ગુજરાત એટીએસની મહિલા ટીમની વાઇરલ થયેલી તસવીરની કહાણી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સૌરાષ્ટ્રમાં ચાર હત્યા અને અન્ય કેસના આરોપી જુસબ અલ્લારખાંને ઝડપનારી ગુજરાતની એટીએસની મહિલા ટીમની તસવીર વાઇરલ થઈ રહી છે.

જુસબ છેલ્લા કેટલાય સમયથી પોલીસની પકડથી દૂર હતો. એટીએસની ટીમે એક સફળ અભિયાન અંતર્ગત તેને ઝડપી પાડ્યા હોવાનું એટીએસના વડા હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

શુક્લાના જણાવ્યા અનુસાર 'આ એક મહિલા ટીમના વડપણ હેઠળ પાર પડાયેલું અભિયાન હતું. જેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.'

આ અભિયાનમાં ચાર મહિલા પીએસઆઈ સંતોક ઓડેદરા, નીતમિકા ગોહિલ, શકુંતલા મલ તથા અરુણા ગામિતે સામેલ હતાં.

કેટલું મુશ્કેલ હતું અભિયાન?

ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "જુસબ જંગલમાં રહેતો હતો. મોબાઇલ કે અન્ય કોઈ ગૅજેટનો ઉપયોગ કરતો નહોતો. જંગલમાં પણ એ ઘોડી અને મોટરસાઇકલ જ વાપરતો હતો"

"વળી તેના રહેઠાણનું પણ ખાસ નક્કી નહોતું રહેતું. એ ગમે ત્યાં ઊંઘી જતો અને ગમે ત્યાં ચાલ્યો જતો. એટલે એને ઝડપી લેવો એક મોટો પડકાર હતો."

આ અભિયાનને પાર પાડનારી ટીમમાં સામેલ પીએસઆઈ સંતોક ઓડેદરાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું:

"જુસબને ત્રણ મહિનાથી અમે ટ્રૅસ કરી રહ્યાં હતાં અને એમાં જ અમને જાણવા મળ્યું કે તે બોટાદ જિલ્લાના જંગલમાં છુપાયો છે."

એક વખત આરોપીનું પગેરું શોધ્યા બાદ એટીએસની ટીમ અમદાવાદથી અગિયારેક વાગ્યે રવાના થઈ.

લોકેશન જે જંગલમાં ટ્રૅસ થયું હતું, ત્યાં પહોંચતા સુધીમાં મળસકું થઈ ગયું હતું. જોકે, આરોપીનું ઠેકાણું અહીંથી દૂર હતું અને ત્યાં પહોંચવા માટે ટીમને બીજો એકાદ કલાક લાગવાનો હતો.

આ અંગે વાત કરતાં પીએસઆઈ નીતમિકા જણાવે છે, "જુસબ અંતરિયાળ વિસ્તારમાં રહેવા માટે કુખ્યાત હતો. એની ભાળ મેળવવી બહુ મુશ્કેલ હતી."

"જંગલમાં પણ જુસબ સુધી પહોંચવા માટે અમારે દોઢેક કલાક ચાલવું પડ્યું હતું. એમાં પણ જો જુસબને થોડો પણ અણસાર આવે તો એ હુમલો કરી દે એમ હતો."

જોકે, આખરે ટીમ જુસબ સુધી પહોંચી જ ગઈ. જુસબ એ વખતે ખાટલા પર સૂતા હતા. ટીમે સૂર્યોદય સુધી રાહ જોઈ અને જેવું જ અજવાળું થયું કે આરોપીને ઝડપી લીધા.

એ વખતે લેવાયેલી તસવીર હાલમાં વાઇરલ થઈ ગઈ છે. આ અંગે વાત કરતા પીએસઆઈ શકુંતલા જણાવે છે:

"એ તસવીર તો અમે માત્ર યાદગારી માટે લીધી હતી. અમે ક્યારેય નહોતું વિચાર્યું કે યાદગારી માટે લેવાયેલી એ તસવીર આટલી વાઇરલ થઈ જશે."

હાલમાં માત્ર ગુજરાત જ નહીં, ગુજરાત બહાર પર આ તસવીરની ચર્ચા ચાલી રહી છે. કામની સરાહના થઈ રહી હોવાને કારણે આ મહિલાઓ ગર્વ પણ અનુભવી રહી છે.

છ વર્ષથી પોલીસદળમાં સામેલ સંતોક ઓડેદરા છેલ્લાં દોઢ વર્ષથી એટીએસમાં કામ કરે છે.

મહિલા માટે પોલીસની નોકરી જોખમી હોવાની માન્યતા અંગે વાત કરતાં તેઓ જણાવે છે, "હવે મને મારા કામમાં ડર નથી લાગતો. જો પોલીસ જ ડરવા લાગી તો લોકોની સુરક્ષા કોણ કરશે?"

આપને આ પણ વાચવું ગમશે

'પડકારોને પહોંચી વળવાની પ્રેરણા'

પીએસઆઈ નીતમિકા ગોહિલ મૂળ ભાવનગરનાં છે અને તેમના પિતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છે.

વર્ષ 2010થી પોલીસદળમાં કામ કરી રહેલાં નીતમિકાને પોલીસદળમાં સામેલ થવાની પ્રેરણા તેમના પિતા પાસેથી મળી હતી.

નીતમિકાએ શાળાકીય અભ્યાસ અમદાવાદના સી.એન. વિદ્યાલયમાંથી કર્યો છે.

એ ઉપરાંત એલ.ડી. આટર્સ અને આઈ.એમ. નાણાવટી કૉલેજમાં તેમણે કાયદાનો અભ્યાસ કર્યો છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "પોલીસદળ તમને પડકારજનક કામ કરવાની પ્રેરણા આપે છે. પોલીસદળમાં પ્રવેશીને દેશસેવા પણ કરી શકાય છે અને મહિલા સશક્તીકરણનું ઉદાહરણ પણ રજૂ કરી શકાય છે."

'ન્યાય અપાવવા પોલીસદળમાં જોડાઈ'

2013માં પોલીસફૉર્સમાં જોડાનારાં શકુંલતા મલે 2 મહિના પહેલાં જ એટીએસ જોઇન કરી છે.

એટીએસમાં જોડાયાં પહેલાં તેઓ સુરત અને વલસાડમાં ફરજ બજાવી ચૂક્યાં છે.

તેમનાં માતાપિતા શિક્ષક છે. જોકે, એમના નાના ઇન્સ્પેક્ટર હતા અને તેમની પાસેથી પોલીસદળમાં જોડાવાની પ્રેરણા મળી હતી.

મૂળ લિંબળિયા ગામનાં શકુંતલાના જણાવ્યા અનુસાર તેઓ સુરતમાં હતાં ત્યારે તેમણે કેટલાય ગુનેગારોને પકડ્યા હતા.

તેઓ જણાવે છે, "લોકોને ન્યાય અપાવવા માટે હું પોલીસદળમાં જોડાઈ છું."

'મહિલાઓ જોખમી નોકરી કરી શકે છે'

છેલ્લાં દોઠેક વર્ષથી એટીએસ સાથે કામ કરી રહેલાં પીએસઆઈ અરુણા ગામિતેના પિતા ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ અધિકારી છે. તેમણે પોતાનો અભ્યાસ પણ ગાંધીનગરમાં જ કર્યો છે.

છેલ્લાં પાંચ વર્ષથી પોલીસદળમાં કામ કરતાં અરુણા છેલ્લાં દોઢેક વર્ષથી એટીએસમાં જોડાયાં છે.

11 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રીનાં માતા અરુણા ગામિતે જણાવે છે:

"મહિલાઓ જોખમી નોકરીઓ માટે ફિટ ના હોવાની ભલે માન્યતા હોય, પણ તમે શારીરિક અને માનસિક રીતે તૈયારી કરી લો તો આ કામ પણ સરળ બની જાય એમ છે."

એટીએસમાં જોડાયાં પહેલાં અરુણા પોરબંદરમાં ફરજ બજાવતાં હતાં.

ગુજરાત એટીએસમાં મહિલાઓનો સમાવેશ કરવાનું આનંદીબહેન પટેલની સરકારમાં નક્કી કરાયું હોવાનું એટીએસના વડા હિમાંશુ શુક્લા બીબીસીને જણાવે છે.

તેઓ કહે છે, "લિંગભેદ મહત્ત્વનો નથી. મહત્ત્વ એ વાતનું છે કે અણછાજતી પરિસ્થિતિમાં તમે કઈ રીતે શાંત રહીને નિર્ણય લઈ શકો છો અને મહિલાઓ પુરુષની સરખામણીએ સારું કામ પણ કરી બતાવતી હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો