ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ : ભારતમાં બિઝનેસ કરવો સરળ પણ રોકાણ ક્યાં?

    • લેેખક, સુરંજના તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં વેપાર કરવાની વાત આવે મગજમાં કેટલાય વિચારો આવે છે.

ભારતમાં ઉદ્યોગસાહસિકોની લાંબા સમયથી એવી ફરિયાદ રહી છે કે કંપની ઊભી કરવા માટે અમલદારશાહીનો સામનો કરવો પડે છે. મંજૂરી મેળવવામાં વિલંબ, ટૅક્સ અને જમીન મેળવવામાં પડતી મુશ્કેલીઓ અને જરૂરી સામાન મેળવવા માટેના પડકારો વગેરે સામાન્ય બાબત હતી.

જોકે, વિશ્વબૅન્ક તરફથી આ સપ્તાહે જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં વેપાર કરવો હવે પહેલાંની સરખામણીમાં વધુ સરળ થયો છે.

ડુઇંગ 'બિઝનેસ ઇન્ડેક્સ'માં ભારત 14 સ્થાનની છલાંગ સાથે 63મા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે 3 વર્ષ પહેલાં ભારત આ યાદીમાં 130મા ક્રમાંકે હતું.

પરંતુ આ થયું કેવી રીતે?

ગુરુવારે જાહેર થયેલા વિશ્વ બૅન્કના 'ડુઇંગ બિઝનેસ 2020' રિપોર્ટ પ્રમાણે ભારતે આર્થિક મોરચે ઘણા સુધારા કર્યા છે અને આ કારણે ભારત સતત સુધારો કરનારા વિશ્વના ટૉપ-10 દેશોમાં સામેલ થઈ ગયું છે.

તેમાં ઇનસૉલ્વેન્સી અને બૅન્કરપ્સી સુધારા, કન્સ્ટ્રક્શન પરમિટ, ટૅક્સને લગતા સુધારા અને સરહદ પારના વેપાર સાથે જોડાયેલી પ્રક્રિયાઓમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનનો પણ ઉલ્લેખ છે. જેનો હેતુ દેશમાં પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે મૅન્યુફૅક્ચરિંગમાં વિદેશી રોકાણને આકર્ષવાનો છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે "ભારતના અર્થતંત્રના આકારને જોતાં આ સુધારા સરહાનીય છે."

વેપારીઓ આ વાત સાથે સમત છે?

રિચા બજાજે આ વર્ષે જૂનમાં પોતાનું ફૅશન સ્ટાર્ટ-અપ 'પૅન્ટ ઍન્ડ પજામા' શરૂ કર્યું હતું.

બજાજે બીબીસીને જણાવ્યું કે, "દરેક કારોબાર માટે જીએસટી રજિસ્ટ્રેશન અનિવાર્ય છે અને હવે તે ખૂબ જ સરળ બની ગયું છે. સરકારી વેબસાઇટમાં તેની પ્રક્રિયા સરળતાથી થઈ જાય છે."

તેઓ જણાવે છે, "આ સાથે ટ્રાવેલિંગ અત્યંત સરળ અને સસ્તું થઈ ગયું છે, આવું પહેલાં નહોતું. આ કારણે હું મારો કારોબાર ભારતનાં અન્ય રાજ્યોમાં સરળતાથી કરી શકું છું."

ટ્રાવેલ સ્ટાર્ટ-અપ કરનાર વરુણ આહુજા જણાવે છે કે રજિસ્ટ્રેશન અને ડિજિટલાઇઝેશનના સરકારના પ્રયત્નોથી કારોબાર માટેના વાતાવરણમાં સુધારો થયો છે.

બજાજ અને આહુજા બંનેના બિઝનેસ મુંબઈમાં છે. મુંબઈ ભારતનાં એ બે શહેરો પૈકીનું એક છે, જ્યાં ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ માટે સર્વે કરાયો હતો. બીજું શહેર દિલ્હી હતું.

દિલ્હી-મુંબઈની બહારની સ્થિતિમાં પણ સુધારો થયો?

પુલકિત કૌશિક હરિયાણામાં દવાનો વ્યવસાય કરે છે અને તેમણે પોતાનું કામ આ વર્ષે એપ્રિલ મહિનામાં જ શરૂ કર્યું હતું.

કૌશિકે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "વીજળીનું કનેક્શન મેળવવું, જમીન ખરીદવી કે પ્રદૂષણ અંગેના પ્રમાણપત્રો મેળવવા, એ બધાં કામો ઑનલાઇન થઈ જાય છે. આ સિવાય દવાની મંજૂરી માટેનો પત્ર મેળવવો અથવા નવું લાઇસન્સ માટે પણ ઑનલાઇન ફૉલોઅપ કરી શકાય છે, આનો અર્થ એ થાય છે કે મારે આ તમામ કામો માટે સરકારી ઑફિસોના ધક્કા ખાવાની જરૂર નથી."

શશાંક દીક્ષિત એક ક્લાઉડ બૅઝ્ડ સૉફ્ટવેર સર્વિસ, ડૅસકારાના સીઈઓ છે. તેમની ઑફિસ પુણેમાં છે.

દીક્ષિત જણાવે છે કે, "ભારત સરકારનાં ઘણાં પગલાં, જેમ કે બિલ્ડિંગ પરમીટ લેવાની પ્રક્રિયાનું સરળીકરણ, જરૂરી કાગળો ઇન્ટરનેટ મારફતે જમા કરાવવાની સુવિધાથી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં સુધારો કરવા અને ભારતનો જીડીપી વૃદ્ધિદર વધારવામાં મદદ મળશે."

હવે શી મુશ્કેલીઓ છે?

બજાજ જણાવે છે, "સૌથી મુશ્કેલ અને નિરર્થક વસ્તુ એ છે કે દરેક રાજ્યમાં જીએસટી માટેની પ્રક્રિયા અલગ-અલગ છે. તેથી મારો ખર્ચ વધી જાય છે. તેમજ એક નવા કારોબાર માટે ટૅક્સનો દર ખૂબ જ વધારે હોય છે."

તેમણે જણાવ્યું, "નવો બિઝનેસ શરૂ કરવામાં બીજા ઘણા ખર્ચા થતા હોય છે, તેથી જો સરકાર નવા કારોબારીઓ માટે ટૅક્સમાં ઘટાડો કરે કે જીએસટી, વીજળીના બિલમાં થોડી રાહત આપી દે તો મને લાગે છે કે આવાં પગલાંથી ઘણી મદદ મળી શકશે."

આહુજા જણાવે છે કે કયા કાગળોની જરૂરિયાત હોય છે અને તેને કઈ રીતે પ્રૉસેસ કરવાના છે એ વિશે કોઈ રોડમૅપ નથી.

તેમને લાગે છે કે સરકારે હજુ વધારે માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ, જેથી કારોબારીને વેઠવી પડતી મુશ્કેલીઓને નિવારી શકાય.

પુલકિત કૌશિક પ્રમાણે સરકારી ટૅન્ડરો માટેની અરજીપ્રક્રિયા પણ ખૂબ જ ધીમી હતી અને તેમને પોતાના આવેદનનું સ્ટેટસ જાણવા માટે ઘણાં સરકારી કાર્યાલયોના ધક્કા ખાવા પડ્યા.

તેમના જણાવ્યા અનુસાર તેમની અરજી મંજૂર થયા બાદ બધું ખૂબ જ ઝડપથી થવા લાગ્યું.

મૅસેજિંગ ઍપ ફ્લૉક અને સૉફ્ટવેર કંપની ઝૅટાના સીએફઓ તુરખિયાએ બીબીસીને જણાવ્યું, "દેશના ઘણા ભાગોમાં કારોબાર કરવા માટે વીજળી, પાણી અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામો કરવો પડે છે."

સરકાર શું કહે છે?

ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસની યાદીમાં ભારતનું સ્થાન સુધારવું એ નરેન્દ્ર મોદીની સરકારનો મુખ્ય હેતુ હતો.

ભારત સરકાર વર્ષ 2020 સુધી ટૉપ 50 અર્થતંત્રોમાં સામેલ થવા ઇચ્છે છે અને એ શક્ય બનાવવા માટે કારોબાર સાથે જોડાયેલા ઘણાં ક્ષેત્રોમાં કામ કરાયું છે.

સરકારે આ વર્ષે ભારતના રૅન્કિંગમાં થયેલા સુધારાનું સ્વાગત કર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલે આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2024-25 સુધી ભારત આ ઇન્ડેક્સમાં ટોચના 25 દેશોમાં સામેલ થઈ જશે.

ગોયલે માન્યું કે આર્થિક સુસ્તીના કારણે કારોબારો પર અસર પડી રહી છે, પરંતુ ટૂંક સમયમાં જ આ પરિસ્થિતિ સુધરી જશે અને માગ અને રોકાણમાં વધારો થશે.

પરંતુ જો ભારતમાં આટલી સરળતાથી કારોબાર શરૂ કરી શકાતો હોય તો રોકાણ કેમ નથી આવી રહ્યું?

મેહુલ તુરખિયા આ વિશે જણાવે છે કે કારોબાર શરૂ કરવા અને તેને ચલાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે વધુ સુધારા થાય એ જરૂરી છે.

તુરખિયા આગળ વાત કરતા જણાવે છે, "વિદેશી રોકાણ ત્યારે જ વધે છે જ્યારે સ્થિરતા હોય અને કાયદાનો કડક અમલ થતો હોય. કારોબારને શરૂ કરવા, ચલાવવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને ટૅક્સનું માળખું સારું હોય એ પણ જરૂરી છે. ભારત સરકારે આ તમામ માપદંડો પર પોતાની જાતને પુરવાર કરવી પડશે."

વિદેશી રોકાણને આકર્ષવા માટે જ નહીં, પરંતુ નોકરીઓ સર્જવા માટે અને લોકોની ઉત્પાદનશક્તિમાં વધારો કરીને આર્થિક સુસ્તીને દૂર કરવા માટે પણ આ જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો