You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં કમલેશ તિવારીની હત્યાનું કાવતરું ઘડાયું, હિંદુ સમાજ પાર્ટીના નેતાની ધોળા દિવસે હત્યા
ઉત્તરપ્રદેશના લખનૌમાં ધોળે દહાડે હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે.
આ મામલે ગુજરાત એટીએસે સુરત શહેરમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાતમાં પૂછપરછ ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશ પોલીસના ડીજીપીના કહેવા પ્રમાણે આ હત્યામાં કુલ છ લોકો સામેલ હતા.
હત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓની ઉત્તરપ્રદેશ પોલીસ હજી શોધખોળ કરી રહી છે અને તેના અંગે માહિતી એકઠી કરી રહી છે.
લખનૌમાં કમલેશ તિવારીનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.
મીડિયાના અહેવાલો મુજબ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
સુરતમાં ઘડાયું હત્યાનું કાવતરું
ઉત્તરપ્રદેશ પોલીસના કહેવા પ્રમાણે કમલેશ તિવારીની હત્યામાં ગુજરાત એટલે કે સુરત કનેક્શન સામે આવ્યું છે.
યુપીના ડીજીપી ઓ. પી. સિંહે આ મામલે પત્રકાર પરિષદમાં કહ્યું કે હત્યાના તાર ગુજરાત સુધી જોડાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હત્યામાં કમલેશ તિવારીને ત્યાંથી મીઠાઈનો ડબ્બો મળ્યો, જેના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
ઓ. પી. સિંહે કહ્યું, "ખાસ પ્રકારનો પોશાક પહેરીને હત્યારાઓ આવ્યા હતા અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો."
"જે બાદ અમને લાગ્યું કે હત્યાના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે. અમે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો અને તપાસ માટે ટીમ બનાવી."
"જે બાદ સુરતમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી, આ ત્રણ લોકો હત્યામાં સામેલ હતા."
ઓ. પી. સિંહના કહેવા પ્રમાણે સુરતમાંથી રાશિદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ડીજીપીએ કહ્યું, "24 વર્ષના મોલાના મોહસિન શેખ સુરતમાં એક સાડીની દુકાનમાં કામ કરે છે."
"ફૈઝાન શૂઝની દુકાનમાં કામ કરે છે અને તેની ઉંમર 21 વર્ષની છે. જ્યારે 23 વર્ષના રાશિદ પઠાણ દરજી છે અને તેમને કમ્યુટરનું જ્ઞાન છે."
પોલીસના કહેવા પ્રમાણે રાશિદ પઠાણે હત્યાનો સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો.
શા માટે કરવામાં આવી હત્યા?
આ હત્યા મામલે ઉત્તરપ્રદેશ પોલીસ ગુજરાત સહિત લખનૌ અને બિજનૌરમાં પણ તપાસ કરી રહી છે.
ઓ. પી. સિંહે કહ્યું કે આ સિવાય સુરતમાંથી બીજી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક હતા રાશિદનો ભાઈ અને બીજા ગૌરવ તિવારી.
સિંહે કહ્યું, "આ બંનેને હાલ છોડી મૂકવામાં આવ્યા છે પરંતુ તેમના પર નજર રાખવામાં આવી રહી છે."
"ગૌરવ તિવારી નામના શખ્સે સુરતમાંથી કમલેશ તિવારીને થોડા સમય પહેલાં કૉલ કર્યો હતો અને તેમના પક્ષમાં સામેલ થવાની ઇચ્છા જાહેર કરી હતી."
"ગૌરવે કમલેશ તિવારીને કહ્યું હતું કે તેઓ સુરતમાં તેમના પક્ષની કામગીરી શરૂ કરવા માગે છે. જોકે, આ મામલે વધારે જાણકારી હજી મળી નથી."
ઉત્તરપ્રદેશ પોલીસનું કહેવું છે કે કમલેશ તિવારીએ વર્ષ 2015માં આપેલું એક ભડકાઉ ભાષણ તેની હત્યાનું કારણ બન્યું છે.
પોલીસના કહેવા મુજબ એ ભાષણને કારણે આ લોકો ઉશ્કેરાયા હતા અને તેની હત્યા કરી નાખી.
કેવી રીતે થઈ હત્યા?
ઉત્તરપ્રદેશ પોલીસનું કહેવું છે કે તેમણે આ કેસ માત્ર 24 કલાકમાં ઉકેલી નાખ્યો છે અને હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે.
જે જગ્યાએ હત્યા થઈ એ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌનો ભીડભાડવાળો વિસ્તાર છે.
એનડીટીવીના અહેવાલ મુજબ કમલેશ તિવારી નાકા હિંડોલામાં આવેલા ખુર્શિદાબાગ સ્થિત તેમના ઘરમાં લોહીલોહાણ હાલતમાં મળી આવ્યા હતા.
હત્યારાઓ મીઠાઈના ડબ્બામાં ચાકુ લઈને આવ્યા હતા. તેઓ કમલેશ તિવારીને મળ્યા અને ત્યારબાદ હત્યારાઓએ તેમના પર ગોળી ચલાવી અને ચાકુથી તેમનું ગળું કાપી નાખ્યું હતું.
કમલેશ તિવારી આ પહેલાં હિંદુ મહાસભા સાથે પણ જોડાયેલા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો