં પ્રતિ કલાક 215થી 225 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેની ગતિ વધીને પ્રતિ કલાક 250થી 290 કિલોમિટર થઈ શકે છે.
જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી આપતાં સિગ્નલો લગાવવામાં આવ્યાં છે.
માછીમારોને દરિયો ન જવાની સૂચના આપી દેવામાં આવી છે, જ્યારે હવામાન વિભાગે પણ કહ્યું છે કે દરિયો તોફાની બનશે.
મહારાષ્ટ્રના રત્નાગીરી અને તેની આસપાસના પ્રદેશમાં પણ આ વાવાઝોડાની અસર થઈ છે.
જોકે, હવે 'ક્યાર' ઓમાન તરફ આગળ વધતું હોવાને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકિનારે તેની અસર ઓછી થઈ જશે.
ઓમાન તરફ વાવાઝોડું આગળ વધતું હોવાને કારણે ગુજરાતના દરિયાકિનારે તેની અસર જોવા મળશે.
જેથી આવનારા ચાર-પાંચ દિવસોમાં ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












